રેલવે મંત્રાલય
azadi ka amrit mahotsav

ભારતીય રેલવેએ 2021-2025 દરમિયાન 52,000થી વધુ ધરપકડ અને 50,000+ ગુનેગારો સામે કોર્ટમાં ફરિયાદ દાખલ કરીને મુસાફરોની સુરક્ષા અને સલામતી મજબૂત કરી


છેલ્લા 5 વર્ષમાં અસામાજિક તત્વોની પ્રવૃત્તિઓને કારણે પાટા પરથી ઉતરી જવાની માત્ર ત્રણ ઘટનાઓ નોંધાઈ

છેલ્લા પાંચ વર્ષમાં (2021–2025) પથ્થરમારાની 12,157 નોંધાયેલી ઘટનાઓ સામે RPF/GRP દ્વારા 8,441 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી

પોસ્ટેડ ઓન: 26 MAR 2026 7:29PM by PIB Ahmedabad

રેલવે મિલકતની સુરક્ષાની જવાબદારી રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) ને સોંપવામાં આવી છે. RPF ને રેલવે પ્રોપર્ટી (અનલૉફુલ પઝેશન) એક્ટ, 1966 ની જોગવાઈઓ હેઠળ રેલવે મિલકત સામેની ચોરી, અપ્રમાણિક ઉચાપત, ઉશ્કેરણી અને કાવતરાના કેસ નોંધવાની સત્તા આપવામાં આવી છે. ગુનેગાર સામે કેસ નોંધવામાં આવે છે અને પૂછપરછ કરવામાં આવે છે, ત્યારબાદ સક્ષમ અદાલત એટલે કે સ્પેશિયલ રેલવે મેજિસ્ટ્રેટની કોર્ટમાં અને જે થોડા રાજ્યોમાં ખાસ રેલવે કોર્ટની સ્થાપના કરવામાં આવી નથી ત્યાં જિલ્લા અદાલતોમાં ફરિયાદ દાખલ કરવામાં આવે છે.

છેલ્લા પાંચ વર્ષ (2021-2025) દરમિયાન, RP(UP) એક્ટ, 1966 ની જોગવાઈઓ હેઠળ કુલ 52,494 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. આમાંથી 50,432 ગુનેગારો સામે સંબંધિત અદાલતોમાં ફરિયાદો દાખલ કરવામાં આવી હતી.

છેલ્લા પાંચ વર્ષ (2021-2025) દરમિયાન, પથ્થરમારાની કુલ 12,157 ઘટનાઓ નોંધાઈ હતી, જેમાં RPF/GRP દ્વારા 8,441 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી.

છેલ્લા પાંચ વર્ષ (2021-2025) દરમિયાન, ભારતીય રેલવે પર અસામાજિક તત્વોની પ્રવૃત્તિઓને કારણે પાટા પરથી ઉતરી જવાની (ડિરેલમેન્ટ) માત્ર ત્રણ ઘટનાઓ બની હતી, એટલે કે ઈસ્ટ કોસ્ટ રેલવેના વોલ્ટેર ડિવિઝનમાં, નોર્થ સેન્ટ્રલ રેલવેના ઝાંસી ડિવિઝનમાં અને સધર્ન રેલવેના ચેન્નાઈ ડિવિઝનમાં એક-એક ઘટના બની હતી.

વધુમાં, રેલવે ટ્રેક સાથે કોઈપણ ગુનાહિત ચેડાની ઘટનાને રોકવા માટે, રેલવે દ્વારા નીચે મુજબના પગલાં લેવામાં આવી રહ્યા છે:-

  • નિયમિત રાજ્ય સ્તરીય સુરક્ષા સમિતિ (SLSCR) ની બેઠકો યોજવામાં આવી રહી છે, જે દરેક રાજ્યમાં સંબંધિત રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના DGPs/પોલીસ કમિશનરના અધ્યક્ષપદ હેઠળ RPF, GRP અને ઇન્ટેલિજન્સ યુનિટ્સના પ્રતિનિધિઓ સાથે રચવામાં આવી છે. વધુમાં, ગુનાખોરી પર નિયંત્રણ, કેસોની નોંધણી, તેમની તપાસ અને તોડફોડની ઘટનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને ટ્રેનોના સુરક્ષિત સંચાલન અને ઇન્ટેલિજન્સ શેરિંગ વગેરે માટે તમામ સ્તરે રાજ્ય પોલીસ/ GRP સત્તાવાળાઓ સાથે RPF દ્વારા ગાઢ સંપર્ક રાખવામાં આવે છે.
  • કેન્દ્રીય અને રાજ્યની ગુપ્તચર એજન્સીઓ ઉપરાંત, RPF ના ગુપ્તચર એકમ એટલે કે ક્રાઈમ ઇન્ટેલિજન્સ બ્રાન્ચ (CIB) અને સ્પેશિયલ ઇન્ટેલિજન્સ બ્રાન્ચ (SIB) ને ગુપ્ત માહિતી એકત્રિત કરવા અને કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિની શોધ અને નિવારણ માટે સંબંધિત સત્તાવાળાઓ સાથે સંકલન સાધી જરૂરી કાર્યવાહી કરવા માટે તૈનાત કરવામાં આવ્યા છે.
  • રેલવે, RPF, GRP અને સિવિલ પોલીસ દ્વારા ઓળખવામાં આવેલા બ્લેક સ્પોટ્સ અને સંવેદનશીલ વિભાગોમાં વારંવાર પેટ્રોલિંગ કરવામાં આવે છે.
  • રેલવે ટ્રેકની નજીક પડેલી છૂટીછવાઈ સામગ્રી કે જેનો ઉપયોગ અસામાજિક તત્વો દ્વારા ટ્રેક પર અવરોધ ઉભો કરવા માટે કરી શકાય છે, તેને દૂર કરવા માટે નિયમિત ઝુંબેશ ચલાવવામાં આવે છે.
  • રેલવે ટ્રેક પાસે રહેતા લોકોને ટ્રેક પર બહારની વસ્તુઓ મૂકવી, રેલના ભાગો દૂર કરવા, રીલ્સ બનાવવી વગેરેના પરિણામો વિશે જાગૃત કરવામાં આવે છે અને તેમને વોચ રાખવા તથા કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિની તાત્કાલિક જાણ કરવા વિનંતી કરવામાં આવે છે.
  • ડ્રોનનો ઉપયોગ કરીને અને સોલાર પાવર્ડ સ્ટેન્ડ અલોન સીસીટીવી કેમેરા લગાવીને પણ દેખરેખ રાખવામાં આવે છે.

આ માહિતી કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ તથા ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા બુધવારે લોકસભામાં પ્રશ્નોના જવાબમાં આપવામાં આવી હતી.

SM/BS/JD


(રીલીઝ આઈડી: 2245767) મુલાકાતી સંખ્યા : 7
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी