પ્રધાનમંત્રીનું કાર્યાલય
'મન કી બાત'ના 117મા એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (29.12.2024)
Posted On:
29 DEC 2024 11:42AM by PIB Ahmedabad
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. 2025 બસ હવે તો આવી જ ગયું છે, દરવાજે ટકોરા મારી જ રહ્યું છે. 2025માં 26 જાન્યુઆરીએ આપણા બંધારણને લાગુ થવાનાં 75 વર્ષ થવા જઈ રહ્યાં છે. આપણા બધા માટે ખૂબ જ ગૌરવની વાત છે. આપણા બંધારણના ઘડવૈયાઓએ આપણને જે બંધારણ સોંપ્યું છે તે સમયની દરેક કસોટી પર ખરું ઉતર્યું છે. બંધારણ આપણા માટે માર્ગદર્શક પ્રકાશ છે, આપણું માર્ગદર્શક છે. ભારતના બંધારણના કારણે જ હું આજે અહીં છું, તમારી સાથે વાત કરી રહ્યો છું. આ વર્ષે 26 નવેમ્બરે બંધારણ દિવસથી એક વર્ષ ચાલનારી અનેક પ્રવૃત્તિઓ શરૂ થઈ છે. દેશના નાગરિકોને બંધારણના વારસા સાથે જોડવા માટે constitution75.com નામથી એક વિશેષ વેબસાઇટ પણ બનાવવામાં આવી છે. તેમાં તમે બંધારણની પ્રસ્તાવના વાંચીને તમારો વીડિયો અપલૉડ કરી શકો છો. અલગ-અલગ ભાષાઓમાં બંધારણ વાંચી શકો છો, બંધારણ વિશે પ્રશ્ન પણ પૂછી શકો છો. ‘મન કી બાત’ના શ્રોતાઓને, શાળામાં ભણનારાં બાળકોને, કૉલેજમાં જનારા યુવાનોને, મારો અનુરોધ છે કે આ વેબસાઇટ પર જરૂર જઈને જુઓ, તેનો હિસ્સો બનો.
સાથીઓ, આગામી મહિને 13 તારીખે પ્રયાગરાજમાં મહાકુંભ પણ થવા જઈ રહ્યો છે. આ સમયે ત્યાં સંગમ તટ પર જબરદસ્ત તૈયારીઓ ચાલી રહી છે. મને યાદ છે, હમણાં કેટલાક દિવસો પહેલાં જ્યારે હું પ્રયાગરાજ ગયો હતો તો હેલિકૉપ્ટરથી પૂરું કુંભ ક્ષેત્ર જોઈને મન પ્રસન્ન થઈ ગયું હતું. કેટલું વિશાળ ! કેટલું સુંદર ! કેટલી ભવ્યતા !
સાથીઓ, મહાકુંભની વિશેષતા કેવળ તેની વિશાળતામાં જ નથી. કુંભની વિશેષતા તેની વિવિધતામાં પણ છે. આ આયોજનમાં કરોડો લોકો એકત્રિત થાય છે. લાખો સંતો, હજારો પરંપરાઓ, સેંકડો સંપ્રદાય, અનેક અખાડાઓ, દરેક આ આયોજનનો હિસ્સો બને છે. ક્યાંય કોઈ ભેદભાવ દેખાતો નથી, કોઈ મોટું નથી હોતું, કોઈ નાનું નથી હોતું. અનેકતામાં એકતાનું આવું દૃશ્ય વિશ્વમાં બીજે ક્યાંય જોવા નહીં મળે. આથી જ આપણો કુંભ એકતાનો મહા કુંભ પણ હોય છે. આ વખતનો મહા કુંભ પણ એકતાના મહા કુંભના મંત્રને સશક્ત કરશે. હું તમને બધાને કહીશ, જ્યારે આપણે કુંભમાં સહભાગી થઈએ તો એકતાના આ સંકલ્પને પોતાની સાથે લઈને પાછા જઈએ. આપણે સમાજમાં વિભાજન અને વિદ્વેષના ભાવને નષ્ટ કરવાનો સંકલ્પ પણ લઈએ. જો ઓછા શબ્દોમાં મારે કહેવું હોય તો હું કહીશ...
મહાકુંભ કા સંદેશ,
એક હો પૂરા દેશ...
અને જો બીજી રીતે કહેવું હોય તો કહીશ...
ગંગા કી અવિરલ ધારા,
ન બાંટે સમાજ હમારા...
સાથીઓ, આ વખતે પ્રયાગરાજમાં દેશ અને દુનિયાના શ્રદ્ધાળુ ડિજિટલ મહાકુંભના સાક્ષી પણ બનશે. ડિજિટલ નેવિગેશનની મદદથી તમને અલગ-અલગ ઘાટ, મંદિર, સાધુઓના અખાડા સુધી પહોંચવાનો રસ્તો મળશે. આ નેવિગેશન પ્રણાલિ તમને પાર્કિંગ સુધી પહોંચવામાં પણ મદદ કરશે. પહેલી વાર કુંભના આયોજમાં AI ચેટબોટનો પ્રયોગ થશે. AI ચેટબોટના માધ્યમથી 11 ભારતીય ભાષાઓમાં કુંભ સાથે જોડાયેલી દરેક પ્રકારની જાણકારી પણ મેળવી શકાશે. આ ચેટબોટથી કોઈ પણ લખાણ લખીને કે બોલીને કોઈ પણ પ્રકારની મદદ માગી શકે છે. સમગ્ર મેળા ક્ષેત્રને એઆઈથી સંચાલિત કેમેરાથી આવરી લેવામાં આવી રહ્યું છે. કુંભમાં જો કોઈ પોતાના પરિચિતથી વિખૂટો પડી જશે તો આ કેમેરાથી તેમને શોધવામાં પણ મદદ મળશે. શ્રદ્ધાળુઓને ડિજિટલ ખોયા-પાયા કેન્દ્રની સુવિધા પણ મળશે. શ્રદ્ધાળુઓને મોબાઇલ પર સરકાર માન્ય ટૂર પેકેજ, ઉતારાની જગ્યા અને ઘરમાં ઉતારા વિશે પણ જાણકારી આપવામાં આવશે. તમે પણ મહાકુંભમાં જાવ તો આ સુવિધાઓનો લાભ ઉઠાવો અને હા, #EktaKaMahakumbhની સાથે પોતાની સેલ્ફી અવશ્ય અપલૉડ કરજો.
સાથીઓ, 'મન કી બાત' અર્થાત MKBમાં હવે વાત KTBની, જે વડીલો-વૃદ્ધો છે, તેમનામાંથી, ઘણા બધા લોકોને KTB વિશે જાણકારી નહીં હોય. પરંતુ જરા બાળકોને પૂછો. KTB તેમની વચ્ચે ખૂબ જ લોકપ્રિય છે. KTB અર્થાત કૃષ, તૃષ ઔર બાલ્ટીબૉય. તમને કદાચ ખબર હશે કે બાળકોની મનગમતી એનિમેશન શ્રેણી અને તેનું નામ છે KTB- ભારત હૈ હમ અને તેની બીજી સીઝન પણ આવી ગઈ છે. આ ત્રણ એનિમેશન પાત્રો આપણને ભારતીય સ્વતંત્રતા સંગ્રામના તે નાયક-નાયિકાઓ વિશે જણાવે છે જેની બહુ ચર્ચા થતી નથી. તાજેતરમાં તેની સીઝન-2 ખૂબ જ વિશેષ અંદાજમાં ગોવામાં ભારતના આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવમાં રજૂ કરાઈ હતી. સૌથી શાનદાર વાત એ છે કે આ શ્રેણી ભારતની અનેક ભાષાઓમાં જ નહીં, પરંતુ વિદેશી ભાષાઓમાં પણ પ્રસારિત થાય છે. તેને દૂરદર્શનની સાથેસાથે અન્ય ઑટીટી મંચ પર પણ જોઈ શકાય છે.
સાથીઓ, આપણી એનિમેશન ફિલ્મોની, રેગ્યુલર ફિલ્મોની, ટીવી ધારાવાહિકોની લોકપ્રિયતા બતાવે છે કે ભારતના સર્જનાત્મક ઉદ્યોગમાં કેટલી ક્ષમતા છે. આ ઉદ્યોગ દેશની પ્રગતિમાં તો મોટું યોગદાન આપી જ રહ્યો છે, પરંતુ આપણા અર્થતંત્રને પણ નવી ઊંચાઈ પર લઈ જઈ રહ્યો છે. આપણો ફિલ્મ અને મનોરંજન ઉદ્યોગ ખૂબ જ વિશાળ છે. દેશની અનેક ભાષાઓમાં ફિલ્મો બને છે, ક્રિએટિવ કન્ટેન્ટ બને છે. હું આપણા ફિલ્મ અને મનોરંજન ઉદ્યોગને એટલા માટે પણ અભિનંદન આપું છું કારણકે તેણે 'એક ભારત - શ્રેષ્ઠ ભારત'ના ભાવને સશક્ત કર્યું છે.
સાથીઓ, વર્ષ 2024માં આપણે ફિલ્મ જગતની અનેક મહાન હસ્તીઓની 100મી જયંતી મનાવી રહ્યા છીએ. આ વિભૂતિઓએ ભારતીય સિનેમાને વિશ્વ સ્તર પર ઓળખ અપાવી છે. રાજ કપૂરજીએ ફિલ્મોના માધ્યમથી દુનિયાને ભારતના સૉફ્ટ પાવરથી પરિચિત કરાવ્યું. રફી સાહેબના અવાજમાં જે જાદૂ હતો તે દરેકના હૈયાને સ્પર્શી જતો હતો. તેમનો અવાજ અદ્ભુત હતો. ભક્તિ ગીત હોય કે રૉમેન્ટિક ગીત, દર્દભર્યાં ગીતો હોય, દરેક ભાવનાને તેમણે પોતાના અવાજથી જીવંત કરી દીધી. એક કલાકારના રૂપમાં તેમની મહાનતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આજની યુવા પેઢી પણ તેમનાં ગીતોને એટલી જ તલ્લીનતાથી સાંભળે છે- આ જ તો છે શાશ્વત કળાની ઓળખ. અક્કિનેની નાગેશ્વર રાવ ગારુએ તેલુગુ સિનેમાને નવી ઊંચાઈ સુધી પહોંચાડ્યું છે. તેમની ફિલ્મોએ ભારતીય પરંપરાઓ અને મૂલ્યોને સરસ રીતે પ્રસ્તુત કર્યાં. તપન સિંહાજીની ફિલ્મોએ સમાજને એક નવી દૃષ્ટિ આપી. તેમની ફિલ્મોમાં સામાજિક ચેતના અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ રહેતો હતો. આપણા પૂરા ફિલ્મોદ્યોગ માટે આ હસ્તીઓનું જીવન પ્રેરણા જેવું છે.
સાથીઓ, હું તમને બીજી એક ખુશખબર આપવા માગું છું. ભારતની સર્જનાત્મક પ્રતિભાને દુનિયા સામે રાખવાનો એક ખૂબ જ મોટો અવસર આવી રહ્યો છે. આગામી વર્ષે આપણા દેશમાં પહેલી વાર વર્લ્ડ ઑડિયો વિઝ્યુઅલ એન્ટરટેઇનમેન્ટ સમિટ અર્થાત WAVES શિખર પરિષદનું આયોજન થવાનું છે. તમે બધાએ દાવોસ વિશે તો સાંભળ્યું હશે જ્યાં દુનિયાના આર્થિક ક્ષેત્રના મહારથીઓ ભેગા થાય છે. આ જ રીતે વેવ્સ સમિટમાં દુનિયા ભરના મીડિયા અને મનોરંજન જગતના દિગ્ગજો, સર્જનાત્મક વિશ્વના લોકો ભારત આવશે. આ શિખર પરિષદ ભારતને વૈશ્વિક સામગ્રી સર્જનનું કેન્દ્ર બનાવવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ ડગ છે. મને એ જણાવતાં ગર્વ થાય છે કે આ શિખર પરિષદની તૈયારીમાં આપણા દેશના યુવા સર્જકો પણ પૂરા જુસ્સા સાથે જોડાઈ રહ્યા છે. જ્યારે આપણે પાંચ ટ્રિલિયન ડૉલર અર્થતંત્રની તરફ આગળ વધી રહ્યા છીએ, ત્યારે આપણું સર્જનાત્મક અર્થતંત્ર એક નવી ઊર્જા લાવી રહી છે. હું ભારતના પૂરા મનોરંજન અને સર્જનાત્મક ઉદ્યોગને અનુરોધ કરીશ - ચાહે તમે યુવાન સર્જક હોય કે સ્થાપિત કલાકાર, બૉલિવૂડ સાથે જોડાયેલા હો કે પ્રાદેશિક સિનેમા સાથે, ટીવી ઉદ્યોગના વ્યાવસાયિક હોય કે એનિમેશનના નિષ્ણાત, ગેમિંગ સાથે જોડાયેલા હો કે મનોરંજન ટૅક્નૉલૉજીના શોધક, તમે બધા વેવ્સ સમિટનો હિસ્સો બનો.
મારા પ્રિય દેશવાસીઓ, તમે બધા જાણો છો કે ભારતીય સંસ્કૃતિનો પ્રકાશ આજે કેવી રીતે દુનિયાના ખૂણેખૂણે ફેલાઈ રહ્યો છે. આજે હું તમને ત્રણ મહા દ્વીપોના એવા પ્રયાસો વિશે જણાવીશ જે આપણી સાંસ્કૃતિક વિરાસતના વૈશ્વિક વિસ્તારના સાક્ષી છે. આ બધા એકબીજાથી માઇલો દૂર છે. પરંતુ ભારતને જાણવા અને આપણી સંસ્કૃતિ પાસેથી શીખવાની તેમની ધગશ એક સરખી છે.
સાથીઓ, ચિત્રકામનો સંસાર જેટલો રંગોથી ભરાયેલો હોય છે, તેટલો જ સુંદર હોય છે. તમારમાંથી જે લોકો ટીવીના માધ્યમથી 'મન કી બાત' સાથે જોડાયેલા છો, તેઓ અત્યારે કેટલાંક ચિત્રો ટીવી પર જોઈ શકે છે. આ ચિત્રોમાં આપણાં દેવી-દેવતા, નૃત્યની કળાઓ અને મહાન વિભૂતિઓને જોઈને તમને ઘણું સારું લાગશે. તેમાં તમને ભારતમાં મળી આવતાં જીવ-જંતુઓથી માંડીને બીજું પણ ઘણું બધું જોવા મળશે. તેમાં તાજમહલનું એક શાનદાર ચિત્ર પણ છે, જેને 13 વર્ષની એક બાળકીએ બનાવ્યું છે. તમને એ જાણીને નવાઈ લાગશે કે આ દિવ્યાંગ બાળકીએ પોતાના મોઢાની મદદથી આ ચિત્ર બનાવ્યું છે. સૌથી રસપ્રદ વાત એ છે કે આ ચિત્રકામને બનાવનારા ભારતના નહીં પણ ઇજિપ્તના વિદ્યાર્થીઓ છે. કેટલાંક અઠવાડિયાં પહેલાં ઇજિપ્તના લગભગ 23 હજાર વિદ્યાર્થીઓએ એક ચિત્રકામ સ્પર્ધામાં ભાગ લીધો હતો. ત્યાં તેમને ભારતની સંસ્કૃતિ અને બંને દેશોના ઐતિહાસિક સંબંધોને બતાવનારાં ચિત્રો બનાવવાનાં હતાં. હું આ સ્પર્ધામાં ભાગ લેનારા બધા યુવાનોની પ્રશંસા કરું છું. તેમની સર્જનાત્મકતાની જેટલી પણ પ્રશંસા કરવામાં આવે તે ઓછી છે.
સાથીઓ, દક્ષિણ અમેરિકાનો એક દેશ છે - પરાગ્વે. ત્યાં રહેનારા ભારતીયોની સંખ્યા એક હજારથી વધુ નહીં હોય. પરાગ્વેમાં એક અદ્ભુત પ્રયાસ થઈ રહ્યો છે. ત્યાં ભારતીય દૂતાવાસમાં એરિકા હ્યુબર આયુર્વેદની સલાહ નિઃશુલ્ક આપે છે. આયુર્વેદની સલાહ લેવા માટે આજે તેમની પાસે સ્થાનિક લોકો પણ મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. એરિકા હ્યુબરે ભલે એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હોય, પરંતુ તેમનું મન તો આયુર્વેદમાં જ વસે છે. તેમણે આયુર્વેદ સાથે જોડાયેલા કૉર્સ કર્યા હતા અને સમયની સાથે તેઓ તેમાં પારંગત થતાં ગયાં.
સાથીઓ, એ આપણા માટે બહુ ગર્વની વાત છે કે દુનિયાની સૌથી પ્રાચીન ભાષા તમિળ છે અને દરેક હિન્દુસ્તાનીને તેનો ગર્વ છે. દુનિયાભરના દેશોમાં તેને શીખનારાઓની સંખ્યા સતત વધી રહી છે. ગત મહિનાના અંતમાં ફિજીમાં ભારત સરકારના સહયોગથી તમિલ ટીચિંગ પ્રોગ્રામ શરૂ થયો. વિતેલાં 80 વર્ષોમાં આ પહેલો અવસર છે જ્યારે ફિજીમાં તમિલના પ્રશિક્ષિત શિક્ષકો આ ભાષા શીખવાડી રહ્યા છે. મને એ જાણીને સારું લાગ્યું કે આજે ફિજીમાં વિદ્યાર્થીઓ તમિળ ભાષા અને સંસ્કૃતિને શીખવામાં ઘણો રસ લઈ રહ્યા છે.
સાથીઓ, આ વાતો, આ ઘટનાઓ, માત્ર સફળતાની વાર્તાઓ નથી. તે આપણા સાંસ્કૃતિક વારસાની પણ ગાથાઓ છે. આ ઉદાહરણ આપણને ગર્વથી ભરી દે છે. કળાથી આયુર્વેદ સુધી અને ભાષાથી લઈને સંગીત સુધી, ભારતમાં એટલું બધું છે જે દુનિયામાં છવાઈ રહ્યું છે.
સાથીઓ, ઠંડીની આ ઋતુમાં દેશભરમાં રમતો અને ફિટનેસ સંદર્ભે અનેક પ્રવૃત્તિઓ થઈ રહી છે. મને આનંદ છે કે લોકો ફિટનેસને પોતાની દિનચર્યાનો હિસ્સો બનાવી રહ્યા છે. કાશ્મીરમાં Skiingથી લઈને ગુજરાતમાં પતંગબાજી સુધી, બધી જગ્યાએ, રમત અંગે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. #SundayOnCycle અને #CyclingTuesday જેવાં અભિયાનોથી સાઇકલ ચલાવવાને પ્રોત્સાહન મળી રહ્યું છે.
સાથીઓ, હવે હું તમને એક એવી અનોખી વાત કરવા ઇચ્છું છું જે આપણા દેશમાં થઈ રહેલાં પરિવર્તન અને યુવા સાથીઓના જુસ્સા તેમજ ધગશનું પ્રતીક છે. શું તમે જાણો છો કે આપણા બસ્તરમાં એક અનોખી ઑલિમ્પિક શરૂ થઈ છે? જી હા, પહેલી વાર બસ્તર ઑલિમ્પિકથી બસ્તરમાં એક નવી ક્રાંતિ જન્મ લઈ રહી છે. મારા માટે એ ખૂબ જ ખુશીની વાત છે કે બસ્તર ઑલિમ્પિકનું સપનું સાકાર થયું છે. તમને પણ એ જાણીને સારું લાગશે કે તે એવા ક્ષેત્રમાં થઈ રહી છે જે ક્યારેક માઓવાદી હિંસાનું સાક્ષી રહ્યું છે. બસ્તર ઑલિમ્પિકનો શુભંકર છે- 'વન પાડો' અને 'પહાડી મેના'. તેમાં બસ્તરની સમૃદ્ધ સંસ્કૃતિની ઝલક જોવા મળે છે. આ બસ્તર ખેલ મહાકુંભનો મૂળ મંત્ર છે-
‘करसाय ता बस्तर बरसाए ता बस्तर’
અર્થાત ‘ખેલેગા બસ્તર – જીતેગા બસ્તર’ |
પહેલી જ વારમાં બસ્તર ઑલિમ્પિકમાં સાત જિલ્લાના એક લાખ 65 હજાર ખેલાડીઓએ ભાગ લીધો છે. આ માત્ર એક આંકડો જ નથી- આ આપણા યુવાનોના સંકલ્પની ગૌરવ ગાથા છે. એથ્લેટિક્સ, તીરંદાજી, બૅડમિન્ટન, ફૂટબૉલ, હૉકી, વેઇટલિફ્ટિંગ, કરાટે, કબડ્ડી, ખો-ખો અને વૉલિબૉલ- દરેક રમતમાં આપણા યુવાનોએ પોતાની પ્રતિભાનો ધ્વજ લહેરાવ્યો છે. કારી કશ્યપજીની વાત મને ખૂબ જ પ્રેરિત કરે છે. એક નાના ગામથી આવતી કારીજીએ તીરંદાજીમાં રજત ચંદ્રક જીત્યો છે. તેઓ કહે છે- "બસ્તર ઑલિમ્પિકે આપણને માત્ર રમતનું મેદાન જ નહીં, જીવનમાં આગળ વધવાનો અવસર આપ્યો છે." સુકમાની પાયલ કવાસીજીની વાત પણ ઓછી પ્રેરણાદાયક નથી. ભાલા ફેંકમાં સુવર્ણ ચંદ્રક જીતનારી પાયલજી કહે છે, "અનુશાસન અને આકરી મહેનતથી કોઈ પણ લક્ષ્ય અસંભવ નથી." સુકમાના દોરનાપાલના પુનેમ સન્નાજીની વાત તો નવા ભારતની પ્રેરક કથા છે. એક સમયે નક્સલી પ્રભાવમાં આવેલા પુનેમજી આજે વ્હીલચૅર પર દોડીને ચંદ્રક જીતી રહ્યા છે. તેમનું સાહસ અને હિંમત દરેક માટે પ્રેરણા છે. કોડાગાંવના તીરંદાજ રંજૂ સોરીજીને 'બસ્તર યૂથ આઈકૉન' ચૂંટવામાં આવ્યા છે. તેમનું માનવું છે - બસ્તર ઑલિમ્પિક દૂરદૂરના યુવાનોને રાષ્ટ્રીય મંચ સુધી પહોંચવાનો અવસર આપી રહી છે.
સાથીઓ, બસ્તર ઑલિમ્પિક માત્ર એક રમત આયોજન નથી. તે એક એવો મંચ છે જ્યાં વિકાસ અને રમતનો સંગમ થઈ રહ્યો છે. જ્યાં આપણા યુવાનો પોતાની પ્રતિભાને નિખારી રહ્યા છે અને એક નવા ભારતનું નિર્માણ કરી રહ્યા છે. હું તમને બધાને અનુરોધ કરું છું:
- પોતાના ક્ષેત્રમાં આવાં રમત આયોજનોને પ્રોત્સાહિત કરો
- # KhelegaBharat – JeetegaBharat સાથે પોતાના ક્ષેત્રની ખેલ પ્રતિભાઓની વાર્તાઓ લોકોને જણાવો.
- સ્થાનિક ખેલ પ્રતિભાઓને આગળ વધવાનો અવસર આપો.
યાદ રાખો ખેલથી ન માત્ર શારીરિક વિકાસ થાય છે, પરંતુ તે ખેલદિલીથી સમાજને જોડવાનું પણ સશક્ત માધ્યમ છે. તો ખૂબ રમો- ખૂબ ખિલો.
મારા પ્રિય દેશવાસીઓ, ભારતની બે મોટી ઉપલબ્ધિઓ આજે વિશ્વનું ધ્યાન આકર્ષિત કરી રહી છે. તે સાંભળીને તમે પણ ગર્વ અનુભવશો. આ બંને સફળતાઓ સ્વાસ્થ્યના ક્ષેત્રમાં મળી છે. પહેલી ઉપલબ્ધિ મળી છે - મેલેરિયાની લડાઈમાં. મેલેરિયાની બીમારી ચાર હજાર વર્ષોથી માનવતા માટે એક મોટો પડકાર રહી છે. સ્વતંત્રતાના સમયે પણ આ આપણા સૌથી મોટા સ્વાસ્થ્ય પડકારોમાંનો એક હતી. એક મહિનાથી લઈને પાંચ વર્ષનાં બાળકોના પ્રાણ લેનારી બધી સંક્રામક બીમારીઓમાં મેલેરિયાનું ત્રીજું સ્થાન છે. આજે હું સંતોષથી કહી શકું છું કે દેશવાસીઓએ મળીને આ પડકારનો દૃઢતાથી સામનો કર્યો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન- WHOનો રિપૉર્ટ કહે છે- "ભારતમાં વર્ષ 2015થી 2023ની વચ્ચે મેલેરિયાના મામલા અને તેનાથી થનારાં મૃત્યુમાં 80 ટકાનો ઘટાડો થયો છે." આ કોઈ નાની ઉપલબ્ધિ નથી. સૌથી સુખદ વાત એ છે કે આ સફળતા જન-જનની ભાગીદારીથી મળી છે. ભારતના ખૂણેખૂણાથી, દરેક જિલ્લાથી, દરેક જણ આ અભિયાનનો હિસ્સો બન્યું છે. આસામમાં જોરહાટના ચાના બગીચામાં મેલેરિયા ચાર વર્ષ પહેલાં સુધી લોકોની ચિંતાનું એક મોટું કારણ બનેલી હતી. પરંતુ જ્યારે તેના ઉન્મૂલન માટે ચાના બગીચામાં રહેનારાઓ એકસંપ થયા તો તેમાં ઘણી સીમા સુધી સફળતા મળવા લાગી. પોતાના આ પ્રયાસમાં તેમણે ટૅક્નૉલૉજી સાથે-સાથે સૉશિયલ મીડિયાનો પણ ભરપૂર ઉપયોગ કર્યો છે. આ જ રીતે હરિયાણાના કુરુક્ષેત્ર જિલ્લાએ મેલેરિયા પર નિયંત્રણ માટે બહુ સારું મૉડલ પ્રસ્તુત કર્યું. ત્યાં મેલેરિયા પર નિરીક્ષણ માટે જનભાગીદારી ઘણી સફળ રહી છે. નુક્કડ નાટક અને રેડિયો દ્વારા એવા સંદેશાઓ પર ભાર મૂકવામાં આવ્યો જેનાથી મચ્છરોના સંવર્ધનને ઓછું કરવામાં ઘણી સહાય મળી છે. દેશભરમાં આવા પ્રયાસોથી જ આપણે મેલેરિયા સામેની લડાઈને પહેલાં કરતાં વધુ ઝડપથી આગળ વધારી શક્યા છીએ.
સાથીઓ, આપણી જાગૃતિ અને સંકલ્પ શક્તિથી આપણે શું પ્રાપ્ત કરી શકીએ છીએ તેનું બીજું ઉદાહરણ છે કેન્સર સામેની લડાઈ. દુનિયાની પ્રસિદ્ધ મેડિકલ જર્નલ લાન્સેટનો અભ્યાસ ખરેખર ઘણો જ આશા વધારનારો છે. આ જર્નલ મુજબ, હવે ભારતમાં સમય પર કેન્સરનો ઉપચાર શરૂ થવાની સંભાવના ઘણી વધી ગઈ છે. સમય પર ઉપચારનો અર્થ છે - કેન્સરના દર્દીની સારવાર 30 દિવસોની અંદર જ શરૂ થઈ જવી અને તેમાં મોટી ભૂમિકા નિભાવી છે - 'આયુષ્માન ભારત યોજના'એ. આ યોજનાના કારણે કેન્સરના 90 ટકા દર્દીઓ સમય પર પોતાનો ઉપચાર શરૂ કરાવી શક્યા છે. આવું એટલા માટે થયું છે કારણકે અગાઉ પૈસાના અભાવના લીધે ગરીબ દર્દીઓ કેન્સરની તપાસમાં, તેના ઉપચારથી કતરાતા હતા. હવે 'આયુષ્માન ભારત યોજના' તેમના માટે મોટું બળ બની છે. હવે તેઓ આગળ વધીને પોતાનો ઉપચાર કરાવવા માટે આવી રહ્યા છે. 'આયુષ્માન ભારત યોજના'એ કેન્સરના ઉપચારમાં આવતી પૈસાની પરેશાનીને ઘણી હદ સુધી ઓછી કરી છે. એ પણ સારી વાત છે કે આજે સમય પર, કેન્સરના ઉપચાર અંગે, લોકો પહેલાં કરતાં વધુ જાગૃત થયા છે. આ ઉપલબ્ધિ જેટલી આપણા આરોગ્ય તંત્રની છે, ડૉક્ટરો, નર્સો અને ટૅક્નિકલ સ્ટાફની છે, તેટલી જ, તમારી- બધા મારા નાગરિક ભાઈઓ-બહેનોની પણ છે. બધાના પ્રયાસથી કેન્સરને હરાવવાનો સંકલ્પ વધુ મજબૂત થયો છે. આ સફળતાનો યશ એ બધાને મળે છે જેમણે જાગૃતિ ફેલાવવામાં પોતાનું મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
કેન્સર સામે લડાઈનો એક જ મંત્ર છે- જાગરુકતા, કાર્યવાહી અને આશ્વાસન. જાગરુકતા એટલે કેન્સર અને તેનાં લક્ષણો પ્રત્યે જાગૃતિ, એક્શન (કાર્યવાહી) અર્થાત સમય પર તપાસ અને ઉપચાર, આશ્વાસન એટલે દર્દીઓ માટે દરેક મદદ ઉપલબ્ધ હોવાનો વિશ્વાસ. આવો, આપણે બધા મળીને કેન્સર વિરુદ્ધની આ લડાઈને ઝડપથી આગળ લઈ જઈએ અને વધુમાં વધુ દર્દીઓની મદદ કરીએ.
મારા પ્રિય દેશવાસીઓ, આજે હું તમને ઓડિશાના કાલાહાંડીના એક એવા પ્રયાસની વાત જણાવવા માગું છું, જે ઓછા પાણી અને ઓછાં સંસાધનો છતાં સફળતાની નવી ગાથા લખી રહ્યો છે. તે છે કાલાહાંડીની 'શાકભાજી ક્રાંતિ'. જ્યાં, ક્યારેક ખેડૂતો સ્થળાંતર કરવા માટે વિવશ હતા, ત્યાં આજે કાલાહાંડીનો ગોલામુંડા બ્લૉક એક શાકભાજી કેન્દ્ર બની ગયો છે. આ પરિવર્તન કેવી રીતે આવ્યું? તેની શરૂઆત માત્ર દસ ખેડૂતોના એક નાના સમૂહથી થઈ. આ સમૂહે મળીને એક એફપીઓ- 'કિસાન ઉત્પાદક સંઘ'ની સ્થાપના કરી, ખેતીમાં આધુનિક ટૅક્નૉલૉજીનો ઉપયોગ શરૂ કર્યો અને આજે તેમનો આ એફપીઓ કરોડોનો વેપાર કરી રહ્યો છે. આજે ૨૦૦થી વધુ ખેડૂતો આ એફપીઓ સાથે જોડાયેલા છે, જેમાં ૪૫ મહિલા ખેડૂતો પણ છે. આ લોકો મળીને 200 એકરમાં ટમેટાંની ખેતી કરી રહ્યાં છે, 150 એકરમાં કારેલાંનું ઉત્પાદન કરી રહ્યાં છે. હવે આ એફપીઓનું વર્ષનું ટર્નઑવર વધીને દોઢ કરોડથી વધુ થઈ ગયું છે. આજે કાલાહાંડાની શાકભાજી ઓડિશાના વિભિન્ન જિલ્લાઓમાં જ નહીં, બીજા રાજ્યોમાં પણ પહોંચી રહી છે અને ત્યાંનો ખેડૂત, હવે બટેટાં અને ડુંગળીની ખેતીની નવી ટૅક્નિક શીખી રહ્યો છે.
સાથીઓ, કાલાહાંડીની આ સફળતા આપણને શીખવાડે છે કે સંકલ્પ શક્તિ અને સામૂહિક પ્રયાસથી શું ન કરી શકાય. હું તમને સહુને આગ્રહ કરું છું કે-
- પોતાના ક્ષેત્રમાં એફપીઓને પ્રોત્સાહિત કરો
- કિસાન ઉત્પાદક સંગઠનો સાથે જોડાવ અને તેમને મજબૂત કરો.
યાદ રાખો- નાની શરૂઆતથી પણ મોટાં પરિવર્તન સંભવ છે. આપણને બસ દૃઢ સંકલ્પ અને ટીમ ભાવનાની આવશ્યકતા છે.
સાથીઓ, આજની 'મન કી બાત'માં આપણે સાંભળ્યું, કેવી રીતે ભારત, વિવિધતામાં એકતા સાથે આગળ વધી રહ્યું છે. તે પછી રમતનું મેદાન હોય કે વિજ્ઞાનનું ક્ષેત્ર, સ્વાસ્થ્ય હોય કે શિક્ષણ, દરેક ક્ષેત્રમાં ભારત નવી ઊંચાઈઓને સ્પર્શી રહ્યું છે. આપણે એક પરિવારની જેમ મળીને દરેક પડકારનો સામનો કર્યો અને નવી સફળતાઓ પ્રાપ્ત કરી. 2014થી શરૂ થયેલી 'મન કી બાત'ના 116 એપિસૉડમાં મેં જોયું છે કે 'મન કી બાત' દેશની સામૂહિક શક્તિનો એક જીવંત દસ્તાવેજ બની ગયો છે. તમે બધાએ આ કાર્યક્રમને અપનાવ્યો, પોતાનો બનાવ્યો. દરેક મહિને તમે તમારા વિચારો અને પ્રયાસો જણાવ્યા. ક્યારેક કોઈ યુવા શોધકના વિચારને પ્રભાવિત કર્યો તો ક્યારેક કોઈ દીકરીની સિદ્ધિએ ગૌરવાન્વિત કર્યા. આ તમારા બધાની ભાગીદારી છે જે દેશના ખૂણેખૂણેથી સકારાત્મક ઊર્જાને એક સાથે લાવે છે. 'મન કી બાત' આ સકારાત્મક ઊર્જાની અનેક ગણી વૃદ્ધિનો મંચ બની ગયો છે અને હવે, 2025 ટકોરા મારી રહ્યું છે. આવનારા વર્ષમાં 'મન કી બાત'ના માધ્યમથી આપણે હજુ વધુ પ્રેરણાદાયક વિચારોને વહેંચીશું. મને વિશ્વાસ છે કે દેશવાસીઓની સકારાત્મક વિચારસરણી અને શોધની ભાવનાથી ભારત નવી ઊંચાઈઓને સ્પર્શશે. તમે તમારી આસપાસના અનોખા પ્રયાસોને #Mannkibaat સાથે શૅર કરતા રહો. હું જાણું છું કે આગામી વર્ષની દરેક 'મન કી બાત'માં આપણી પાસે એકબીજા સાથે વહેંચવા માટે ઘણું બધું હશે. તમને બધાને 2025ની ઘણી બધી શુભકામનાઓ. સ્વસ્થ રહો, ખુશ રહો, ફિટ ઇન્ડિયા મૂવમેન્ટમાં તમે પણ જોડાઈ જાવ, પોતાને પણ ફિટ રાખો. જીવનમાં પ્રગતિ કરતા રહો. ખૂબ ખૂબ ધન્યવાદ.
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2088685)
Visitor Counter : 74
Read this release in:
Odia
,
Telugu
,
Manipuri
,
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali-TR
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Kannada
,
Malayalam