આયુષ
'દેશ કા પ્રકૃતિ પરીક્ષણ અભિયાન'ના પ્રથમ તબક્કાનું ઐતિહાસિક પાંચ ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ સાથે સમાપન
અભિયાનના પ્રથમ તબક્કામાં અસાધારણ પ્રતિસાદ જોવા મળ્યો હતો, જેમાં 1.29 કરોડથી વધુ વ્યક્તિઓ માટે પ્રકૃતિ પરીક્ષણનું આયોજન કરવામાં આવ્યું હતું, જે 1 કરોડના લક્ષ્યાંકને વટાવી ગયું
Posted On:
21 FEB 2025 6:02PM by PIB Ahmedabad
ભારત માટે એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ ‘દેશ કા પ્રકૃતિ પરીક્ષણ અભિયાન’ને અભૂતપૂર્વ પાંચ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ પ્રાપ્ત થયા છે. જેમાં સમગ્ર રીતે હેલ્થકેર પ્રત્યે રાષ્ટ્રના સમર્પણ અને આયુર્વેદની વધતી જતી વૈશ્વિક માન્યતા પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. ભારત સરકારના આયુષ મંત્રાલયના સહયોગથી નેશનલ કમિશન ફોર ઇન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિન (એનસીઆઇએસએમ)એ 20 ફેબ્રુઆરી, 2025ના રોજ મુંબઇ ખાતે 'દેશ કા પ્રકૃતિ પરીક્ષણ અભિયાન'ના પ્રથમ તબક્કાની પૂર્ણાહૂતિ પ્રસંગે સમારંભનું સમાપન કર્યું હતું.

પાંચ ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ:
1. એક અઠવાડિયામાં આરોગ્ય અભિયાન માટે પ્રાપ્ત થયેલી સૌથી વધુ પ્રતિજ્ઞાઓ: 60,04,912 પ્રતિજ્ઞાઓ સાથે, 14,571 ની લઘુત્તમ જરૂરિયાતને વટાવી ગઈ છે. જેણે એક નવો વૈશ્વિક બેંચમાર્ક સ્થાપિત કર્યો છે. કારણ કે અગાઉ આવો કોઈ રેકોર્ડ ધારક ન હતો.
2. એક મહિનામાં આરોગ્ય અભિયાન માટે પ્રાપ્ત થયેલી સૌથી વધુ પ્રતિજ્ઞાઓ: 1,38,92,976 પ્રતિજ્ઞાઓ સાથે, ચીનના ગુઆંગડોંગના શેન્ઝેનમાં સિગ્ના એન્ડ સીએમબી લાઇફ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ (ચાઇના) દ્વારા યોજાયેલા 58,284 પ્રતિજ્ઞાઓના અગાઉના રેકોર્ડને વટાવી ગઈ છે.
3. આરોગ્ય અભિયાન માટે પ્રાપ્ત થયેલી સૌથી વધુ પ્રતિજ્ઞાઓઃ એકંદરે 1,38,92,976 પ્રતિજ્ઞાઓ સાથે, જે ઝીફી એફડીસી લિમિટેડ (ભારત) દ્વારા યોજાયેલા 5,69,057 પ્રતિજ્ઞાઓના અગાઉના રેકોર્ડને વટાવી ગઈ છે.
4. ડિજિટલ સર્ટિફિકેટ પ્રદર્શિત કરતા લોકોનું સૌથી મોટું ઓનલાઇન ફોટો આલ્બમ: 62,525 ફોટા સાથે, એક્સેન્ચર સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ (ઇન્ડિયા) દ્વારા રાખવામાં આવેલા 29,068 ફોટાઓનો અગાઉનો રેકોર્ડ તોડી નાખ્યો હતો.
5. સમાન વાક્ય કહેતા લોકોનો સૌથી મોટો ઓનલાઇન વિડિયો આલ્બમ: 12,798 વિડિયો સાથે, ઘે ભરારી, રાહુલ કુલકર્ણી અને નીલમ એદલાબાદકર (ભારત) દ્વારા રાખવામાં આવેલા 8,992 વિડિયોના અગાઉના રેકોર્ડને પાછળ છોડી દીધો છે.

ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સના એડજ્યુડિકેટર, શ્રી રિચાર્ડ વિલિયમ્સ સ્ટેનિંગે સત્તાવાર રીતે પાંચેય રેકોર્ડ સફળતાપૂર્વક પૂર્ણ કરવાની જાહેરાત કરી હતી. તેમણે આયુષ મંત્રાલયનાં રાજ્ય કક્ષાનાં કેન્દ્રીય રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી પ્રતાપરાવ જાધવને પ્રમાણપત્રો એનાયત કર્યા હતાં.

મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી શ્રી પ્રકાશ અબિતકર, મંત્રાલયના સચિવ, વૈદ્ય રાજેશ કોટેચા, નેશનલ કમિશન ફોર ઇન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિન (એનસીઆઇએસએમ)ના ચેરમેન વૈદ્ય જયંત દેવપુજાર પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
આયુષ મંત્રાલયનાં રાજ્ય કક્ષાનાં કેન્દ્રીય મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી પ્રતાપરાવ જાધવે તમામ આયુષ હેલ્થકેર સિસ્ટમનાં વિકાસ માટે મંત્રાલયની અડગ કટિબદ્ધતા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે આયુર્વેદ અને આયુષ પદ્ધતિઓને વિસ્તૃત કરવા માટે લેવામાં આવેલા વિવિધ પગલાઓની વિગતવાર માહિતી આપી હતી. આ અભિયાનની સફળતામાં ફાળો આપનાર આયુર્વેદ ક્ષેત્રની દરેક વ્યક્તિની સમર્પણ અને સખત મહેનતની પ્રશંસા કરી હતી.
મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રી શ્રી પ્રકાશ અબિતકરે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ અભિયાન આયુર્વેદને પુનઃ સ્થાપિત કરવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે અને તેમણે આયુર્વેદને મુખ્ય પ્રવાહની જાહેર આરોગ્ય સેવાઓનો ભાગ બનાવવામાં મહારાષ્ટ્રના સક્રિય પ્રદાનની ખાતરી આપી હતી.
આયુષ મંત્રાલયના સચિવ પદ્મશ્રી વૈદ્ય રાજેશ કોટેચાએ જણાવ્યું હતું કે આયુષ પ્રધાનના માર્ગદર્શન હેઠળ મંત્રાલયે માત્ર બે મહિનામાં છ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યા છે. જે પોતાનામાં જ એક સિદ્ધિ છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, મંત્રીનાં નેતૃત્વમાં આયુષ મંત્રાલય પ્રગતિની નવી ઊંચાઈઓ સર કરશે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય આયુર્વેદ દિવસનાં પ્રસંગે આ અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી હતી. પ્રથમ તબક્કા દરમિયાન એક સીમાચિહ્નરૂપ ક્ષણ એ હતી કે જ્યારે ભારતનાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મૂ પ્રકૃતિ મૂલ્યાંકનમાંથી પસાર થનાર પ્રથમ વ્યક્તિ બન્યાં હતાં. જેમણે દેશભરમાં વ્યાપક ભાગીદારીને પ્રેરિત કરી હતી. અભિયાનના પ્રથમ તબક્કામાં અસાધારણ પ્રતિસાદ મળ્યો હતો, જેમાં 1.29 કરોડથી વધુ વ્યક્તિઓ માટે પ્રકૃતિ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેણે 1 કરોડના લક્ષ્યાંકને વટાવી દીધો હતો. આ નોંધપાત્ર સિદ્ધિમાં 1,33,758 આયુર્વેદ વિદ્યાર્થીઓ, 16,155 શિક્ષકો અને 31,754 ચિકિત્સકો સહિત 1,81,667 સ્વયંસેવકો સામેલ હતા. જેમણે વિશ્વ વિક્રમ સર્જ્યો હતો. સહભાગીઓએ વિવિધ વય જૂથો, જાતિઓ અને પૃષ્ઠભૂમિનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જે રાષ્ટ્રની વિવિધતામાં એકતાને ખરેખર પ્રતિબિંબિત કરે છે.
આ વિસ્તૃત ભાગીદારી વ્યક્તિગત હેલ્થકેરમાં ભારતના નેતૃત્વને રેખાંકિત કરે છે. જે નિવારણાત્મક હેલ્થકેર અને જીવનશૈલી સંચાલનમાં આયુર્વેદની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂકે છે. આ ડેટા-સંચાલિત અભિગમ પુરાવા-આધારિત સંશોધન માટે, આયુર્વેદને આધુનિક ચિકિત્સા સાથે જોડવા અને ભારતના આરોગ્ય સંભાળના પરિદ્રશ્યને આગળ ધપાવવા માટે મહત્વપૂર્ણ આંતરદૃષ્ટિ પ્રદાન કરશે તેવી અપેક્ષા છે.
AP/IJ/GP/JD
(Release ID: 2105406)
Visitor Counter : 49