ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ઉપરાષ્ટ્રપતિએ ઇન્ડિયન ડિફેન્સ એકાઉન્ટ્સ સર્વિસના ઓફિસર ટ્રેઇનીને સંબોધિત કર્યા


'સેવા ભાવ–કર્તવ્ય બોધ'ને તમારા મંત્ર તરીકે અપનાવો, ઉપરાષ્ટ્રપતિએ IDAS ઓફિસર ટ્રેઇનીઝને કહ્યું

આત્મનિર્ભર અને વિકસિત ભારતના નિર્માણ માટે સામૂહિક પ્રયાસો ચાવીરૂપ છે, ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું

સશસ્ત્ર દળોની ઓપરેશનલ સજ્જતા સુનિશ્ચિત કરવા માટે સમજદારીભર્યું નાણાકીય સંચાલન આવશ્યક છે: ઉપરાષ્ટ્રપતિ

નાણાકીય નિર્ણય લેવામાં અખંડિતતા, તકેદારી અને જવાબદારી માર્ગદર્શક હોવી જોઈએ, ઉપરાષ્ટ્રપતિએ કહ્યું

प्रविष्टि तिथि: 22 DEC 2025 2:53PM by PIB Ahmedabad

ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણન આજે ઉપરાષ્ટ્રપતિ એન્ક્લેવ ખાતે ઇન્ડિયન ડિફેન્સ એકાઉન્ટ્સ સર્વિસ (IDAS)ની 2023 અને 2024 બેચના ઓફિસર ટ્રેઇનીઝને સંબોધિત કર્યા હતા.

ઓફિસર ટ્રેઇનીઝનું સ્વાગત કરતા ઉપરાષ્ટ્રપતિએ ગર્વ સાથે નોંધ્યું હતું કે સંરક્ષણ એકાઉન્ટ્સ વિભાગ 275 વર્ષથી વધુનો સમૃદ્ધ વારસો ધરાવે છે, જે તેને ભારત સરકારના સૌથી જૂના વિભાગોમાંનો એક બનાવે છે.

ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે જેમ-જેમ રાષ્ટ્ર 2047 સુધીમાં વિકસિત ભારત બનવાના મહત્વાકાંક્ષી લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે, તેમ સિવિલ સર્વન્ટ્સ આ વિઝનને હકીકતમાં બદલવામાં મુખ્ય ભૂમિકા ભજવશે. તેમણે અમૃત કાલ દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલી હાકલને યાદ કરી અને ભારપૂર્વક જણાવ્યું કે વિકાસ સર્વસમાવેશક વૃદ્ધિ અને છેવાડાના માનવી સુધી સુવિધા પહોંચાડવા (last-mile delivery) પર કેન્દ્રિત હોવો જોઈએ. તેમણે કહ્યું કે રાષ્ટ્ર નિર્માણમાં યુવા અધિકારીઓની ઉર્જા અને નવીન વિચારસરણી મહત્વપૂર્ણ રહેશે અને તેમને "સેવા ભાવ અને કર્તવ્ય બોધ"ને તેમના માર્ગદર્શક મંત્ર તરીકે અપનાવવા વિનંતી કરી.

ઇન્ડિયન ડિફેન્સ એકાઉન્ટ્સ સર્વિસના મહત્વ પર ભાર મૂકતા ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે આ સેવા ભારતીય સશસ્ત્ર દળો અને સંલગ્ન સંસ્થાઓના નાણાકીય સંસાધનોના સંચાલનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સંરક્ષણ સેવાઓના હિસાબી અને નાણાકીય સત્તાધિકારી તરીકે, તેમણે કહ્યું કે, અધિકારીઓએ તેમની ફરજો બજાવતી વખતે સશસ્ત્ર દળો દ્વારા સામનો કરવામાં આવતા પડકારોને સમજવા અને આત્મસાત કરવા જોઈએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સશસ્ત્ર દળોની ઓપરેશનલ સજ્જતા સુનિશ્ચિત કરવા માટે સમજદારીભર્યું નાણાકીય સંચાલન આવશ્યક છે.

ઉપરાષ્ટ્રપતિએ અખંડિતતા, પારદર્શિતા, તકેદારી અને જવાબદારીના ઉચ્ચતમ ધોરણો જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, ખાસ કરીને કારણ કે જાહેર નાણાં એ કરદાતાઓનું સખત પરિશ્રમનું યોગદાન છે.

ઉપરાષ્ટ્રપતિએ ઝડપી તકનીકી અને વૈજ્ઞાનિક પ્રગતિના યુગમાં સતત ક્ષમતા નિર્માણના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો. તેમણે અધિકારીઓને આજીવન શિક્ષણ માટે 'iGOT કર્મયોગી' જેવા પ્લેટફોર્મનો અસરકારક ઉપયોગ કરવા પ્રોત્સાહિત કર્યા.

જાહેર સેવામાં મૂલ્યો પર ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે જ્ઞાન આવશ્યક છે, પરંતુ ચારિત્ર્ય સર્વોપરી છે. તેમણે અધિકારીઓને યાદ અપાવ્યું કે ભારતના 140 કરોડ નાગરિકોમાં તેમને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાની દુર્લભ તક સોંપવામાં આવી છે અને તેમણે આ જવાબદારી નમ્રતા અને સમર્પણ સાથે નિભાવવી જોઈએ.

વિકસિત ભારત તરફની મુસાફરીમાં સિવિલ સર્વન્ટ્સ પાસેથી અપેક્ષાઓ અંગે ઓફિસર ટ્રેઇનીના પ્રશ્નના જવાબમાં ઉપરાષ્ટ્રપતિએ તેમને નવીન રહેવા, આધુનિક ટેકનોલોજીને અનુકૂળ થવા, તેમના કાર્યમાં ઉત્સાહી રહેવા, અભિગમમાં સહાનુભૂતિ રાખવા અને વહીવટમાં નૈતિક રહેવા વિનંતી કરી.

આ કાર્યક્રમમાં સંરક્ષણ સચિવ શ્રી રાજેશ કુમાર સિંહ; કંટ્રોલર જનરલ ઓફ ડિફેન્સ એકાઉન્ટ્સ શ્રી વિશ્વજીત સહાય; નાણાકીય સલાહકાર (સંરક્ષણ સેવાઓ) શ્રી રાજ કુમાર અરોરા સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

SM/DK/GP/JD


(रिलीज़ आईडी: 2207379) आगंतुक पटल : 13
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Tamil , Malayalam