યુવા બાબતો અને રમત મંત્રાલય
ભારતની લોકશાહી પ્રગતિ માટે સંસદમાં મહિલાઓ અનિવાર્ય: ડૉ. માંડવિયા
માય ભારત (MY Bharat) મહિલા યુવા સંસદમાં નારી શક્તિ કેન્દ્રસ્થાને રહી
કેન્દ્રીય મંત્રીએ નારી શક્તિ વંદન અધિનિયમને પરિવર્તનકારી સુધારા તરીકે ગણાવ્યો
પોસ્ટેડ ઓન:
12 APR 2026 8:15PM by PIB Ahmedabad
યુવા બાબતો અને રમતગમત મંત્રાલય હેઠળના મેરા યુવા ભારત (માય ભારત) દ્વારા દિલ્હી યુનિવર્સિટીની શ્રી રામ કોલેજ ઓફ કોમર્સ ખાતે “નારી શક્તિ: વિકસિત ભારતનો અવાજ – સર્વસમાવેશક લોકશાહીનું સુદ્રઢીકરણ” થીમ પર મહિલા યુવા સંસદનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત વંદે માતરમના ગાન સાથે થઈ હતી, જેનાથી કાર્યક્રમમાં દેશભક્તિ અને પ્રેરણાદાયક વાતાવરણ ઊભું થયું હતું.

આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ભારત સરકારના કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયા ઉપસ્થિત રહ્યા હતા. સભાને સંબોધતા ડૉ. મનસુખ માંડવિયાએ સંસદમાં મહિલાઓની પરિવર્તનકારી ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો અને ભારપૂર્વક જણાવ્યું હતું કે કેવી રીતે ભારતીય લોકશાહીએ મહિલાઓને રાષ્ટ્રપતિ પદ સહિતના સર્વોચ્ચ હોદ્દાઓ સુધી પહોંચવા માટે સશક્ત બનાવી છે. તેમણે નોંધ્યું હતું કે સર્વસમાવેશક શાસન રાષ્ટ્રની પ્રગતિને મજબૂત બનાવે છે. નારી શક્તિ વંદન અધિનિયમ પર 16 થી 18 એપ્રિલ સુધી યોજાનારા આગામી વિશેષ સત્રનો ઉલ્લેખ કરતા તેમણે વિધાનસભાઓમાં મહિલાઓના વધુ પ્રતિનિધિત્વને સુનિશ્ચિત કરવામાં તેના ઐતિહાસિક મહત્વ પર ભાર મૂક્યો હતો અને તેને વિકસિત ભારતના વિઝન મુજબ સાચા અર્થમાં સર્વસમાવેશક અને વિકસિત ભારત હાંસલ કરવા તરફનું એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું.

સભાને સંબોધતા દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ શ્રી વિજેન્દ્ર ગુપ્તાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે “મહિલાઓ રાષ્ટ્ર નિર્માણનો પાયો છે. રાજકારણમાં તેમની ભાગીદારી નીતિઓને વધુ સંવેદનશીલ, સર્વસમાવેશક અને અસરકારક બનાવે છે. તે જરૂરી છે કે મહિલાઓ નિર્ણય લેવાની પ્રક્રિયામાં અગ્રણી ભૂમિકા ભજવે. સશક્ત મહિલાઓ વિકસિત ભારતને આકાર આપશે, જે સમાજમાં સંતુલન, ન્યાય અને પ્રગતિ સુનિશ્ચિત કરશે.”

આ કાર્યક્રમ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મહિલા સશક્તિકરણ અને નારી શક્તિની ભાવનાને મજબૂત કરવા પ્રત્યેની સરકારની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. મહિલા યુવા સંસદનો ઉદ્દેશ્ય મહિલાઓને તેમના મંતવ્યો વ્યક્ત કરવા, લોકતાંત્રિક પ્રક્રિયાઓને સમજવા અને નીતિ વિષયક સંવાદમાં સક્રિયપણે યોગદાન આપવા માટે એક ગતિશીલ પ્લેટફોર્મ પૂરું પાડવાનો હતો.
કાર્યક્રમમાં 500થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો. તેમાંથી, દિલ્હી અને ઉત્તરાખંડના 37 યુવા સહભાગીઓએ વિવિધ મંત્રાલયોનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને સંરચિત મોક (Mock) યુવા સંસદમાં સક્રિયપણે ભાગ લીધો હતો. સહભાગીઓએ “નારી શક્તિ વંદન અધિનિયમ” પર તેમના મંતવ્યો રજૂ કર્યા હતા, જેમાં મહિલાઓની ભાગીદારી, નેતૃત્વ અને સર્વસમાવેશક શાસન પર ભાર મૂકવામાં આવ્યો હતો. અન્ય પ્રતિષ્ઠિત અતિથિઓમાં યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના અધિક સચિવ શ્રી નિતેશ કુમાર મિશ્રા; માય ભારતના CEO ડૉ. પ્રિયંકા શુક્લા; અને શ્રી રામ કોલેજ ઓફ કોમર્સના પ્રિન્સિપાલ પ્રો. સિમરિત કૌરનો સમાવેશ થાય છે.

સત્ર દરમિયાન, સહભાગીઓએ સંસદીય કાર્યવાહીનું અનુકરણ કર્યું હતું, તેમના પરિપ્રેક્ષ્યને અસરકારક રીતે રજૂ કર્યા હતા અને શાસનમાં મહિલાઓના પ્રતિનિધિત્વ માટે સામૂહિક રીતે સમર્થન વ્યક્ત કર્યું હતું. આ પહેલે યુવતીઓમાં આત્મવિશ્વાસ, નેતૃત્વ કૌશલ્ય, જાહેર વક્તૃત્વ ક્ષમતા અને નાગરિક જોડાણ કેળવવામાં મદદ કરી હતી.

તેમના સમાપન વક્તવ્યમાં, ડૉ. પ્રિયંકા શુક્લાએ આભારવિધિ કરી હતી અને તમામ પ્રતિષ્ઠિત અતિથિઓ, સહભાગીઓ અને મહિલાઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી જેમણે મોક યુવા સંસદની સફળતામાં સક્રિયપણે યોગદાન આપ્યું હતું.
આ કાર્યક્રમ મહિલાઓના અવાજને બુલંદ કરવા માટેના એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યો હતો અને વિકસિત ભારતના નિર્માણમાં તેમની મહત્વની અને નિર્ણાયક ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો.
SM/BS/JD
(રીલીઝ આઈડી: 2251372)
મુલાકાતી સંખ્યા : 45