યુવા બાબતો અને રમત મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ભારત સરકાર દ્વારા ગુજરાત સરકાર અને ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (IOA)ના સહયોગથી આયોજિત ‘સ્પોર્ટ્સ ગવર્નન્સ કોન્ક્લેવ’ને સંબોધિત કરી


“ઓલિમ્પિકમાં ટોપ-10માં સ્થાન મેળવવાનું ભારતનું લક્ષ્ય અપરિવર્તનીય (Non-Negotiable) છે”: અમદાવાદમાં સ્પોર્ટ્સ ગવર્નન્સ કોન્ફરન્સમાં કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી

“આ ભારતીય રમતગમતનો સુવર્ણકાળ છે: અત્યારે આપણે જે કરીશું તેને ઇતિહાસ યાદ રાખશે”: ગુજરાત રાજ્ય સરકાર અને IOA ના સહયોગથી આયોજિત કોન્ફરન્સમાં ડૉ. માંડવિયા

“ફેડરેશનની અંદર ચાલતા સતત પ્રશ્નોનો હવે અંત આવવો જ જોઈએ”: ડૉ. માંડવિયા

प्रविष्टि तिथि: 09 JAN 2026 4:55PM by PIB Ahmedabad

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ભારત સરકાર દ્વારા ગુજરાત સરકાર અને ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (IOA) ના સહયોગથી આયોજિત 'સ્પોર્ટ્સ ગવર્નન્સ કોન્ક્લેવ' ને સંબોધિત કરી હતી.

આ કોન્ક્લેવમાં નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશન (NSFs), સ્ટેટ ઓલિમ્પિક એસોસિએશનના પ્રતિનિધિઓ અને IOA એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સભાને સંબોધતા મંત્રીએ ભારતની રમતગમત ઇકોસિસ્ટમ માટે સરકારની સ્પષ્ટ અને અણનમ પ્રાથમિકતાઓ પર ભાર મૂક્યો હતો, જેમાં શાસન સુધારા, સ્પર્ધાત્મક એક્સપોઝર, પાયાના સ્તરથી લઈને ભદ્ર (Elite) સ્તર સુધી વ્યવસ્થિત પ્રતિભાની ઓળખ અને ઉછેર, કોચિંગ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવી અને રમતગમતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એકેડમી અને લીગમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારીના વિસ્તરણ પર ભાર મૂકવામાં આવ્યો હતો.

ડૉ. માંડવિયાએ જણાવ્યું હતું કે છેલ્લા દોઢ વર્ષમાં સરકારે એક મજબૂત સંસ્થાકીય પાયો નાખ્યો છે જે ભારતીય રમતગમતમાં સુધારો કરવાના તેના ઇરાદાને સ્પષ્ટપણે પ્રતિબિંબિત કરે છે. નેશનલ સ્પોર્ટ્સ ગવર્નન્સ એક્ટ (NSGA), ખેલો ભારત નીતિ, ANSF ધોરણોમાં સુધારા અને કોચની ભરતી પ્રણાલીમાં સુધારા જેવી મુખ્ય પહેલોને ટાંકીને તેમણે કહ્યું કે, “એકવાર નિર્ણય લેવાઈ ગયા પછી, સરકારે તેના અમલીકરણમાં રાજકીય ઈચ્છાશક્તિ અને ઉદ્દેશ્યની સ્પષ્ટતા બંને દર્શાવી છે.

સરકારનું વલણ સ્પષ્ટ કરતાં મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે રમતગમત મંડળો (ફેડરેશન) માં આંતરિક રાજનીતિ, ભ્રષ્ટાચાર, અયોગ્ય સિલેક્શન ટ્રાયલ્સ, ખેલાડીઓ પ્રત્યે અન્યાય, શાસન વિવાદો અને નાણાકીય અનિયમિતતાઓ સહિતના સતત ચાલતા પ્રશ્નોનો હવે અંત આવવો જોઈએ.

તેમણે ઉમેર્યું કે, “અમારા માટે ખેલાડી અને રાષ્ટ્રની પ્રતિષ્ઠા સર્વોપરી છે.તેમણે વધુમાં જણાવ્યું કે સરકાર ફેડરેશનની સ્વાયત્તતાનો આદર કરે છે, પરંતુ તમામ સ્પોર્ટ્સ બોડીએ પ્રામાણિકતા, પારદર્શિતા અને ખેલાડી-કેન્દ્રીત શાસન પ્રત્યે સમાન પ્રતિબદ્ધતા દર્શાવવી આવશ્યક છે.

તેમણે ભાર મૂક્યો હતો કે NSGA ના અસરકારક અમલીકરણની જવાબદારી પોતે ફેડરેશનોની રહેશે અને તેમણે નિષ્પક્ષ અને સમયસર ચૂંટણી, નાણાકીય પારદર્શિતા, કાર્યરત એથ્લેટ કમિશન, એથિક્સ કમિશન અને નિર્ધારિત ગવર્નન્સ ધોરણોનું કડક પાલન સુનિશ્ચિત કરવું જોઈએ.

વ્યાવસાયિક (Professional) અને ભવિષ્યલક્ષી અભિગમ માટે આહવાન કરતા મંત્રીએ દરેક ફેડરેશનને આગામી 1, 3, 5 અને 10 વર્ષ માટે સ્પષ્ટ રોડમેપ તૈયાર કરવા વિનંતી કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સ્પોર્ટ્સ બોડી વ્યાવસાયિક રીતે ચાલવી જોઈએ, જેમાં લાયકાત ધરાવતા CEO, નાણાકીય નિષ્ણાતો, માર્કેટિંગ પ્રોફેશનલ્સ, આંતરરાષ્ટ્રીય સ્તરના કોચ અને વિશિષ્ટ ઓપરેશન ટીમો હોવી જોઈએ.

ડૉ. માંડવિયાએ એવી પણ જાહેરાત કરી હતી કે સરકાર ટૂંક સમયમાં પારદર્શક અને પ્રમાણિત સિલેક્શન ટ્રાયલ્સ, “વન કોર્પોરેટ, વન સ્પોર્ટ” મોડેલ અને ખેલાડીઓ માટે ઉન્નત કલ્યાણ પેકેજો સહિતની મુખ્ય નીતિવિષયક પહેલો રજૂ કરશે.

સ્પોર્ટ્સ સાયન્સ, ન્યુટ્રિશન (પોષણ), ઇજા વ્યવસ્થાપન અને હાઈ-પરફોર્મન્સ સપોર્ટમાં પહેલેથી જ થઈ રહેલા નોંધપાત્ર જાહેર રોકાણ પર પ્રકાશ પાડતા, તેમણે ફેડરેશનોને સરકારની ગતિ અને મહત્વાકાંક્ષા સાથે તાલ મિલાવવા હાકલ કરી હતી.

ભારતના લાંબા ગાળાના રમતગમત વિઝનનો પુનરોચ્ચાર કરતા મંત્રીએ જાહેર કર્યું કે ઓલિમ્પિક મેડલ ટેલીમાં ટોપ-10 માં સ્થાન મેળવવું એ એક અપરિવર્તનીય રાષ્ટ્રીય લક્ષ્ય છે. આ મહત્વાકાંક્ષાને સાકાર કરવામાં નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશન અને સ્ટેટ ઓલિમ્પિક એસોસિએશનની મહત્વની ભૂમિકા છે.

તેમણે કહ્યું, “એશિયન ગેમ્સ 2026 થી શરૂ કરીને દરેક મુખ્ય આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં પ્રદર્શનમાં સતત સુધારો દેખાવો જોઈએ. કોમનવેલ્થ ગેમ્સ 2030 ભારત માટે યજમાન તરીકે અને સ્પોર્ટ્સ પાવરહાઉસ તરીકે એક ઐતિહાસિક સફળતા તરીકે ઉભરી આવવી જોઈએ.

વર્તમાન તબક્કાને ભારતીય રમતગમતના સુવર્ણકાળ તરીકે વર્ણવતા ડૉ. માંડવિયાએ જવાબદારીના મજબૂત સંદેશ સાથે સમાપન કર્યું:અત્યારે આપણે જે સિદ્ધ કરીશું તેને ઇતિહાસ યાદ રાખશે, અને આપણે જે કરવામાં નિષ્ફળ જઈશું તેના માટે ઇતિહાસ માફ નહીં કરે.

 

SM/DK/GP/JD


(रिलीज़ आईडी: 2213031) आगंतुक पटल : 25
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi