કૃષિ મંત્રાલય
કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની 100 દિવસની કાર્યયોજના સંદર્ભે બેઠક યોજી
ખેડૂતલક્ષી કાર્યો પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરો- શ્રી ચૌહાણ
કૃષિ ઉત્પાદન, ઉત્પાદકતા અને ગુણવત્તા વધારવા માટે ખાસ ધ્યાન આપો - કેન્દ્રીય કૃષિ મંત્રી
ખેડૂતો અને કૃષિ ક્ષેત્રના સતત વિકાસ માટે પ્રધાનમંત્રીના વિઝન મુજબ ઝડપથી કામ કરવું
Posted On:
12 JUN 2024 5:18PM by PIB Ahmedabad
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ તથા ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણે આજે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સંકલ્પ મુજબ 100 દિવસની કૃષિ કાર્યયોજના અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. શ્રી ચૌહાણે અધિકારીઓને જણાવ્યું હતું કે, તેઓએ પોતાનું સંપૂર્ણ ધ્યાન ખેડૂતલક્ષી કાર્યો પર કેન્દ્રિત કરવું જોઈએ જેથી વડા પ્રધાનના સંકલ્પ મુજબ ઝડપથી કામ થઈ શકે.
કેન્દ્રીય મંત્રીએ મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં પ્રથમ 100 દિવસ માટે ખાતાકીય કાર્યયોજનાના તમામ પાસાઓને સમજતાં દેશના કૃષિ ક્ષેત્રને મજબૂત કરવા અને ખેડૂતોની પીડા અને તકલીફોને ઓછી કરવા માટે મજબૂત પગલાં ભરવાના નિર્દેશો આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે, આપણાં ખેડૂત ભાઈઓ અને બહેનોને ગુણવત્તાયુક્ત ખાતરો, બિયારણો અને અન્ય ઇનપુટ્સની ઉપલબ્ધતા પ્રાથમિકતાનાં ધોરણે સુનિશ્ચિત કરવી જોઈએ. મંત્રીએ કહ્યું કે, ખેડૂતોને આ અંગે કોઈ મુશ્કેલીનો સામનો કરવો ન જોઈએ અને આ અંગે વિશેષ કાળજી લેવી જોઈએ.
કેન્દ્રીય મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, દેશમાં કૃષિ ઉત્પાદન અને ઉત્પાદકતામાં વધારો થવો જોઈએ અને આપણે એક નક્કર કાર્યયોજના અમલમાં મૂકવી જોઈએ, જેથી આપણે આપણી સ્થાનિક જરૂરિયાતો પૂર્ણ કરવા ઉપરાંત વિશ્વના અન્ય દેશોમાં ગુણવત્તાયુક્ત કૃષિ ઉત્પાદનોની તેમની જરૂરિયાતો અનુસાર નિકાસ કરી શકીએ. આ બેઠકમાં ઉચ્ચ અધિકારીઓએ વિભાગવાર યોજનાઓની રજૂઆતો કરી હતી.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્યમંત્રી શ્રી રામનાથ ઠાકુર અને શ્રી ભગીરથ ચૌધરી, કૃષિ સચિવ શ્રી મનોજ આહુજા અને કૃષિ સંશોધન અને શિક્ષણ વિભાગ (ડીએઆરઈ)ના સચિવ અને ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ (આઈસીએઆર)ના મહાનિર્દેશક ડો.હિમાંશુ પાઠક પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
AP/GP/JD
(Release ID: 2024810)
Visitor Counter : 118