ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે ગુજરાતની માણસા નગરપાલિકાના વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જીના નેતૃત્વમાં ગુજરાત સહિત દેશભરમાં વિકાસ અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણના એક નવા યુગની શરૂઆત થઈ છે

સોમનાથ મંદિરને તોડનારાઓના આજે નામોનિશાન મટી ગયા, પરંતુ સોમનાથ મંદિર હજારો વર્ષો પછી પણ વધુ ભવ્યતા સાથે ઊભું છે

સોમનાથ મંદિર આખી દુનિયાને સંદેશ આપે છે કે સનાતન ધર્મ, સંસ્કૃતિ અને લોકોની આસ્થાને મટાવવી સરળ નથી, આ સૂર્ય અને ચંદ્ર જેટલી જ અમર, અમિટ છે

માણસા ક્ષેત્રમાં અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આ 11 માળની નવી સિવિલ હોસ્પિટલ બની ગયા પછી કોઈને પણ સારવાર માટે માણસાથી બહાર જવું નહીં પડે

અમદાવાદને એક એવી સ્પોર્ટ્સ સિટી તરીકે તૈયાર કરવામાં આવી રહ્યું છે, જે માત્ર ભારત જ નહીં પરંતુ આખા વિશ્વમાં પોતાની વિશેષ ઓળખ બનાવી રહી છે

શાળા અને કોલેજના ખેલાડીઓ રમતગમતની સુવિધાઓનો ઉપયોગ કરી માત્ર પોતાના શરીર, મન અને આત્મવિશ્વાસને મજબૂત ન બનાવે પણ દુનિયાભરમાં પોતાનું નામ પણ ઉજ્જવળ કરે

प्रविष्टि तिथि: 13 JAN 2026 9:17PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે ગુજરાતની માણસા નગરપાલિકાના વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. આ પ્રસંગે મહેસાણા સંસદીય ક્ષેત્રના સાંસદ શ્રી હરિભાઈ પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત હતા.

પોતાના સંબોધનમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જીના નેતૃત્વમાં ગુજરાત સહિત દેશભરમાં વિકાસ અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણના એક નવા યુગની શરૂઆત થઈ છે. તેમણે કહ્યું કે માણસા ક્ષેત્ર ખૂબ જ મહત્વપૂર્ણ સ્ટ્રેટેજિક લોકેશન પર સ્થિત છે અને તેના સંપૂર્ણ વિકાસ માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે ગુજરાત સરકારે માણસા ક્ષેત્રમાં બેરેજનું કાર્ય શરૂ કર્યું છે. સાથે જ, રામપુર માણસા ક્ષેત્રમાં બીજો બેરેજ અને ગાંધીનગર પાસે ત્રીજો બેરેજ બનાવવાની જોગવાઈ છે જેથી ઉન્નત જળ વ્યવસ્થાપન હેઠળ હાનિકારક ફ્લોરાઈડ-યુક્ત પાણીથી જનતાને મુક્તિ મળે અને આવનારી પેઢીઓને લાભ મળી શકે.

શ્રી અમિત શાહે કહ્યું કે માણસા ક્ષેત્રમાં નવી સિવિલ હોસ્પિટલ બનાવવામાં આવશે, વર્ષ 2030 સુધી અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આ 11 માળની હોસ્પિટલ બની ગયા પછી કોઈને પણ સારવાર માટે માણસાથી બહાર જવું નહીં પડે. તેમણે કહ્યું કે નવી સિવિલ હોસ્પિટલ બન્યા પછી SD આર્ટ્સ અને BR કોમર્સ કોલેજ કેમ્પસની અંદર મેડિકલ કોલેજની શરૂઆત પણ કરવામાં આવશે. શ્રી શાહે કહ્યું કે 110 કરોડ રૂપિયાના ખર્ચે માણસાથી પિલવાઈ વચ્ચે હાઈવે અને 100 કરોડ રૂપિયાના ખર્ચે બલવા થી ગોચરિયાનું નિર્માણ કરવામાં આવશે.

શ્રી અમિત શાહે કહ્યું કે મોદી જીએ 11 તારીખથી આખું એક વર્ષ ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ ની શરૂઆત કરી, એક હજાર વર્ષ પહેલા આપણું ભવ્ય સોમનાથનું મંદિર મહોમ્મદ ગઝનીએ તોડ્યું હતું, ફરી સતત અલાઉદ્દીન ખિલજી, અહેમદ શાહ, મહોમ્મદ બેગડા અને ઔરંગઝેબ, સતત આ લોકો મંદિર તોડતા રહ્યા અને આપણા પૂર્વજો નવું બનાવતા રહ્યા, તોડનારાઓને તોડવામાં વિશ્વાસ હતો, બનાવનારાઓને બનાવવામાં વિશ્વાસ હતો. એક હજાર વર્ષ પછી જુઓ, તોડનારા ક્યાંક ને ક્યાંક ગુમ થઈ ગયા અને સોમનાથનું મંદિર આજે પણ અડીખમ સમુદ્રના કિનારે ઊભું છે. આ સોમનાથના મંદિરનું સરદાર પટેલ, કે. એમ. મુનશી, જામ સાહેબ અને આપણા પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ જેવા મહાનુભાવોએ સંકલ્પ કરીને પુનઃનિર્માણ કર્યું, સંકલ્પ પાછળનો આશય શું હતો કે સોમનાથ પર કરવામાં આવેલો હુમલો, તે માત્ર મંદિર પરનો હુમલો નહોતો પરંતુ, આપણા વિશ્વાસ, આપણા ધર્મ અને આપણા સ્વાભિમાન પર હુમલો હતો અને તેનો જવાબ હુમલાથી ન હોઈ શકે, તેનો જવાબ સ્વાભિમાનની રક્ષાથી જ હોઈ શકે છે અને આજે એક હજાર વર્ષ પછી 16-16 વાર તોડ્યા પછી પણ સોમનાથ મંદિર ગગનચુંબી ભગવા ધ્વજ સાથે ત્યાં જ પ્રસ્થાપિત છે અને ભવ્ય સોમનાથ કોરિડોર મોદી જીના નેતૃત્વમાં ત્યાં બની રહ્યો છે. આ આખી દુનિયાને સંદેશ છે કે સનાતન ધર્મ, ભારતીય સંસ્કૃતિ અને ભારતના લોકોની આસ્થાને મટાવવી એટલી સરળ નથી, આ તો સૂર્ય અને ચંદ્ર જેટલી જ અમર અને અમિટ છે. સોમનાથનું આ મંદિર ભારતના વિશ્વાસ, આસ્થા અને ગૌરવનું પ્રતીક છે. આગામી આખું એક વર્ષ ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ તરીકે આપણે ઉજવવા જઈ રહ્યા છીએ, અનેક કાર્યક્રમો થવાના છે, ભારતની આત્માને ઢંઢોળવા માટે, ચેતનાને જાગૃત કરવા માટે અને સનાતન ધર્મનાં મૂળિયાંને પાતાળ સુધી, ઊંડાઈ સુધી લઈ જવા માટે આ સોમનાથ સ્વાભિમાન વર્ષ આપણા સૌના માટે મહત્વપૂર્ણ છે.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના નિર્માણ માટે ગુજરાત સરકારનો આભાર માનતા સંબંધિત કલેક્ટરને નિર્દેશ આપ્યો કે આ શ્રેષ્ઠ જિમને માત્ર ખેલાડીઓ માટે જ નહીં પરંતુ માણસાના નાગરિકો માટે પણ ખોલી દેવામાં આવે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી મોદી જીના નેતૃત્વમાં ગુજરાત સહિત આખા દેશમાં રમતગમત અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું સુંદર વાતાવરણ તૈયાર કરવામાં આવ્યું છે. અમદાવાદને એક એવી સ્પોર્ટ્સ સિટી તરીકે તૈયાર કરવામાં આવી રહ્યું છે જે માત્ર ભારત જ નહીં પરંતુ આખી દુનિયામાં પોતાની વિશેષ ઓળખ બનાવી રહી છે.

શ્રી અમિત શાહે કહ્યું કે વર્ષ 2030 માં યોજાનારી કોમનવેલ્થ રમતોમાં 117 દેશોના ખેલાડીઓ અમદાવાદ આવશે. આ ઉપરાંત 2029 માં વર્લ્ડ પોલીસ અને ફાયર સર્વિસ ગેમ પણ અમદાવાદમાં યોજાશે. તેમણે કહ્યું કે 2036 ની ઓલિમ્પિક રમતો પણ અમદાવાદમાં જ કરાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગૃહ મંત્રીએ માણસા ક્ષેત્રના જિલ્લા પ્રશાસન અને જનપ્રતિનિધિઓને કહ્યું કે તેઓ તે સુનિશ્ચિત કરે કે આસપાસની શાળા અને કોલેજના ખેલાડીઓ પણ રમતગમતની સુવિધાઓનો ઉપયોગ કરી માત્ર પોતાના શરીર, મન અને આત્મવિશ્વાસને મજબૂત ન બનાવે પરંતુ ગુજરાત, દેશ અને દુનિયામાં પોતાનું નામ પણ ઉજ્જવળ કરે.

ગૃહ મંત્રીએ કહ્યું કે અમદાવાદના આધુનિક ફાયર સ્ટેશનની તર્જ પર માણસામાં પણ આજે નવું ફાયર સ્ટેશન બનીને તૈયાર છે. સાથે જ ગુજરાત સરકારે માણસામાં નવા સર્કિટ હાઉસ અને પોલીસ સ્ટેશનની ભેટ પણ આપી છે. તેમણે કહ્યું કે છેલ્લા 4 વર્ષમાં 13 તળાવોને સાથે જોડીને એવી વ્યવસ્થા કરી છે જેનાથી આખું વર્ષ પાણી ઉપલબ્ધ રહેશે. ચંદ્રસાર તળાવના વિકાસની પ્રશંસા કરતા શ્રી શાહે કહ્યું કે આવી વ્યવસ્થા જાળવી રાખવામાં જનભાગીદારી ખૂબ આવશ્યક છે. તેમણે કહ્યું કે આપણે જ આપણા ગામ અને નગરને સ્વચ્છ રાખવાનો સંકલ્પ કરવો પડશે અને આના માટે આપણા યુવાઓએ આગળ આવવું પડશે.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ કહ્યું કે ભારતની જનતાએ એ સંકલ્પ લીધો છે કે 2047 માં જ્યારે દેશની આઝાદીની શતાબ્દી મનાવવામાં આવે ત્યારે ભારત દુનિયાભરમાં દરેક ક્ષેત્રમાં પ્રથમ સ્થાને હોય. શ્રી શાહે કહ્યું કે તેમને વિશ્વાસ છે કે આવનારો સમય ભારતના યુવાઓનો છે. ભારતના યુવાઓએ પોતાના પુરુષાર્થ, મેધા અને હિંમતથી દેશને દુનિયામાં સર્વોચ્ચ સ્થાન પર લઈ જવાનો છે અને માણસા સહિત આખો દેશ આમાં સહયોગી બને.


(रिलीज़ आईडी: 2214343) आगंतुक पटल : 14
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Assamese , Kannada