કૃષિ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે બિહારમાં લીચી સંકટ પર નિષ્ણાત સમિતિ બનાવવાનો આદેશ આપ્યો


બિહારમાં લીચીના પાકને બચાવવા માટે શ્રી શિવરાજ સિંહના નિર્દેશો પર નિષ્ણાત ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી

વૈજ્ઞાનિકો, અધિકારીઓ અને નિષ્ણાતોની બનેલી ટીમ એક સપ્તાહમાં રિપોર્ટ સબમિટ કરશે

પોસ્ટેડ ઓન: 08 MAY 2026 1:46PM by PIB Ahmedabad

બિહારમાં લીચીના ખેડૂતો દ્વારા સામનો કરવામાં આવતી સમસ્યાઓની ગંભીર નોંધ લેતા, કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે લીચી સ્ટિંક બગ દ્વારા પાકને થઈ રહેલા નુકસાન અંગે તાત્કાલિક અને સંવેદનશીલ હસ્તક્ષેપ શરૂ કર્યો છે. ખેડૂતો દ્વારા વ્યક્ત કવામાં આવેલી ચિંતાઓને પગલે, શ્રી ચૌહાણે એક વિશેષ નિષ્ણાત ટાસ્ક ફોર્સની રચના કરવાનો નિર્દેશ આપ્યો છે જે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે અને નિવારક પગલાં માટેની ભલામણો સાથેનો રિપોર્ટ સબમિટ કરશે.

7 મેના રોજ સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સબટ્રોપિકલ હોર્ટિકલ્ચર, લખનઉ ખાતે આયોજિત ખેડૂત સંવાદ કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય કૃષિ મંત્રી સમક્ષ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. ખેડૂતોએ શ્રી ચૌહાણને લીચી સ્ટિંક બગને કારણે લીચીના પાકને થઈ રહેલા વ્યાપક નુકસાન વિશે જાણ કરી હતી. આ બાબતની તાત્કાલિક નોંધ લેતા કેન્દ્રીય મંત્રીએ અધિકારીઓને સ્પેશિયલાઇઝ્ડ ટાસ્ક ફોર્સ બનાવવાનો નિર્દેશ આપ્યો હતો.

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ (ICAR) હેઠળના નેશનલ રિસર્ચ સેન્ટર ઓન લીચી, મુઝફ્ફરપુર દ્વારા 7 મેના રોજ બહાર પાડવામાં આવેલા આદેશ અનુસાર, ટાસ્ક ફોર્સ લીચી સ્ટિંક બગ સંબંધિત વર્તમાન પરિસ્થિતિનું મૂલ્યાંકન કરશે, અસરગ્રસ્ત પ્રદેશોની મુલાકાત લેશે, પાકના નુકસાનનો વૈજ્ઞાનિક અભ્યાસ કરશે અને ખેડૂતોને રાહત આપવા માટે તાત્કાલિક અને લાંબા ગાળાના બંને ઉપાયો સૂચવશે.

ટાસ્ક ફોર્સ રાજ્ય અને કેન્દ્ર બંને સ્તરે જરૂરી હસ્તક્ષેપ સૂચવવા ઉપરાંત, ખેડૂતો માટે જરૂરી એડવાઇઝરી અને વિસ્તરણ પ્રવૃત્તિઓની પણ ભલામણ કરશે. આદેશ મુજબ, નિષ્ણાત ટાસ્ક ફોર્સની રચના વિવિધ સંસ્થાઓના વૈજ્ઞાનિકો, અધિકારીઓ અને નિષ્ણાતો સાથે કરવામાં આવી છે. નેશનલ રિસર્ચ સેન્ટર ઓન લીચી, મુઝફ્ફરપુરના નિયામકને આ પેનલના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

ટાસ્ક ફોર્સના સભ્યોમાં ડાયરેક્ટર ઓફ હોર્ટિકલ્ચર-કમ-બિહાર સ્ટેટ હોર્ટિકલ્ચર મિશન, બિહાર સરકાર દ્વારા નામાંકિત પ્રતિનિધિઓ; ડાયરેક્ટર ઓફ પ્લાન્ટ પ્રોટેક્શન, કૃષિ વિભાગ, બિહાર સરકાર દ્વારા નામાંકિત પ્રતિનિધિઓ; ડૉ. રાજેન્દ્ર પ્રસાદ સેન્ટ્રલ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી, પૂસા, સમસ્તીપુરના કીટશાસ્ત્રી દ્વારા નામાંકિત પ્રતિનિધિ; બિહાર એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી, સબૌર, ભાગલપુરના મુખ્ય વૈજ્ઞાનિક દ્વારા નામાંકિત પ્રતિનિધિ; અને મિશન ફોર ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ ઓફ હોર્ટિકલ્ચર દ્વારા નામાંકિત પ્રતિનિધિનો સમાવેશ થાય છે.

આ પેનલમાં ICAR રિસર્ચ કોમ્પ્લેક્સ ફોર ઇસ્ટર્ન રિજન અને સેન્ટર ફોર એગ્રીકલ્ચરલ સિસ્ટમ્સ રિસર્ચ ફોર હિલ એન્ડ પ્લેટુ રિજન, રાંચીના વૈજ્ઞાનિક ડૉ. જયપાલ સિંહ ચૌધરી; નેશનલ બ્યુરો ઓફ એગ્રીકલ્ચરલ ઇન્સેક્ટ રિસોર્સિસ, બેંગલુરુના ડૉ. એમ સંપત કુમાર; ICAR-નેશનલ રિસર્ચ સેન્ટર ઓન લીચી, મુઝફ્ફરપુરના વૈજ્ઞાનિક (કીટવિજ્ઞાન) ડૉ. ઇપ્સિતા સાબલ; અને મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. વિનોદ કુમારનો સમાવેશ થાય છે, જેઓ ટાસ્ક ફોર્સના સભ્ય સચિવ તરીકે સેવા આપશે.

આદેશ મુજબ, ટાસ્ક ફોર્સ ટૂંક સમયમાં બિહારના લીચી ઉત્પાદક જિલ્લાઓના સૌથી વધુ અસરગ્રસ્ત બ્લોક્સની મુલાકાત લેશે. ટીમને તેનો રિપોર્ટ એક સપ્તાહની અંદર કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણને સુપરત કરવા માટે કહેવામાં આવ્યું છે જેથી સમયસર જરૂરી પગલાં લઈ શકાય.

 

SM/DK/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2259002) મુલાકાતી સંખ્યા : 19
આ રીલીઝ વાંચો: English , Urdu , Bengali , Bengali-TR , Punjabi , Tamil