સંરક્ષણ મંત્રાલય
રક્ષા મંત્રી શ્રી રાજનાથ સિંહે લેહમાં સૈનિકો સાથે હોળીની ઉજવણી કરી
દુર્ગમ વિસ્તાર અને ખરાબ હવામાનમાં દેશનું રક્ષણ કરવા માટે તેમના પરાક્રમ, દ્રઢ નિશ્ચય અને બલિદાનની પ્રશંસા કરે છે
આર.એમ.એ સશસ્ત્ર દળોને એક દિવસ પહેલા સૈનિકો સાથે તહેવારોની ઉજવણી શરૂ કરવાની નવી પરંપરા સ્થાપિત કરવા વિનંતી કરી
"દેશના રક્ષકો સાથે આવી ઉજવણી એ આપણી સંસ્કૃતિનું અભિન્ન અંગ બનવું જોઈએ"
હવામાનની પ્રતિકૂળ સ્થિતિઓને કારણે રક્ષા મંત્રીની વિશ્વના સૌથી ઉંચા યુદ્ધક્ષેત્ર સિયાચિન માટે નિર્ધારિત યાત્રામાં ફેરફાર; તેમણે ત્યાં તૈનાત જવાનોને ફોન પર હોળીની શુભેચ્છાઓ આપી; તેમણે કહ્યું કે તેઓ ટૂંક સમયમાં જ સિયાચિનની મુલાકાત કરશે અને તેમની સાથે વાતચીત કરશે
Posted On:
24 MAR 2024 1:13PM by PIB Ahmedabad
રક્ષા મંત્રી શ્રી રાજનાથ સિંહે 24 માર્ચ, 2024ના રોજ લેહમાં સૈનિકો સાથે રંગોના તહેવાર હોળીની ઉજવણી કરી હતી. તેમની સાથે ચીફ ઓફ ધ આર્મી સ્ટાફ જનરલ મનોજ પાંડે અને જનરલ ઓફિસર કમાન્ડિંગ, ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સ લેફ્ટનન્ટ જનરલ રશિમ બાલી પણ હતા.
સૈનિકોને સંબોધન કરતા, રક્ષા મંત્રીએ તેમની બહાદુરી, નિશ્ચય અને બલિદાનની પ્રશંસા કરી હતી કારણ કે તેઓ માતૃભૂમિની રક્ષા માટે કઠોર અને પ્રતિકૂળ હવામાનની સ્થિતિમાં સેવા આપે છે. તેમણે કહ્યું હતું કે, ઊંચાઈ પર તૈનાત સૈનિકોની સકારાત્મક પ્રતિબદ્ધતા માઇનસ તાપમાન કરતા ઘણી મજબૂત છે. તેમણે કહ્યું કે જે રીતે દિલ્હી રાષ્ટ્રીય રાજધાની છે, મુંબઈ આર્થિક રાજધાની છે અને બેંગાલુરુ ટેકનોલોજીની રાજધાની છે તેમ લદ્દાખ ભારતની શૌર્ય અને વીરતાની રાજધાની છે.
શ્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે, "આખો દેશ સુરક્ષિત અનુભવે છે, કારણ કે આપણા બહાદુર સૈનિકો સરહદોની સુરક્ષા કરી રહ્યા છે. આપણે પ્રગતિ કરી રહ્યા છીએ અને સુખી જીવન જીવી રહ્યા છીએ કારણ કે આપણાં જાગૃત સૈનિકો સરહદો પર તૈયાર ઉભા છે. દરેક નાગરિકને સશસ્ત્ર દળો પર ગર્વ છે કારણ કે તેઓ તેમના પરિવારથી ખૂબ દૂર રહે છે જેથી આપણે હોળી અને અન્ય તહેવારો શાંતિપૂર્ણ રીતે આપણા પરિવાર સાથે ઉજવીએ. દેશ હંમેશા આપણા સૈનિકોનો ઋણી રહેશે અને તેમના સાહસ અને બલિદાનો ભાવિ પેઢીઓને સતત પ્રેરણા આપતા રહેશે."
રક્ષા મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમણે એક દિવસ પહેલા જ સૈનિકો સાથે હોળીની ઉજવણી કરવાનો નિર્ણય કર્યો હતો, કારણ કે તેમનું માનવું છે કે તહેવારો પહેલા દેશના રક્ષકો દ્વારા અને તેમની સાથે ઉજવવા જોઈએ. તેમણે ત્રણેય સેનાઓના વડાઓને એક દિવસ અગાઉ સૈનિકો સાથે તહેવારોની ઉજવણી શરૂ કરવાની નવી પરંપરા સ્થાપિત કરવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું હતું કે, "કારગિલના બરફીલા શિખરો પર, રાજસ્થાનના સળગતા મેદાનોમાં અને ઊંડા સમુદ્રમાં સ્થિત સબમરીનોમાં સૈનિકો સાથે આ પ્રકારની ઉજવણી આપણી સંસ્કૃતિનું અભિન્ન અંગ બનવું જોઈએ."
આ પ્રસંગે શ્રી રાજનાથ સિંહે લેહના યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ પણ અર્પણ કરી હતી, જે રાષ્ટ્રની સેવામાં સર્વોચ્ચ બલિદાન આપનારા વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
બાદમાં, રક્ષા મંત્રીએ વિશ્વના સૌથી ઉંચા યુદ્ધક્ષેત્ર સિયાચિનમાં તૈનાત સૈનિકો સાથે ફોન પર વાત કરી અને તેમણે હોળીની શુભેચ્છા આપી હતી. તેમણે ત્યાં તૈનાત સૈનિકોને કહ્યું કે તેઓ ટૂંક સમયમાં જ સિયાચિનની મુલાકાત કરશે અને તેમની સાથે વાતચીત કરશે. શ્રી રાજનાથ સિંહની સિયાચિનનાની મુલાકાતે જવા અને ત્યાં સૈનિકોની સાથે હોળી ઉજવવાનો કાર્યક્રમ હતો. જો કે હવામાનની પ્રતિકૂળ પરિસ્થિતિઓના કારણે કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો અને તેમણે લેહમાં સૈનિકોની સાથે રંગોના તહેવારની ઉજવણી કરી.
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2016299)
Visitor Counter : 105