શ્રમ અને રોજગાર મંત્રાલય
SPREE 2025 હવે 31 જાન્યુઆરી 2026 સુધી લંબાવવામાં આવી: ESIC એ એમ્પ્લોયરોને ભૂતકાળની જવાબદારીઓ વિના જોડાવા માટે વધુ સમય આપ્યો
SPREE 2025 માં એક મહિનાનો વધારો સમાવેશી અને સરળ પાલન માટે ESIC ના પ્રયાસને વધુ મજબૂત બનાવે છે
प्रविष्टि तिथि:
31 DEC 2025 3:33PM by PIB Ahmedabad
એમ્પ્લોયર, એમ્પ્લોયર્સ એસોસિએશન અને રાજ્ય સરકારો તરફથી મળેલી રજૂઆતોને ધ્યાનમાં રાખીને, ESIC દ્વારા શરૂ કરાયેલ અને 1 જુલાઈ, 2025 થી 31 ડિસેમ્બર, 2025 સુધીના સમયગાળા માટે કાર્યરત 'સ્કીમ ફોર પ્રમોશન ઓફ રજીસ્ટ્રેશન ઓફ એમ્પ્લોયર્સ એન્ડ એમ્પ્લોઈઝ' (SPREE 2025) ને 01.01.2026 થી 31.01.2026 સુધીના એક મહિનાના સમયગાળા માટે લંબાવવામાં આવી છે.
શિમલામાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલી ESI કોર્પોરેશનની 196મી બેઠક દરમિયાન SPREE યોજનાને મંજૂરી આપવામાં આવી હતી, જેનો ઉદ્દેશ્ય ESI એક્ટ હેઠળ સામાજિક સુરક્ષા કવચ વધારવાનો છે. આ યોજના બિન-નોંધાયેલ એમ્પ્લોયરો અને કર્મચારીઓને કોઈ પણ પ્રકારની તપાસ (ઇન્સ્પેક્શન) માંથી પસાર થયા વિના અથવા ભૂતકાળના કોઈ બાકી લેણાં કે રેકોર્ડની માંગનો સામનો કર્યા વિના ESI માળખાનો ભાગ બનવાની સુવર્ણ તક આપે છે.
આ લંબાવવામાં આવેલા સમયગાળા સાથે, એમ્પ્લોયરો પાસે તેમના વ્યવસાય અને કર્મચારીઓની નોંધણી ESIC, શ્રમ સુવિધા અને MCA પોર્ટલ દ્વારા ડિજિટલ રીતે કરવા માટે વધારાનો સમય છે, જેમાં એમ્પ્લોયર દ્વારા ઉલ્લેખિત તારીખથી નોંધણી અસરકારક ગણાશે. જે સંસ્થાઓ અગાઉ નોંધાયેલી ન હતી તેમને પણ 'ભૂતકાળના ફાળાની કોઈ માંગ નહીં', કોઈ તપાસ નહીં અને અગાઉના રેકોર્ડની કોઈ જરૂરિયાત નહીં રહેવાની જોગવાઈનો લાભ મળશે, જો તેઓ નવી સમયમર્યાદામાં નોંધણી કરાવશે. જો એમ્પ્લોયર SPREE યોજનાનો લાભ લેવામાં નિષ્ફળ જશે અને ESI યોજના હેઠળ તેમની સંસ્થાની નોંધણી નહીં કરાવે, તો તેવી સંસ્થાઓ 31.01.2026 પછી કાયદેસરની કાર્યવાહી અને દંડ ઉપરાંત વ્યાજ અને નુકસાની સાથે ભૂતકાળના ફાળા ચૂકવવા માટે જવાબદાર રહેશે.
SPREE 2025ને 31 જાન્યુઆરી, 2026 સુધી લંબાવવી એ સ્વૈચ્છિક પાલનને પ્રોત્સાહન આપવા અને ભારતમાં સામાજિક સુરક્ષા કવચના વિસ્તરણ માટે ESIC ની પ્રતિબદ્ધતા દર્શાવે છે, જે તાજેતરમાં અમલમાં આવેલા સોશિયલ સિક્યોરિટી કોડ (સામાજિક સુરક્ષા સંહિતા) ના ઉદ્દેશ્યો અને લક્ષ્યો સાથે સુસંગત છે.
SM/BS/GP/JD
(रिलीज़ आईडी: 2210303)
आगंतुक पटल : 8