PIB Headquarters
azadi ka amrit mahotsav

કેન્દ્રીય બજેટ 2026-27: વિકેન્દ્રીકરણ દ્વારા ગ્રામીણ પરિવર્તન


સંસ્થાઓ, રોકાણ અને સમાવેશ

પોસ્ટેડ ઓન: 13 FEB 2026 3:33PM by PIB Ahmedabad

મુખ્ય મુદ્દાઓ

  • સતત નાણાકીય પ્રતિબદ્ધતાને કારણે ગ્રામીણ પરિવર્તન આવ્યું છે, જેમાં ગ્રામીણ વિકાસ બજેટની ફાળવણી વર્ષ 2016-17માં ₹87,765 કરોડથી વધીને વર્ષ 2026-27માં ₹2.73 લાખ કરોડ થતા 211 ટકાનો વધારો જોવા મળ્યો છે.
  • ગરીબીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, 2022-23માં અત્યંત ગરીબી 5.3% રહી છે, જે વૈશ્વિક સરેરાશ કરતાં ઓછી છે, અને બહુવિધ ગરીબી ઘટીને 11.28% થઈ છે.
  • મહિલા સંચાલિત સમૂહો છેવાડાના વિસ્તારોમાં વિતરણનો મુખ્ય આધાર છે, જે 90 લાખ 9 હજાર સ્વ-સહાય જૂથોમાં 10 કરોડ 5 લાખ મહિલાઓને એકત્ર કરે છે અને 9 લાખ સામુદાયિક કેડર દ્વારા સમર્થિત છે.
  • ગ્રામીણ કનેક્ટિવિટી લગભગ સાર્વત્રિક છે, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના માટે બજેટની ફાળવણી 2016-17માં રૂપિયા 12581 કરોડથી વધીને 2026-27માં રૂપિયા 19000 કરોડ થઈ છે (51 ટકાનો વધારો).
  • આવાસ-આધારિત સુરક્ષાનો વ્યાપક પાયે વિસ્તાર થયો છે, છેલ્લા 11 વર્ષમાં 3.70 કરોડ ગ્રામીણ મકાનોનું નિર્માણ થયું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ (PMAY-G) માટે બજેટની ફાળવણી વર્ષ 2016-17માં રૂ. 15000 કરોડથી વધીને વર્ષ 2026-27માં રૂ. 54916.70 કરોડ થઈ છે, જે 266.1 ટકાનો નોંધપાત્ર વધારો દર્શાવે છે.

 

પ્રસ્તાવના

તાજેતરના વર્ષોમાં, “સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ, સૌનો વિશ્વાસના વિકાસના માળખા હેઠળ સર્વસમાવેશક વિકાસના ભારતના અભિગમે માપી શકાય તેવા પરિણામો હાંસલ કર્યા છે.આ પરિણામો ટકાઉ ગરીબી નિવારણ, સામાજિક-આર્થિક વિષમતાઓમાં ક્રમશઃ ઘટાડો અને મૂળભૂત સેવાઓની સુલભતામાં સુધારો દ્વારા પ્રતિબિંબિત થાય છે.ગ્રામીણ પરિવર્તન આ પ્રક્રિયાના કેન્દ્રમાં રહ્યું છે, કારણ કે ભારતની મોટાભાગની વસ્તી ગ્રામીણ વિસ્તારોમાં રહે છે અને સામાજિક-આર્થિક પ્રગતિ માટે જાહેર રોકાણ, સ્થાનિક સંસ્થાઓ અને સમુદાય-આધારિત શાસન માળખાં પર નિર્ભર રહે છે.

ભારતમાં ગ્રામીણ વિકાસને વિસ્તરેલા જાહેર ખર્ચ, માળખાકીય સુવિધાઓના વિકાસ, રોજગાર માળખામાં સુધારા, ડિજિટલ ટેકનોલોજીનો સ્વીકાર અને સ્થાનિક સરકારો તથા સામુદાયિક સંસ્થાઓની મજબૂત સહભાગીદારીના સંયોજને ઉત્તરોત્તર આકાર આપ્યો છે.આ આદર્શરૂપ પરિવર્તન સર્વસમાવેશક વિકાસની વ્યાપક સમજણને પ્રતિબિંબિત કરે છે, જે ન્યાય, ગૌરવ અને સમાન અધિકારો પર ભાર મૂકે છે, ખાસ કરીને સંવેદનશીલ અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા જૂથોને સશક્ત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003092C.jpg

કેન્દ્રીય બજેટમાં ગ્રામીણ વિકાસ માટેની ફાળવણી 2016-17માં 87765 કરોડથી વધીને 2026-27માં 273108 કરોડ થઈ છે, જે દાયકા દરમિયાન 211 ટકાથી વધુનો વધારો દર્શાવે છે.આ આંકડા ગ્રામીણ માળખાકીય સુવિધાઓ, આજીવિકા અને સ્થાનિક સંસ્થાકીય ક્ષમતાને મજબૂત કરવા માટેની સતત નાણાકીય પ્રતિબદ્ધતા દર્શાવે છે.

કલ્યાણકારી સેવાઓના વિતરણમાંથી વિકેન્દ્રિત ભાગીદારી તરફ નીતિગત પરિવર્તન

આ પરિવર્તનનો એક આવશ્યક આયામ શુદ્ધ સરકારી નેતૃત્વ હેઠળના વિકાસ મોડેલથી ધીમે-ધીમે દૂર ખસીને વધુ સમુદાય આધારિત, વિકેન્દ્રિત અભિગમો તરફ જવાનો છે. વિકાસ પહેલોના આયોજન, અમલીકરણ અને દેખરેખમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ અને તૃણમૂળ સંસ્થાઓની ભૂમિકા વધુ ને વધુ નિર્ણાયક તરીકે સ્વીકારવામાં આવી રહી છે. પ્રક્રિયાએ સ્થાનિક અવાજોને વિકાસની પ્રાથમિકતાઓ ઘડવા સક્ષમ બનાવ્યા છે, જેના કારણે વૃદ્ધિ પ્રક્રિયાઓ વધુ સહભાગી, સંદર્ભ-વિશિષ્ટ અને ટકાઉ બની છે.

7૩મો બંધારણીય સુધારો (1992) એ પંચાયતી રાજ સંસ્થાઓ (પીઆરઆઈ) ને પાયાની લોકશાહીના વાહક તરીકે સ્થાપિત કરી, જેનાથી સમુદાયોને વિકાસ પહેલના આયોજન, અમલીકરણ અને દેખરેખમાં સીધો ભાગ લેવા સક્ષમ બનાવ્યા.આ પાયા પર નિર્માણ કરીને, વિકસિત ભારત-રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ), અગાઉ મનરેગા તરીકે ઓળખાતું, દીનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન, સ્વચ્છ ભારત મિશન, અને જલ જીવન મિશન જેવા મુખ્ય રાષ્ટ્રીય કાર્યક્રમોએ પંચાયતો, સ્વ-સહાય જૂથો (એસએચજી), અને પાયાના સ્તરની સંસ્થાઓ દ્વારા કામ કરીને સહભાગી પદ્ધતિઓનો સમાવેશ કર્યો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004SAQL.jpg

આ નીતિનો વિકાસ જન ભાગીદારીના સિદ્ધાંતને પ્રતિબિંબિત કરે છે, જે લાભાર્થી-આધારિત સહભાગિતામાંથી રાજ્ય અને સમુદાયો વચ્ચે સક્રિય ભાગીદારી તરફના બદલાવને ચિહ્નિત કરે છે.ભાગીદારીને ક્ષમતા નિર્માણ, ટેકનોલોજી આધારિત જોડાણ, મજબૂત સમુદાયિક સંસ્થાઓ અને સહભાગી આયોજન અને બજેટ પ્રક્રિયાઓ દ્વારા વધુને વધુ સમર્થન મળે છે.નાણાકીય વિકેન્દ્રીકરણને કારણે આ અભિગમ વધુ મજબૂત બન્યો છે.પંચાયતોને સીધા નાણાકીય અનુદાનો પંદરમા નાણાપંચ (2021-2026) હેઠળ આશરે 2.૩6 લાખ કરોડથી વધારીને સોળમા નાણાપંચ (2026-20૩1) હેઠળ આશરે 4.૩5 લાખ કરોડ કરવામાં આવ્યા છે, જેના પરિણામે સ્થાનિક નાણાકીય સ્વાયત્તતામાં નોંધપાત્ર વધારો થયો છે.

ભારતમાં સામાજિક સુરક્ષાનો વ્યાપ અને ગરીબીમાં તેના ઘટાડાના પરિણામો

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005B7C7.jpg

સામાજિક ક્ષેત્રે સરકારના સતત જાહેર રોકાણોના પીઠબળથી ભારતે સામાજિક સુરક્ષાનો વ્યાપ વધારવા અને ગરીબી ઘટાડવામાં નોંધપાત્ર પ્રગતિ નોંધાવી છે.સામાજિક સુરક્ષા પ્રણાલીઓ હેઠળનું આવરણ (જેમાં સુધારેલા પીવાના પાણીની સુવિધા, ઘરગથ્થુ વીજળીકરણ અને ગ્રામીણ સ્વચ્છતાનો સમાવેશ થાય છે) 2016માં 22 ટકાથી વધીને 2025 સુધીમાં 64.૩ ટકા થયું, જે સામાજિક સુરક્ષાના વ્યાપમાં નોંધપાત્ર વિસ્તરણ દર્શાવે છે.નાણાકીય વર્ષ 2022 થી સામાજિક સેવા ખર્ચ (એસએસઈ) માં સતત વધારો થયો છે, જેણે આ વિસ્તરણને સમર્થન આપ્યું છે.નાણાકીય વર્ષ 2022 અને 2026 (બજેટ અંદાજ) વચ્ચે, સામાજિક ક્ષેત્રનો ખર્ચ 12 ટકાના ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દર (CAGR) થી વધ્યો, જેમાં શિક્ષણ અને આરોગ્યના ખર્ચમાં અનુક્રમે 11 ટકા અને 8 ટકાનો વધારો નોંધાયો.

ગરીબીનું મૂલ્યાંકન બહુ-પરિમાણીય સૂચકાંકો દ્વારા

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image006JFNC.jpg

નીતિ આયોગ દ્વારા પ્રકાશિત ભારતના બહુ-આયામી ગરીબી સૂચકાંક (MPI) અનુસાર, ગરીબી હેડકાઉન્ટ રેશિયો 2005-06માં 55.૩ ટકાથી ઘટીને 2019-21માં 14.96 ટકા અને ત્યારબાદ 2022-23માં 11.28 ટકા થયો છે.તેંડુલકર સમિતિની પદ્ધતિ પર આધારિત અંદાજો સમય જતાં ગરીબીમાં નોંધપાત્ર ઘટાડો દર્શાવે છે.2011-12 અને 202૩-24 ની વચ્ચે, ગરીબીનું પ્રમાણ તીવ્રપણે ઘટ્યું હોવાનો અંદાજ છે, જેમાં ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં અને તમામ રાજ્યોમાં નીચા સ્તરો જોવા મળ્યા છે. આ તમામ વલણોને એકસાથે જોતાં, ટકાવ આર્થિક વૃદ્ધિ, લક્ષિત સામાજિક કલ્યાણના હસ્તક્ષેપો અને મૂળભૂત સેવાઓની વિસ્તૃત પહોંચ સાથે મળીને ભારતમાં ગરીબીમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં ફાળો આપ્યો છે.વિવિધ કલ્યાણકારી કાર્યક્રમો અને સંદર્ભ-વિશિષ્ટ નીતિ નવીનીકરણો દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારોના સંયુક્ત પ્રયાસોને આ પ્રગતિ પ્રતિબિંબિત કરે છે.

મૂળભૂત સેવાઓ દ્વારા ગ્રામીણ જીવનધોરણની ઉન્નતી

ભારતમાં જાહેર નીતિ સમાન તકોનો વિસ્તાર કરવા, આત્યંતિક ગરીબી ઘટાડવા અને અસમાનતાના વ્યાપક થવાના જોખમને ઓછું કરવા તરફ લક્ષી છે.સરકારની પહેલોએ સસ્તું આવાસ, અન્ન અને સામાજિક સુરક્ષા, નાણાકીય સમાવેશ, સાર્વત્રિક મૂળભૂત સેવાઓ અને પોસાય તેવી આરોગ્યસંભાળ સુધીની પહોંચ વિસ્તારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સાથે મળીને, આ હસ્તક્ષેપોએ જીવનધોરણ સુધારવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં. આ હસ્તક્ષેપોનો વ્યાપ અને તેના પરિણામો આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (મોસ્પાઈ) દ્વારા 2025માં પ્રસિદ્ધ થયેલા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ (SDG) નેશનલ ઈન્ડિકેટર ફ્રેમવર્ક પ્રોગ્રેસ રિપોર્ટમાં સ્પષ્ટપણે જોવા મળે છે, જે બહુવિધ વિકાસ સૂચકાંકોમાં નોંધપાત્ર પ્રગતિ દર્શાવે છે.

સલામત પીવાના પાણીની સુલભતા

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image007AJWH.jpg

ગ્રામીણ વિસ્તારોમાં સલામતીપૂર્વક પીવાનું પાણી લગભગ સાર્વત્રિક સ્તરે ઉપલબ્ધ બન્યું છે.2019માં 'હર ઘર જલ'નું લક્ષ્ય હાંસલ કરવા માટે શરૂ કરાયેલા જલ જીવન મિશન (જેજેએમ) હેઠળ તેમાં પરિવર્તનકારી પ્રગતિ થઈ છે.પ્રારંભમાં, માત્ર ૩.2૩ કરોડ ગ્રામીણ પરિવારો (17 ટકા) નળ વાટે પાણીના જોડાણ ધરાવતા હતા.નવેમ્બર 2025 સુધીમાં, વધારાના 12.50 કરોડ ઘરોને આવરી લેવામાં આવ્યા હતા, જેનાથી કુલ કવરેજ આશરે 15.74 કરોડ ઘરો સુધી પહોંચી ગયું.આથી, સુધારેલા પીવાના પાણીના સ્રોતોનો ઉપયોગ કરતા ગ્રામીણ પરિવારોનું પ્રમાણ વર્ષ 2015-16માં 94.6 ટકા હતું, તે વધીને વર્ષ 2024-25માં 99.6 ટકા થયું.આર્થિક સર્વે 2025-26 ના અહેવાલો અનુસાર, સ્વતંત્ર મૂલ્યાંકનોએ નોંધપાત્ર સામાજિક અને આરોગ્ય લાભોની ઓળખ કરી છે, જેમાં મહિલાઓ માટે સમયની નોંધપાત્ર બચત, આર્થિક પ્રવૃત્તિઓમાં તેમની ભાગીદારીમાં વધારો, અને જળજન્ય રોગોના બનાવોમાં ઘટાડો શામેલ છે.સ્વચ્છતા અને વીજળીની પહોંચમાં થયેલા નોંધપાત્ર સુધારાઓએ આ અગાઉના લાભોને વધુ સુદ્રઢ બનાવ્યા છે.

સ્વચ્છતા સુવિધાઓની સુલભતા

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0082LZG.jpg

સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) 2014 માં ઓક્ટોબર 2019 સુધીમાં દેશભરમાં ખુલ્લામાં શૌચમુક્ત (ઓડીએફ) દરજ્જો હાંસલ કરવા માટે શરૂ કરવામાં આવ્યું હતું અને 2019-20 સુધીમાં તમામ જિલ્લાઓને ઓડીએફ જાહેર કરવામાં આવ્યા હતા.૩1 ડિસેમ્બર, 2025 સુધીમાં સ્વચ્છ ભારત મિશન હેઠળ 96 ટકાથી વધુ ગામો ઓડીએફ પ્લસનો દરજ્જો પ્રાપ્ત કરી ચૂક્યા છે.ઓડીએફ પ્લસ ગામ એવા ગામને કહેવાય છે જે તેની ઓડીએફ સ્થિતિ જાળવી રાખે છે, ઘન અને પ્રવાહી કચરાનું વ્યવસ્થાપન સુનિશ્ચિત કરે છે, અને દૃષ્ટિની રીતે સ્વચ્છ રહે છે.તારીખ 9 ફેબ્રુઆરી, 2026 સુધીમાં, આપણા દેશમાં 5.68 લાખ ઓડીએફ પ્લસ ગામો છે. જેમાંથી, 5.29 લાખમાં ઘન કચરાના વ્યવસ્થાપન માટે અને 5.46 લાખમાં પ્રવાહી કચરાના વ્યવસ્થાપન માટે યોગ્ય વ્યવસ્થા ઉપલબ્ધ છે.અત્યાર સુધીમાં, 2,૩૩1 પ્લાસ્ટિક કચરા વ્યવસ્થાપન એકમો, 2.70 લાખ સામુદાયિક શૌચાલય સંકુલો અને 12.05 કરોડ ઘરગથ્થુ શૌચાલયોનું નિર્માણ કરવામાં આવ્યું છે.

સાર્વત્રિક ઘરગથ્થુ વીજળીકરણ સુનિશ્ચિત કરવું

પ્રધાનમંત્રી સહજ વીજળી હર ઘર યોજના (સૌભાગ્ય) ને 2017માં દેશના ગ્રામીણ વિસ્તારોમાં વીજળી વિનાના તમામ ઇચ્છુક ઘરો અને શહેરી વિસ્તારોમાં તમામ ઇચ્છુક ગરીબ ઘરોને વીજળી કનેક્શન પૂરા પાડીને સાર્વત્રિક ઘરેલું વીજળીકરણ હાંસલ કરવા માટે શરૂ કરવામાં આવી હતી. 2017 માં વીજળીથી વંચિત પરિવારોની કુલ સંખ્યા ૩ કરોડ હોવાનો અંદાજ હતો, જેની સામે નાણાકીય વર્ષ 2021-22 સુધીમાં દેશભરના 2.86 કરોડ પરિવારોનું વીજળીકરણ કરવામાં આવ્યું હતું.૩1 માર્ચ, 2019 સુધીમાં, તમામ રાજ્યોએ વીજળી મેળવવા ઈચ્છુક ઓળખાયેલા તમામ વીજળીવિહીન ઘરોનું 100% વીજળીકરણ થયું હોવાનો અહેવાલ આપ્યો છે.

ગ્રામીણ વિસ્તારોમાં સલામત અને પરવડી શકે તેવા આવાસની સુલભતા વધારવી

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image009CD7X.jpg

ઓછી આવક ધરાવતા પરિવારો માટે આવાસ ગૌરવ, સલામતી અને આર્થિક ભાગીદારીનું એક મુખ્ય નિર્ણાયક પરિબળ છે.એપ્રિલ 2016 થી અમલમાં મુકાયેલી પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ (પીએમએવાય-જી) વર્ષ 2029 સુધીમાં "સૌ માટે આવાસ" ના ઉદ્દેશને હાંસલ કરવાનું લક્ષ્ય ધરાવે છે, પાત્ર ગ્રામીણ પરિવારોને મૂળભૂત સુવિધાઓ સાથે પાકા આવાસો પૂરા પાડીને.4.95 કરોડ ઘરોનાં કુલ લક્ષ્યાંક સામે, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 4.14 કરોડ યુનિટ ફાળવવામાં આવ્યા છે, જેમાંથી ૩.86 કરોડને મંજૂરી મળી છે અને 2.9૩ કરોડ આજદિન સુધીમાં પૂર્ણ થયા છે.આ ઉપરાંત, અગાઉની આવાસ યોજનાઓમાંથી બાકી રહેલા 76.98 લાખ આવાસ એકમો પૂર્ણ કરવામાં આવ્યા છે, જેના પરિણામે છેલ્લા 11 વર્ષમાં બાંધવામાં આવેલ ગ્રામીણ આવાસોની કુલ સંખ્યા ૩.70 કરોડ પર પહોંચી છે.ગ્રામીણ આવાસ પર નીતિગત ભાર વધ્યો હોવાનું દર્શાવતા, પ્રધાન મંત્રી આવાસ યોજના - ગ્રામીણ (PMAY-G) માટેની બજેટ ફાળવણી 2016-17 માં રૂ. 15,000 કરોડથી વધીને 2026-27 માં રૂ. 54,916.70 કરોડ થઈ છે.

ગ્રામીણ રસ્તાઓના જોડાણ મારફત છેવાડાના વિસ્તાર સુધી પહોંચ સુનિશ્ચિત કરવી

ગ્રામીણ જોડાણ એ ગ્રામીણ વિકાસનો પાયાનો સ્તંભ છે, જે આરોગ્યસંભાળ, શિક્ષણ, બજારો અને રોજગારની તકોની પહોંચ વધારીને ગરીબી ઘટાડવામાં સીધો ફાળો આપે છે.2000 માં શરૂ કરાયેલ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના (પીએમજીએસવાય-1) નો ઉદ્દેશ લાયક જોડાણવિહીન વસાહતોને તમામ ઋતુઓમાં માર્ગ જોડાણ પૂરું પાડવાનો હતો.જાન્યુઆરી 2026ના મધ્ય સુધીમાં, પાત્ર રહેણાંક વિસ્તારોના 99.6 ટકાથી વધુ ભાગને જોડવામાં આવ્યો હતો.પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના - તબક્કો 1 હેઠળ, 6.25 લાખ કિલોમીટરની લંબાઈ ધરાવતા કુલ 1,6૩,665 રસ્તાઓ, 7,210 પુલ સાથે, પૂર્ણ કરવામાં આવ્યા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image010EHUG.jpg https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image011PVD3.jpg

 

2013માં શરૂ કરાયેલી પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના (પીએમજીએસવાય-II) હાલના ગ્રામીણ માર્ગજાળને વધુ મજબૂત બનાવવા અને સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. જાન્યુઆરી 2026ના મધ્ય સુધીમાં, આ તબક્કા હેઠળ 49,087 કિલોમીટર લાંબા કુલ 6,612 રસ્તાઓ અને 749 પુલોનું નિર્માણ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું હતું.ત્યારબાદ, 2019માં મંજૂર થયેલી પીએમજીએસવાય-, રહેણાંક વિસ્તારોને કૃષિ બજારો, શૈક્ષણિક સંસ્થાઓ અને આરોગ્ય સુવિધાઓ સાથે જોડતા 1.25 લાખ કિલોમીટરના મહત્વપૂર્ણ ગ્રામીણ માર્ગોને એકીકૃત કરવાનું લક્ષ્ય ધરાવે છે.પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના-(પીએમજીએસવાય-) હેઠળ, આજ દિન સુધીમાં એક લાખ બે હજાર કિલોમીટરથી વધુ રસ્તા અને 1,7૩4 પુલ પૂર્ણ કરવામાં આવ્યા છે.પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના (પીએમજીએસવાય) માટે 2016-17માં રૂ. 12,581 કરોડથી વધીને 2026-27માં રૂ. 19,000 કરોડની બજેટ ફાળવણી ગ્રામીણ કનેક્ટિવિટી પર નીતિના સતત ભારણને પ્રતિબિંબિત કરે છે.

આદિવાસી અને સંવેદનશીલ સમુદાયો માટે સેવાઓની પહોંચમાં સુધારો અને તેમનો સમાવેશ.

લક્ષિત માળખાકીય હસ્તક્ષેપો દ્વારા આદિવાસી અને ખાસ કરીને સંવેદનશીલ સમુદાયોને વધુને વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.પીએમ-જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન (પીએમ-જનમ) હેઠળ, જે ખાસ કરીને સંવેદનશીલ આદિવાસી જૂથો (પીવીટીજી)ની 28,700 વસાહતોમાં સરકારી યોજનાઓનું સંપૂર્ણ કવરેજ સુનિશ્ચિત કરવાનો લક્ષ્ય ધરાવે છે, 7,૩24 કિલોમીટર લાંબા કુલ 2,495 રસ્તાઓ અને 164 પુલોને મંજૂરી આપવામાં આવી છે, જેમાંથી જાન્યુઆરી 15, 2026 સુધીમાં 26૩ રસ્તાઓ પૂર્ણ થઈ ગયા છે.આ પ્રયાસોની સાથે, ધરતી આભા-જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન (ડીએ-જેજીયુએ) 6૩,000થી વધુ આદિજાતિ ગામડાને આવરી લે છે અને પીવાના પાણી, આવાસ, શિક્ષણ, આરોગ્ય સંભાળ અને આજીવિકાની તકોની પહોંચ સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

કુદરતી સંસાધનોના સમુદાય સંચાલનને મજબૂત કરતી પહેલો દ્વારા પર્યાવરણીય ટકાઉપણું અને આજીવિકા-સંબંધિત માળખાગત સુવિધાઓ વધુ વિકાસ પામે છે.4,105 વન ધન વિકાસ કેન્દ્રોની સ્થાપનાથી આશરે 12 લાખ વ્યક્તિઓને લાભ થયો છે.આ સાથે જ, વન અધિકાર અધિનિયમ, 2006ના અમલથી 25 લાખથી વધુ વન અધિકાર પત્રોનું વિતરણ થયું છે, જેના કારણે જમીન અને વન સંસાધનો પર સમુદાયનું નિયંત્રણ મજબૂત બન્યું છે.

ડિજિટલકરણ અને ટેકનોલોજી આધારિત સેવા વિતરણ ગ્રામીણ વિસ્તારોમાં

ગ્રામીણ ભારતમાં સર્વે સમાવેશી અને કાર્યક્ષમ સેવા વિતરણને સક્ષમ બનાવવામાં ડિજીટલાઈઝેશને મહત્વનો ભાગ ભજવ્યો છે. વહીવટી સુધારાઓ અને ટેકનોલોજીના સમન્વયથી ગ્રામીણ કાર્યક્રમોના અમલીકરણમાં પારદર્શિતા, ભાગીદારી અને જવાબદારીમાં વધારો થયો છે. તે જ સમયે દૂરના અને વંચિત વિસ્તારોમાં જાહેર સેવાઓની પહોંચ વિસ્તરી છે. આધાર સીડિંગનો ઝડપથી વિકાસ થયો છે, આધાર-આધારિત ચુકવણી પ્રણાલીઓએ વ્યાપક સ્વીકૃતિ મેળવી છે, અને ઇલેક્ટ્રોનિક વેતન વિતરણ લગભગ સાર્વત્રિક બની ગયું છે. સંપત્તિઓના મોટા પાયે જીઓ-ટેગિંગ દ્વારા કાર્યક્રમ દેખરેખને મજબૂત કરાઈ છે, જેમાં વ્યક્તિગત ઘરગથ્થુ સ્તરે સર્જાતી સંપત્તિઓનું પ્રમાણ સતત વધી રહ્યું છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0120M5V.jpg

સ્વામિત્વ યોજના ગ્રામીણ મિલકતના અધિકારોને ઔપચારિક બનાવવા, વિવાદો ઘટાડવા અને ધિરાણ તેમજ સરકારી સેવાઓની પહોંચ સુધારવા માટે ડ્રોન-આધારિત મેપિંગનો ઉપયોગ કરે છે. ડિસેમ્બર 2025 સુધીમાં, .28 લાખ ગામોમાં સર્વેક્ષણ કાર્ય પૂર્ણ થયું હતું અને 1.82 લાખ ગામોમાં 2.76 કરોડ પ્રોપર્ટી કાર્ડ જારી કરવામાં આવ્યા હતા.આ ઉપરાંત, નામો ડ્રોન દીદી પહેલ ડ્રોન-આધારિત કૃષિ અને મેપિંગ સેવાઓ દ્વારા ડિજિટલ અર્થતંત્રમાં મહિલાઓની સહભાગિતાને સમર્થન આપે છે, જેમાં 202૩-24માં સ્વ-સહાય જૂથની ડ્રોન દીદીઓને 1,094 ડ્રોનનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ્સ મોડર્નાઇઝેશન પ્રોગ્રામ (ડીઆઈએલઆરએમપી) હેઠળ જમીન શાસન સુધારણાએ ડિજિટાઈઝેશનને વધુ આગળ ધપાવ્યું છે, જેમાં ગ્રામીણ હક્કપત્રકોના 99.8 ટકાનું ડિજિટાઈઝેશન થયું છે, 95.73 ટકા સબ-રજિસ્ટ્રાર કચેરીઓ કોમ્પ્યુટરથી સજ્જ થઈ છે, અને 36.67 કરોડ જમીન પાર્સલને યુનિક લેન્ડ પાર્સલ આઈડેન્ટિફિકેશન નંબર (યુએલપીઆઈએન/ભૂ-આધાર) સોંપવામાં આવ્યા છે, જેનાથી જમીન સંબંધિત સેવાઓની પારદર્શિતા અને સુલભતા મજબૂત બની છે.

સર્વસમાવેશક શાસન અને આજીવિકાને સક્ષમ કરતી સમુદાય દ્વારા સંચાલિત સંસ્થાઓ

ભારતનો વિકાસનો અનુભવ રાજ્યની ક્ષમતાને માનવ પ્રણાલી તરીકે હાઇલાઇટ કરે છે, જેમાં સમુદાય સંસ્થાઓ, અગ્રિમ હરોળના કાર્યકરો (ફ્રન્ટલાઇન વર્કર્સ) અને સ્થાનિક વહીવટકર્તાઓ આરોગ્ય, શિક્ષણ, કૌશલ્ય અને આજીવિકામાં અસરકારક લાસ્ટ-માઇલ સર્વિસ ડિલિવરી (અંતિમ છેવાડા સુધી સેવા વિતરણ) માટે કેન્દ્રસ્થાને છે. તેમની ક્ષમતાઓને મજબૂત બનાવવાથી સ્થાનિક સ્તરે પ્રતિભાવશીલતા, જવાબદારી અને જાહેર સેવા વિતરણની એકંદર અસરકારકતામાં વધારો થાય છે.

અસરકારક સ્થાનિક શાસન માટે યુવાનો અને પંચાયતોનું સશક્તિકરણ

મોડેલ યુથ ગ્રામ સભા ( એમવાયજીએસ ) શાળાઓમાં ગ્રામ સભાની અનુકૃત પ્રક્રિયાઓ દ્વારા વિદ્યાર્થીઓને પાયાના સ્તરના શાસનથી પરિચિત કરીને લોકશાહી ભાગીદારી અને નાગરિક જાગૃતિને પ્રોત્સાહન આપે છે. જવાહર નવોદય વિદ્યાલયો અને એકલવ્ય આદર્શ નિવાસી શાળાઓ જેવી સંસ્થાઓ દ્વારા રાષ્ટ્રવ્યાપી ધોરણે અમલમાં મુકાયેલ, તે સ્થાનિક શાસનમાં પારદર્શિતા, સર્વસમાવેશકતા અને જવાબદારીને મજબૂત કરીને નેતૃત્વ કૌશલ્યોનું નિર્માણ કરે છે.

આના પૂરક તરીકે, સુધારેલ રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન (આરજીએસએ) નેતૃત્વ વિકાસ, -ગવર્નન્સ અને બંધારણીય સત્તાના વધુ ઊંડા વિભાજન દ્વારા પંચાયતી રાજ સંસ્થાઓની સંસ્થાકીય ક્ષમતાને વધારીને વિકેન્દ્રિત શાસનને મજબૂત બનાવે છે.નાણાકીય વર્ષ 2022-23 થી 2025-26 દરમિયાન રૂ. 5,911 કરોડના ખર્ચ સાથે અમલમાં મુકાયેલ આરજીએસએનો ઉદ્દેશ સ્થાનિક શાસનની કાર્યક્ષમતા અને સહભાગી ગુણવત્તા સુધારવાનો છે.તાજેતરના કેન્દ્રીય બજેટ 2026-27માં આરજીએસએ માટે 1,142 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે, જે તળિયાની સંસ્થાઓને મજબૂત કરવા પરના સતત ભારને પ્રતિબિંબિત કરે છે.

મહિલા સંચાલિત સંસ્થાઓ ગ્રામીણ પરિવર્તનના પ્રેરકબળો તરીકે

દીનદયાળ અંત્યોદય યોજનારાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM) ના કેન્દ્રસ્થાને મહિલા સંચાલિત સંસ્થાઓ છે, જે મહિલાઓને ગ્રામીણ પરિવર્તનના મુખ્ય ચાલક બળ તરીકે સ્થાપિત કરે છે.કેન્દ્રીય બજેટ 2026-27 માં આ કાર્યક્રમ માટે 19,200 કરોડ ફાળવવામાં આવ્યા છે.સ્વ-સહાય જૂથો (એસએચજી) અને તેમના મંડળો દ્વારા, આ કાર્યક્રમ ગ્રામીણ પરિવારોને બચત, ધિરાણની સુલભતા અને સમુદાયિક સહાય માટે એક સામૂહિક મંચ પૂરી પાડે છે.આજ સુધીમાં, 10.05 કરોડ મહિલાઓને 90.09 લાખ સ્વ-સહાય જૂથો (SHGs) માં જોડવામાં આવી છે, જેનાથી નાણાકીય સમાવેશન અને સામૂહિક આર્થિક પ્રવૃત્તિનો વ્યાપ વધ્યો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image013UKQY.jpg

નાણાકીય મધ્યસ્થી ઉપરાંત, આ કાર્યક્રમ ટકાઉ કૃષિ અને પશુધન હસ્તક્ષેપો દ્વારા મહિલા ખેડૂતોને મદદ કરે છે, બિન-કૃષિ લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન આપે છે, અને સ્થાનિક સંસાધનોના આધારે જમીન વિહોણી મહિલાઓ માટે આજીવિકાની તકોનું નિર્માણ કરે છે. પંચસૂત્રના પાયા પર સ્થપાઈને અને દશસૂત્રના માળખા દ્વારા વિસ્તરીને, સ્વ-સહાય જૂથો આરોગ્ય અને પોષણ, શિક્ષણ, સ્થાનિક શાસન, હકદારો સુધી લાભોની પહોંચ અને ટકાઉ આજીવિકા જેવા વિવિધ ક્ષેત્રોમાં સમુદાય વિકાસમાં તેમનો ફાળો સતત વધી રહ્યો છે, જે તેમને સમુદાય આધારિત ગ્રામીણ વિકાસ અને સામાજિક પરિવર્તનની કેન્દ્રીય સંસ્થાઓ તરીકે સ્થાપિત કરે છે.

આજીવિકા અને સેવા વિતરણ માટે મહિલા સંચાલિત સામુદાયિક સંસાધન પૂલ

સામુદાયિક સંસાધન વ્યક્તિઓ (સીઆરપીએસ) જેમાં બેન્ક સખીઓ, કૃષિ સખીઓ, પશુ સખીઓ અને ઉદ્યોગ પ્રોત્સાહન સીઆરપીએસનો સમાવેશ થાય છે, મહિલા-આગેવાન સામુદાયિક સંસ્થાઓના સુચારુ સંચાલનમાં મદદ કરે છે.આ કેડર મહિલાઓના સશક્તિકરણ, નેતૃત્વ અને આજીવિકાના ક્ષેત્રમાં સકારાત્મક પરિણામોને મજબૂત બનાવે છે. હાલમાં, 1.49 લાખ બેંક સખીઓ નાણાકીય સેવાઓ પૂરી પાડે છે, જ્યારે 9 લાખથી વધુ સીઆરપી ખેતી, બેંકિંગ, વીમો, પોષણ અને સંલગ્ન પ્રવૃત્તિઓમાં તળિયાના સ્તરે સહાય કરે છે. 6 થી 8 વર્ષના કાર્યકાળમાં, સ્વ-સહાય જૂથના પરિવારો ખાદ્ય સુરક્ષા અને સ્થિર આવક પ્રાપ્ત કરે તેવી અપેક્ષા છે, આમ ટકાઉ આજીવિકા સુધારણામાં ફાળો આપશે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0147FDB.jpg

આ મંચના આધારે, રાષ્ટ્રીય ઉદ્યોગ સાહસિકતા અભિયાનનો ઉદ્દેશ્ય "હર ઘર ઉદ્યમ, હર ગામે સમૃદ્ધિ" ના દ્રષ્ટિકોણ હેઠળ 50,000 સામુદાયિક સંસાધન વ્યક્તિઓ (સીઆરપી) ને તાલીમ આપવાનો અને 50 લાખ સ્વ-સહાય જૂથ (એસએચજી) ના સભ્યોને ઉદ્યોગ વિકાસ સહાય પૂરી પાડવાનો છે. ઇન્ડિયા પોસ્ટના સહયોગથી ડિજિટલ ટૂલ્સ અને પોઈન્ટ ઓફ સેલ (પીઓએસ) ઉપકરણો દ્વારા સમર્થિત મહિલા-સંચાલિત બીસી સખીઓએ બેંકિંગ અને સામાજિક સુરક્ષા સેવાઓની પહોંચ વધુ વિસ્તારી છે.મોખરાના સ્થાને, દીનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM) ના સમુદાય સંસાધન વ્યક્તિઓ (CRPs) અને આંગણવાડી કાર્યકરો, સહાયક નર્સ મિડવાઈફ (ANMs), અને આશા કાર્યકરો વચ્ચેના સમન્વયે વર્તણૂક પરિવર્તન સંચાર (SBCC) આધારિત સામુદાયિક જોડાણને મજબૂત બનાવ્યું છે, જેના પરિણામે માતા અને બાળકના સ્વાસ્થ્ય પદ્ધતિઓ અને આરોગ્ય સેવાઓના ઉપયોગમાં સુધારો થયો છે.

 

સમાવેશી આજીવિકા યોજના: અતિ ગરીબ ઉન્નતિ અભિગમ

દિન દયાળ અંત્યોદય યોજના - રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM) હેઠળ એપ્રિલ 202૩ માં શરૂ કરવામાં આવેલી સમાવેશી આજીવિકા યોજના, ગ્રામીણ મહિલાઓમાં ટકાઉ આજીવિકાને પ્રોત્સાહન આપવા માટે અત્યંત ગરીબ પરિવારોને સ્વનિર્ભર બનાવવાનો અભિગમ અપનાવે છે, આજીવિકા, સામાજિક સુરક્ષા, સામાજિક સશક્તિકરણ અને નાણાકીય સમાવેશ જેવા ક્ષેત્રોમાં સંકલિત સહાય દ્વારા.રાજ્ય-સ્તરના પાયલોટ પ્રોજેક્ટ્સ, જેમ કે બિહારની સતત જીવિકોપાર્જન યોજના (SJY), સંપત્તિનું હસ્તાંતરણ, તાલીમ, ક્ષમતા નિર્માણ અને સમયબદ્ધ આજીવિકા સહાય દ્વારા આ મોડેલની અસરકારકતા દર્શાવે છે. આને સામાજિક સુરક્ષા યોજનાઓની સુલભતા અને સમુદાય-આધારિત MIS દ્વારા ડેટા-સંચાલિત દેખરેખ દ્વારા પૂરક બનાવવામાં આવે છે.

અન્ન, પોષણ, આરોગ્ય અને જળ, સ્વચ્છતા અને આરોગ્યપ્રદતા માટે સમુદાય આધારિત અભિગમો

ભારતમાં આરોગ્ય અને પોષણના પરિણામોમાં થયેલો સુધારો રાષ્ટ્રીય કાર્યક્રમોની સાથે સમુદાય આધારિત વિતરણ પ્રણાલીઓની વધતી ભૂમિકાને પ્રતિબિંબિત કરે છે.આર્થિક સર્વેક્ષણ 2025-26 માં નોંધ્યા મુજબ, ભારતે 1990 થી વૈશ્વિક સરેરાશ કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે, જેમાં પ્રસૂતિ મૃત્યુદરમાં 86 ટકા, પાંચ વર્ષથી ઓછી વયના બાળકોના મૃત્યુદરમાં 78 ટકા અને નવજાત શિશુ મૃત્યુદરમાં 70 ટકાનો ઘટાડો થયો છે.બાળ મૃત્યુદરમાં 2013માં દર હજાર જીવંત જન્મ દીઠ 40 થી ઘટીને 202૩ માં 25 નો ઘટાડો થયો છે, જે માતા અને બાળ આરોગ્યમાં સતત પ્રગતિ દર્શાવે છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image015MGEE.jpg

તૃણમૂળ સ્તરે પરિણામોને વધુ સુદૃઢ બનાવવા, દીનદયાળ અંત્યોદય યોજના - રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM) એ કુપોષણ, સ્વચ્છતા અને આરોગ્ય જાગૃતિ સંબંધિત ચિરકાલીન પડકારોને પહોંચી વળવા ખોરાક, પોષણ, આરોગ્ય અને પાણી, સ્વચ્છતા અને આરોગ્ય (WASH) (FNHW) સંસ્થાકીય હસ્તક્ષેપો દાખલ કર્યા છે. રાજ્ય-વિશિષ્ટ વ્યૂહરચનાઓ દ્વારા અમલમાં મુકાયેલા આ હસ્તક્ષેપો, સામાજિક અને વર્તણૂક પરિવર્તન સંચાર (SBCC) પર વિશેષ ભાર સાથે, માતા અને બાળ આરોગ્ય, આહાર વિવિધતા, એનિમિયા ઘટાડવા, માસિક સ્વચ્છતા, રોગ નિવારણ, સ્વચ્છતા પદ્ધતિઓ અને કચરા વ્યવસ્થાપનને આવરી લે છે, જ્યારે પોષણ-સંવેદનશીલ આજીવિકા, જેમ કે પોષક બગીચા, ઘરઆંગણાની મરઘાં પાલન, નાના પશુધન અને ડેરી ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે.2025 સુધીમાં, FNHW ની પહેલ 68૩ જિલ્લાઓના 6,406 બ્લોકમાં શરૂ કરવામાં આવી હતી, જેના પરિણામે સમુદાયની સક્રિય ભાગીદારી મજબૂત બની, પંચાયત સ્તરની પહેલ અને સરકારી યોજનાઓ વિશે જાગૃતિ વધી, અને વધુ સમાવેશી તથા સહભાગી સ્થાનિક શાસન તરફ વર્તણૂકમાં ફેરફારને સમર્થન મળ્યું.

ગ્રામ્ય વિસ્તારોમાં કૌશલ્ય વિકાસ, ઉદ્યોગસાહસિકતા અને રોજગાર

ભારતીય ગ્રામીણ શ્રમ બજાર કૃષિ અને સ્વ-રોજગાર પરની ઉચ્ચ નિર્ભરતા દ્વારા આકાર પામેલું એક વિશિષ્ટ રોજગાર માળખું ધરાવે છે.પિરિયડિક લેબર ફોર્સ સર્વે (પીએલએફએસ) (ઓક્ટોબર-ડિસેમ્બર 2025) અનુસાર, ગ્રામીણ રોજગારમાં ખેતમજૂરો (58.5 ટકા) અને સ્વરોજગાર (6૩.2 ટકા) અગ્રસ્થાને છે, આ શ્રેણીઓમાં મહિલાઓની ભાગીદારી પ્રમાણમાં વધુ જોવા મળે છે.આ ગ્રામીણ પરિસ્થિતિઓને અનુરૂપ આજીવિકા, કૌશલ્ય અને ઉદ્યોગસાહસિકતાની તકોને સુદ્રઢ કરવાના મહત્વને રેખાંકિત કરે છે.

સર્વસમાવેશી ગ્રામીણ વિકાસ માટે કૌશલ્ય વિકાસના માર્ગો

ગ્રામીણ વિસ્તારોમાં ઉત્પાદક રોજગારને પ્રોત્સાહન આપવા અને આજીવિકાની તકોમાં વૈવિધ્ય લાવવા માટે કૌશલ્ય વિકાસ એક મહત્વપૂર્ણ સાધન છે.દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના (DDU-GKY) માંગ આધારિત કૌશલ્ય તાલીમ દ્વારા આ ઉદ્દેશ્યને પૂર્ણ કરે છે, જેને સુનિશ્ચિત રોજગાર પ્લેસમેન્ટ સાથે જોડવામાં આવે છે. આ તાલીમની ગુણવત્તા અને ઉદ્યોગની સુસંગતતા રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ નિગમ (NSDC) ના ક્ષેત્રીય કૌશલ્ય પરિષદો દ્વારા ફરજિયાત તૃતીય-પક્ષ પ્રમાણપત્ર દ્વારા સુનિશ્ચિત કરવામાં આવે છે. કાર્યક્રમ 15 થી ૩5 વર્ષની વયના ગરીબ ગ્રામીણ યુવાનોને લક્ષ્ય બનાવે છે. મહિલાઓ અને દિવ્યાંગ વ્યક્તિઓ, વિશેષ રૂપે સંવેદનશીલ આદિવાસી જૂથો, તથા ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ સહિતના અન્ય નબળા જૂથો માટે ઉપલી વય મર્યાદા 45 વર્ષ સુધી લંબાવવામાં આવી છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0166Q1H.jpg

27 રાજ્યો અને 4 કેન્દ્રશાસિત પ્રદેશોમાં અમલી ડીડીયુ-જીકેવાય યોજના ૩7 ક્ષેત્રો અને 816 જોબ રોલને આવરી લેતા 2,૩69 તાલીમ કેન્દ્રો દ્વારા કાર્યરત છે.ઓક્ટોબર 2025 સુધીમાં, વર્ષ દરમિયાન 82,272 ઉમેદવારોને તાલીમ આપવામાં આવી હતી અને ૩7,0૩5 ને રોજગાર મળ્યો હતો. સ્થાપનાકાળથી એકંદરે 17.92 લાખ યુવાનોએ તાલીમ મેળવી છે અને 11.64 લાખને વેતનયુક્ત રોજગારમાં સ્થાપિત કરવામાં આવ્યા છે.દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના (ડીડીયુ-જીકેવાય) ને પૂરક ભૂમિકા ભજવતા, ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાઓ (આરસેટી) જાહેર-ખાનગી ભાગીદારી મોડેલ હેઠળ ૩૩ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના 616 જિલ્લાઓમાં આવેલી 629 સંસ્થાઓમાં કાર્ય કરે છે, જે સ્થાનિક રીતે સુસંગત કૌશલ્ય અને ઉદ્યોગસાહસિકતા તાલીમ દ્વારા વેતનયુક્ત રોજગાર અને સ્વરોજગાર બંનેને પ્રોત્સાહન આપે છે.સ્થાપનાથી, ગ્રામીણ સ્વ-રોજગાર તાલીમ સંસ્થાઓ (RSETIs) એ લગભગ 59 લાખ ગ્રામીણ યુવાનોને તાલીમ આપી છે, જેમાંથી લગભગ 43 લાખ સ્વ-રોજગાર અથવા વેતન-રોજગારમાં સ્થાયી થયા છે. આ ગ્રામીણ શ્રમ બજારના પરિણામો અને સાહસ નિર્માણને મજબૂત કરવામાં RSETIs ના યોગદાનને રેખાંકિત કરે છે.

ગ્રામીણ ભારતમાં મહિલા ઉદ્યોગસાહસિકતાના માર્ગો

મહિલા ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવું એ ગ્રામીણ આવક વધારવા અને મહિલા શ્રમ દળની ભાગીદારી વધારવા માટે અભિન્ન અંગ છે.ઉત્પાદન, નવીનીકરણીય ઉર્જા, ડિજિટલ સેવાઓ અને એગ્રો-પ્રોસેસિંગ જેવા ઉભરતા ક્ષેત્રો સાથે કૌશલ્ય વિકાસ પહેલને સંરેખિત કરવાથી મહિલાઓ માટે આર્થિક તકોનો વ્યાપ વધે છે.‘કાર્ય પર પાછાઅને પુનરાગમન કાર્યક્રમોજેવા પૂરક પગલાં કાર્યબળમાં ફરી પ્રવેશને સુગમ બનાવે છે.તે જ સમયે, સ્વ-સહાય જૂથો (SHGs) ને સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ ઇકોસિસ્ટમમાં સામેલ કરવાથી મહિલાઓને જીવનનિર્વાહની પ્રવૃત્તિઓમાંથી ઔપચારિક, વૃદ્ધિ-લક્ષી સાહસો તરફ સંક્રમણ કરવામાં મદદ મળે છે.

ગ્રામીણ મહિલા-સંચાલિત સાહસો માટે શી-માર્ટ્સ

લખપતિ દીદી કાર્યક્રમની સફળતાને આગળ ધપાવતા, કેન્દ્રીય બજેટ 2026-27 ક્લસ્ટર-લેવલ ફેડરેશન્સ હેઠળ સમુદાય-માલિકીના છૂટક આઉટલેટ્સ તરીકે સેલ્ફ-હેલ્પ એન્ટરપ્રિન્યોર (SHE) માર્ટસની સ્થાપના કરવાનો પ્રસ્તાવ મૂકે છે.ઉન્નત અને નવીન નાણાકીય પદ્ધતિઓના સહયોગથી, આ પહેલોનો ઉદ્દેશ મહિલાઓની આજીવિકાને ધિરાણ-આધારિત પ્રવૃત્તિઓમાંથી ટકાઉ ઉદ્યોગ સાહસિકતા તરફ વાળવાનો છે.

ગ્રામીણ ભારતમાં રોજગારની તકોને આગળ ધપાવવી

વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ) અધિનિયમ, 2025, ભારતના ગ્રામીણ રોજગાર નીતિમાં એક મહત્વપૂર્ણ સુધારો દર્શાવે છે.વર્ષ 2026-27માં 95,692.૩1 કરોડના બજેટની ફાળવણી સાથે, આ કાયદો જવાબદેહી પદ્ધતિઓને મજબૂત કરીને અને માળખાકીય વિકાસ તેમજ આબોહવા સ્થિતિસ્થાપકતાના ઉદ્દેશ્યો સાથે રોજગાર સર્જનને સુસંગત કરીને રોજગાર ગેરંટી વ્યવસ્થાને આધુનિક બનાવે છે.આ અધિનિયમ મનરેગા કરતાં નોંધપાત્ર પ્રગતિ છે.

  • આ કાયદો દરેક ગ્રામીણ પરિવારને વાર્ષિક 125 દિવસના અકુશળ વેતન રોજગારનો કાયદેસરનો હક પ્રસ્થાપિત કરે છે.
  • તે ચાર પ્રાથમિક ક્ષેત્રોને ઓળખાવે છે: જળ સુરક્ષા, ગ્રામીણ માળખાકીય સુવિધાઓ, આજીવિકા અને આપત્તિની તૈયારી.
  • આ અધિકાર આધારિત સુરક્ષાને સુદૃઢ કરે છે, જેમાં રોજગારમાં વિલંબ માટે વળતરની જોગવાઈઓ, અયોગ્યતાની કલમો દૂર કરવી અને જવાબદારીને મજબૂત બનાવવાનો સમાવેશ થાય છે.

નિષ્કર્ષ

છેલ્લા દાયકામાં ભારતના ગ્રામીણ વિકાસની યાત્રા સૂચવે છે કે વિખરાયેલી કલ્યાણકારી જોગવાઈઓમાંથી સંકલિત, વિકેન્દ્રિત અને સમુદાય-આધારિત વિકાસ દાખલા તરફ માળખાકીય પરિવર્તન આવ્યું છે.લાંબા સમયથી ચાલતા જાહેર રોકાણના કારણે બજેટની ફાળવણીમાં નોંધપાત્ર વધારો થયો છે, જેના કારણે આવાસ, ગ્રામીણ જોડાણ, પીવાનું પાણી, સ્વચ્છતા, ડિજિટલ સેવાઓ અને સામાજિક સુરક્ષાની ઉપલબ્ધતા વિસ્તરી છે, અને સાથે જ ગ્રામીણ વિસ્તારોમાં આજીવિકા, કૌશલ્ય નિર્માણ અને સાહસિકતાને મજબૂત કરી રહ્યું છે.આ પરિવર્તનના કેન્દ્રમાં પંચાયતી રાજ સંસ્થાઓ, સ્વ-સહાય જૂથો અને સામુદાયિક કેડર સહિતની સ્થાનિક સંસ્થાઓનું સશક્તિકરણ રહ્યું છે, જેમણે ગ્રામીણ શાસનને નિષ્ક્રિય લાભાર્થી મોડેલમાંથી જન ભાગીદારીના સિદ્ધાંત પર આધારિત સક્રિય અને સહભાગી ભાગીદારીમાં રૂપાંતરિત કર્યું છે.ટેકનોલોજી આધારિત સેવા વિતરણ, મહિલા-સંચાલિત સાંસ્થાનિક માળખાં અને ક્રમિક સ્વાવલંબન આધારિત આજીવિકા વ્યૂહરચનાઓએ ખાસ કરીને સંવેદનશીલ અને વંચિત સમુદાયોમાં પારદર્શિતા, સમાવેશીતા અને સ્થિતિસ્થાપકતાને વધુ સુદ્રઢ કર્યા છે.એકંદરે, આ સુધારાઓ ગ્રામીણ ભારતને માત્ર વિકાસલક્ષી હસ્તક્ષેપોના પ્રાપ્તકર્તા તરીકે નહીં, પરંતુ સર્વસમાવેશી વિકાસ, લોકશાહી શાસન અને લાંબા ગાળાની સામાજિક-આર્થિક સ્થિરતાના મુખ્ય પ્રેરક બળ તરીકે સ્થાન આપે છે.

SM/IJ/GP/DK/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2229624) મુલાકાતી સંખ્યા : 20
આ રીલીઝ વાંચો: English , हिन्दी , Bengali , Bengali-TR , Odia