પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સીની મંત્રીસ્તરીય બેઠકને સંબોધન કર્યું


"ભારત એક દાયકામાં 11મા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બનીને પાંચમા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે"

'રિડ્યુસ, રિયુઝ અને રિસાઇકલ' એ ભારતની પરંપરાગત જીવનશૈલીનો એક ભાગ છે

"ભારત દરેક મિશનમાં વ્યાપ અને ઝડપ, જથ્થો અને ગુણવત્તા લાવે છે."

Posted On: 14 FEB 2024 8:18PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સીની મંત્રીસ્તરીય બેઠકને સંબોધન કર્યું હતું.

આ પ્રસંગને સંબોધતા પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સીને તેની સ્થાપનાની 50મી વર્ષગાંઠ બદલ અભિનંદન પાઠવ્યા હતા તથા આ બેઠકની સહ-અધ્યક્ષતા કરવા બદલ આયર્લેન્ડ અને ફ્રાન્સ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.

સતત વૃદ્ધિ માટે ઊર્જા સુરક્ષા અને સ્થાયીત્વની જરૂરિયાત પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ એ બાબત પર પ્રકાશ પાડ્યો હતો કે, કેવી રીતે ભારત એક દાયકામાં 11મા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે, જેણે તેને દુનિયાનું સૌથી ઝડપથી વિકસતું મોટું અર્થતંત્ર બનાવ્યું છે. તેમણે આ જ સમયગાળા દરમિયાન ભારતની સૌર ઊર્જા ક્ષમતામાં નોંધાયેલા 26 ગણા વિકાસનો ઉલ્લેખ પણ કર્યો હતો, ત્યારે દેશની પુનઃપ્રાપ્ય ઊર્જાની ક્ષમતાને બમણી કરવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ ઉમેર્યું હતું કે, "અમે સમયરેખા કરતાં આગળ આ સંબંધમાં અમારી પેરિસ કટિબદ્ધતાઓને વટાવી દીધી છે."

ભારતની વૈશ્વિક વસતિનો 17 ટકા હિસ્સો છે તેની નોંધ લઈને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જ્યારે ભારત વિશ્વની સૌથી મોટી ઊર્જા સુલભતાની પહેલોમાં સામેલ છે, ત્યારે તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતનું કાર્બન ઉત્સર્જન વૈશ્વિક સ્તરે કુલ ઉત્સર્જનનો માત્ર 4 ટકા હિસ્સો ધરાવે છે. તેમણે સામૂહિક અને સક્રિય અભિગમ અપનાવીને આબોહવામાં પરિવર્તનનો સામનો કરવા દેશની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "ભારત આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન જેવી પહેલોનું નેતૃત્વ કરી ચૂક્યું છે. અમારું મિશન LiFE સામૂહિક અસર માટે ગ્રહ-તરફી જીવનશૈલીની પસંદગીઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. 'રિડ્યુસ, રિયુઝ અને રિસાઇકલ' ભારતની પરંપરાગત જીવનશૈલીનો એક ભાગ છે." ભારતનાં જી20નાં રાષ્ટ્રપતિ પદ દરમિયાન ગ્લોબલ બાયોફ્યુઅલ્સ એલાયન્સની શરૂઆતનાં સંદર્ભમાં પ્રધાનમંત્રી મોદીએ આ પહેલને ટેકો આપવા બદલ આઇઇએનો આભાર માન્યો હતો.

કોઈ પણ સંસ્થાની વિશ્વસનીયતા અને ક્ષમતાને વધારવા માટે સર્વસમાવેશકતા તરફ ધ્યાન દોરતા પ્રધાનમંત્રીએ 1.4 અબજ ભારતીય નાગરિકોનો ઉલ્લેખ કર્યો હતો, જે પ્રતિભા, ટેકનોલોજી અને નવીનતાને ટેબલ પર લાવી શકે છે. પીએમ મોદીએ વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે, "અમે દરેક મિશનમાં સ્કેલ અને સ્પીડ, ક્વોન્ટિટી અને ક્વોલિટી લાવીએ છીએ." પીએમ મોદીએ વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે, ભારત મોટી ભૂમિકા ભજવશે તેનાથી આઈઈએને ઘણો ફાયદો થશે. સંબોધનના સમાપનમાં પ્રધાનમંત્રીએ આઇઇએની મંત્રીમંડળીય બેઠકની સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી અને વર્તમાન ભાગીદારીને મજબૂત કરવા અને નવી ભાગીદારીઓ ઊભી કરવા આ પ્લેટફોર્મનો ઉપયોગ કરવા અપીલ કરી હતી. શ્રી મોદીએ અંતમાં જણાવ્યું હતું કે, "ચાલો આપણે સ્વચ્છ, હરિયાળા અને સમાવેશી વિશ્વનું નિર્માણ કરીએ."

AP/GP/JD(Release ID: 2006113) Visitor Counter : 74