પશુ સંવર્ધન, ડેરી અને મત્સ્ય ઉછેર મંત્રાલય
ભારત અને ઈઝરાયલે મત્સ્યઉદ્યોગ અને એક્વાકલ્ચરમાં સહયોગ મજબૂત કરવા માટે સંયુક્ત મંત્રી સ્તરના જાહેરનામા પર હસ્તાક્ષર કર્યા
प्रविष्टि तिथि:
15 JAN 2026 8:24PM by PIB Ahmedabad
માનનીય કેન્દ્રીય મત્સ્યઉદ્યોગ, પશુપાલન અને ડેરી; અને પંચાયતી રાજ મંત્રી શ્રી રાજીવ રંજન સિંહના નેતૃત્વમાં એક ઉચ્ચ સ્તરીય ભારતીય પ્રતિનિધિમંડળે, ઈઝરાયેલના ઈલાત (Eilat) ખાતે યોજાયેલ "બ્લુ ફૂડ સિક્યુરિટી: સી ધ ફ્યુચર 2026" પરની બીજી વૈશ્વિક સમિટમાં ભાગ લેવા માટે 13-15 જાન્યુઆરી 2026 દરમિયાન ઈઝરાયેલની સફળ મુલાકાત પૂર્ણ કરી. આ મુલાકાત મત્સ્યઉદ્યોગ અને એક્વાકલ્ચર ક્ષેત્રમાં ભારત અને ઈઝરાયેલ વચ્ચેના દ્વિપક્ષીય સહયોગને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.
ભારત અને ઈઝરાયેલ વચ્ચેની લાંબા સમયની અને વ્યૂહાત્મક ભાગીદારી, ટકાઉ વિકાસ માટેના સમાન વિઝનનો સ્વીકાર કરીને, બંને દેશોમાં ખાદ્ય સુરક્ષા, આજીવિકા અને આર્થિક વૃદ્ધિ માટે મત્સ્યઉદ્યોગ અને એક્વાકલ્ચરની મહત્વની ભૂમિકાને ઓળખીને, અને એક્વાકલ્ચર અને મત્સ્યઉદ્યોગ, જળ વ્યવસ્થાપનમાં ઈઝરાયેલની અદ્યતન ટેકનોલોજી અને નવીનતાઓ અને ભારતના વિશાળ જળચર સંસાધનોને હાઈલાઈટ કરીને, બંને પક્ષોએ પ્રથમ વખત મત્સ્યઉદ્યોગ અને એક્વાકલ્ચરના ક્ષેત્રમાં સહયોગ મજબૂત કરવા માટે સંયુક્ત મંત્રી સ્તરના ઇરાદાના જાહેરનામા પર હસ્તાક્ષર કર્યા.

આ સંયુક્ત જાહેરનામું પરસ્પર હિતના વિવિધ ક્ષેત્રોમાં સહયોગ માટે એક વ્યાપક માળખું નક્કી કરે છે. સહયોગના મુખ્ય ક્ષેત્રોમાં અદ્યતન એક્વાકલ્ચર ટેકનોલોજી જેમ કે રિસર્ક્યુલેટીંગ એક્વાકલ્ચર સિસ્ટમ્સ (RAS), બાયોફ્લોક, કેજ કલ્ચર (પાંજરામાં ઉછેર), એક્વાપોનિક્સ અને ઓશનેરિયમ સહિતની એક્વેરિયમ સિસ્ટમ્સમાં સંયુક્ત સંશોધન અને વિકાસ; ઉચ્ચ ઉપજ આપતી પ્રજાતિઓના સંવર્ધનમાં નિપુણતા અને પેથોજેન-મુક્ત (રોગકારક રહિત) બીજ સુધારણા વ્યૂહરચનાઓ; અને બ્રુડસ્ટોક ડેવલપમેન્ટ (સંવર્ધન જથ્થાનો વિકાસ) નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સહયોગમાં આનુવંશિક સુધારણા કાર્યક્રમો, સીવીડ (સમુદ્રી શેવાળ) ની ખેતી સહિત મેરીકલ્ચર અને ઈઝરાયેલની પાણી બચાવતી ટેકનોલોજી દ્વારા એક્વાકલ્ચરમાં જળ વ્યવસ્થાપનનો પણ સમાવેશ થાય છે. જાહેરનામું મત્સ્યઉદ્યોગ અને એક્વાકલ્ચરમાં સ્ટાર્ટ-અપ્સના આદાનપ્રદાન અને સમર્થન પર ભાર મૂકે છે અને બ્લુ ઇકોનોમીને આગળ વધારવામાં સહયોગ મજબૂત કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે.

વધુમાં, જાહેરનામું દરિયાઈ સંસાધનોના સંરક્ષણ, પર્યાવરણીય અસરો ઘટાડવા અને મત્સ્યઉદ્યોગની લાંબા ગાળાની સ્થિતિસ્થાપકતા સુનિશ્ચિત કરવા માટે ટકાઉ અને જવાબદાર માછીમારી પદ્ધતિઓને પ્રોત્સાહન આપે છે. આમાં માછીમારી સમુદાયોની સામાજિક-આર્થિક જરૂરિયાતોને સંબોધિત કરતી વખતે, પુરાવા-આધારિત સંચાલન, પારદર્શિતા અને ટ્રેસેબિલિટી (શોધક્ષમતા) સક્ષમ કરવા માટે ટેકનોલોજી-આધારિત મત્સ્યઉદ્યોગ દેખરેખ અને ડેટા-એકત્રીકરણ પ્રણાલીઓમાં સહયોગ શામેલ છે. ક્ષમતા નિર્માણ એક મુખ્ય ફોકસ રહેશે, જેમાં ઊંડા સમુદ્રમાં માછીમારી, જહાજની ડિઝાઇન અને વિકાસ, દરિયાકાંઠાના એક્વાકલ્ચર અને ટેકનોલોજી અને નવીનતા દ્વારા દરિયાઈ સંસાધન સંરક્ષણની પહેલો હશે. આ જાહેરનામા હેઠળ, બંને દેશો માછીમારો, એક્વા ખેડૂતો, વૈજ્ઞાનિકો અને નીતિ નિર્માતાઓ માટે વિનિમય કાર્યક્રમોની સાથે આધુનિક ફિશ પ્રોસેસિંગ, માર્કેટિંગ અને ફિશિંગ હાર્બર્સ અને ફિશ લેન્ડિંગ સેન્ટર્સ સહિત માળખાગત વિકાસમાં તાલીમની શોધ કરશે.
જાહેરનામું નિકાસ અને આયાતને સરળ બનાવવા, ટેરિફ અને નોન-ટેરિફ અવરોધોને દૂર કરવા અને મત્સ્યઉદ્યોગ અને એક્વાકલ્ચરમાં ટેકનોલોજી-સંચાલિત ટ્રેસેબિલિટી સિસ્ટમ્સને ટેકો આપવા માટે સંવાદ દ્વારા દ્વિપક્ષીય વેપારને મજબૂત કરવા પણ ઈચ્છે છે. સહયોગનો એક મહત્વપૂર્ણ ઘટક મત્સ્યઉદ્યોગ અને એક્વાકલ્ચર માટે નવા ઇન્ડો-ઇઝરાયેલ સેન્ટર્સ ઓફ એક્સેલન્સની સ્થાપનાની શોધ કરવાનો રહેશે, જે ઇન્ડો-ઇઝરાયેલ સહયોગ હેઠળ પહેલેથી કાર્યરત 43 કૃષિ સેન્ટર્સ ઓફ એક્સેલન્સના સફળ નેટવર્કની તર્જ પર હશે.
આ સીમાચિહ્નરૂપ કરાર બંને દેશોમાં મત્સ્યઉદ્યોગ અને એક્વાકલ્ચર ક્ષેત્રોમાં નવીનતા, ટકાઉપણું અને આર્થિક વૃદ્ધિ માટે નવા માર્ગો ખોલશે, જે ખાદ્ય સુરક્ષા અને ક્લાયમેટ-રેઝિલિયન્ટ (હવામાન-સ્થિતિસ્થાપક) વિકાસ માટે તેમની સહિયારી પ્રતિબદ્ધતાને મજબૂત બનાવશે.
SM/BS/GP/JD
(रिलीज़ आईडी: 2215104)
आगंतुक पटल : 10