ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્ર સરકારે લીગલ મેટ્રોલોજી (જનરલ) નિયમો, 2011 હેઠળ ગેસ મીટર માટે ડ્રાફ્ટ નિયમો ઘડ્યા


નિયમો અનુસાર, વેપાર અને વાણિજ્યમાં ઉપયોગ કરતા પહેલા ગેસ મીટરનું પરીક્ષણ, ચકાસણી અને સ્ટેમ્પ લગાવવું ફરજિયાત છે

Posted On: 14 APR 2025 12:40PM by PIB Ahmedabad

ભારત સરકારના ગ્રાહક બાબતોના વિભાગે કાનૂની મેટ્રોલોજી (જનરલ) નિયમો, 2011 હેઠળ ગેસ મીટર માટે ડ્રાફ્ટ નિયમો ઘડીને ગ્રાહક સુરક્ષાને મજબૂત બનાવવા, વાજબી વેપાર પ્રથાઓને પ્રોત્સાહન આપવા અને ગેસના ઉપયોગમાં સચોટ માપન સુનિશ્ચિત કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ નિયમો હેઠળ, ઘરેલુ, વાણિજ્યિક અને ઔદ્યોગિક હેતુઓ માટે ઉપયોગમાં લેવાતા તમામ ગેસ મીટરનો વેપાર અને વાણિજ્યમાં ઉપયોગ કરતા પહેલા પરીક્ષણ, ચકાસણી અને સ્ટેમ્પ લગાવવા જરૂરી છે. નિયમોમાં આ ગેસ મીટરની ચોકસાઈ સુનિશ્ચિત કરવા માટે તેમની ફરીથી ચકાસણી કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.

આ નવા નિયમોનો મુખ્ય ઉદ્દેશ ગેસના માપમાં ચોકસાઈ, પારદર્શકતા અને વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવાનો છે. વેરિફાઇડ અને સ્ટેમ્પેડ ગેસ મીટર્સ વધુ પડતું ચાર્જિંગ અથવા ઓછું માપન અટકાવશે, વિવાદો ઘટાડશે અને ખામીયુક્ત અથવા ચાલાકીયુક્ત ઉપકરણો સામે ગ્રાહકોને ખાતરીપૂર્વક રક્ષણ પૂરું પાડશે. વાજબી બિલિંગ, સુધારેલી ઊર્જા કાર્યક્ષમતા અને પ્રમાણિત અને સુસંગત ઉપકરણોમાંથી ઉદ્ભવતા જાળવણી ખર્ચમાં ઘટાડો કરીને ગ્રાહકોને સીધો લાભ મળશે.

ઉપભોક્તા લાભો ઉપરાંત, નિયમો ઉત્પાદકો અને ગેસ વિતરણ કંપનીઓ માટે માળખાગત અનુપાલન માળખું પૂરું પાડે છે, જે આંતરરાષ્ટ્રીય શ્રેષ્ઠ પ્રણાલિઓ અને ઓઆઇએમએલ (ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ઓફ લીગલ મેટ્રોલોજી) ધોરણો સાથે સુસંગત છે. આ ગોઠવણી ભારતની વૈશ્વિક ધારાધોરણો પ્રત્યેની કટિબદ્ધતાને મજબૂત કરે છે, આંતરરાષ્ટ્રીય વેપારમાં વિશ્વસનિયતાને વેગ આપે છે અને સ્થાનિક ઉત્પાદન પ્રણાલીની અંદર નવીનતા અને ગુણવત્તાની ખાતરીને પ્રોત્સાહન આપે છે.

ગ્રાહક બાબતોના વિભાગના લીગલ મેટ્રોલોજી ડિવિઝન, જેને તમામ વજન અને માપનની સચોટતાની ખાતરી કરવાની જવાબદારી સોંપવામાં આવી છે, તેણે આ નિયમોનો મુસદ્દો તૈયાર કરવા માટે સંપૂર્ણ અને સમાવેશી સલાહકાર પ્રક્રિયાને અનુસરી છે. આ મુસદ્દો તૈયાર કરવા માટે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ લીગલ મેટ્રોલોજી (આઇઆઇએલએમ), રિજનલ રેફરન્સ સ્ટાન્ડર્ડ લેબોરેટરીઝ (RRSL)ના પ્રતિનિધિઓ, ઉદ્યોગના નિષ્ણાતો અને સ્વૈચ્છિક ગ્રાહક સંગઠનો (VCO)ના પ્રતિનિધિઓની બનેલી એક ટેકનિકલ સમિતિની રચના કરવામાં આવી હતી. તેની સાથે જ બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)ને આ ડ્રાફ્ટની તપાસ કરવા અને વૈજ્ઞાનિક અને ટેકનિકલ ઇનપુટ પૂરા પાડવા માટે રોકવામાં આવ્યું હતું.

ડ્રાફ્ટ નિયમો ઉત્પાદકો, ટેસ્ટિંગ લેબોરેટરીઝ, સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન (CGD) કંપનીઓ અને રાજ્ય કાનૂની મેટ્રોલોજી વિભાગો સહિતના હિતધારકોમાં વ્યાપકપણે પ્રસારિત કરવામાં આવ્યા હતા. તેમના પ્રતિભાવોનું કાળજીપૂર્વક વિશ્લેષણ કરવામાં આવ્યું હતું અને જ્યાં જરૂર પડે ત્યાં અંતિમ મુસદ્દામાં તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. દરેક પાસાને વ્યાપકપણે હાથ ધરવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે હિતધારકોની બેઠકો અને આંતર-વિભાગીય પરામર્શના બહુવિધ તબક્કાઓ યોજાયા હતા, જેમાં અમલીકરણની સરળતા સાથે નિયમનકારી જરૂરિયાતોને સંતુલિત કરવામાં આવી હતી.

વિચાર-વિમર્શ બાદ, ઉદ્યોગ અને અમલીકરણ અધિકારીઓને અનુપાલન માટે તૈયારી કરવાની મંજૂરી આપવા માટે ટ્રાન્ઝિશનલ અવધિની જોગવાઈ સાથે નિયમોને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. આ માપેલો અભિગમ ગેસ પુરવઠો વિક્ષેપિત કર્યા વિના અથવા ગ્રાહકો અથવા વ્યવસાયો પર ભાર મૂક્યા વિના દેશભરમાં સરળ અમલીકરણની ખાતરી આપે છે.

આ પહેલ વૈશ્વિક માપદંડોને અનુરૂપ ભારતની માપન પ્રણાલીને આધુનિક બનાવવા, ગ્રાહકોનો વિશ્વાસ વધારવા અને બજારમાં કાર્યદક્ષતા અને અખંડિતતાને પ્રોત્સાહન આપવાની વિભાગની કટિબદ્ધતા પર ભાર મૂકે છે. આ નિયમો સાથે ભારત ગેસ માપનની પારદર્શક અને જવાબદાર વ્યવસ્થાની નજીક પહોંચ્યું છે, જે તેના ગ્રાહક-કેન્દ્રિત શાસન અને આંતરરાષ્ટ્રીય માનકીકરણના વિઝન સાથે સુસંગત છે.

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2121564) Visitor Counter : 71
Read this release in: English , Urdu , Hindi , Tamil