લોકસભા સચિવાલય
azadi ka amrit mahotsav

86માં અખિલ ભારતીય પીઠાસીન અધિકારી સંમેલન (AIPOC)નું લખનૌમાં ઉદ્ઘાટન; લોકસભા અધ્યક્ષ શ્રી ઓમ બિરલાએ સંબોધન કર્યું


સંમેલનના સફળ આયોજન માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શુભેચ્છા સંદેશ આપ્યો

પીઠાસીન અધિકારીનું આચરણ પક્ષપાતી રાજનીતિથી હટીને સંપૂર્ણપણે ન્યાયપૂર્ણ હોવું જોઈએ, તથા ન્યાયપૂર્ણ દેખાવું પણ જોઈએ: લોકસભા અધ્યક્ષ

રાજ્ય વિધાનસભાઓની કાર્યવાહી માટે એક નિશ્ચિત અને પૂરતો સમય સુનિશ્ચિત કરવો આવશ્યક છે: લોકસભા અધ્યક્ષ

ગૃહ જેટલું વધુ ચાલશે, તેટલી જ વધુ સાર્થક, ગંભીર અને પરિણામલક્ષી ચર્ચા શક્ય બનશે: લોકસભા અધ્યક્ષ

प्रविष्टि तिथि: 18 JAN 2026 8:32PM by PIB Ahmedabad

86મું અખિલ ભારતીય પીઠાસીન અધિકારી સંમેલન (AIPOC) આજે ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં શરૂ થયું. ત્રણ દિવસીય આ સંમેલનનું ઉદ્ઘાટન ઉત્તર પ્રદેશના માનનીય રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલે કર્યું હતું.

લોકસભા અધ્યક્ષ શ્રી ઓમ બિરલાએ સંમેલનના ઉદ્ઘાટન સત્રમાં મુખ્ય સંબોધન આપ્યું હતું. સંમેલનમાં 28 રાજ્યો, 3 કેન્દ્રશાસિત પ્રદેશોની વિધાનસભાઓ તથા 6 વિધાન પરિષદોના પીઠાસીન અધિકારીઓ સહભાગી થઈ રહ્યા છે. આ પ્રસંગે ઉત્તર પ્રદેશ વિધાનસભાના અધ્યક્ષ શ્રી સતીશ મહાનાએ સંમેલનમાં સામેલ તમામ પીઠાસીન અધિકારીઓ માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો શુભેચ્છા સંદેશ વાંચ્યો હતો.

પોતાના ઉદ્બોધનમાં લોકસભા અધ્યક્ષ શ્રી ઓમ બિરલાએ કહ્યું કે પીઠાસીન અધિકારી ભલે ગમે તે રાજકીય પક્ષમાંથી આવતા હોય, તેમનું આચરણ પક્ષપાતી રાજનીતિથી હટીને સંપૂર્ણપણે ન્યાયપૂર્ણ અને નિષ્પક્ષ હોવું જોઈએ તથા ન્યાયપૂર્ણ અને નિષ્પક્ષ દેખાવું પણ જોઈએ.

પોતાના સંબોધનમાં લોકસભા અધ્યક્ષ શ્રી ઓમ બિરલાએ કહ્યું કે વિધાયિકા (ધારાસભા) ના માધ્યમથી જનતાની આકાંક્ષાઓ અને અવાજ શાસન સુધી પહોંચે છે, તથા તેમનું સમાધાન થાય છે. એવામાં રાજ્ય વિધાનમંડળોની કાર્યવાહીનો ઘટતો સમય સૌના માટે ચિંતાજનક છે. શ્રી બિરલાએ રાજ્ય વિધાનમંડળોની કાર્યવાહી માટે નિશ્ચિત અને પૂરતો સમય સુનિશ્ચિત કરવા પર ભાર મૂકતા કહ્યું કે ગૃહ જેટલું વધુ ચાલશે, તેટલી જ વધુ સાર્થક, ગંભીર અને પરિણામલક્ષી ચર્ચા શક્ય બનશે.

શ્રી બિરલાએ કહ્યું કે આધુનિક સૂચના અને સંચાર ટેકનોલોજી તથા સોશિયલ મીડિયાના યુગમાં જનપ્રતિનિધિઓના પ્રત્યેક આચરણ પર જનતાની દ્રષ્ટિ રહે છે, તેથી સંસદીય શિષ્ટાચાર અને શિસ્તનું પાલન કરવું વધુ આવશ્યક બની ગયું છે. તેમણે કહ્યું કે આજે ટેકનોલોજીના યુગમાં જ્યારે ચારે બાજુથી માહિતીનો પ્રવાહ વહે છે, ત્યારે ગૃહની પ્રામાણિકતા જાળવી રાખવી, આપણા સૌની મોટી જવાબદારી છે.

તેમણે કહ્યું કે અખિલ ભારતીય પીઠાસીન અધિકારી સંમેલન જેવા મંચો લોકશાહી સંસ્થાઓ વચ્ચે સહયોગ વધારે છે, પરસ્પર સંકલનને મજબૂત કરે છે અને શાસન વ્યવસ્થાને વધુ અસરકારક બનાવે છે. આ સંમેલનોથી દેશભરમાં નીતિઓ અને કલ્યાણકારી ઉપાયોમાં સામંજસ્ય સ્થાપિત કરવામાં પણ મદદ મળે છે.

શ્રી બિરલાએ કહ્યું કે પીઠાસીન અધિકારીઓ તરીકે એ આપણી ફરજ છે કે ગૃહમાં તમામ સભ્યોને, ખાસ કરીને નવા અને યુવા સભ્યોને પૂરતી તકો પૂરી પાડવામાં આવે, જેથી વિધાનમંડળ જનતાની સમસ્યાઓને ઉઠાવવાનું સૌથી અસરકારક મંચ બની રહે.

ત્રણ દિવસીય આ સંમેલનમાં આગામી બે દિવસ પૂર્ણ સત્રોમાં વિધાયી પ્રક્રિયાઓમાં ટેકનોલોજીનો ઉપયોગ, ધારાસભ્યોનું ક્ષમતા-નિર્માણ તથા જનતા પ્રત્યે વિધાયિકાની જવાબદારી જેવા મહત્વના વિષયો પર વિગતવાર ચર્ચા કરવામાં આવશે.

આ ચોથી વખત છે જ્યારે ઉત્તર પ્રદેશ આ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સંમેલનની યજમાની કરી રહ્યું છે. અગાઉ રાજ્યમાં ડિસેમ્બર 1961, ઓક્ટોબર 1985 તથા જાન્યુઆરી-ફેબ્રુઆરી 2015માં આ સંમેલનનું આયોજન કરવામાં આવી ચૂક્યું છે.

86મું અખિલ ભારતીય પીઠાસીન અધિકારી સંમેલન 21 જાન્યુઆરી, 2026ના રોજ સંપન્ન થશે. આ પ્રસંગે લોકસભા અધ્યક્ષ શ્રી ઓમ બિરલા સમાપન સત્રને સંબોધિત કરશે. સંમેલન બાદ શ્રી બિરલા મીડિયાને સંબોધિત કરતા પ્રેસ કોન્ફરન્સ પણ કરશે.

SM/IJ/GP/JD


(रिलीज़ आईडी: 2216279) आगंतुक पटल : 19
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: हिन्दी , Punjabi , English , Urdu