કૃષિ મંત્રાલય
“આર્થિક સર્વેક્ષણ ભારતીય કૃષિ અને ગ્રામીણ ભારતની શક્તિનું દસ્તાવેજીકરણ કરે છે”: શ્રી શિવરાજ સિંહ ચૌહાણ
કૃષિ ક્ષેત્રે પાંચ વર્ષમાં 4.4 ટકાનો અભૂતપૂર્વ વૃદ્ધિ દર નોંધાયો
બાગાયતી ઉત્પાદન 2024-25 માં 367.72 મિલિયન ટન પર પહોંચ્યું
“ગ્રામીણ ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઐતિહાસિક વિસ્તાર”: શ્રી શિવરાજ સિંહ ચૌહાણ
प्रविष्टि तिथि:
29 JAN 2026 8:14PM by PIB Ahmedabad
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે સોમવારે આર્થિક સર્વેક્ષણ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે સર્વેક્ષણના ડેટા સ્પષ્ટપણે દર્શાવે છે કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશે કૃષિ અને ગ્રામીણ વિકાસ બંને ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રગતિ કરી છે.
કૃષિમાં સતત અને સ્થિર વૃદ્ધિ
શ્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં, કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં સ્થિર ભાવે સરેરાશ વાર્ષિક 4.4 ટકાનો વૃદ્ધિ દર નોંધાયો છે, જે વૈશ્વિક સરેરાશ કરતા વધારે છે. નાણાકીય વર્ષ 2016 થી 2025 ના દાયકા દરમિયાન, કૃષિ ક્ષેત્રે 4.45 ટકાનો દાયકાનો વૃદ્ધિ દર નોંધાવ્યો છે, જે અગાઉના દાયકાઓની સરખામણીમાં સૌથી વધુ છે. તેમણે ઉમેર્યું હતું કે નાણાકીય વર્ષ 2025-26 ના બીજા ક્વાર્ટરમાં પણ કૃષિ ક્ષેત્રે 3.5 ટકાનો વૃદ્ધિ દર નોંધાવ્યો છે, જે તેની શક્તિ અને સ્થિતિસ્થાપકતાને પ્રતિબિંબિત કરે છે.
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2024-25 માં દેશનું ખાદ્યાન્ન ઉત્પાદન 357.73 મિલિયન ટનના વિક્રમી સ્તરે પહોંચ્યું છે. આ વધારો મુખ્યત્વે ચોખા, ઘઉં, મકાઈ અને ‘શ્રી અન્ન’ (બાજરી) સહિતના બરછટ અનાજના સુધારેલા ઉત્પાદનને કારણે થયો હતો. આજે ભારત માત્ર ખાદ્યાન્ન ઉત્પાદનમાં આત્મનિર્ભર નથી પરંતુ અનેક પાકોમાં વૈશ્વિક સ્તરે અગ્રેસર ભૂમિકા પણ ભજવી રહ્યું છે.

બાગાયત કૃષિ વૃદ્ધિમાં ઉજ્જવળ પાસા તરીકે ઉભરી આવ્યું
શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે કૃષિ ગ્રોસ વેલ્યુ એડેડ (GVA) માં લગભગ 33 ટકા હિસ્સા સાથે, બાગાયત ક્ષેત્ર ભારતીય કૃષિમાં સૌથી ઉજ્જવળ પાસા તરીકે ઉભરી આવ્યું છે. બાગાયતી ઉત્પાદન નાણાકીય વર્ષ 2013-14 માં 280.70 મિલિયન ટનથી વધીને 2024-25 માં 367.72 મિલિયન ટન થયું છે.
આ સમયગાળા દરમિયાન ફળનું ઉત્પાદન 114.51 મિલિયન ટન, શાકભાજીનું ઉત્પાદન 219.67 મિલિયન ટન અને અન્ય બાગાયતી પાકોનું ઉત્પાદન 33.54 મિલિયન ટન રહ્યું હતું.
કેન્દ્રીય કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે ભારત હવે વિશ્વમાં ડુંગળીનું સૌથી મોટું ઉત્પાદક બની ગયું છે, જે વૈશ્વિક ડુંગળી ઉત્પાદનમાં લગભગ 25 ટકા યોગદાન આપે છે. તે જ સમયે, ભારત શાકભાજી, ફળો અને બટાકાનું વિશ્વનું બીજું સૌથી મોટું ઉત્પાદક છે, જે આ દરેક શ્રેણીમાં લગભગ 12-13 ટકા વૈશ્વિક હિસ્સો ધરાવે છે.

ગ્રામીણ ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઐતિહાસિક વિસ્તાર
ગ્રામીણ વિકાસમાં સિદ્ધિઓને રેખાંકિત કરતા શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે રસ્તાઓ, આવાસ, પીવાનું પાણી અને ડિજિટલ કનેક્ટિવિટી સહિત ગ્રામીણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના (PMGSY) હેઠળ, 99.6 ટકાથી વધુ પાત્ર વસાહતો હવે તમામ હવામાનમાં અનુકૂળ રસ્તાઓ સાથે જોડાઈ ગઈ છે. તેમણે કહ્યું કે PMGSY ના વિવિધ તબક્કાઓ હેઠળ લાખો કિલોમીટરના રસ્તાઓ અને હજારો પુલોનું નિર્માણ પૂર્ણ થયું છે. PMGSY-IV હેઠળ 10,000 કિલોમીટરથી વધુ રસ્તાના પ્રોજેક્ટ્સ મંજૂર કરવામાં આવ્યા છે, જે જમ્મુ અને કાશ્મીર, છત્તીસગઢ, ઉત્તરાખંડ, રાજસ્થાન, સિક્કિમ અને હિમાચલ પ્રદેશમાં લગભગ 3,270 અસંલગ્ન વસાહતો માટે આવશ્યક સેવાઓની પહોંચ સુનિશ્ચિત કરશે.
આવાસ, ડિજિટલ સશક્તિકરણ અને આજીવિકામાં પરિવર્તન
કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે ‘હાઉસિંગ ફોર ઓલ’ (સૌને આવાસ) ના મિશન હેઠળ છેલ્લા 11 વર્ષમાં ગ્રામીણ વિસ્તારોમાં 3.70 કરોડ પાકા મકાનો બનાવવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ હેઠળ 4.14 કરોડ મકાનોનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, જેમાંથી મોટાભાગના મકાનો પહેલેથી જ મંજૂર થઈ ગયા છે. ડિજિટલ અને તકનીકી પહેલોનો ઉલ્લેખ કરતા શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે સ્વામિત્વ (SVAMITVA - Survey of Villages and Mapping with Improvised Technology in Village Areas) યોજના હેઠળ 3.28 લાખ ગામોમાં ડ્રોન સરવૅ પૂર્ણ કરવામાં આવ્યો છે અને 2.76 કરોડ પ્રોપર્ટી કાર્ડ જારી કરવામાં આવ્યા છે. ડિજિટલ ઈન્ડિયા લેન્ડ રેકોર્ડ્સ મોડર્નાઈઝેશન પ્રોગ્રામ હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં 99.8 ટકા જમીન રેકોર્ડનું ડિજિટાઈઝેશન પૂર્ણ થઈ ગયું છે. નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન હેઠળ 10 કરોડથી વધુ ગ્રામીણ મહિલાઓ હવે 90 લાખથી વધુ સ્વ-સહાય જૂથો (Self-Help Groups) સાથે જોડાયેલી છે. ‘લખપતિ દીદી’ ની સંખ્યા 2.5 કરોડને વટાવી ગઈ છે, જે ગ્રામીણ મહિલાઓના આર્થિક સશક્તિકરણમાં એક મોટી સિદ્ધિ છે. શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે આર્થિક સર્વેક્ષણ પ્રતિબિંબિત કરે છે કે કેવી રીતે સાતત્યપૂર્ણ નીતિગત ધ્યાન, સંસ્થાકીય સુધારાઓ અને લક્ષિત રોકાણોએ કૃષિને મજબૂત કરી છે અને ગ્રામીણ ભારતને બદલી નાખ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે આ પરિણામો સર્વસમાવેશક વિકાસ, ખેડૂત કલ્યાણ અને ટકાઉ ગ્રામીણ વિકાસ માટે સરકારની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે, જે સુનિશ્ચિત કરે છે કે ભારતની વિકસિત રાષ્ટ્ર બનવાની સફરમાં ગામડાઓ કેન્દ્રીય ભૂમિકા ભજવે.
SM/NP/GP/JD
(रिलीज़ आईडी: 2220518)
आगंतुक पटल : 8