કૃષિ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી

प्रविष्टि तिथि: 08 JAN 2026 8:04PM by PIB Ahmedabad

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે નવી દિલ્હીના કૃષિ ભવન ખાતે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઈઝેશન (FAO), વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (WFP), ઈન્ટરનેશનલ ફંડ ફોર એગ્રિકલ્ચરલ ડેવલપમેન્ટ (IFAD), વર્લ્ડ બેંક, એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB), જર્મન સોસાયટી ફોર ઈન્ટરનેશનલ કોઓપરેશન (GIZ) અને જાપાન ઈન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી (JICA) સહિતના મુખ્ય આંતરરાષ્ટ્રીય અને બહુપક્ષીય વિકાસ ભાગીદારોના પ્રતિનિધિઓ એકત્ર થયા હતા. બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય સહયોગ વધારવા, લાંબા ગાળાની વિકાસલક્ષી પ્રાથમિકતાઓને સુસંગત બનાવવા અને ખેડૂતોના કલ્યાણ તથા આજીવિકા સુધારવા માટે લાંબા ગાળાની નીતિઓના ઘડતર સહિત ટકાઉ વિકાસની પહેલોને ટેકો આપવા પર હતો.

પ્રતિનિધિઓનું સ્વાગત કરતા શ્રી ચૌહાણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતની કૃષિ ક્ષેત્રની યાત્રા અસાધારણ રહી છે. દેશે અનાજની અછત ધરાવતા દેશમાંથી મુખ્ય કૃષિ ચીજવસ્તુઓના મોટા નિકાસકાર તરીકે પરિવર્તન સાધ્યું છે અને તેમાં આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની ભૂમિકા મહત્વની રહી છે. તેમણે નોંધ્યું હતું કે દેશે ખાદ્ય સુરક્ષા સફળતાપૂર્વક પ્રાપ્ત કરી છે અને હવે તે ટકાઉ આજીવિકાની તકો ઉભી કરવાની સાથે પોષણ સુરક્ષાને આગળ વધારવા પર મક્કમતાથી ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. તેમણે વધુમાં ભાર મૂક્યો હતો કે ભારત તેના અનુભવો અને શ્રેષ્ઠ પ્રથાઓ અન્ય દેશો સાથે શેર કરવા માટે સક્ષમ છે, જ્યારે અન્ય દેશોમાં અપનાવવામાં આવેલી વૈશ્વિક નવીનતાઓ અને સફળ મોડલ્સમાંથી પણ શીખી રહ્યું છે, જે કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં પરસ્પર વૃદ્ધિ અને સહકારને પ્રોત્સાહન આપે છે.

આ સંસ્થાઓના પ્રતિનિધિઓએ સહયોગ માટેના મુખ્ય ક્ષેત્રો પર પ્રકાશ પાડ્યો હતો, જેમાં સર્વસમાવેશક કૃષિ, નાના ખેડૂતો માટે બજારની બહેતર પહોંચ અને યુવાનો, મહિલાઓ અને ખેડૂત સંગઠનો પર મજબૂત ભાર મૂકવાનો સમાવેશ થાય છે. તેમણે ટેકનોલોજી અને નવીનતા, નાણાં, ખાનગી ક્ષેત્રની ભાગીદારી અને રોકાણના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો. આ સાથે સંશોધન અને વિકાસ (R&D), ડિજિટલ કૃષિ, લણણી પછીના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ, આબોહવા સામે ટકી શકે તેવા પાકોને પ્રોત્સાહન આપવા અને ટકાઉ કુદરતી સંસાધન વ્યવસ્થાપન પર ધ્યાન કેન્દ્રિત કરવા સૂચન કર્યું હતું.

માનનીય મંત્રીએ પ્રતિનિધિઓના મૂલ્યવાન સૂચનો અને આંતરદૃષ્ટિ બદલ આભાર માન્યો હતો. તેમણે નોંધ્યું હતું કે આ સૂચનો કૃષિ ક્ષેત્રમાં લાંબા ગાળાના આયોજન અને નીતિ ઘડતરને મજબૂત કરવામાં તથા આ સહિયારા વિઝનને સાકાર કરવા માટે આપણા સહયોગને વધુ મજબૂત બનાવવામાં નિમિત્ત બનશે.

આ બેઠકમાં સચિવ (DA&FW), સચિવ (DARE), અધિક સચિવો (DA&FW) અને DA&FW ના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

SM/BS/GP/JD


(रिलीज़ आईडी: 2212658) आगंतुक पटल : 13
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Odia , Tamil , Telugu , Kannada