યુવા બાબતો અને રમત મંત્રાલય
ચેમ્પિયન્સ તૈયાર કરવા: મેદાન પર અને મેદાનની બહાર
ભારતમાં ખેલાડીઓ માટે કલ્યાણકારી અને સહાયક યોજનાઓ
Posted On:
23 APR 2025 4:24PM by PIB Ahmedabad
સારાંશ:
- સરકારી યોજનાઓ રમતવીરોને તેમની કારકિર્દીના દરેક તબક્કે ટેકો આપે છે.
- છેલ્લો દાયકો ભારતીય રમતગમત માટે સુવર્ણયુગ રહ્યો છે, જે ઐતિહાસિક સિદ્ધિઓ અને વૈશ્વિક માન્યતાથી પ્રકાશિત થયો છે. .
- નાણાકીય વર્ષ 2025-26 માટે યુવા બાબતો અને રમત મંત્રાલયને ₹3,794 કરોડ ફાળવવામાં આવ્યા છે - જે નાણાકીય વર્ષ 2024-25ની સુધારેલી ફાળવણીથી 17 ટકાનો વધારો દર્શાવે છે.
- મુખ્ય ફાળવણીમાં ખેલો ઇન્ડિયા માટે ₹1,000 કરોડ, NSF માટે ₹400 કરોડ અને SAI માટે ₹830 કરોડનો સમાવેશ થાય છે.
- ખેલો ઇન્ડિયા અને પંચાયત યુવા ક્રિડા તેમજ ખેલ અભિયાન (PYKKA) જેવી પહેલોમાં ગ્રામીણ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભાગીદારી, માળખાગત સુવિધાઓનું નિર્માણ અને ગ્રામીણ અને પાયાના સ્તરે પ્રતિભાઓનું પોષણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
- દિવ્યાંગો માટે રમતગમત અને રમતો જેવી યોજનાઓ પાયાના સ્તરે દિવ્યાંગ વ્યક્તિઓમાં સમાવિષ્ટ અને સહભાગી રમતોને પ્રોત્સાહન આપે છે.
- પંડિત દીનદયાળ ફંડ, પેન્શન સ્કીમ અને રિસેટ પ્રોગ્રામ જેવી યોજનાઓ વર્તમાન અને નિવૃત્ત રમતવીરોને નાણાકીય સહાય, તબીબી સહાય અને કારકિર્દી પરિવર્તનમાં મદદરૂપ થાય છે.
- રાષ્ટ્રીય રમતગમત પુરસ્કારો વિવિધ કેટેગરીમાં ઉત્કૃષ્ટ સિદ્ધિઓ અને ખેલદિલીનું સન્માન કરે છે.
પરિચય
સાચું જ કહેવાય છે કે ચેમ્પિયન રાતોરાત જન્મતા નથી, પરંતુ તેઓ વર્ષોના સમર્પણ, શિસ્ત અને સૌથી અગત્યનું, સમર્થનથી બને છે. દેશના ખૂણે ખૂણેથી પ્રતિભાને બહાર લાવવામાં પરિવારોનો ટેકો, કોચનો ટેકો અને સરકારનો ટેકો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ભારત સરકાર તેની યોજનાઓ અને પહેલ દ્વારા ભારતીય રમતવીરોને વિશ્વનું શ્રેષ્ઠ પ્રદર્શન આપવા માટે અથાક મહેનત કરી રહી છે. આ યોજનાઓનો ઉદ્દેશ્ય પાયાના સ્તરે પ્રતિભાને ઓળખવાનો અને પ્રોત્સાહન આપવાનો, ખેલાડીઓને તેમની સક્રિય કારકિર્દી દરમિયાન અને પછી ટેકો આપવાનો અને રમતગમતની શ્રેષ્ઠતા માટે એક ટકાઉ ઇકોસિસ્ટમ બનાવવાનો છે.
સિદ્ધિઓનો એક દાયકો
છેલ્લો દાયકો ભારતીય રમત-ગમતના ઇતિહાસનો એક સુવર્ણ અધ્યાય રહ્યો છે, જેમાં વિક્રમસર્જક સિદ્ધિઓ અને વધતી જતી વૈશ્વિક માન્યતાનો સમાવેશ થાય છે. ઐતિહાસિક ઓલિમ્પિક અને પેરાલિમ્પિક ચંદ્રકોથી માંડીને એથ્લેટિક્સ, બેડમિન્ટન, કુસ્તી અને બોક્સિંગની વિશ્વ ચેમ્પિયનશિપમાં અદભૂત પ્રદર્શન સુધી, ભારતીય રમતવીરોએ સતત સીમાઓને આગળ ધપાવી છે.




રમતગમત પર સરકારી ખર્ચ
ભારતના રમતગમતના ભવિષ્યને વેગ આપવા માટે એક સાહસિક પગલું ભરતા, સરકારે નાણાકીય વર્ષ 2025-26 માટે યુવા બાબતો અને રમતગમત મંત્રાલયને 3794 કરોડ રૂપિયાની રેકોર્ડ ફાળવણી કરી છે. આ ગયા વર્ષના સુધારેલા બજેટ ₹3,232.85 કરોડ કરતા ઘણું વધારે છે.

એક મોટો હિસ્સો એટલે કે ₹2,191.01 કરોડ કેન્દ્રીય ક્ષેત્રની યોજનાઓ માટે ફાળવવામાં આવ્યા છે, જેમાં મુખ્ય ખેલો ઇન્ડિયા કાર્યક્રમને ₹1,000 કરોડ (નાણાકીય વર્ષ 2024-25માં ફાળવવામાં આવેલા ₹800 કરોડથી વધુ) પ્રાપ્ત થયા છે. રાષ્ટ્રીય રમતગમત સંઘો માટે ભંડોળ પણ વધારીને ₹400 કરોડ કરવામાં આવ્યું છે, જ્યારે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI)ને રમતવીરોની તાલીમ અને સુવિધાઓ વધારવા માટે ₹830 કરોડ પ્રાપ્ત થયા છે.
ભારતમાં રમતગમતને ટેકો આપવા માટેની યોજનાઓ અને કાર્યક્રમો
ભારતમાં તેના ખેલાડીઓ માટેનો ટેકો હવે પહેલા કરતાં વધુ સુવ્યવસ્થિત અને કેન્દ્રિત છે. આ અભિગમ સર્વાંગી છે - જે રમતવીરની યાત્રાના દરેક તબક્કાને આવરી લે છે. ગામડાઓમાં કાચી પ્રતિભા શોધવાથી લઈને ઓલિમ્પિક મેડલ વિજેતાઓને ટેકો આપવા સુધી, સરકારે મોટા પગલાં લીધાં છે. ખેલાડીઓની વાસ્તવિક જરૂરિયાતો - તાલીમ, ભંડોળ, સુવિધાઓ અને રમ્યા પછીનું જીવન - પૂરી કરવા માટે હવે ઘણી યોજનાઓ અસ્તિત્વમાં છે. દરેક પગલું એથ્લેટ્સને આગળ વધવા અને ટોચ પર રહેવામાં મદદ કરવા માટે રચાયેલ છે.

ખેલો ઇન્ડિયા
ખેલો ઇન્ડિયા – રમતગમતના વિકાસ માટે રાષ્ટ્રીય કાર્યક્રમ ભારત સરકારની મુખ્ય પહેલ છે, જેનો ઉદ્દેશ પાયાના સ્તરે રમતગમતની સંસ્કૃતિને પુનર્જીવિત કરવાનો અને ભારતને વૈશ્વિક રમતગમત મહસત્તામાં પરિવર્તિત કરવાનો છે. યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા વર્ષ 2016-17માં શરૂ કરવામાં આવેલા ખેલો ઇન્ડિયા કાર્યક્રમનો ઉદ્દેશ આપણા દેશમાં રમાતી તમામ રમતો માટે એક મજબૂત માળખું ઊભું કરીને અને ભારતને એક મહાન રમતગમત રાષ્ટ્ર તરીકે સ્થાપિત કરીને મૂળભૂત સ્તરે ભારતમાં રમતગમતની સંસ્કૃતિને પુનર્જીવિત કરવાનો છે.

નિવૃત્ત સ્પોર્ટસપર્સન એમ્પાવરમેન્ટ ટ્રેનિંગ (RESET) પ્રોગ્રામ
નિવૃત્ત સ્પોર્ટસપર્સન એમ્પાવરમેન્ટ ટ્રેનિંગ (RESET) પ્રોગ્રામ, જે 2024માં શરૂ કરવામાં આવ્યો હતો. તે નિવૃત્ત એથ્લેટ્સને પોતાને ફરીથી શોધવા માટે સશક્ત બનાવે છે. આ પહેલ નિવૃત્ત રમતવીરોને કસ્ટમાઇઝ્ડ શિક્ષણ, ઇન્ટર્નશિપ અને કૌશલ્ય નિર્માણની તકો પૂરી પાડે છે. તેનો ઉદ્દેશ્ય નિવૃત્ત રમતવીરોની રોજગારીની જરૂરિયાતો અને ભારતના રમતગમત ક્ષેત્રમાં માનવ સંસાધનની અછતને પૂર્ણ કરવાનો છે - જે કોચિંગ, વહીવટ, માર્ગદર્શન અને તેનાથી આગળના ક્ષેત્રોમાં કારકિર્દી પ્રદાન કરે છે.
પંડિત દીનદયાળ ઉપાધ્યાય નેશનલ વેલ્ફેર ફંડ ફોર સ્પોર્ટ્સપર્સન્સ (PDUNWFS)
પંડિત દીનદયાળ ઉપાધ્યાય રાષ્ટ્રીય કલ્યાણ ભંડોળ રમતવીરોને ₹5 લાખ સુધીની એક વખતની સહાય, ₹5,000 માસિક પેન્શન, ₹10 લાખ સુધીની તબીબી સહાય અને તાલીમ અથવા સ્પર્ધા દરમિયાન થયેલી ઇજાઓ માટે ₹10 લાખ સુધીની સહાય પૂરી પાડે છે. મૃત ખેલાડીઓના પરિવારો અને કોચ, રેફરી અને ફિઝિયોથેરાપિસ્ટ જેવા સપોર્ટ સ્ટાફને પણ અનુક્રમે ₹5 લાખ અને ₹2 લાખની મહત્તમ મર્યાદા સાથે નાણાકીય સહાય મળી શકે છે.
રમતગમતમાં માનવ સંસાધન વિકાસ યોજના
રમતગમતમાં માનવ સંસાધન વિકાસ (HRDS) યોજના કૌશલ્ય સુધારણા, સંશોધનને પ્રોત્સાહન આપવા અને રમતગમત વિજ્ઞાન, દવા અને કોચિંગ જેવા મુખ્ય ક્ષેત્રોમાં જ્ઞાનને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ યોજના ફેલોશિપ, તાલીમ અને રમતગમતમાં વૈશ્વિક એક્સપોઝર માટે નાણાકીય સહાય પૂરી પાડે છે, તેમજ સંશોધન, નિષ્ણાતોની મુલાકાતો અને ગુણવત્તાયુક્ત રમતગમત સાહિત્ય અને ઈ-સંસાધનોના વિકાસ માટે સમર્થન પૂરું પાડે છે.

દિવ્યાંગો માટે ખેલ અને રમતો
કોઈ પણ પ્રતિભા પાછળ ન રહી જાય તે સુનિશ્ચિત કરવા માટે ભારત સરકારે દિવ્યાંગો માટે રમતગમત અને રમતોની યોજના શરૂ કરી હતી. આ કેન્દ્રીય ક્ષેત્રની યોજનાનો ઉદ્દેશ તળિયાના સ્તરે દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓમાં સર્વસમાવેશક અને સહભાગી રમતોને પ્રોત્સાહન આપવાનો છે. જ્યારે ઉચ્ચ પ્રદર્શન કરતા પેરા-એથ્લેટ્સને રાષ્ટ્રીય રમત સંઘોને સહાયની યોજના દ્વારા અલગથી સહાય મળે છે, ત્યારે આ પહેલ શાળાઓ, સમુદાયો અને જિલ્લાઓમાં રમતગમતની વ્યાપક ભાગીદારી પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
પંચાયત યુવા ક્રિડા અને ખેલ અભિયાન
પંચાયત યુવા ક્રિડા ઔર ખેલ અભિયાન (PYKKA) ભારત સરકારની એક મુખ્ય પહેલ છે, જે પાયાના સ્તરે રમતગમતને પ્રોત્સાહન આપવા માટે બનાવવામાં આવી છે. આ કાર્યક્રમ ગામ અને બ્લોક સ્તરે રમતગમતના માળખાના વિકાસ અને ઉપકરણોની ખરીદી માટે નાણાકીય સહાય પૂરી પાડે છે. PYKKA વિવિધ બ્લોક, જિલ્લા અને રાજ્ય સ્તરે વાર્ષિક રમતગમત સ્પર્ધાઓને પણ ટેકો આપે છે, સાથે સાથે પ્રવૃત્તિઓ અને સ્વયંસેવકોના માનદ વેતન માટે કાર્યકારી ભંડોળ પણ પૂરું પાડે છે.
રાષ્ટ્રીય ખેલ મહાસંઘોને સહાય
રાષ્ટ્રીય ખેલ મહાસંઘ (ANSF)ને સહાય આપવાની યોજના હેઠળ રમતવીરોને તાલીમ આપવા માટે રાષ્ટ્રીય ખેલ મહાસંઘ (NSF)ને નાણાકીય સહાય આપવામાં આવે છે, જેમાં તાલીમ માટે જરૂરી તમામ સાથ સહકાર, આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં સહભાગીતા, રાષ્ટ્રીય ચેમ્પિયનશિપનું આયોજન, ભારતમાં આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટનું આયોજન, વિદેશી કોચ/સહાયક કર્મચારીઓની ભાગીદારી, વૈજ્ઞાનિક અને તબીબી સહાય વગેરે સામેલ છે.
નેશનલ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ ફંડ
રાષ્ટ્રીય ખેલ વિકાસ ભંડોળ (NSDF) એ ભારત સરકાર દ્વારા રમતગમતમાં ઉત્કૃષ્ટતાને ટેકો આપવા માટેની મુખ્ય પહેલ છે. આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોમાં ભારતના નબળા પ્રદર્શનના પ્રતિસાદમાં રચાયેલી, NSDFનો ઉદ્દેશ માળખાગત સુવિધાઓ, તાલીમ અને રમતવીરોના સમર્થનની મહત્વપૂર્ણ ખામીઓને દૂર કરવા માટે સરકારી અને ખાનગી બંને ક્ષેત્રોમાંથી સંસાધનો એકત્રિત કરવાનો છે. તે ઉત્કૃષ્ટ રમતવીરો અને સંસ્થાઓને નિષ્ણાત કોચ હેઠળ તાલીમ, આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓની સુલભતા અને રમતગમતની માળખાગત સુવિધાઓ વિકસાવવા નાણાકીય સહાય પૂરી પાડે છે.
પ્રતિભાશાળી ખેલાડીઓને પેન્શન
રમતવીરો તેમના જીવનના મુખ્ય વર્ષો ઉત્કૃષ્ટતાની શોધમાં સમર્પિત કરે છે, ઘણીવાર શિક્ષણ, કારકિર્દીની સ્થિરતા અને પારિવારિક જીવનનું બલિદાન આપે છે. પ્રતિભાશાળી ખેલાડીઓને સ્પોર્ટસ ફંડ ફોર પેન્શન એ લોકો માટે આજીવન સુરક્ષા પુરી પાડે છે, જેમણે દેશનું નામ રોશન કર્યું છે.
પેન્શન માળખું:
- ઓલિમ્પિક/પેરા-ઓલિમ્પિક/ડેફલિમ્પિક મેડલ વિજેતાઓ માટે ₹20,000/મહિને
- વર્લ્ડ કપ/ચેમ્પિયનશિપમાં સુવર્ણ ચંદ્રક વિજેતાઓને ₹16,000/મહિને
- એશિયન/કોમનવેલ્થમાં ગોલ્ડ અને વર્લ્ડ ઇવેન્ટમાં સિલ્વર/બ્રોન્ઝ માટે ₹14,000/મહિને
- એશિયન/કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર/બ્રોન્ઝ માટે ₹12,000/મહિને
પુરસ્કારો અને માન્યતા
રાષ્ટ્રીય રમતગમત પુરસ્કારો ભારતમાં સર્વોચ્ચ રમતગમત સન્માન તરીકે ઓળખાય છે. જે રમતવીરોની અસાધારણ સિદ્ધિઓની ઉજવણી કરે છે જેમણે ભારતને વૈશ્વિક રમતગમતના નકશા પર સ્થાન આપ્યું છે. દર વર્ષે આપવામાં આવતા આ પ્રતિષ્ઠિત પુરસ્કારો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં અસાધારણ પ્રદર્શનને માન્યતા આપે છે, તેમજ સીમાઓ પાર ખેલદિલીની ભાવનાને પ્રોત્સાહન આપે છે. ભારતમાં ખેલાડીઓને કુલ છ શ્રેણીઓમાં પુરસ્કારો આપવામાં આવે છે.

નિષ્કર્ષ
ભારત સરકારે રમતવીરોની યાત્રાના દરેક તબક્કે તેમના માટે સહાયનું વિસ્તૃત માળખું ઊભું કરીને સમગ્ર દેશમાં રમતગમતને આગળ વધારવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. ઓલિમ્પિક, પેરાલિમ્પિક અને એશિયન ગેમ્સ જેવા આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર રેકોર્ડ બ્રેકિંગ પર્ફોમન્સ સાથે ભારતીય રમતો માટે છેલ્લો દાયકો સુવર્ણ યુગ રહ્યો છે. ખેલો ઇન્ડિયા, પંડિત દીનદયાળ ઉપાધ્યાય રાષ્ટ્રીય કલ્યાણ ભંડોળ અને વિવિધ કલ્યાણકારી યોજનાઓ જેવી પહેલો મારફતે સરકાર માત્ર તળિયાના સ્તરેથી પ્રતિભાઓને જ ઓળખી રહી નથી અને તેનું પોષણ કરી રહી છે, પણ રમતવીરોને તેમની કારકિર્દી દરમિયાન અને તે પછી પણ ટેકો મળે તે સુનિશ્ચિત કરી રહી છે. માળખાગત સુવિધાઓ, તાલીમ અને રમતવીરોની સુખાકારીમાં નોંધપાત્ર રોકાણ સાથે ભારત વૈશ્વિક રમતગમતમાં અગ્રણી બનવાના આશાસ્પદ માર્ગે અગ્રેસર છે, જે તેના રમતવીરોને વૈશ્વિક મંચ પર ઉત્કૃષ્ટ દેખાવ કરવા માટેનાં સંસાધનો અને તકો પ્રદાન કરે છે.
સંદર્ભો:
પીડીએફ જોવા માટે અહીં ક્લિક કરો.
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2124004)
Visitor Counter : 28