ગ્રામીણ વિકાસ મંત્રાલય
azadi ka amrit mahotsav

શિવરાજ સિંહ ચૌહાણ PMAY-Gના 5 લાખ ઘરોનું 'ગૃહ પ્રવેશ' કરાવશે; મહારાષ્ટ્ર માટે ₹8,368.50 કરોડની PMAY-G મધર સેન્ક્શન અને 35 PMGSY-IV રોડ પ્રોજેક્ટ્સ


મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની ઉપસ્થિતિમાં 15 મેના રોજ મહારાષ્ટ્રને ગ્રામીણ વિકાસમાં મોટું પ્રોત્સાહન મળશે

મહારાષ્ટ્રના સાતારામાં PMAY-G લાભાર્થી સંમેલન અને મહા આવાસ અભિયાન રાજ્ય પુરસ્કાર સમારોહ યોજાશે

પોસ્ટેડ ઓન: 14 MAY 2026 5:44PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગ્રામીણ વિકાસ અને કૃષિ તથા ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ 15 મે 2026ના રોજ સૈનિક સ્કૂલ ગ્રાઉન્ડ, સાતારા, મહારાષ્ટ્ર ખાતે મુખ્ય અતિથિ તરીકે પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ (PMAY-G) લાભાર્થી સંમેલન અને મહા આવાસ અભિયાન રાજ્ય કક્ષાના એવોર્ડ વિતરણ સમારોહમાં હાજરી આપશે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી શ્રીમતી સુનેત્રા અજિત પવાર અને અનેક વરિષ્ઠ મહાનુભાવો પણ આ કાર્યક્રમમાં સહભાગી થશે.

કાર્યક્રમ દરમિયાન, કેન્દ્રીય મંત્રી પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ (PMAY-G) હેઠળ પૂર્ણ થયેલા 5 લાખ ઘરોનું 'ગૃહ પ્રવેશ' કરાવશે. કેન્દ્રીય મંત્રી 6 PMAY-G લાભાર્થીઓને ઘરની ચાવીઓ પણ સોંપશે, જેમાં યોજના હેઠળના 3 કરોડમા ઘરની પૂર્ણાહુતિ સાથે સંકળાયેલા લાભાર્થીનો પણ સમાવેશ થાય છે — જે ભારતમાં ગ્રામીણ આવાસના ઇતિહાસમાં એક સીમાચિહ્નરૂપ સિદ્ધિ છે.

આ પ્રસંગે, કેન્દ્રીય મંત્રી નાણાકીય વર્ષ 2026-27 માટે મહારાષ્ટ્ર માટે ₹8,368.50 કરોડની કેન્દ્રીય હિસ્સાની સહાય ધરાવતી PMAY-G મધર સેન્ક્શન (Mother Sanction) જારી કરશે. આ ઉપરાંત, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના (PMGSY)-IV હેઠળ ₹122.98 કરોડના ખર્ચના 35 રસ્તાના કામોની મંજૂરી પણ આપવામાં આવશે, જેનાથી રાજ્યના 35 ગ્રામીણ વસવાટોને ફાયદો થશે.

કાર્યક્રમ દરમિયાન મહા આવાસ અભિયાન 2023-24” હેઠળ રાજ્ય કક્ષાના પુરસ્કારોનું પણ વિતરણ કરવામાં આવશે. કાર્યક્રમ દરમિયાન 'મહા આવાસ અભિયાન એવોર્ડ્સ ગૌરવગાથા પુસ્તિકા અને ત્રિમાસિક મેગેઝિન' નું વિમોચન પણ કરવામાં આવશે.

પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ એ ભારત સરકારની મુખ્ય યોજનાઓમાંની એક છે જેનો ઉદ્દેશ્ય પાત્ર ગ્રામીણ પરિવારોને પાયાની સુવિધાઓ સાથે પાકા મકાનો પૂરા પાડવાનો છે. PMAY-G હેઠળ, ભારત સરકારે અત્યાર સુધીમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કુલ 4.15 કરોડ મકાનોનો લક્ષ્યાંક ફાળવ્યો છે, જેની સામે 3.91 કરોડ મકાનો મંજૂર કરવામાં આવ્યા છે અને 11 મે 2026 સુધીમાં 3.03 કરોડથી વધુ મકાનો પૂર્ણ થઈ ચૂક્યા છે.

મહારાષ્ટ્રએ આ યોજના હેઠળ નોંધપાત્ર પ્રગતિ દર્શાવી છે. રાજ્યને ફાળવવામાં આવેલા 43.80 લાખ મકાનોના કુલ લક્ષ્યાંક સામે 41.42 લાખ મકાનો મંજૂર કરવામાં આવ્યા છે અને 17.92 લાખ મકાનો પૂર્ણ થઈ ચૂક્યા છે. સાતારા જિલ્લામાં 55,052 મકાનોના લક્ષ્યાંક સામે 54,759 મકાનો મંજૂર કરવામાં આવ્યા છે અને 24,848 મકાનો પૂર્ણ થયા છે.

કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના (PMGSY)-IV હેઠળ એક મહત્વપૂર્ણ મંજૂરીની પણ જાહેરાત કરવામાં આવશે, જે મહારાષ્ટ્રમાં ગ્રામીણ માર્ગ જોડાણ અને માળખાગત વિકાસને વધુ મજબૂત બનાવશે.

PMGSY-IV (2026-27, બેચ-I) હેઠળ, ₹122.98 કરોડના અંદાજિત ખર્ચે 95.99 કિમીને આવરી લેતા 35 રસ્તાના કામોની મંજૂરી પ્રસ્તાવિત છે. આ પ્રોજેક્ટ્સથી રાજ્યના 35 ગ્રામીણ વસવાટોને ફાયદો થવાની અપેક્ષા છે.

સૂચિત પ્રોજેક્ટ્સનો ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોમાં તમામ હવામાનમાં અનુકૂળ કનેક્ટિવિટી સુધારવા અને શિક્ષણ, આરોગ્ય સંભાળ, બજારો અને આવશ્યક જાહેર સેવાઓ સુધીની પહોંચ વધારવાનો છે. આ પહેલથી સામાજિક-આર્થિક વિકાસમાં વધુ વેગ આવવાની અને ગ્રામીણ મહારાષ્ટ્રમાં જીવનની સરળતા (ease of living) માં સુધારો થવાની અપેક્ષા છે.

તેવી જ રીતે, મહારાષ્ટ્રમાં PMGSY હેઠળ, ₹15,000 કરોડથી વધુના રોકાણ સાથે 34,000 કિમીથી વધુ ગ્રામીણ રસ્તાઓ અને 1,000 થી વધુ પુલ પહેલેથી જ મંજૂર કરવામાં આવ્યા છે, જેનાથી સમગ્ર રાજ્યમાં ગ્રામીણ કનેક્ટિવિટીમાં નોંધપાત્ર સુધારો થયો છે. મહારાષ્ટ્રએ PMGSY હેઠળ 'ન્યૂ એન્ડ ગ્રીન ટેકનોલોજી' નો ઉપયોગ કરીને વ્યાપક રસ્તાઓનું નિર્માણ પણ કર્યું છે, જે ટકાઉ અને નવીન ગ્રામીણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ પર રાજ્યના ધ્યાનને પ્રતિબિંબિત કરે છે.

આ કાર્યક્રમ આવાસ, કનેક્ટિવિટી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને લાભાર્થી-કેન્દ્રિત કલ્યાણ હસ્તક્ષેપોના સંયોજન દ્વારા ભારત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી રહેલી ગ્રામીણ પરિવર્તનની પહેલોની ગતિને વધુ મજબૂત બનાવશે તેવી અપેક્ષા છે.

IJ/BS/JD


(રીલીઝ આઈડી: 2261104) મુલાકાતી સંખ્યા : 6
આ રીલીઝ વાંચો: Urdu , English , हिन्दी , Tamil