યુવા બાબતો અને રમત મંત્રાલય
ભારતના બ્રિક્સ અધ્યક્ષપદ હેઠળ ઇન્દોરમાં બ્રિક્સ યુથ કાઉન્સિલ એન્ટરપ્રિન્યોરશિપ વર્કિંગ ગ્રુપની બેઠક સંપન્ન થઈ
યુવા ઉદ્યોગસાહસિકોએ ઇનોવેશન, સર્વસમાવેશકતા અને ટકાઉ ઉદ્યોગો પર ચર્ચા-વિચારણા કરી
प्रविष्टि तिथि:
21 MAY 2026 5:27PM by PIB Ahmedabad
બ્રિક્સ દેશો વચ્ચે ઉદ્યોગસાહસિકતા (એન્ટરપ્રિન્યોરશિપ) સહયોગને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરતી બે દિવસની ચર્ચાઓ, સહયોગાત્મક જોડાણો અને જ્ઞાનના આદાનપ્રદાનના સત્રો પછી મધ્ય પ્રદેશના ઇન્દોરમાં બ્રિક્સ યુથ કાઉન્સિલ એન્ટરપ્રિન્યોરશિપ વર્કિંગ ગ્રુપની બેઠક સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી.

ભારતના બ્રિક્સ અધ્યક્ષપદ 2026 હેઠળ, યુવા બાબતોના વિભાગ, યુવા બાબતો અને રમતગમત મંત્રાલય, ભારત સરકાર દ્વારા આયોજિત આ બેઠકમાં કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા (વર્ચ્યુઅલી); યુવા બાબતો અને રમતગમતના રાજ્ય મંત્રી શ્રીમતી રક્ષા નિખિલ ખડસે; મધ્ય પ્રદેશના રમતગમત અને યુવા કલ્યાણ મંત્રી શ્રી વિશ્વાસ કૈલાશ સારંગ; યુવા બાબતોના વિભાગના સચિવ ડૉ. પલ્લવી જૈન ગોવિલ; યુવા બાબતોના વિભાગના અધિક સચિવ શ્રી નિતેશ કુમાર મિશ્રા; યુવા બાબતોના વિભાગના નિયામક ડૉ. સારા જયલ સૉકમી; યુવા બાબતોના વિભાગના નાયબ સચિવ શ્રી રાજેશ કુમાર કનૌજિયા તેમજ વરિષ્ઠ અધિકારીઓ અને બ્રિક્સ દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.
સમાપન સત્રને સંબોધિત કરતા, યુવા બાબતોના વિભાગના અધિક સચિવ શ્રી નિતેશ કુમાર મિશ્રાએ બ્રિક્સ દેશોમાં ઉદ્યોગસાહસિકતાની ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે સામૂહિક પ્રવૃત્તિના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “ઉદ્યોગસાહસિકતા એ માત્ર થોડા લોકોનો વિશેષાધિકાર નથી, તે એક એવો અધિકાર છે જે ભૌગોલિક સ્થિતિ, લિંગ અથવા પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લીધા વિના દરેક યુવાનને મળવો જ જોઈએ.” તેમણે વધુમાં નોંધ્યું હતું કે યુવા ઉદ્યોગસાહસિકો દ્વારા સામનો કરવામાં આવતા પડકારો, જેમાં મૂડીની પહોંચ, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, માર્ગદર્શન (મેન્ટરશિપ) અને નિયામક સહાયનો સમાવેશ થાય છે, તે બ્રિક્સ દેશોમાં વહેંચાયેલી ચિંતાઓ છે અને તેના માટે સતત ભાગીદારી તેમજ સંવાદ દ્વારા સહયોગાત્મક ઉકેલોની જરૂર છે. આભારવિધિ કરતા, યુવા બાબતોના વિભાગના નિયામક ડૉ. સારા જયલ સૉકમીએ બેઠકના સફળ સંચાલન માટે પ્રતિનિધિઓ, પેનલિસ્ટો, મોડરેટરો અને આયોજક ટીમોના યોગદાનની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, “તમે અહીં માત્ર તમારા દેશોનું પ્રતિનિધિત્વ કરવા આવ્યા નથી. તમે અહીં સાથે મળીને કંઈક નવું બનાવવા આવ્યા છો અને તેનાથી જ આખો તફાવત સર્જાયો છે.” ડૉ. સાવકમીએ મધ્ય પ્રદેશ સરકાર દ્વારા આપવામાં આવેલા સહયોગને પણ સ્વીકાર્યો હતો અને હાઇલાઇટ કર્યું હતું કે બેઠક દરમિયાન થયેલી ચર્ચાઓ અને વિકસિત થયેલી ભાગીદારી બ્રિક્સ યુવા ઉદ્યોગસાહસિકતાના એજન્ડાને આગળ વધારવામાં અર્થપૂર્ણ યોગદાન આપશે.
આ બેઠકે બ્રિક્સ દેશોના યુવા ઉદ્યોગસાહસિકો, પ્રતિનિધિઓ, નીતિ નિર્માતાઓ અને હિતધારકોને એકસાથે લાવ્યા હતા, જેણે વિચારોના આદાનપ્રદાન, શ્રેષ્ઠ પદ્ધતિઓ શેર કરવા અને બ્રિક્સ દેશોમાં યુવા સંચાલિત ઉદ્યોગસાહસિક ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટેના માર્ગો શોધવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત ટેકનોલોજી, ટકાઉપણું, સ્વચ્છ ઊર્જા અને સામાજિક ઉદ્યોગો સહિતના ક્ષેત્રોમાં ઇનોવેશન અને ઉદ્યોગસાહસિક પહેલો દર્શાવતા પ્રદર્શનના ઉદ્ઘાટન સાથે થઈ હતી. બેઠક દરમિયાન, પ્રતિનિધિઓએ સહયોગ અને ઇનોવેશનને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરતા પૂર્ણાહુતિ ચર્ચાઓ, દેશના પ્રસ્તુતિઓ, પેનલ ચર્ચાઓ, નેટવર્કિંગ જોડાણો, વર્કશોપ અને અરસપરસ સત્રોમાં ભાગ લીધો હતો.
“સ્થાનિક ઇનોવેશનથી વૈશ્વિક પ્રભાવ: યુવા સંચાલિત સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ માટે બ્રિક્સ સહયોગ” પરના એક સમર્પિત સત્રએ સહભાગી દેશોને ઉદ્યોગસાહસિકતા અને સ્ટાર્ટઅપ વિકાસમાં તેમની પહેલો, અનુભવો અને શ્રેષ્ઠ પદ્ધતિઓ રજૂ કરવા સક્ષમ બનાવ્યા હતા. આ ચર્ચાઓએ બ્રિક્સ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ વચ્ચે ઊંડા સહયોગ અને આદાનપ્રદાનની તકો પર પ્રકાશ પાડ્યો હતો. આ બેઠકમાં ડિજિટલ ઇનોવેશન અને ટેકનોલોજી આધારિત ઉદ્યોગસાહસિકતા, સર્વસમાવેશક અને સામાજિક ઉદ્યોગસાહસિકતા, અને ગ્રીન ઉદ્યોગસાહસિકતા તેમજ આબોહવા-અનુકૂળ વ્યવસાયિક મોડલ્સ પર વિષયવાર પેનલ ચર્ચાઓ પણ રજૂ કરવામાં આવી હતી.

આ સત્રોએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ફિનટેક, એગ્રીટેક, ટકાઉપણું અને સ્વચ્છ ઊર્જા જેવા ક્ષેત્રોમાં ઉભરતી તકોની શોધ કરી હતી, જ્યારે સર્વસમાવેશક વૃદ્ધિ અને યુવા સંચાલિત ઉદ્યોગોના મહત્વ પર ભાર મૂક્યો હતો. અરસપરસ નેટવર્કિંગ જોડાણો અને યુવા ઉદ્યોગસાહસિકો સાથેની ચર્ચાએ સહભાગીઓ વચ્ચે સંવાદ, પીઅર લર્નિંગ અને આંતર-દેશ સહયોગને વધુ પ્રોત્સાહિત કર્યો હતો. બેઠકના બીજા દિવસે ઉદ્યોગસાહસિકતા યોગ્યતા અને નેતૃત્વ વિકાસ પર એક વર્કશોપનો સમાવેશ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ એક અરસપરસ પ્રશ્ન-ઉત્તર સત્ર યોજાયું હતું. આ કાર્યક્રમ પ્રમાણપત્ર વિતરણ અને સહભાગીઓ દ્વારા અનુભવોની વહેંચણી સાથેના સમાપન સત્ર સાથે સંપન્ન થયો હતો. પ્રતિનિધિઓએ આ પ્રદેશની વધતી જતી ઇનોવેશન ઇકોસિસ્ટમ વિશે સમજ મેળવવાના ઉદ્દેશ્યથી એક ઉદ્યોગસાહસિક પ્રવાસના ભાગરૂપે ઇન્દોર, મધ્ય પ્રદેશ, ભારતમાં આવેલા ક્રિસ્ટલ આઇટી પાર્કની પણ મુલાકાત લીધી હતી. બેઠક દરમિયાન થયેલી ચર્ચાઓએ યુવા ઉદ્યોગસાહસિકતા અને ઇનોવેશનના ક્ષેત્રમાં બ્રિક્સ દેશો વચ્ચે સંવાદ અને સહયોગને મજબૂત બનાવવામાં યોગદાન આપ્યું હતું. બ્રિક્સ યુથ કાઉન્સિલ એન્ટરપ્રિન્યોરશિપ વર્કિંગ ગ્રુપની બેઠકે સ્થિતિસ્થાપક અને ભવિષ્ય માટે સજ્જ અર્થતંત્રોને આકાર આપવામાં યુવાનોને મુખ્ય હિતધારકો તરીકે ગણવાના ભારતના સતત ભારને પ્રતિબિંબિત કર્યો હતો, જ્યારે તેના અધ્યક્ષપદ દરમિયાન બ્રિક્સ દેશો વચ્ચે સહયોગ અને જોડાણને વધુ મજબૂત બનાવ્યું હતું.
IJ/JD
(रिलीज़ आईडी: 2263900)
आगंतुक पटल : 45