નાણા મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણના અધ્યક્ષપદે ગાંધીનગરના ગિફ્ટ સિટી (GIFT City) ખાતે સમીક્ષા બેઠક યોજાઈ; પ્રધાનમંત્રીના અગ્ર સચિવ અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રીની વિશેષ ઉપસ્થિતિ


ગિફ્ટ સિટીને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક આંતરરાષ્ટ્રીય નાણાકીય અને વ્યાપારિક હબ તરીકે વધુ મજબૂત કરવા માટે વિવિધ પાસાઓ પર પ્રસ્તુતિઓ (પ્રેઝન્ટેશન્સ) અને ચર્ચાઓ થઈ

ભારત ગિફ્ટ સિટી દ્વારા સ્કેલ, ટેકનોલોજી, ટેલેન્ટ (પ્રતિભા) અને વિકાસની તકોનું એક અનોખું સંયોજન પ્રદાન કરે છે: નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ

પ્રધાનમંત્રીના અગ્ર સચિવે ગિફ્ટ IFSC માટેના પ્રધાનમંત્રીના વિઝનને સાકાર કરવાના મહત્વ પર ભાર મૂક્યો

પોસ્ટેડ ઓન: 22 MAY 2026 8:12PM by PIB Ahmedabad

કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે શુક્રવારે ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે ગિફ્ટ સિટીની પ્રગતિ અને તેની વિકસતી આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવાઓની ઇકોસિસ્ટમ અંગે એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી.

આ સમીક્ષા બેઠકમાં પ્રધાનમંત્રીના અગ્ર સચિવ શ્રી પી.કે. મિશ્રા; ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી; પ્રધાનમંત્રી કાર્યાલય (PMO), નાણાં મંત્રાલય, કોર્પોરેટ બાબતોના મંત્રાલય, ગુજરાત સરકાર, ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસીસ સેન્ટર્સ ઓથોરિટી (IFSCA) ના વરિષ્ઠ અધિકારીઓ અને ગિફ્ટ સિટીના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત ખર્ચ વિભાગના સચિવ શ્રી વી. વુઆલનામ; આર્થિક બાબતોના વિભાગના સચિવ શ્રીમતી અનુરાધા ઠાકુર; મહેસૂલ વિભાગના સચિવ શ્રી અરવિંદ શ્રીવાસ્તવ; ગિફ્ટ સિટીના ચેરમેન શ્રી ઉદય કોટક; અને ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસીસ સેન્ટર્સ ઓથોરિટી (IFSCA) ના ચેરમેન શ્રી કે. રાજારામન પણ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠક દરમિયાન બેંકિંગ, મૂડી બજારો (કેપિટલ માર્કેટ્સ), ફંડ મેનેજમેન્ટ, વીમો અને પુનઃવીમો (ઇન્સ્યોરન્સ એન્ડ રીઇન્સ્યોરન્સ), એરક્રાફ્ટ અને શિપ લીઝિંગ, ફિનટેક, બુલિયન એક્સચેન્જ, આંતરરાષ્ટ્રીય શિક્ષણ અને સંલગ્ન સેવાઓ સહિતના ક્ષેત્રોમાં ગિફ્ટ સિટી દ્વારા પ્રાપ્ત કરાયેલી પ્રગતિ અંગે પ્રસ્તુતિઓ (પ્રેઝન્ટેશન્સ) રજૂ કરવામાં આવી હતી.

ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ (માળખાકીય વિકાસ), ટેલેન્ટ ઇકોસિસ્ટમ, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ (વેપાર કરવાની સરળતા), ટેક્સેશન ફ્રેમવર્ક (કરવેરા માળખું), રેસિડેન્શિયલ ઇકોસિસ્ટમ (આવાસીય વ્યવસ્થા) અને ગિફ્ટ સિટીને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક આંતરરાષ્ટ્રીય નાણાકીય તેમજ વ્યાપારિક હબ તરીકે વધુ મજબૂત કરવા માટે જરૂરી પગલાંઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

ગિફ્ટ સિટી આજે નાણાકીય સેવાઓ, ટેકનોલોજી અને સંલગ્ન ક્ષેત્રોમાં કાર્યરત 1,150 થી વધુ સંસ્થાઓ (એન્ટિટીઝ) નું યજમાન છે. ગિફ્ટ સિટીમાં બેંકિંગ અસ્કયામતો (એસેટ્સ) 110 બિલિયન યુએસ ડોલરને વટાવી ગઈ છે, જ્યારે ફંડ મેનેજમેન્ટ પ્રવૃત્તિઓ હેઠળ મૂડી પ્રતિબદ્ધતાઓ (કેપિટલ કમિટમેન્ટ્સ) 32 બિલિયન યુએસ ડોલરને પાર કરી ગઈ છે. આ ઇકોસિસ્ટમમાં 37 બેંકિંગ યુનિટ્સ, 217 ફંડ મેનેજમેન્ટ સંસ્થાઓ, 36 વીમા કંપનીઓ, 35 એરક્રાફ્ટ લેસર્સ અને 36 શિપ લીઝિંગ સંસ્થાઓની સાથે આંતરરાષ્ટ્રીય એક્સચેન્જો, ફિનટેક ફર્મ્સ અને આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓનો સમાવેશ થાય છે.

સમીક્ષા બાદ પોતાના સંબોધનમાં કેન્દ્રીય નાણાં મંત્રીએ વૈશ્વિક નાણાકીય બજારો સાથે ભારતના જોડાણને વધુ ગાઢ બનાવવા અને વૈશ્વિક સ્તરે માપદંડ ધરાવતા સંસ્થાકીય માળખા, નિયમનકારી ચપળતા તથા સહાયક સામાજિક ઇકોસિસ્ટમ દ્વારા દેશમાં આંતરરાષ્ટ્રીય મૂડીના પ્રવાહને સરળ બનાવવામાં ગિફ્ટ સિટીના વ્યૂહાત્મક મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો.

ગિફ્ટ સિટી ભારતના આંતરરાષ્ટ્રીય નાણાકીય માળખાના એક મહત્વપૂર્ણ સ્તંભ તરીકે ઉભરી આવ્યું છે અને તે દેશના વધતા આર્થિક આત્મવિશ્વાસ તેમજ વૈશ્વિક આકાંક્ષાઓને પ્રતિબિંબિત કરે છે તેમ નોંધતા શ્રીમતી સીતારમણે જણાવ્યું હતું કે ભારત આજે સ્કેલ, ટેકનોલોજી, ટેલેન્ટ અને વિકાસની તકોનું એક અનોખું સંયોજન પ્રદાન કરે છે.

કેન્દ્રીય નાણાં મંત્રીએ ભવિષ્યવાદી ચર્ચાઓના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો જે જમીન સ્તરના ફેરફારોને વેગ આપવા માટે તાત્કાલિક પગલાં તરફ દોરી જાય. અત્યાર સુધી હાંસલ થયેલી પ્રગતિ પ્રોત્સાહક છે, અને હિતધારકો વચ્ચે સતત સંકલન વિકસિત ભારત @2047 તરફની ભારતની વિકાસ યાત્રામાં ગિફ્ટ સિટીની ભૂમિકાને વધુ મજબૂત કરશે.

પ્રધાનમંત્રીના અગ્ર સચિવે તેમના સમીક્ષા પછીના સંબોધનમાં, કુશળ વ્યાવસાયિકો (પ્રોફેશનલ્સ) લાવીને અને વિશ્વ કક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરીને ગિફ્ટ IFSC માટેના પ્રધાનમંત્રીના વિઝનને સાકાર કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો અને તે દિશામાં અત્યાર સુધી કરવામાં આવેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી.

IJ/JY/JD


(રીલીઝ આઈડી: 2264347) મુલાકાતી સંખ્યા : 50
આ રીલીઝ વાંચો: English , Urdu , Marathi , हिन्दी , Tamil , Kannada