ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે નવી દિલ્હીમાં લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેના અને મુખ્યમંત્રી શ્રીમતી રેખા ગુપ્તા સાથે ત્રણ નવા ફોજદારી કાયદાઓના અમલીકરણની સમીક્ષા કરી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ લાવવામાં આવેલા નવા ફોજદારી કાયદાઓના અમલીકરણથી પાયાના સ્તરે પોલીસની કાર્યક્ષમતા અને જવાબદારી વધશે
સમયમર્યાદાનું કડક પાલન કરીને 60 અને 90 દિવસમાં ચાર્જશીટ દાખલ કરવાની પ્રક્રિયાનું સતત નિરીક્ષણ થવું જોઈએ
ગંભીર ગુનાના કેસોમાં, દોષિત ઠેરવવાનો દર ઓછામાં ઓછો 20 ટકા વધારવાના પ્રયાસો કરવા જોઈએ
ઇ-સમન્સ સીધા કોર્ટમાંથી જારી કરવામાં આવશે, જેની નકલો સ્થાનિક પોલીસ સ્ટેશનોને મોકલવામાં આવશે
Posted On:
05 MAY 2025 6:47PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેના અને મુખ્યમંત્રી શ્રીમતી રેખા ગુપ્તા સાથે રાષ્ટ્રીય રાજધાનીમાં ત્રણ નવા ફોજદારી કાયદાઓના અમલીકરણની સમીક્ષા માટે સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં પોલીસ, જેલ, અદાલતો, કાર્યવાહી અને ફોરેન્સિક સંબંધિત વિવિધ નવી જોગવાઈઓના અમલીકરણ અને વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ, રાષ્ટ્રીય રાજધાની પ્રદેશના મુખ્ય સચિવ, દિલ્હી પોલીસ કમિશનર, બ્યૂરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (BPR&D)ના ડિરેક્ટર જનરલ, રાષ્ટ્રીય ગુના રેકોર્ડ બ્યૂરો (NCRB)ના ડિરેક્ટર અને ગૃહ મંત્રાલય (MHA) અને દિલ્હી સરકારના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.
શ્રી અમિત શાહે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રજૂ કરાયેલા ત્રણ નવા ફોજદારી કાયદાઓના અમલીકરણથી પોલીસની કાર્યક્ષમતા અને જવાબદારીમાં વધારો થશે. ગૃહમંત્રીએ આ નવા ફોજદારી કાયદાઓના અમલીકરણમાં અધિકારીઓની જવાબદારી સુનિશ્ચિત કરવા નિર્દેશો જારી કર્યા હતા. શ્રી શાહે ભાર મૂક્યો હતો કે 60 અને 90 દિવસની અંદર ચાર્જશીટ દાખલ કરવાની પ્રક્રિયાનું સતત નિરીક્ષણ કરવું જોઈએ, તેમની સમયમર્યાદાનું કડક પાલન કરવું જોઈએ. તેમણે વધુમાં નિર્દેશ આપ્યો હતો કે જઘન્ય ગુનાઓના કેસોમાં દોષિત ઠેરવવાનો દર ઓછામાં ઓછો 20 ટકા વધારવાના પ્રયાસો કરવામાં આવે.
કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે ઈ-સમન્સ સીધા કોર્ટમાંથી જારી કરવા જોઈએ, જેની નકલો સ્થાનિક પોલીસ સ્ટેશનોને મોકલવી જોઈએ. તેમણે ડિરેક્ટોરેટ ઓફ પ્રોસિક્યુશનમાં નિમણૂક પ્રક્રિયા ઝડપી બનાવવા અને કોઈપણ કેસમાં અપીલ અંગેના નિર્ણયો ડિરેક્ટોરેટ ઓફ પ્રોસિક્યુશન દ્વારા જ લેવામાં આવે તે સુનિશ્ચિત કરવા પણ હાકલ કરી હતી.
AP/IJ/GP/JD
(Release ID: 2127150)