પ્રધાનમંત્રીનું કાર્યાલય

ગુવાહાટી ખાતે વિવિધ પરિયોજનાઓના શિલાન્યાસ, ઉદ્ઘાટન અને લોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રીએ આપેલા સંબોધનનો મૂળપાઠ

Posted On: 04 FEB 2024 3:10PM by PIB Ahmedabad

ભારત માતાની જય!

ભારત માતાની જય!

આસામના રાજ્યપાલ ગુલાબચંદ કટારિયાજી, મુખ્યમંત્રી ડૉ. હિમંતા બિસ્વા સરમાજી, મંત્રીમંડળના મારા સહકર્મીઓ સર્બાનંદ સોનોવાલજી, રામેશ્વર તેલીજી, આસામ સરકારના મંત્રીગણ, સાંસદો અને ધારાસભ્યો, વિવિધ પરિષદોના વડાઓ અને મારા વ્હાલા ભાઇઓ અને બહેનો!

આપૂનાલોક હોકો લૂ કે મોર,

 

ઑન્તોરીક હુબેસ્સા જ્ઞાપોન કોરિલૂ.

માતા કામાખ્યાના આશીર્વાદથી આજે ફરી એકવાર મને આસામના વિકાસ સાથે સંકળાયેલી વિવિધ પરિયોજનાઓ આપ સૌને સોંપવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. થોડા સમય પહેલાં જ અહીં 11 હજાર કરોડ રૂપિયાની વિવિધ પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તમામ પરિયોજનાઓ આસામ અને પૂર્વોત્તર તેમજ દક્ષિણ એશિયાના અન્ય દેશો સાથે આ ક્ષેત્રની કનેક્ટિવિટી વધુ મજબૂત કરશે. આ પરિયોજનાઓ આસામમાં પર્યટન ક્ષેત્રમાં નવી રોજગારીનું સર્જન કરશે તેમજ રમત ક્ષેત્રની પ્રતિભાને નવી તકો પણ પૂરી પાડશે. આ પરિયોજનાઓ તબીબી શિક્ષણ અને આરોગ્ય સંભાળ કેન્દ્ર તરીકે આસામની ભૂમિકાને પણ વિસ્તૃત કરશે. હું આ પરિયોજનાઓ બદલ આસામ અને સમગ્ર પૂર્વોત્તર પ્રદેશના મારા પરિવારના તમામ સભ્યોને અભિનંદન પાઠવું છું. હું ગઇકાલે સાંજે અહીં આવ્યો હતો, ત્યારે ગુવાહાટીના લોકો અહીંના માર્ગો પર અમારું સ્વાગત કરીને અમારું સન્માન કરી રહ્યા હતા અને દરેક યુવાનો તેમજ વડીલો અમને આશીર્વાદ આપી રહ્યા હતા. હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. મેં ટીવી પર જોયું હતું કે, તમે લોકોએ લાખો દીવા પ્રગટાવ્યા હતા. આપ સૌનો આ પ્રેમ, આપ સૌએ દર્શાવેલી આ આત્મીયતા મારા માટે ખૂબ જ મોટા ખજાના જેવી છે. તમારો પ્રેમ અને આશીર્વાદ મને નિરંતર ઊર્જા આપતા રહે છે. હું તમારા બધાનો જેટલો પણ આભાર માનું એટલો ઓછો પડે એમ છે.

ભાઇઓ અને બહેનો,

છેલ્લા કેટલાક દિવસોમાં મને દેશના અનેક તીર્થસ્થળોની મુલાકાત લેવાની તક મળી છે. અયોધ્યામાં ભવ્ય કાર્યક્રમના આયોજન બાદ હવે હું અહીં માતા કામાખ્યાના દ્વાર પર આવ્યો છું. આજે મને અહીં માતા કામાખ્યા દિવ્ય લોક પરિયોજનાનો શિલાન્યાસ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. આ દિવ્યલોકની જે કલ્પના કરવામાં આવી છે, તેના વિશે મને વિગતવાર માહિતી આપવામાં આવી હતી. જ્યારે આ પરિયોજનાનું નિર્માણ કાર્ય પૂરું થઇ જશે, ત્યારે તે દેશ અને સમગ્ર દુનિયામાં વસતા માતાજીના ભક્તોને અપાર આનંદથી છલકાવી દેશે. માતા કામાખ્યા દિવ્યલોક પરિયોજનાનું કામ પૂર્ણ થયા બાદ દર વર્ષે અહીં વધુ સંખ્યામાં ભક્તો આવશે અને દર્શનનો લ્હાવો લઇ શકશે. અને હું જોઉં છું કે માતા કામાખ્યાના દર્શનની સંખ્યા જેટલી વધશે તેટલું તે સમગ્ર પૂર્વોત્તર પ્રદેશમાં પર્યટનનું પ્રવેશદ્વાર બનશે. જે પણ અહીં આવશે, તે સમગ્ર પૂર્વોત્તરમાં પર્યટન તરફ આગળ વધશે. એક રીતે, આ તેનું પ્રવેશદ્વાર બનવાનું છે. આટલું મોટું કામ આ દિવ્યલોક સાથે જોડાયેલું છે. હું આ અદ્ભુત પરિયોજના બદલ હિમંતાજી અને તેમની સરકારની પ્રશંસા કરું છું.

સાથીઓ,

આપણાં તીર્થધામો, આપણાં મંદિરો, આપણી આસ્થાનાં કેન્દ્રો, આ બધી જ જગ્યાઓ માત્ર દર્શન કરવા માટેનાં સ્થળો છે એવું નથી. આ આપણી સંસ્કૃતિની હજારો વર્ષની સફરના અમિટ ચિહ્નો છે. ભારતે દરેક સંકટનો સામનો કરીને કેવી રીતે પોતાને અડીખમ રાખ્યું તેના આ સાક્ષી છે. આપણે જોયું છે કે, એક સમયે જે સંસ્કૃતિઓ ખૂબ જ સમૃદ્ધ ગણવામાં આવતી હતી, આજે તેમના માત્ર ખંડેર જ બચ્યા છે. દુર્ભાગ્યવશ, આઝાદી પછી જે લોકોએ લાંબા સમય સુધી દેશમાં સરકારો ચલાવી તેઓ પણ આસ્થાના આ પવિત્ર સ્થળોનું મહત્વ સમજી શક્યા નહોતા. તેમણે માત્ર રાજકીય લાભ ઉઠાવવા માટે આપણી જ સંસ્કૃતિ, આપણા જ ભૂતકાળ પર શરમ અનુભવવાનો એક ટ્રેન્ડ બનાવી દીધો હતો. કોઇ પણ દેશ તેના ભૂતકાળને ભૂંસી નાખવાથી, તેને ભૂલી જવાથી, પોતાના મૂળ કાપીને ક્યારેય વિકસિત થઇ શકતો નથી. મને એ વાતનો સંતોષ છે કે, છેલ્લાં 10 વર્ષમાં ભારતમાં પરિસ્થિતિ બદલાઇ છે. ભાજપની ડબલ એન્જિનની સરકારે વિકાસ અને વારસાને પોતાની નીતિનો એક ભાગ બનાવી દીધો છે. આજે આપણે તેના પરિણામો આસામના જુદા જુદા ખૂણામાં પણ જોઇ રહ્યા છીએ. આસામમાં આસ્થા, આધ્યાત્મ અને ઇતિહાસ સાથે સંકળાયેલા તમામ સ્થળોને આધુનિક સુવિધાઓ સાથે જોડવામાં આવી રહ્યા છે. વારસાનું જતન કરવાના આ અભિયાનની સાથે સાથે વિકાસનું અભિયાન પણ તેજ ગતિએ આગળ વધી રહ્યું છે. જો આપણે છેલ્લાં 10 વર્ષો પર નજર કરીએ તો, અમે દેશમાં વિક્રમી સંખ્યામાં કોલેજો અને યુનિવર્સિટીઓ બનાવી છે. પહેલાંના સમયમાં મોટી સંસ્થાઓ માત્ર મોટા શહેરોમાં જ હતી. અમે સમગ્ર દેશમાં IIT, એઇમ્સ, IIM જેવી સંસ્થાઓનું નેટવર્ક ફેલાવ્યું છે. છેલ્લાં 10 વર્ષમાં દેશમાં મેડિકલ કોલેજોની સંખ્યા વધીને લગભગ બમણી થઇ ગઇ છે. આસામમાં પણ ભાજપ સરકાર શાસનમાં આવી તે પહેલાં માત્ર 6 મેડિકલ કોલેજ હતી, જ્યારે આજે 12 મેડિકલ કોલેજ છે. આસામ આજે પૂર્વોત્તર પ્રદેશમાં કેન્સરની સારવાર માટેનું એક મોટું કેન્દ્ર બની રહ્યું છે.

સાથીઓ,

દેશવાસીઓનું જીવન સરળ બનાવવું એ અમારી સરકારની પ્રાથમિકતા રહી છે. અમે 4 કરોડથી વધુ ગરીબ પરિવારો માટે પાકા ઘરનું નિર્માણ કર્યું છે. અમે દરેક ઘરમાં પાણી અને દરેક ઘરમાં વીજળી પહોંચાડવાનું અભિયાન પણ હાથ ધર્યું છે. ઉજ્જવલા યોજનાની મદદથી આજે ​​આસામની લાખો બહેનો અને દીકરીઓને ધુમાડાથી મુક્તિ મળી ગઇ છે. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત બાંધવામાં આવેલા શૌચાલયોના કારણે આસામની લાખો બહેનો અને દીકરીઓની ગરિમાનું રક્ષણ થઇ શક્યું છે.

સાથીઓ,

વિકાસ અને વારસા પર અમે જે ધ્યાન આપી રહ્યાં છીએ તેના કારણે દેશના યુવાનોને સીધો ફાયદો થઇ રહ્યો છે. આજે દેશમાં પર્યટન અને તીર્થયાત્રા અંગે લોકોમાં ઉત્સાહ વધી રહ્યો છે. કાશી કોરિડોરનું નિર્માણ કરાયા બાદ ત્યાં વિક્રમી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. છેલ્લાં એક વર્ષમાં સાડા આઠ કરોડ લોકોએ કાશીની મુલાકાત લીધી છે. 5 કરોડ કરતાં વધુ લોકોએ ઉજ્જૈનમાં આવેલા મહાકાલ મહાલોકના દર્શન કર્યા છે. 19 લાખથી વધુ લોકોએ કેદારધામની યાત્રા કરી છે. અયોધ્યા ધામમાં પ્રાણ પ્રતિષ્ઠા થયાને હજુ માત્ર થોડા દિવસો જ થયા છે. માત્ર 12 દિવસમાં 24 લાખ કરતાં વધુ ભક્તો અયોધ્યામાં દર્શન કરી ચુક્યા છે. માતા કામાખ્યા દિવ્યલોકનું નિર્માણ થઇ ગયા પછી, આપણને અહીં પણ આવું જ દૃશ્ય જોવા મળવાનું છે.

સાથીઓ,

જ્યારે તીર્થયાત્રીઓ આવે છે, જ્યારે ભક્તોનું આગમન થાય છે ત્યારે ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ કમાણી કરે છે. રિક્ષાચાલકો હોય, ટેક્સી ડ્રાઇવર હોય, હોટેલ ચલાવવાવાળા હોય, શેરી પરના ફેરિયાઓ હોય, આ બધાની આવકમાં વધારો થાય છે. તેથી આ વર્ષના અંદાજપત્રમાં પણ અમે પ્રવાસન પર ઘણો ભાર આપ્યો છે. કેન્દ્રમાં આરૂઢ ભાજપ સરકાર પ્રવાસન સંબંધિત ઐતિહાસિક સ્થળોના વિકાસ માટે એક નવું અભિયાન શરૂ કરવા જઇ રહી છે. આસામ અને પૂર્વોત્તરમાં આના માટે અપાર સંભાવનાઓ રહેલી છે. તેથી ભાજપ સરકાર પૂર્વોત્તરના વિકાસ પર વિશેષ ભાર આપી રહી છે.

સાથીઓ,

છેલ્લાં 10 વર્ષથી પૂર્વોત્તર પ્રદેશમાં વિક્રમી સંખ્યામાં પ્રવાસીઓ આવ્યા છે. આખરે આવું થયું કેવી રીતે? આ પ્રવાસન કેન્દ્ર, પૂર્વોત્તરના મનોરમ્ય વિસ્તારો પહેલાંના સમયમાં પણ અહીંયા જ હતા. પરંતુ તે સમયે અહીં ખાસ કંઇ પ્રવાસીઓ આવતા ન હતા. હિંસા, સંસાધનોની અછત, સુવિધાઓના અભાવ વચ્ચે, આખરે કોને અહીંયા આવવાનું ગમે? તમે એ પણ જાણો છો કે, 10 વર્ષ પહેલાં આસામ સહિત સમગ્ર પૂર્વોત્તરમાં શું સ્થિતિ હતી. સમગ્ર પૂર્વોત્તરમાં રેલ મુસાફરી અને હવાઇ મુસાફરી ખૂબ જ મર્યાદિત હતી. રસ્તાઓ સાંકડા અને ખરાબ પણ હતા. એક રાજ્યથી બીજા રાજ્યમાં મુસાફરી કરવાની તો વાત જ છોડી દો, ખાલી એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા માટે પણ ઘણા કલાકો લાગી જતા હતા. આજે આ તમામ પરિસ્થિતિઓને ભાજપની ડબલ એન્જિનની સરકારે, NDA સરકારે બદલી નાંખી છે.

સાથીઓ,

છેલ્લાં 10 વર્ષમાં અમારી સરકારે અહીંના વિકાસ કાર્યો પર કરવામાં આવતા ખર્ચમાં 4 ગણો વધારો કર્યો છે. 2014 પછી રેલવે ટ્રેકની લંબાઇ 1900 કિલોમીટરથી વધુ વધારવામાં આવી છે. 2014ની સરખામણીમાં રેલવેના બજેટમાં લગભગ 400 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. અને એટલે જ તો પ્રધાનમંત્રી તમારા આસામમાંથી ચૂંટીને જતા હતા તેનાથી વધુ કામ, તમારા આ મિત્ર કરી રહ્યા છે. 2014 સુધી અહીં માત્ર 10 હજાર કિલોમીટરના રાષ્ટ્રીય ધોરીમાર્ગો હતા. છેલ્લાં 10 વર્ષમાં જ અમે 6 હજાર કિલોમીટરના નવા રાષ્ટ્રીય ધોરીમાર્ગોનું નિર્માણ કર્યું છે. આજે વધુ બે નવા માર્ગ પરિયોજનાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આનાથી હવે ઇટાનગર સુધીની કનેક્ટિવિટી વધુ સારી થઇ જશે અને તમારા સૌની સમસ્યાઓમાં ઘણો ઘટાડો થઇ જશે.

સાથીઓ,

આજે આખો દેશ કહી રહ્યો છે કે, મોદીની ગેરંટી એટલે પૂરું થવાની ગેરંટી. મેં ગરીબોને, મહિલાઓને, યુવાનો અને ખેડૂતોને પાયાની સુવિધાઓ પૂરી પાડવાની ગેરંટી આપી છે. આજે આમાંની મોટાભાગની ગેરંટી પૂરી થઇ રહી છે. અમને વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન પણ આ જોવા મળ્યું છે. જે પણ લોકો સરકારી યોજનાઓથી વંચિત રહી ગયા હતા તેમના સુધી તેના લાભો પહોંચાડવા માટે મોદીની ગેરંટીવાળી ગાડી પહોંચી છે. સમગ્ર દેશમાં લગભગ 20 કરોડ લોકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સીધા ભાગ લીધો છે. મોટી સંખ્યામાં આસામના લોકોએ પણ આ યાત્રાનો લાભ મેળવ્યો છે.

સાથીઓ,

ભાજપની ડબલ એન્જિનની સરકાર દરેક લાભાર્થી સુધી પહોંચવા માટે પ્રતિબદ્ધ છે. અમારો ઉદ્દેશ્ય દરેક નાગરિકનું જીવન સરળ બનાવવાનો છે. આવું ધ્યાન 3 દિવસ પહેલાં આવેલા અંદાજપત્રમાં પણ જોવા મળી રહ્યું છે. અંદાજપત્રમાં સરકારે માળખાકીય સુવિધાઓના વિકાસ પર 11 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવાનો સંકલ્પ લીધો છે. આ રકમ કેટલી મોટી છે તેનો અંદાજ અન્ય એક આંકડા પરથી લગાવી શકાય છે. 2014 પહેલાંના 10 વર્ષમાં, આ આંકડાને યાદ રાખજો મારા ભાઇઓ અને બહેનો, 2014 પહેલાંના 10 વર્ષમાં માળખાકીય સુવિધાઓ માટેનું કુલ બજેટ 12 લાખ કરોડ રૂપિયા હતું, 10 વર્ષમાં 12 લાખ કરોડ રૂપિયા. આનો અર્થ એવો થયો કે, અમારી સરકાર આગામી એક વર્ષમાં લગભગ એટલી જ રકમ ખર્ચવા જઇ રહી છે, જેટલો ખર્ચ અગાઉની કેન્દ્ર સરકારે તેમના વિતેલા 10 વર્ષમાં કર્યો હતો. તમે કલ્પના કરી શકો છો કે, દેશમાં કેટલા મોટા પાયે નિર્માણ કાર્યો થવા જઇ રહ્યાં છે. અને જ્યારે આટલી મોટી રકમનું નિર્માણ કાર્યો પાછળ રોકાણ કરવામાં આવે છે ત્યારે નવી નોકરીઓનું સર્જન થાય છે અને ઉદ્યોગોને નવી ગતિ મળે છે.

સાથીઓ,

આ અંદાજપત્રમાં બીજી એક ઘણી મોટી યોજનાની જાહેરાત કરવામાં આવી છે. છેલ્લાં 10 વર્ષમાં અમે દરેક ઘરમાં વીજળી પહોંચાડવાનું અભિયાન હાથ ધર્યું છે. હવે અમે વીજળીનું બિલ, આસામના ભાઇઓ અને બહેનો અને દેશવાસીઓ, હું તમારી સમક્ષ એક ખૂબ જ મહત્વપૂર્ણ કાર્ય મૂકી રહ્યો છું, હવે અમે વીજળીના બિલને ઘટાડીને શૂન્ય કરવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ. અંદાજપત્રમાં સરકારે રૂફ ટોપ સોલાર માટે મોટી યોજનાની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ સરકાર શરૂઆતમાં એક કરોડ પરિવારોને સોલર રૂફ ટોપ લગાવવામાં મદદ કરશે. આનાથી, તેમનું વીજળીનું બિલ પણ શૂન્ય થઇ જશે અને સાથે જ સામાન્ય પરિવાર પોતાના ઘરે જ વીજળી ઉત્પન્ન કરીને તેને વેચીને પૈસા પણ કમાઇ શકશે.

સાથીઓ,

મેં દેશની 2 કરોડ બહેનોને લખપતિ બનાવવાની ગેરંટી આપી હતી. વિતેલા વર્ષોમાં જ્યારે મેં હિસાબ-કિતાબ લગાવવાનું શરૂ કર્યું ત્યારે મને પ્રાથમિક માહિતી મળી કે અત્યાર સુધીમાં આપણી 1 કરોડ બહેનો લખપતિ દીદી બની ગઇ છે. આપણા દેશમાં સ્વ-સહાય જૂથોમાં કામ કરતી 1 કરોડ બહેનો જ્યારે લખપતિ દીદી બને છે, ત્યારે નીચે ધરતી કેટલી બદલાઇ જાય છે મિત્રો. હવે આ અંદાજપત્રમાં અમે લખપતિ દીદી બનાવવાનું લક્ષ્ય હજું પણ વધારી દીધું છે. હવે 2 કરોડને બદલે 3 કરોડ બહેનોને લખપતિ દીદી બનાવવામાં આવશે. આનો લાભ આસામમાં રહેતી મારી હજારો અને લાખો બહેનોને ચોક્કસપણે મળવાનો છે. અહીં સ્વ-સહાય જૂથ સાથે સંકળાયેલી તમામ બહેનો માટે તકો જ તકો આવવાની છે અને આટલી મોટી સંખ્યામાં અહીં માતાઓ અને બહેનો આવી છે, મારી લખપતિ દીદી પણ તેમાં આવી જ હશે. આ અંદાજપત્રમાં અમારી સરકારે આંગણવાડી અને આશા બહેનોને પણ આયુષ્માન યોજનાના દાયરામાં લાવી દીધી છે. આના કારણે તેમને પણ હવે 5 લાખ રૂપિયા સુધીની મફત સારવારની સુવિધા મળી રહી છે. જ્યારે બહેન-દીકરીઓનું જીવન સરળ બનાવનારી સરકાર સત્તામાં હોય ત્યારે સંવેદનશીલતાથી કામ થાય છે.

ભાઇઓ અને બહેનો,

મોદી જે ગેરંટી આપે છે ને તેને પૂરી કરવા માટે દિવસ-રાત કામ કરવાની હિંમત પણ ધરાવે છે. આથી જ આજે પૂર્વોત્તરને મોદીની ગેરંટી પર ભરોસો છે. આજે આસામમાં જ જોઇ લો, જે વિસ્તારોમાં વર્ષોથી અશાંતિ ફેલાયેલી હતી ત્યાં હવે કાયમી ધોરણે શાંતિ સ્થાપિત થઇ રહી છે. રાજ્યો વચ્ચેની સરહદોના વિવાદોનો ઉકેલ આવી રહ્યો છે. ભાજપની સરકાર બન્યા બાદ અહીં 10થી વધુ મોટી શાંતિ સમજૂતીઓ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. છેલ્લાં કેટલાક વર્ષોમાં પૂર્વોત્તરમાં હજારો યુવાનોએ હિંસાનો માર્ગ છોડીને વિકાસનો માર્ગ પસંદ કર્યો છે. મેં ઘણા વર્ષો સુધી આસામમાં મારા પક્ષના સંગઠન માટે કામ કર્યું છે. હું અહીંના દરેક વિસ્તારમાં ફરેલો માણસ છું અને મને યાદ છે કે, તે સમયે આવન-જાવનમાં એક અવરોધ એ હતો કે હું ગુવાહાટીના રોડ બ્લોક કાર્યક્રમ, બંધ કાર્યક્રમ અને ગુવાહાટી સુધી અંદરના વિસ્તારોમાં બોમ્બ વિસ્ફોટની ઘટનાઓ મારી પોતાની આંખોથી જોતો હતો. આજે એ સ્થિતિ ભૂતકાળ બની ગઇ છે અને મિત્રો, લોકો હવે શાંતિથી જીવી રહ્યા છે. આસામના 7 હજાર કરતાં વધુ યુવાનોએ શસ્ત્રો પણ હેઠાં મૂકી દીધા છે અને દેશના વિકાસમાં ખભાથી ખભો મિલાવીને આગળ વધવાનો સંકલ્પ કર્યો છે. ઘણા જિલ્લામાંથી AFSPA હટાવી દેવામાં આવ્યો છે. જે વિસ્તારો હિંસાથી અસરગ્રસ્ત હતા તેઓ આજે તેમની આકાંક્ષાઓ અનુસાર વિકાસ કરી રહ્યા છે અને સરકાર તેમને સંપૂર્ણ મદદ કરી રહી છે.

સાથીઓ,

નાના લક્ષ્યો નિર્ધારિત કરીને કોઇ પણ દેશ, કોઇ પણ રાજ્ય ઝડપી ગતિએ વિકાસ કરી શકતા નથી. અગાઉની સરકારોએ નહોતા મોટાં લક્ષ્ય નક્કી કર્યા અને ન તો તેમનાં લક્ષ્યોને હાંસલ કરવા માટે એટલી મહેનત કરી. અમે અગાઉની સરકારોની આ વિચારસરણીને પણ બદલી નાખી છે. હું પૂર્વોત્તર ક્ષેત્રને એવી જ રીતે વિકસિત થતું જોવા માંગુ છુ, જેવું પૂર્વ એશિયાને સમગ્ર દુનિયા જોવા માંગે છે. આજે, પૂર્વોત્તર થઇને દક્ષિણ એશિયા અને પૂર્વીય એશિયા વચ્ચે જોડાણનું વિસ્તરણ થઇ રહ્યું છે. આજે, અહીં દક્ષિણ એશિયા પેટા-પ્રદેશ આર્થિક સહકાર, તેમના સહયોગ હેઠળ પણ, ઘણા માર્ગોમાં સુધારો કરવાનું કામ શરૂ થયું છે. તમે જ કલ્પના કરો, જ્યારે કનેક્ટિવિટીની આવી તમામ પરિયોજનાઓનાં કામ પૂરા થઇ જશે, ત્યારે આ વિસ્તાર વેપારનું કેટલું મોટું કેન્દ્ર બની જશે. હું જાણું છું કે આસામ અને પૂર્વોત્તરના દરેક યુવાનોનું પણ એ જ સપનું છે કે તેઓ પૂર્વ એશિયા જેવો વિકાસ અહીં જુએ. હું આસામના અને સમગ્ર પૂર્વોત્તરના દરેક યુવાનોને કહેવા માંગુ છું કે - મારા યુવાન મિત્રો, તમારું સપનું, તમારું સપનું એ મોદીનો સંકલ્પ છે. અને તમારાં સપનાં સાકાર થાય તેના માટે મોદી પોતાના તરફથી કોઇ જ કસર નહીં છોડે. અને આ મોદીની ગેરંટી છે.

ભાઇઓ અને બહેનો,

આજે જે પણ કામ થઇ રહ્યું છે તેનું એક જ લક્ષ્ય છે. આ લક્ષ્ય છે, ભારત અને ભારતીયો માટે સુખી અને સમૃદ્ધ જીવનનું. આ લક્ષ્ય છે, ભારતને સમગ્ર વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક શક્તિ બનાવવાનું. આ લક્ષ્ય છે, 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું. આમાં, આસામ અને પૂર્વોત્તરની ભૂમિકા ખૂબ જ મોટી છે. ફરી એકવાર આપ સૌને આ વિકાસ પરિયોજનાઓ બદલ ખૂબ ખૂબ અભિનંદન. અને હવે તો માતા કામાખ્યાના આશીર્વાદ ઘણા વધવાના છે, ખૂબ જ વધવાના છે. અને તેથી જ હું એક ભવ્ય, દિવ્ય આસામની તસવીર સાકાર થતી જોઇ રહ્યો છું, મિત્રો. તમારા સપના સાકાર થશે, આ આપણે આપણી આંખો સામે જ થતા જોઇશું, હું તમને ખાતરી આપું છું. ફરી એકવાર, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. બંને હાથ ઊંચા કરો અને મારી સાથે બોલો ભારત માતાની જય! ભારત માતાની જય! ભારત માતાની જય! ભારત માતાની જય!

ખૂબ ખૂબ આભાર!

CB/JD



(Release ID: 2002411) Visitor Counter : 86