માહિતી અને પ્રસારણ મંત્રાલય
મહાકુંભ 2025: સરકારની વિશેષ પહેલ હેઠળ ત્રિવેણી સંગમમાં અત્યાર સુધીમાં 600થી વધુ નિરાધાર વૃદ્ધ તીર્થયાત્રીઓએ પવિત્ર ડૂબકી લગાવી
Posted On:
13 FEB 2025 7:26PM by PIB Ahmedabad
પ્રશાસનની વિશેષ પહેલ હેઠળ પ્રયાગરાજના ત્રિવેણી સંગમમાં 2000 નિરાધાર વૃદ્ધ વ્યક્તિઓ પવિત્ર સ્નાન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ પવિત્ર વિધિ માટે અત્યાર સુધીમાં 600થી વધુ વરિષ્ઠ નાગરિકોને સુવિધા પૂરી પાડવામાં આવી છે. આ પહેલ માત્ર વૃદ્ધો માટે આદરને પ્રોત્સાહન આપતી નથી, પરંતુ સમાજમાં સેવા અને સંવાદિતાનું ઉદાહરણ પણ પ્રસ્તુત કરે છે.

ઉત્તરપ્રદેશનાં સમાજ કલ્યાણ મંત્રી શ્રી અસીમ અરુણનાં નિર્દેશોને અનુસરીને દેવરિયા, બહરાઇચ, અમરોહા અને બિજનોર જિલ્લામાં વૃદ્ધાશ્રમોમાંથી છેલ્લાં બે દિવસમાં 100થી વધારે વરિષ્ઠ નાગરિકોને પ્રયાગરાજ લાવવામાં આવ્યાં છે. સૌ પ્રથમ વખત સમાજ કલ્યાણ વિભાગ દ્વારા મહાકુંભમાં ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 100 બેડની ક્ષમતા ધરાવતા આશ્રમનો સમાવેશ થાય છે. આ શિબિરમાં વૃદ્ધો માટે નિઃશુલ્ક ભોજન, રહેવાની સગવડ અને તબીબી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. મહાકુંભ 2025માં સરકારના આ નવતર પ્રયાસથી નિરાધાર વરિષ્ઠ નાગરિકોને આધ્યાત્મિક અને માનસિક શાંતિ મળી છે.

આ શિબિરમાં વૃદ્ધોની માનસિક અને આધ્યાત્મિક સુખાકારી પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. તેમની દિનચર્યા યોગ અને ધ્યાનથી શરૂ થાય છે, જે માનસિક શાંતિ અને સ્વાસ્થ્ય લાભોને પ્રોત્સાહન આપે છે. સાંજના સમયે ભજન-કીર્તન સત્રોનું આયોજન કરવામાં આવે છે. જે આધ્યાત્મિક વાતાવરણ સર્જે છે અને વૃદ્ધોને એકલતા અનુભવતા અટકાવે છે. આ પહેલ દ્વારા, સમાજને વૃદ્ધો માટે આદર અને કાળજીની ભાવનાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

મહાકુંભ વિસ્તારમાં સ્થપાયેલા આશ્રમમાં 24/7ના રોજ એક સમર્પિત તબીબી ટીમ ઉપલબ્ધ છે. જેનાથી કોઈ પણ વૃદ્ધ વ્યક્તિને આરોગ્યને લગતી સમસ્યાઓનો સામનો ન કરવો પડે તેની તકેદારી રાખવામાં આવી છે. વહીવટીતંત્રે આ ઐતિહાસિક પ્રસંગે વરિષ્ઠ નાગરિકોને આધ્યાત્મિક અને ભાવનાત્મક બંને શાંતિ પ્રદાન કરવા માટે એક નવો માપદંડ સ્થાપિત કર્યો છે. મહાકુંભમાં સરકારની આ વિશેષ પહેલ વૃદ્ધોની આસ્થાનું સન્માન તો કરે જ છે, સાથે સાથે એક શક્તિશાળી સંદેશ પણ આપે છે કે શાસન માત્ર વિકાસને લઇને જ નહીં પરંતુ સેવા અને સન્માનને લઇને પણ છે.

AP/IJ/GP/JD
(Release ID: 2103006)
Visitor Counter : 51