કૃષિ મંત્રાલય
પીએમ મોદીના નેતૃત્વ હેઠળ, કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રાલય “રિફોર્મ એક્સપ્રેસ" પર સવાર છે- શ્રી શિવરાજ સિંહ ચૌહાણ
પ્રધાનમંત્રી મોદીના ‘રિફોર્મ, પરફોર્મ, ટ્રાન્સફોર્મ અને ઇન્ફોર્મ’ મંત્રથી ખેડૂતોના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે: કેન્દ્રીય કૃષિ મંત્રી
પ્રધાનમંત્રી મોદીના સુશાસન સંબંધિત માર્ગદર્શનો બાદ કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ તાત્કાલિક એક્શનમાં આવ્યા
પીએમની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય મંત્રી પરિષદની બેઠકના બીજા જ દિવસે, શ્રી શિવરાજ સિંહ ચૌહાણે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી; વરિષ્ઠ અધિકારીઓને મુખ્ય નિર્દેશો જાહેર કર્યા
ખેડૂતો અને ગરીબોને એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકવા માટે મજબૂર ન કરવા જોઈએ; ફરિયાદ નિવારણ સર્વોચ્ચ અગ્રતા હોવી જોઈએ: શ્રી શિવરાજ સિંહ ચૌહાણ
પરિણામોની દેખરેખ માટે માસિક સમીક્ષા કરવામાં આવશે; ફરિયાદોનો માત્ર નિકાલ કરવો પૂરતો નથી, જમીન સ્તરે ઉકેલ આવવો આવશ્યક છે: શ્રી શિવરાજ સિંહ ચૌહાણ
નિયમો અને પ્રક્રિયાઓ સરળ બનાવો; એઆઈ (AI), ડેટા અને ડિજિટલ ગવર્નન્સ કૃષિ અને ગ્રામીણ વિકાસમાં નવી ગતિ લાવશે: શ્રી શિવરાજ સિંહ ચૌહાણ
શ્રી શિવરાજ સિંહ ચૌહાણે કોર્ટના કેસો, ફાઇલ કલ્ચર અને વહીવટી ડ્રાફ્ટિંગ પર મોટા સુધારાના એજન્ડાને આગળ ધપાવ્યો
પોસ્ટેડ ઓન:
22 MAY 2026 7:43PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે સાંજે કેન્દ્રીય મંત્રી પરિષદની બેઠકમાં મહત્વપૂર્ણ સુશાસન સંબંધિત માર્ગદર્શનો આપ્યા બાદ, આજે શુક્રવારે કૃષિ અને ખેડૂત કલ્યાણ તેમજ ગ્રામ વિકાસ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે બંને મંત્રાલયોના વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. બેઠક દરમિયાન તેમણે સ્પષ્ટ સંદેશ આપ્યો કે શાસન માત્ર ફાઇલો સુધી સીમિત ન રહેવું જોઈએ, પરંતુ તેનો અસરકારક લાભ લોકોના જીવનમાં સ્પષ્ટ રીતે જોવા મળવો જોઈએ.

કેન્દ્રીય મંત્રીએ અધિકારીઓને તાત્કાલિક એક આયોજિત, સમયબદ્ધ અને પરિણામલક્ષી મિકેનિઝમ સ્થાપિત કરવા નિર્દેશ આપ્યો હતો જેથી ખેડૂતો, ગરીબો, ગ્રામીણ નાગરિકો અને સામાન્ય જનતાને સરકારી યોજનાઓનો લાભ લેવા માટે અથવા ફરિયાદોના નિવારણ માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકવું ન પડે.
બેઠક દરમિયાન શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે પીએમ શ્રી નરેન્દ્ર મોદીએ સ્પષ્ટપણે ભારપૂર્વક કહ્યું છે કે સામાન્ય નાગરિકોને બિનજરૂરી સંઘર્ષો અથવા અમલદારશાહીના વિલંબમાં ન નાખવા જોઈએ અને સરકારી યોજનાઓનો લાભ તેમના સુધી સરળ, સીમલેસ (અડચણ વિના) અને સમયસર પહોંચવો જોઈએ. આને સરકારની સર્વોચ્ચ અગ્રતા ગણાવતા, તેમણે કૃષિ, ગ્રામીણ વિકાસ, જમીન સંસાધન અને આઈસીએઆર (ICAR) સહિતના તમામ સંબંધિત વિભાગો અને સંસ્થાઓને ફરિયાદ નિવારણ પ્રણાલીને મજબૂત કરવા અને તેને વધુ અસરકારક, જવાબદાર તેમજ પ્રતિભાવશીલ બનાવવા સૂચના આપી હતી.

તેમણે નોંધ્યું હતું કે હાલમાં, વિવિધ યોજનાઓ અને વિભાગો અલગ-અલગ ફરિયાદ પોર્ટલ અને સિસ્ટમ્સ દ્વારા કાર્ય કરે છે, પરંતુ તેમણે વધુ સંકલિત (ઇન્ટિગ્રેટેડ) અને પરિણામલક્ષી મિકેનિઝમની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ હાંસલ કરવા માટે, તેમણે ફરિયાદો, જાહેર રજૂઆતો, ચૂંટાયેલા પ્રતિનિધિઓની રજૂઆતો, નાગરિકોના પત્રો અને વિવિધ પોર્ટલ પર ઉઠાવવામાં આવેલા મુદ્દાઓની દૈનિક ધોરણે સમીક્ષા કરવા માટે કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રાલયોમાં ઓછામાં ઓછા 10-10 અધિકારીઓની સમર્પિત ટીમો બનાવવાનો નિર્દેશ આપ્યો હતો.
શ્રી ચૌહાણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ફરિયાદ નિવારણ માત્ર કાગળ પરના 'નિકાલ' સુધી સીમિત ન રહેવું જોઈએ. અધિકારીઓને એ ચકાસવા માટે સૂચના આપવામાં આવી હતી કે શું લાભાર્થીઓને ખરેખર રાહત મળી છે અને શું યોજનાના લાભો વાસ્તવિક રીતે લક્ષિત પ્રાપ્તકર્તાઓ સુધી પહોંચ્યા છે. તેમણે એવી પરિસ્થિતિઓ સામે ચેતવણી આપી હતી જ્યાં રેકોર્ડ્સ વિતરણ દર્શાવે છે જ્યારે લાભાર્થીઓને જમીન પર કંઈ મળતું નથી.
મંત્રીએ ચકાસણી માટે લાભાર્થીઓને સીધા ફોન કરવાના પોતાના અનુભવનો પણ ઉલ્લેખ કર્યો હતો, જે દરમિયાન કેટલાક કિસ્સાઓમાં સત્તાવાર રેકોર્ડ અને જમીનની વાસ્તવિકતાઓ વચ્ચેનો તફાવત સામે આવ્યો હતો. તેમણે અવલોકન કર્યું કે આ મુદ્દો જટિલ છે અને તેના માટે ફરિયાદની પેટર્ન, પ્રદેશવાર પ્રવૃત્તિઓ અને યોજના-વિશિષ્ટ અવરોધોની ઓળખ કરવી જરૂરી છે, ત્યારબાદ જરૂરી પ્રણાલીગત સુધારા કરવા પડશે.
તેમણે જાહેરાત કરી હતી કે ફરિયાદ નિવારણ પ્રણાલીની દર મહિને સમીક્ષા કરવામાં આવશે. આ સમીક્ષા સામાન્ય રીતે દર મહિનાના પ્રથમ સોમવારે કરવામાં આવશે; જો કે, વ્યસ્ત ખરીફ સીઝનને કારણે, જૂનની સમીક્ષા બીજા સોમવારે થશે. ત્યાં સુધીમાં, તેમણે કહ્યું કે, સિસ્ટમ નોંધપાત્ર રીતે વધુ સુવ્યવસ્થિત, પ્રતિભાવશીલ અને અસરકારક બનવી જોઈએ.
સુધારાઓ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સતત ભારનો ઉલ્લેખ કરતા શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે દરેક ડિવિઝન, યોજના અને વિભાગે એ ચોક્કસ મુદ્દાઓની ઓળખ કરવી જોઈએ જ્યાં મુશ્કેલીઓ ઊભી થાય છે. પ્રધાનમંત્રી આવાસ યોજના, સડક યોજનાઓ, કૃષિ કાર્યક્રમો, બાગાયત, વીમો, માર્કેટિંગ કે અન્ય કોઈપણ પહેલ હોય, લાભાર્થીઓને બિનજરૂરી અસુવિધા ઉભી કરતી કોઈપણ પ્રક્રિયાને નિયમો, પ્રક્રિયાઓ અને પ્રણાલીઓમાં સુધારા દ્વારા સરળ બનાવવી જ જોઈએ.
કેન્દ્રીય મંત્રીએ પ્રક્રિયાઓને સરળ બનાવવાની અને જૂના તેમજ અપ્રસ્તુત નિયમોને નાબૂદ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. અતિશય લાઇસન્સિંગની જરૂરિયાત સામે પ્રશ્ન ઉઠાવતા, તેમણે સૂચવ્યું કે ઘણા કિસ્સાઓમાં, માત્ર સરળ રજીસ્ટ્રેશન-આધારિત સિસ્ટમ્સ પૂરતી હોઈ શકે છે. તેમણે અધિકારીઓને એક સપ્તાહની અંદર એવી તમામ જોગવાઈઓ, જટિલ પ્રક્રિયાઓ અને નીતિગત અવરોધો ઓળખવા નિર્દેશ આપ્યો હતો જે અમલીકરણમાં અવરોધ ઉભો કરે છે અને જેમાં સુધારાની જરૂર છે જેથી કરીને ઝડપી નિર્ણયો લઈ શકાય.
આ બેઠકમાં શાસનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ટેકનોલોજીના ઉપયોગ પર પણ વ્યાપકપણે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે કૃષિ, ગ્રામીણ વિકાસ, જમીન સંસાધન અને ICAR માં એઆઈ, ડિજિટલ પ્લેટફોર્મ, ડેટા શેરિંગ, ડેટા-આધારિત નિર્ણય લેવાની પ્રક્રિયા, મોનિટરિંગ સિસ્ટમ્સ અને આંતર-વિભાગીય સંકલનને મજબૂત બનાવવું જોઈએ. તેમણે ટેકનોલોજીકલ સંકલનનો અભ્યાસ કરવા અને વ્યવહારુ પ્રસ્તાવો સબમિટ કરવા માટે અધિકારીઓને એક સમર્પિત ટીમ બનાવવાની સૂચના આપી હતી.
તેમણે જણાવ્યું હતું કે ડિજિટલ ગવર્નન્સ પારદર્શિતા અને કાર્યક્ષમતા બંનેમાં નોંધપાત્ર સુધારો કરી શકે છે, પરંતુ આ માટે વિભાગો વચ્ચે વધુ મજબૂત સંકલન અને ડેટા ઇન્ટિગ્રેશનની જરૂર પડશે. અધિકારીઓએ બેઠકમાં માહિતી આપી હતી કે અલગ આઇસોલેટેડ પોર્ટલ-આધારિત મૂલ્યાંકનને બદલે એકીકૃત ફરિયાદ આંકલન મિકેનિઝમ બનાવવા માટે બહુવિધ ફરિયાદ ડેટાબેઝને એકીકૃત કરવાનું કામ પહેલેથી જ ચાલી રહ્યું છે.
શ્રી ચૌહાણે વહીવટી કાર્ય સંસ્કૃતિને બદલવાની જરૂરિયાત વિશે પણ સ્પષ્ટ વાત કરી હતી. તેમણે કહ્યું કે ફાઈલો નીચલા સ્તરેથી શરૂ થાય છે અને ઘણીવાર જૂની માનસિકતા સાથે આગળ વધે છે જે નિર્ણય લેવાની પ્રક્રિયાને જટિલ બનાવે છે. તેથી, માત્ર ઉચ્ચ સ્તરે જ નહીં પરંતુ પાયાના વહીવટી સ્તરે ફાઇલની તૈયારી, નોટિંગ, ડ્રાફ્ટિંગ અને નિર્ણય સહાયમાં સુધારાની જરૂર છે.
ડ્રાફ્ટિંગને અત્યંત મહત્વનું ક્ષેત્ર ગણાવતા, તેમણે સ્પષ્ટ, મજબૂત અને નીતિ-સુસંગત નોંધો તેમજ ફાઈલો તૈયાર કરવા સક્ષમ અધિકારીઓ વિકસાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે વિભાગોને તાલીમ, ક્ષમતા નિર્માણ અને કૌશલ્ય વૃદ્ધિને મજબૂત કરવા નિર્દેશ આપ્યો જેથી ફાઈલો બિનજરૂરી રીતે વિલંબિત ન થાય અને નિર્ણય લેવાની ગુણવત્તામાં સુધારો થાય.
પેન્ડિંગ કોર્ટ કેસો પર ચિંતા વ્યક્ત કરતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે કોર્ટ સમક્ષ સત્તાવાર પક્ષ અસરકારક રીતે અથવા સમયસર રજૂ ન થવાને કારણે ઘણીવાર સરકારો કેસ હારી જાય છે. તેમણે તમામ વિભાગોને પેન્ડિંગ મુકદ્દમાઓની યાદી તૈયાર કરવા, સમીક્ષા કરવા, નોડલ ઓફિસરની નિમણૂક કરવા, કાનૂની તૈયારી મજબૂત કરવા અને જ્યાં જરૂરી હોય ત્યાં વધુ સારી કાનૂની રજૂઆત સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો હતો, અને નોંધ્યું હતું કે કોર્ટમાં હાર થવાથી સીધી રીતે જાહેર હિત પ્રભાવિત થાય છે.
વિકાસના અવરોધોને ઓળખવા અને દૂર કરવાના પ્રધાનમંત્રી મોદીના સંદેશાને વધુ આગળ ધપાવતા શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે દરેક ડિવિઝને એ ઓળખવું જોઈએ કે કામમાં કેમ વિલંબ થાય છે, કયા અવરોધો નિર્ણયો, અમલીકરણ અને લાભ વિતરણમાં અવરોધ લાવે છે અને તેમને દૂર કરવા માટે કયા સુધારાની જરૂર છે. તેમણે કહ્યું કે આ કવાયત “રિફોર્મ, પર્ફોર્મ, ટ્રાન્સફોર્મ” ની સાથે સાથે “ઇન્ફોર્મ” ના માળખા હેઠળ એકસાથે ચાલવી જોઈએ.
તેમણે અવલોકન કર્યું કે ઘણી યોજનાઓ અને સુધારાઓ સંપૂર્ણ પ્રભાવ મેળવવામાં નિષ્ફળ જાય છે કારણ કે લોકો તેનાથી અજાણ હોય છે. તેથી, તેમણે વ્યાપક જનજાગૃતિ સુનિશ્ચિત કરવા માટે ખેડૂત સંગઠનો, મજૂર જૂથો, સરપંચો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સોશિયલ મીડિયા, ગ્રાફિક્સ, વીડિયો, રીલ્સ અને અન્ય સર્જનાત્મક સંચાર ફોર્મેટ્સ દ્વારા હિતધારકો સાથે સંચાર (કમ્યુનિકેશન) પર ભાર મૂક્યો હતો.
બેઠકમાં એ વાત પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો કે જે સુધારાઓ પહેલેથી જ લાગુ કરવામાં આવ્યા છે તેનો પ્રચાર “રિફોર્મ ઉત્સવ” ની ભાવનાથી થવો જોઈએ. શ્રી ચૌહાણે કહ્યું કે માત્ર સુધારા પૂરતા નથી; લાભાર્થીઓ અને હિતધારકોને સંવાદ માટે આમંત્રિત કરવા જોઈએ અને શું બદલાયું છે, તેમને કેવી રીતે ફાયદો થાય છે અને કયા વધારાના સુધારા શક્ય છે તે અંગે માહિતગાર કરવા જોઈએ.
ICAR માં નવી પ્રમોશન સિસ્ટમનો ઉલ્લેખ કરતા તેમણે નોંધ્યું કે હવે માત્ર સંશોધન પત્રો (રિસર્ચ પેપર્સ) ને બદલે ફિલ્ડ ઇમ્પેક્ટ (જમીની પ્રભાવ) અને વ્યવહારુ કામને વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે. તેમણે આને સંસ્થાકીય કાર્ય સંસ્કૃતિને બદલવા સક્ષમ એક મોટો સુધારો ગણાવ્યો અને કહ્યું કે આવા સુધારાઓ માત્ર વિભાગોમાં સીમિત રહેવાને બદલે ખેડૂતો અને જનતા વચ્ચે વ્યાપકપણે પહોંચાડવા જોઈએ.
શ્રી ચૌહાણે કૃષિ અને ગ્રામીણ વિકાસમાં સફળતાની ચાવી તરીકે રાજ્યો સાથેની ભાગીદારીને ગણાવી હતી. તેમણે કહ્યું કે વાસ્તવિક અમલીકરણ રાજ્ય સ્તરે થાય છે અને તેથી રાજ્યો સાથે રોડમેપ-આધારિત ભાગીદારી, ઝોનલ કોન્ફરન્સ, યોજનાવાર સંકલન અને મુદ્દા-આધારિત સંવાદને વધુ મજબૂત બનાવવો જોઈએ. તેમણે એવો પણ સંકેત આપ્યો હતો કે જે રાજ્યોએ સંકોચ દર્શાવ્યો છે તેમની સાથે પણ જોડાણ વિસ્તારવામાં આવશે, કારણ કે કેન્દ્ર સમગ્ર દેશના કલ્યાણ માટે જવાબદાર છે.
મંત્રીએ કૃષિ, પશુપાલન, મત્સ્યોદ્યોગ, ફૂડ પ્રોસેસિંગ અને સંલગ્ન ક્ષેત્રો વચ્ચે વધુ મજબૂત સંકલનની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે સંકલિત ખેતી (ઇન્ટિગ્રેટેડ ફાર્મિંગ), મૂલ્યવર્ધન (વેલ્યુ એડિશન), ફૂડ પ્રોસેસિંગ અને પ્રાદેશિક કૃષિ રોડમેપ માટે મંત્રાલયો અને વિભાગો વચ્ચે સહયોગી કામગીરી જરૂરી છે.
બેઠકમાં “વિકસિત ભારત 2047” ના લક્ષ્યને અનુરૂપ વિભાગીય વિઝન ડોક્યુમેન્ટ્સ તૈયાર કરવા પર વધુ ભાર મૂકવામાં આવ્યો હતો. શ્રી ચૌહાણે દરેક વિભાગને તેના વિઝન 2047 ના માળખાની સાથે વાર્ષિક, અર્ધવાર્ષિક, ત્રિમાસિક, સાપ્તાહિક અને દૈનિક એક્શન પ્લાન તૈયાર કરવા નિર્દેશ આપ્યો હતો જેથી મોનિટરિંગ મજબૂત બને અને કામગીરીનું મૂલ્યાંકન સુધારી શકાય.
તેમણે પીએમ સૂર્ય ઘર જેવી યોજનાઓને અનુરૂપ સરકારી ઇમારતો અને સંસ્થાઓમાં સોલરાઇઝેશન (સૌર ઉર્જાકરણ) ની પહેલોને વેગ આપવા પણ આહવાન કર્યું હતું. વિભાગોને પૂર્ણ થયેલા અને બાકી રહેલા કામોનું મૂલ્યાંકન કરવા અને સમયબદ્ધ અમલીકરણ સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી હતી.
બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વર્તમાન કાર્યકાળની સિદ્ધિઓની સાથે સાથે છેલ્લા 12 વર્ષની વ્યાપક સિદ્ધિઓની અસરકારક રજૂઆત અંગે ચર્ચા કરવામાં આવી હતી. શ્રી ચૌહાણે વિભાગોને પત્રકાર પરિષદો, ગ્રામ્ય સ્તરના આઉટરીચ કાર્યક્રમો, પ્રસ્તુતિઓ, સર્જનાત્મક સામગ્રી, વીડિયો અને સોલાર મીડિયા ઝુંબેશ દ્વારા વ્યવસ્થિત રીતે સિદ્ધિઓ સંકલિત કરવા અને તેનો પ્રચાર કરવા નિર્દેશ આપ્યો હતો.
ડિજિટલ મીડિયાના વધતા પ્રભાવને રેખાંકિત કરતા, તેમણે ટૂંકા વીડિયો, ગ્રાફિક્સ, લાભાર્થીઓની વાર્તાઓ અને સરકારી યોજનાઓ દ્વારા લાવવામાં આવેલા વાસ્તવિક જીવનના પરિવર્તનો પર ધ્યાન કેન્દ્રિત કરવા સૂચવ્યું. તેમણે અવલોકન કર્યું કે અખબારો અને ટેલિવિઝનની સાથે સાથે અસરકારક ડિજિટલ સંચાર વધુને વધુ પ્રભાવશાળી બન્યો છે.
વિદેશ પ્રવાસ અંગે પ્રધાનમંત્રી મોદીના માર્ગદર્શનનો ઉલ્લેખ કરતા શ્રી ચૌહાણે અધિકારીઓને બિનજરૂરી વિદેશ પ્રવાસ ટાળવા અને આવા પ્રસ્તાવો પર માત્ર ખરેખર આવશ્યક કિસ્સાઓમાં જ વિચાર કરવામાં આવે તે સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી. તેમણે કહ્યું કે તાત્કાલિક અગ્રતા દેશની અંદર કામની ગતિ, ગુણવત્તા અને પરિણામો સુધારવાની છે.
ફાઇલના નિકાલ પર, શ્રી ચૌહાણે સ્પષ્ટ કર્યું કે તેમની અગ્રતા માત્ર ઝડપ નથી પરંતુ ગુણવત્તા અને પરિણામલક્ષી નિર્ણય લેવાની પ્રક્રિયા છે. તેમણે કહ્યું કે દરેક નિયમ અને દરેક ફાઈલ ઘણા લોકોના જીવનને અસર કરી શકે છે અને તેથી નિર્ણયો કાળજીપૂર્વક, હકારાત્મક રીતે અને સંપૂર્ણ સમજણ સાથે લેવા જોઈએ. આ સાથે જ, તેમણે એવી પ્રણાલીઓની જરૂરિયાત પર ભાર મૂક્યો જે બિનજરૂરી વિલંબને અટકાવે અને મહત્વપૂર્ણ બાબતોની સમયસર ચર્ચા સુનિશ્ચિત કરે.
બેઠકનું સમાપન કરતા કેન્દ્રીય મંત્રીએ સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે કોઈ પણ વિભાગ પાછળ રહેવો જોઈએ નહીં. ફરિયાદ નિવારણ અને સુધારાથી લઈને ટેકનોલોજી અપનાવવા, કોર્ટ કેસો, રાજ્યો સાથે સંકલન, પબ્લિક આઉટરીચ, વિઝન 2047 આયોજન અને સિદ્ધિઓની પ્રસ્તુતિ સુધી, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સુશાસનના વિઝન અનુસાર શાસનના લાભો છેવાડાની વ્યક્તિ સુધી અસરકારક રીતે પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે દરેક વિભાગે સક્રિય, જવાબદાર અને સમયબદ્ધ કાર્ય સંસ્કૃતિ અપનાવવી જ પડશે.
IJ/BS/JD
(રીલીઝ આઈડી: 2264374)
મુલાકાતી સંખ્યા : 9