સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
આયુષ્માન વય વંદના કાર્ડ માટે નોંધણી 25 લાખ સુધી પહોંચી
રૂ. 40 કરોડથી વધારે મૂલ્યની સારવારનો લાભ લેવામાં આવ્યો છે, જેમાં 70 વર્ષ કે તેથી વધુ વયના 22,000થી વધારે વરિષ્ઠ નાગરિકોને લાભ થયો
Posted On:
09 DEC 2024 2:05PM by PIB Ahmedabad
આયુષ્માન વય વંદના કાર્ડ માટે નોંધણી 29 ઓક્ટોબર, 2024 ના રોજ પ્રધાનમંત્રી દ્વારા લોન્ચ થયાના 2 મહિનાથી પણ ઓછા સમયમાં 25 લાખના પ્રભાવશાળી સિમાચિહ્ન સુધી પહોંચી ગઈ છે. જે એક મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિ છે.
આયુષ્માન વય વંદના કાર્ડની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં રૂ. 40 કરોડથી વધુની કિંમતની સારવારનો લાભ લેવામાં આવ્યો છે, જેમાં 70 વર્ષ કે તેથી વધુ વયના 22000થી વધુ વરિષ્ઠ નાગરિકોને લાભ થયો છે. વરિષ્ઠ નાગરિકોએ કોરોનરી એન્જીયોપ્લાસ્ટી, હિપ ફ્રેક્ચર /રિપ્લેસમેન્ટ, ગેલ બ્લેડર દૂર કરવા, મોતિયાની સર્જરી, પ્રોસ્ટેટ રિસેક્શન, સ્ટ્રોક, હેમોડાયાલિસિસ, એન્ટરિક તાવ અને અન્ય બીમારી વગેરે જેવી વિવિધ પરિસ્થિતિઓ માટે સારવાર લીધી છે.
29 ઓક્ટોબર, 2024ના રોજ, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (એબી પીએમ-જેએવાય) ના વિસ્તરણની જાહેરાત કરી હતી, જેમાં 70 વર્ષ કે તેથી વધુ વયના તમામ વરિષ્ઠ નાગરિકોને શામેલ કરવામાં આવશે. આ વિસ્તરણ હેઠળ, 70 વર્ષ કે તેથી વધુ વયના તમામ વરિષ્ઠ નાગરિકોને "આયુષ્માન વય વંદના કાર્ડ" પ્રાપ્ત થયું છે, જે તેમને આરોગ્યલક્ષી લાભો મેળવવામાં મદદ કરશે.
આયુષ્માન વય વંદના કાર્ડ 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને તેમની સામાજિક-આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના 5 લાખ રૂપિયાનું મફત આરોગ્ય કવચ પ્રદાન કરે છે. એબી પીએમ-જેએવાય હેઠળ પહેલેથી જ આવરી લેવામાં આવેલા પરિવારોના 70 વર્ષ કે તેથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોને તેમના માટે દર વર્ષે રૂ. ૫ લાખ સુધીનું વધારાનું ટોપ-અપ કવર મળે છે. કેન્દ્ર સરકાર આરોગ્ય યોજના (સીજીએચએસ), એક્સ-સર્વિસમેન કોન્ટ્રિબ્યુટરી હેલ્થ સ્કીમ (ઇસીએચએસ) અને આયુષ્માન સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (સીએપીએફ) સહિતની વિવિધ સરકારી યોજનાઓનો લાભ લઈ રહેલા વરિષ્ઠ નાગરિકોએ તેમની હાલની યોજનામાંથી એકની પસંદગી કરવાની રહેશે અથવા એબી પીએમ-જેએવાયનો વિકલ્પ પસંદ કરી શકે છે. તદુપરાંત, ખાનગી આરોગ્ય વીમા કવચ હેઠળ આવરી લેવાયેલી વ્યક્તિઓ અથવા કર્મચારી રાજ્ય વીમા યોજનાના સભ્યો એબી પીએમ-જેએવાયમાંથી લાભ મેળવવાને પાત્ર છે.
આ કાર્ડ આશરે 2000 તબીબી પ્રક્રિયાઓની સારવાર પૂરી પાડે છે અને કોઈ પણ જાતની રાહ જોયા વગર પ્રથમ દિવસથી જ અગાઉથી અસ્તિત્વ ધરાવતા તમામ રોગોને આવરી લે છે.
આયુષ્માન વય વંદના કાર્ડ માટે પાત્રતા ધરાવતા 70 કે તેથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો અનેક રીતે નોંધણી કરાવી શકે છે. તેઓ નોંધણી માટે નજીકની એમ્પેનલ કરેલી હોસ્પિટલની મુલાકાત લઈ શકે છે. સ્વ-નોંધણી માટે લાયક નાગરિકો આયુષ્માન એપ્લિકેશન ડાઉનલોડ કરી શકે છે (ગૂગલ પ્લે સ્ટોર પરથી) અથવા www.beneficiary.nha.gov.in મુલાકાત લઈ શકે છે. નાગરિકો પણ ટોલ ફ્રી નંબર 14555 પર કોલ કરી શકે છે અથવા આયુષ્માન વય વંદના કાર્ડ વિશે વધુ જાણવા માટે 1800110770 પર મિસ્ડ કોલ આપી શકે છે.
AP/IJ/GP/JD
(Release ID: 2082354)
Visitor Counter : 60