વેપાર અને ઉદ્યોગ મંત્રાલય
azadi ka amrit mahotsav

નવી દિલ્હી પ્રાદેશિક ઉત્પાદકતા સહયોગ પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે 68મી APO ગવર્નિંગ બોડીની બેઠકનું યજમાન બન્યું


આજની ઉત્પાદકતાનો અર્થ સ્થિતિસ્થાપકતા, ઇનોવેશન અને સર્વસમાવેશક વૃદ્ધિ છે: કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પીયૂષ ગોયલ

એપીઓ (APO) નેશનલ એવોર્ડ્સ ટકાઉ વિકાસને વેગ આપતા ઉત્પાદકતા ચેમ્પિયન્સ અને તકનીકી નિષ્ણાતોને સન્માનિત કરે છે

प्रविष्टि तिथि: 21 MAY 2026 8:21PM by PIB Ahmedabad

એશિયન પ્રોડક્ટિવિટી ઓર્ગેનાઇઝેશન (APO) ની ગવર્નિંગ બોડી મીટિંગ (GBM) ના 68મા સત્રના પ્રથમ દિવસની શરૂઆત આજે ભારત મંડપમ ખાતે સફળતાપૂર્વક થઈ હતી, જેમાં વરિષ્ઠ સરકારી અધિકારીઓ, નેશનલ પ્રોડક્ટિવિટી ઓર્ગેનાઇઝેશન (NPOs) ના વડાઓ, નીતિ નિર્માતાઓ, ઉત્પાદકતા નિષ્ણાતો અને APO ના સભ્ય અર્થતંત્રોના પ્રતિનિધિઓ એકસાથે આવ્યા હતા.

ઉદ્ઘાટન સત્ર કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પીયૂષ ગોયલની પ્રતિષ્ઠિત ઉપસ્થિતિમાં યોજાયું હતું, જેમણે મુખ્ય અતિથિ તરીકે ઉદ્ઘાટન પ્રવચન આપ્યું હતું.

તેમના ઉદ્ઘાટન પ્રવચનમાં, શ્રી પીયૂષ ગોયલે હાઇલાઇટ કર્યું હતું કે, ગવર્નિંગ બોડીના આઉટગોઇંગ ચેર તરીકે, ભારત એપીઓ (APO) માટેના એક પરિવર્તનકારી તબક્કા દરમિયાન યોગદાન આપીને સન્માનિત થયું છે, જ્યાં ટેકનોલોજી, ટકાઉપણું અને બદલાતી વૈશ્વિક ગતિશીલતા અર્થતંત્રોને નવો આકાર આપી રહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આજની ઉત્પાદકતા માત્ર કાર્યક્ષમતા પૂરતી મર્યાદિત નથી પરંતુ તેમાં સ્થિતિસ્થાપકતા, ઇનોવેશન અને સર્વસમાવેશક વૃદ્ધિનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ભારતના સુધારાઓ પર પ્રકાશ પાડતા, તેમણે મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્કીલ ઇન્ડિયા, પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ્સ, પીએમ ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાન, નેશનલ લોજિસ્ટિક્સ પોલિસી, યુપીઆઈ, આધાર અને ઓએનડીસી (ONDC) જેવી પહેલોને ઉત્પાદકતા-સંચાલિત પરિવર્તનના ઉદાહરણો તરીકે નોંધાવી હતી, જ્યારે એપીઓ (APO) ના માધ્યમથી પ્રાદેશિક સહયોગ, ટકાઉ વિકાસ અને ભવિષ્ય માટે સજ્જ વૃદ્ધિ પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરી હતી.

ઉદ્ઘાટન પ્રક્રિયાની શરૂઆત મહાનુભાવોના આગમન અને એનપીસી (NPC) ઇન્ડિયાના ડાયરેક્ટર જનરલ શ્રીમતી નીરજા શેખર દ્વારા પ્રતિનિધિઓના સ્વાગત સાથે થઈ હતી. તેમણે એમએસએમઈ (MSMEs) ને મજબૂત કરવા, સ્પર્ધાત્મકતા વધારવા અને ટકાઉ તેમજ સ્થિતિસ્થાપક આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે ડિજિટલ પરિવર્તન, ગ્રીન પ્રોડક્ટિવિટી, ક્ષમતા નિર્માણ અને માપી શકાય તેવા પરિણામો પ્રત્યે NPC ની પ્રતિબદ્ધતા પર પ્રકાશ પાડ્યો હતો. ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ડીપીઆઇઆઇટી (DPIIT) ના સચિવ અને ભારતના એપીઓ (APO) ડાયરેક્ટર શ્રી અમરદીપ સિંહ ભાટિયા દ્વારા પ્રારંભિક વક્તવ્ય આપવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે એપીઓ વિઝન 2030 અને વ્યૂહાત્મક સુધારાઓ તમામ સભ્ય અર્થતંત્રોમાં સંસ્થાકીય સહયોગ, શાસન અને પરિણામો આધારિત વિકાસને મજબૂત કરશે.

આ સત્રનું એક મુખ્ય આકર્ષણ એપીઓ (APO) નેશનલ એવોર્ડ એનાયત કરવાનો સમારોહ હતો. નીતિ આયોગના ભૂતપૂર્વ સભ્ય અને એપીઓ નેશનલ એવોર્ડ સર્ચ-કમ-સિલેક્શન કમિટીના અધ્યક્ષ ડૉ. વી. કે. સારસ્વતે સભાને સંબોધિત કરી હતી અને રાષ્ટય તેમજ પ્રાદેશિક ઉત્પાદકતા વધારવામાં યોગદાન આપનારા ઉત્પાદકતા ચેમ્પિયન્સ અને તકનીકી નિષ્ણાતોને માન્યતા આપવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.

શ્રી ગોયલ દ્વારા નીચેના પ્રતિષ્ઠિત ઉત્પાદકતા નિષ્ણાતોને એપીઓ નેશનલ એવોર્ડ પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા, ત્યારબાદ પુરસ્કાર વિજેતાઓ દ્વારા ટકાઉ વિકાસ હાંસલ કરવામાં ઉત્પાદકતા, ઇનોવેશન અને સંસ્થાકીય શ્રેષ્ઠતાની ભૂમિકાને સ્વીકારતા ટૂંકા વક્તવ્યો આપવામાં આવ્યા હતા:

  • ઉત્પાદકતા સમર્થકો માટેનો એપીઓ નેશનલ એવોર્ડ: શ્રી અશોક પંજવાણી, ડાયરેક્ટર, બીઇઆઇએલ (BEIL) ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ, ભરૂચ, ગુજરાત.
  • ઉત્પાદકતા તકનીકી નિષ્ણાત માટેનો એપીઓ નેશનલ એવોર્ડ: શ્રી બકુલ લિમ્બાસીયા, સ્થાપક ડિરેક્ટર, ભાતવારી ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ, ગુજરાત.

એનપીસી (NPC) વિશેષ માન્યતા પુરસ્કારો:

  • કુમારી વિદુષી મિત્તલ, ડાયરેક્ટર, કલાઆઈ સ્ટુડિયો, જયપુર, રાજસ્થાન.
  • કુમારી અંશુલ મલ્હોત્રા, પરંપરાગત ટેક્સટાઈલ કન્ઝર્વેટર અને હેન્ડલૂમ ટેક્સટાઈલ ડિઝાઈનર, ક્રિષ્ના વૂલ, મંડી, હિમાચલ પ્રદેશ.
  • શ્રી અખંડ પ્રતાપ સિંહ, સ્થાપક અને સીઈઓ, વૈમાનિક એરોસ્પેસ ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ, ગ્રેટર નોઇડા, ઉત્તર પ્રદેશ.

ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (DPIIT) ના નેજા હેઠળ નેશનલ પ્રોડક્ટિવિટી કાઉન્સિલ દ્વારા આયોજિત આ ત્રણ દિવસીય ગવર્નિંગ બોડીની બેઠક એશિયા-પેસિફિક ક્ષેત્રમાં ઉત્પાદકતા વૃદ્ધિ અને ટકાઉ સામાજિક-આર્થિક વિકાસને લગતી મુખ્ય વ્યૂહાત્મક અને વહીવટી બાબતો પર ચર્ચા-વિચારણા કરી રહી છે.

68મી જીબીએમ (GBM) માં મહત્વપૂર્ણ નેતૃત્વ પરિવર્તન પણ જોવા મળ્યું હતું. ઇન્ડોનેશિયાના એપીઓ ડાયરેક્ટર પ્રો. અનવર સાનુસીએ વર્ષ 2026-27 માટે એપીઓ ના અધ્યક્ષ (ચેર) નું પદ સંભાળ્યું છે, જેઓ ભારતના એપીઓ ડાયરેક્ટર શ્રી અમરદીપ સિંહ ભાટિયાના અનુગામી બન્યા છે. ઈરાનના કાર્યકારી એપીઓ ડાયરેક્ટર અને જાપાનના કાર્યકારી એપીઓ ડાયરેક્ટરે અનુક્રમે એપીઓ ના પ્રથમ ઉપાધ્યક્ષ અને બીજા ઉપાધ્યક્ષ તરીકેનું પદ સંભાળ્યું છે.

આભારવિધિ એપીઓ ચેર (2026-27) પ્રો. અનવર સાનુસી દ્વારા કરવામાં આવી હતી, ત્યારબાદ તમામ મહાનુભાવો અને પ્રતિનિધિઓના ગૃપ ફોટોગ્રાફ લેવામાં આવ્યાં તા.

પ્રથમ દિવસની પ્રક્રિયા પૂર્ણાહુતિ (પ્લેનરી) સત્ર સાથે શરૂ થઈ હતી, જે દરમિયાન ગવર્નિંગ બોડીએ એજન્ડાની મંજૂરી; વર્ષ 2026-27 માટે એપીઓ ના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષોની ચૂંટણી; આઉટગોઇંગ અને ઇનકમિંગ એપીઓ અધ્યક્ષો દ્વારા વક્તવ્ય; વાર્ષિક અને નાણાકીય અહેવાલોનો સ્વીકાર; ઓડિટર્સની નિમણૂક; એપીઓ વિઝન 2030 સ્ટીયરીંગ કમિટીની ભલામણો; અને 2027-28 ના દ્વિવાર્ષિક ગાળા માટે એપીઓ ના પ્રારંભિક બજેટને લગતી એજન્ડા વસ્તુઓ પર વિચાર કર્યો હતો.

ઉદ્ઘાટન કાર્યક્રમ પછી, એપીઓ ગવર્નન્સ સુધારાઓ, નાણાકીય રિપોર્ટિંગ ધોરણો, બિન-સભ્ય દેશોની ભાગીદારી અને એપીઓ વિઝન 2030 પહેલોના અમલીકરણ અંગેના સમર્થન અને પ્રગતિ અહેવાલો માટેની દરખાસ્તો પર વધુ પૂર્ણાહુતિ ચર્ચાઓ માટે ગવર્નિંગ બોડીની બેઠક ફરી મળી હતી.

68મી એપીઓ ગવર્નિંગ બોડી બેઠકનો સમાપન સમારોહ 22 મે 2026 ના રોજ યોજાશે.

એશિયન પ્રોડક્ટિવિટી ઓર્ગેનાઇઝેશન (APO) વિશે:

એશિયન પ્રોડક્ટિવિટી ઓર્ગેનાઇઝેશન એ એક અગ્રણી આંતરસરકારી સંસ્થા છે જે પરસ્પર સહયોગ અને નીતિ વિષયક સમર્થન દ્વારા એશિયા-પેસિફિક ક્ષેત્રમાં ટકાઉ સામાજિક-આર્થિક વિકાસ માટે ઉત્પાદકતામાં સુધારો કરવા માટે પ્રતિબદ્ધ છે. વર્ષ 1961 માં સ્થપાયેલ, એપીઓ હાલમાં 21 સભ્ય અર્થતંત્રો ધરાવે છે.

નેશનલ પ્રોડક્ટિવિટી કાઉન્સિલ (NPC) વિશે:

નેશનલ પ્રોડક્ટિવિટી કાઉન્સિલ એ ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ડીપીઆઇઆઇટી (DPIIT) ની એક સ્વાયત્ત સંસ્થા છે, જે પરામર્શ, તાલીમ, સંશોધન અને ક્ષમતા-નિર્માણની પહેલો દ્વારા ભારતમાં ઉત્પાદકતા સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત છે.

IJ/NP/JD


(रिलीज़ आईडी: 2263943) आगंतुक पटल : 50
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Marathi , English , Urdu , हिन्दी , Tamil