શ્રમ અને રોજગાર મંત્રાલય
azadi ka amrit mahotsav

ડૉ. મનસુખ માંડવિયાએ ઉત્તરપ્રદેશમાં ઇએસઆઇસી કવરેજનાં વિસ્તરણની જાહેરાત કરી; વધુ 15 જિલ્લાઓ સૂચિત

Posted On: 25 MAR 2025 4:29PM by PIB Ahmedabad

કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે જાહેરાત કરી હતી કે, કર્મચારી રાજ્ય વીમા નિગમ (ઈએસઆઈ) એ ઉત્તરપ્રદેશમાં કર્મચારી રાજ્ય વીમા (ઈએસઆઈ) યોજના હેઠળ 15 વધારાના જિલ્લાઓને સૂચિત કરીને તેના વ્યાપનું વિસ્તરણ કર્યું છે. રાજ્યમાં કામદારો માટે સામાજિક સુરક્ષાને મજબૂત બનાવવાની દિશામાં આ એક નોંધપાત્ર પગલું છે.

તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, આ જાહેરનામા સાથે ઉત્તરપ્રદેશનાં 75માંથી કુલ 74 જિલ્લાઓને હવે ઇએસઆઈ યોજના હેઠળ સંપૂર્ણપણે આવરી લેવામાં આવ્યાં છે. જેનો લાભ 30.08 લાખ વીમાકૃત વ્યક્તિઓ (આઇપી) અને 1.16 કરોડ લાભાર્થીઓને મળશે. આંબેડકર નગર, ઔરૈયા, બહરાઇચ, ગોંડા, હમીરપુર, જાલૌન, કન્નૌજ, મહારાજગંજ, મહોબા, પીલીભીત, સિદ્ધાર્થનગર, શામલી, પ્રતાપગઢ, કાસગંજ અને શ્રાવસ્તી જેવા નવા નોટિફાઇડ  જિલ્લાઓએ ઇએસઆઇસી નેટવર્કમાં 53,987 નવા વીમાકૃત વ્યક્તિઓનો ઉમેરો  કર્યો છે.

રાષ્ટ્રવ્યાપી સુધારેલા અમલીકરણની સ્થિતિ

આ વિસ્તરણને પગલે ઇએસઆઈ યોજનાનાં રાષ્ટ્રીય અમલીકરણની સ્થિતિ નીચે મુજબ છેઃ

  • આવરી લેવામાં આવેલા કુલ જિલ્લા (સંપૂર્ણ + આંશિક): 689
  • સંપૂર્ણપણે અધિસૂચિત જિલ્લાઓઃ 586
  • આંશિક રીતે અધિસૂચિત જિલ્લાઓઃ 103
  • બિન-સૂચિત જિલ્લાઓઃ 89
  • ભારતમાં કુલ જિલ્લાઓઃ 778

વધુ વિસ્તરણ માટેનાં પગલાં

આવરી ન લેવાયેલા તમામ વિસ્તારોમાં વિસ્તૃત કવરેજને સુનિશ્ચિત કરવા માટે ઇએસઆઇસી નીચેની પહેલો પર સક્રિયપણે કામ કરી રહ્યું છેઃ

  •  બિનઅમલીકૃત વિસ્તારોમાં તબીબી સંભાળની સુવિધાઓની વ્યવસ્થા કરવા માટે રાજ્ય સરકાર સાથે સંકલન.
  •  આવરી ન લેવાયેલા જિલ્લાઓમાં તબીબી સંભાળ વિસ્તૃત કરવા માટે સામુદાયિક આરોગ્ય કેન્દ્રો (સીએચસી) અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (પીએચસી)નો ઉપયોગ  કરવો.
  •  ઇએસઆઇસી લાભાર્થીઓને ખર્ચની મર્યાદા વિના કેશલેસ તબીબી સારસંભાળ પ્રદાન કરવા આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (એબી-પીએમજેએવાય)ની સાથે સંકલન.

ઇએસઆઇસી યોજના હેઠળ લાભો

ઇએસઆઇસી  કામદારો માટે વિસ્તૃત સામાજિક સુરક્ષા જાળ પ્રદાન કરે  છે, જેમાં સામેલ છેઃ

  • તબીબી લાભોઃ પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આરોગ્યસંભાળ.
  • રોકડલાભઃ માંદગી, કામચલાઉ/કાયમી અપંગતા, પ્રસૂતિના લાભો (26 અઠવાડિયા), આનુષાંગિક લાભો અને અંતિમ સંસ્કારનો ખર્ચ.
  • બેરોજગારી ભથ્થું: રાજીવ ગાંધી શ્રમિક કલ્યાણ યોજના (આરજીકેવાય) અને અટલ બીમિત વ્યાવસાયિક કલ્યાણ યોજના (એબીવીકેવાય) હેઠળ  નોકરી ગુમાવવાનો સામનો કરી રહેલા કામદારો માટે.

15 જિલ્લાઓનું જાહેરનામું  દેશના દરેક પાત્રતા ધરાવતા કામદારને સામાજિક સુરક્ષા કવચ પ્રદાન કરવાની સરકારની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરે છે. બાકીના નોન-નોટિફાઇડ જિલ્લાઓને ઇએસઆઇસી હેઠળ લાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે, જેથી કોઈ પણ કામદાર આ મહત્વપૂર્ણ સલામતીની જાળમાંથી બહાર ન રહી જાય તેની ખાતરી કરવામાં આવી રહી છે.

AP/IJ/GP/JD


(Release ID: 2114914) Visitor Counter : 53


Read this release in: English , Urdu , Hindi , Tamil