પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમિલનાડુનાં તુતીકોરિન આંતરરાષ્ટ્રીય કન્ટેનર ટર્મિનલનાં ઉદઘાટન પ્રસંગે સંબોધન કર્યું


"ત્રણ મુખ્ય બંદરો અને 17 બિન-મુખ્ય બંદરો સાથે, તમિલનાડુ દરિયાઇ વેપાર માટે એક મુખ્ય કેન્દ્ર બની ગયું છે"
"ભારત વિશ્વને સ્થાયી અને ભવિષ્યલક્ષી વિકાસનો માર્ગ બતાવી રહ્યું છે"

"નવીનીકરણ અને જોડાણ તેની વિકાસ યાત્રામાં ભારતની સૌથી મોટી તાકાત છે"

"ભારત વૈશ્વિક પુરવઠા સાંકળમાં મુખ્ય હિસ્સેદાર બની રહ્યું છે અને આ વધતી ક્ષમતા એ આપણા આર્થિક વિકાસનો પાયો છે"

Posted On: 16 SEP 2024 3:59PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ મારફતે તુતીકોરિન ઇન્ટરનેશનલ કન્ટેનર ટર્મિનલના ઉદ્ઘાટનને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, અત્યારે ભારતની વિકસિત રાષ્ટ્ર બનવાની દિશામાંની સફરમાં નોંધપાત્ર સીમાચિહ્નરૂપ છે તથા તેમણે નવા તુતીકોરિન ઇન્ટરનેશનલ કન્ટેનર ટર્મિનલને 'ભારતનાં દરિયાઇ માળખાનાં નવા સિતારા' તરીકે બિરદાવ્યું હતું. વી.. ચિદમ્બરનાર બંદરગાહની ક્ષમતા વધારવામાં પોતાની ભૂમિકા પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "14 મીટરથી વધારે ઊંડો ડ્રાફ્ટ અને 300 મીટરની લંબાઈ ધરાવતી બર્થની સાથે આ ટર્મિનલ વીઓસી બંદરની ક્ષમતા વધારવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે." તેમણે વધુમાં ઉમેર્યું કે નવા ટર્મિનલથી બંદર પર લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો થવાની અને ભારત માટે વિદેશી વિનિમયની બચત થવાની અપેક્ષા છે. તેમણે તમિલનાડુનાં લોકોને અભિનંદન આપ્યાં હતાં અને વીઓસી બંદર સાથે સંબંધિત કેટલાંક પ્રોજેક્ટને યાદ કર્યા હતાં, જેની શરૂઆત બે વર્ષ અગાઉ તેમની મુલાકાત દરમિયાન થઈ હતી. તેમણે ઝડપથી પૂર્ણ થવા પર સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ટર્મિનલની મુખ્ય સિદ્ધિઓમાંની એક છે લૈંગિક વિવિધતા પ્રત્યેની તેની કટિબદ્ધતા, જેમાં 40 ટકા કર્મચારીઓ મહિલાઓ છે, જે દરિયાઈ ક્ષેત્રમાં મહિલાઓનાં નેતૃત્વમાં વિકાસનું પ્રતીક છે.

ભારતના આર્થિક વિકાસને વેગ આપવામાં તમિલનાડુના દરિયાકિનારાએ ભજવેલી મહત્ત્વપૂર્ણ ભૂમિકાનો સ્વીકાર કરીને શ્રી મોદીએ નોંધ્યું હતું કે, "ત્રણ મુખ્ય બંદરો અને 17 બિન-મુખ્ય બંદરો સાથે તમિલનાડુ દરિયાઈ વેપારનું મુખ્ય કેન્દ્ર બની ગયું છે." તેમણે ઉમેર્યું હતું કે, બંદર-સંચાલિત વિકાસને વધુ વેગ આપવા ભારત આઉટર હાર્બર કન્ટેનર ટર્મિનલનાં વિકાસમાં રૂ. 7,000 કરોડથી વધારેનું રોકાણ કરી રહ્યું છે તથા વીઓસી બંદરની ક્ષમતામાં સતત વધારો થઈ રહ્યો છે. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, "વી..સી. બંદર ભારતના દરિયાઇ વિકાસમાં એક નવું પ્રકરણ લખવા માટે તૈયાર છે."

શ્રી મોદીએ ભારતનાં વિસ્તૃત દરિયાઈ અભિયાન વિશે વાત કરી હતી, જે માળખાગત વિકાસથી પણ આગળ છે. તેમણે જણાવ્યું હતું કે, "ભારત વિશ્વને સાતત્યપૂર્ણ અને ભવિષ્યલક્ષી વિકાસનો માર્ગ બતાવી રહ્યું છે." તેમણે જણાવ્યું હતું કે વી..સી. બંદરને ગ્રીન હાઇડ્રોજન હબ અને ઓફશોર વિન્ડ એનર્જી માટે નોડલ બંદર તરીકે માન્યતા આપવામાં આવી રહી છે. આ પહેલો આબોહવામાં પરિવર્તનના વૈશ્વિક પડકારોનો સામનો કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, "નવીનીકરણ અને જોડાણ ભારતની વિકાસલક્ષી સફરમાં સૌથી મોટી તાકાત છે." પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ટર્મિનલનું ઉદઘાટન એ સામૂહિક તાકાતનો પુરાવો છે. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત હવે માર્ગ, રાજમાર્ગો, જળમાર્ગો અને હવાઈ માર્ગોનાં વિસ્તૃત નેટવર્ક સાથે સારી રીતે જોડાઈ ગયું છે, જે વૈશ્વિક વેપારમાં રાષ્ટ્રની સ્થિતિને મજબૂત કરે છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, "ભારત વૈશ્વિક પુરવઠા શ્રુંખલામાં મુખ્ય હિસ્સેદાર બની રહ્યું છે અને આ વધતી ક્ષમતા આપણી આર્થિક વૃદ્ધિનો પાયો છે." શ્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કરીને પોતાનું સંબોધન પૂરું કર્યું હતું કે, આ ગતિ ભારતને ટૂંક સમયમાં જ દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવા તરફ દોરી જશે અને તમિલનાડુ આ વૃદ્ધિને આગળ વધારવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.

AP/GP/JD


(Release ID: 2055381) Visitor Counter : 88