સંરક્ષણ મંત્રાલય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અરુણાચલ પ્રદેશના ઇટાનગરથી સેલા ટનલ રાષ્ટ્રને વર્ચ્યુઅલ રીતે સમર્પિત કરી

Posted On: 09 MAR 2024 1:21PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 09 માર્ચ, 2024ના રોજ અરુણાચલ પ્રદેશના ઇટાનગરમાં વિકસિત ભારત વિકઉત્તર પૂર્વ કાર્યક્રમ દરમિયાન સેલા ટનલ પ્રોજેક્ટ રાષ્ટ્રને વર્ચ્યુઅલ રીતે સમર્પિત કર્યો હતો. આ ટનલનું નિર્માણ બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન (BRO) દ્વારા કરવામાં આવ્યું છે. અરુણાચલ પ્રદેશના પશ્ચિમ કામેંગ જિલ્લાના તવાંગથી આસામના તેજપુરને જોડતા રસ્તા પર 13,000 ફૂટની ઉંચાઈએ કરાયું છે. કુલ રૂ. 825 કરોડના ખર્ચે બાંધવામાં આવેલી આ ટનલ બલીપારા - ચારિદુર - તવાંગ રોડ પરના સેલા પાસ પર તવાંગને સર્વ-હવામાન જોડાણ પ્રદાન કરશે, જે સશસ્ત્ર દળોની સજ્જતાને વેગ આપશે અને સરહદી વિસ્તારના સામાજિક-આર્થિક વિકાસમાં વધારો કરશે. 

પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં ક્ષેત્રના વિકાસ માટે સરકારની અતૂટ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે સેલા ટનલ તમામ હવામાનમાં કનેક્ટિવિટી પ્રદાન કરશે અને તવાંગના લોકો માટે મુસાફરીની સરળતામાં સુધારો કરશે. તેમણે વધુમાં કહ્યું કે, પ્રદેશમાં ઘણી ટનલ પર કામ ચાલી રહ્યું છે.

પ્રધાનમંત્રીએ સરહદી ગામોના વિકાસની અગાઉની ઉપેક્ષાની ટીકા કરી હતી. તેમણે તેમની શૈલીમાં પુનરોચ્ચાર કર્યો કે રાષ્ટ્રની જરૂરિયાતો અનુસાર કામ કરવામાં આવશે ચૂંટણીલક્ષી વિચારણાઓ માટે નહીં. તેમણે સંરક્ષણ કર્મચારીઓને વચન આપ્યું હતું કે તેઓ તેમની આગામી ટર્મમાં આ એન્જિનિયરિંગ અજાયબીમાં તેમને મળવા આવશે.

અરુણાચલ પ્રદેશના મુખ્યપ્રધાન શ્રી પેમા ખાંડુ અને અર્થ સાયન્સ મંત્રી શ્રી કિરેન રિજિજુ સહિતના મહાનુભવો ઉદ્ઘાટન સમારોહમાં સામેલ થયા હતા.

સેલા ટનલનું નિર્માણ નવી ઑસ્ટ્રિયન ટનલિંગ પદ્ધતિનો ઉપયોગ કરીને કરવામાં આવ્યું છે અને તેમાં ઉચ્ચતમ ધોરણોની સુરક્ષા સુવિધાઓ સામેલ છે. આ પ્રોજેક્ટ આ પ્રદેશમાં માત્ર ઝડપી અને વધુ કાર્યક્ષમ પરિવહન માર્ગ પ્રદાન કરશે નહીં પરંતુ દેશ માટે વ્યૂહાત્મક મહત્વ ધરાવે છે.

ટનલનો શિલાન્યાસ પ્રધાનમંત્રી દ્વારા 09 ફેબ્રુઆરી, 2019ના રોજ કરવામાં આવ્યો હતો, અને 01 એપ્રિલ, 2019ના રોજ બાંધકામ શરૂ થયું હતું. મુશ્કેલ ભૂ-પ્રદેશ અને પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓના પડકારોને પાર કરીને ટનલ માત્ર પાંચ વર્ષમાં પૂર્ણ થઈ છે. સરહદી વિસ્તારોના વિકાસમાં બીઆરઓ હંમેશા અગ્રેસર રહ્યું છે. છેલ્લા ત્રણ વર્ષમાં, BROએ 8,737 કરોડ રૂપિયાના ખર્ચે બાંધવામાં આવેલા રેકોર્ડ 330 ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પૂર્ણ કર્યા છે.

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2012974) Visitor Counter : 82