પ્રધાનમંત્રીનું કાર્યાલય
‘મન કી બાત’ (109મી કડી)પ્રસારણ તારીખ : 28.01.2024
Posted On:
28 JAN 2024 11:46AM by PIB Ahmedabad
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. 2024નો આ પહેલો ‘મન કી બાત’નો કાર્યક્રમ છે. અમૃતકાળમાં એક નવી ઉંમગ છે, નવી તરંગ છે. બે દિવસ પહેલાં આપણે સહુ દેશવાસીઓએ 75મા પ્રજાસત્તાક દિવસને ખૂબ ધામધૂમથી ઉજવ્યો છે. આ વર્ષે આપણાં બંધારણને પણ 75 વર્ષ થઈ રહ્યાં છે અને સર્વોચ્ચ ન્યાયાલયને પણ 75 વર્ષ થઈ રહ્યાં છે. આપણા લોકતંત્રનું પર્વ, મધર ઑફ ડેમોક્રેસીના રૂપમાં ભારતને વધુ સશક્ત બનાવે છે. ભારતનું બંધારણ એટલા ગહન મંથન પછી બન્યું છે કે તેને જીવંત દસ્તાવેજ કહેવાય છે. આ બંધારણની મૂળ પ્રતિના ત્રીજા અધ્યાયમાં ભારતના નાગરિકોના મૂળભૂત અધિકારોનું વર્ણન કરવામાં આવ્યું છે અને એ ખૂબ જ રસપ્રદ છે કે ત્રીજા અધ્યાયના આરંભમાં આપણા બંધારણ ઘડવૈયાઓએ ભગવાન રામ, માતા સીતા અને લક્ષ્મણજીનાં ચિત્રોને સ્થાન આપ્યું હતું. પ્રભુ રામનું શાસન આપણા બંધારણ ઘડવૈયાઓ માટે પણ પ્રેરણાનું સ્રોત હતું અને આથી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં મેં ‘દેવથી દેશ’ની વાત કરી હતી, ‘રામથી રાષ્ટ્ર’ની વાત કરી હતી.
સાથીઓ, અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાના અવસરે દેશના કરોડો લોકોને જાણે કે એક સૂત્રમાં બાંધી દીધા છે. બધાની ભાવના એક, બધાની ભક્તિ એક, બધાની વાતોમાં રામ, બધાનાં હૃદયમાં રામ. દેશના અનેક લોકોએ આ દરમિયાન રામ ભજન ગાઈને તેમને શ્રી રામનાંચરણોમાં સમર્પિત કર્યાં. 22 જાન્યુઆરીની સાંજે સમગ્ર દેશે રામજ્યોતિ પ્રગટાવી, દિવાળી ઉજવી. આ દરમિયાન દેશે સામૂહિકતાની શક્તિ જોઈ, જે વિકસિત ભારતના આપણા સંકલ્પોનો પણ ખૂબ જ મોટો આધાર છે. મેં દેશના લોકોને અનુરોધ કર્યો હતો કે મકરસંક્રાંતિથી 22 જાન્યુઆરી સુધી સ્વચ્છતાનું અભિયાન ચલાવવામાં આવે. મને સારું લાગ્યું કે લાખો લોકોએ શ્રદ્ધાભાવથી જોડાઈને પોતાના ક્ષેત્રનાં ધાર્મિક સ્થાનોની સાફ-સફાઈ કરી. મને અનેક લોકોએ તેની સાથે જોડાયેલી તસવીરો મોકલી છે- વિડિયો મોકલ્યા છે – આ ભાવના અટકવી ન જોઈએ, આ અભિયાન અટકવું ન જોઈએ. સામૂહિકતાની આ શક્તિ, આપણા દેશને સફળતાની નવી ઊંચાઈ પર પહોંચાડશે.
મારા પ્રિય દેશવાસીઓ, આ વખતે 26 જાન્યુઆરીની પરેડ ખૂબ જ અદ્ભુત રહી, પરંતુ સૌથી વધુ ચર્ચા પરેડમાં મહિલા શક્તિને જોઈને થઈ, જ્યારે કર્તવ્ય પથ પર, કેન્દ્રીય સુરક્ષા દળો અને દિલ્લી પોલીસની મહિલા ટુકડીઓએ કદમતાલ શરૂ કર્યું તો બધા ગર્વથી પ્રસન્ન થઈ ગયા. મહિલા બૅન્ડની માર્ચ જોઈને, તેમનો જબરદસ્ત તાલમેળ જોઈને, દેશ-વિદેશમાં લોકો ઝૂમી ઉઠ્યા. આ વખતે પરેડમાં માર્ચ કરનારી 20 ટુકડીઓમાંથી 11 ટુકડી મહિલાઓની જ હતી. આપણે જોયું કે જે ઝાંકી નીકળી તેમાં બધી મહિલા કલાકારો જ હતી. જે સાંસ્કૃતિક કાર્યક્રમો થયા, તેમાં પણ લગભગ દોઢ હજાર દીકરીઓએ હિસ્સો લીધો હતો. અનેક મહિલા કલાકારો શંખ, નાદસ્વરમ્ અને નગાડા જેવાં ભારતીય સંગીત વાદ્ય યંત્ર વગાડી રહી હતી. DRDOએ જે ઝાંકી કાઢી, તેણે પણ બધાનું ધ્યાન આકર્ષિત કર્યું. તેમાં દેખાડવામાં આવ્યું કે નારીશક્તિ જળ, સ્થળ, નભ, સાઇબર અને સ્પેસ, દરેક ક્ષેત્રમાં દેશની સુરક્ષા કેવી રીતે કરી રહી છે. 21મી સદીનું ભારત, આવા જ મહિલા નેતૃત્વ હેઠળ વિકાસના મંત્ર સાથે આગળ વધી રહ્યું છે.
સાથીઓ, તમે કેટલાક દિવસ પહેલાં જ અર્જુન એવૉર્ડ સમારંભને પણ જોયો હશે. તેમાં રાષ્ટ્રપતિ ભવનમાં દેશના અનેક તેજસ્વી ખેલાડીઓ અને એથ્લીટ્સનું સન્માન કરવામાં આવ્યું છે. અહીં પણ જે એક વાતે લોકોનું ધ્યાન ખૂબ આકર્ષિત કર્યું છે, તે હતી અર્જુન પુરસ્કાર પ્રાપ્ત કરનારી દીકરીઓ અને તેમની જીવનયાત્રા. આ વખતે 13 મહિલા એથ્લીટને અર્જુન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી છે. આ મહિલા એથ્લીટોએ અનેક મોટી ટુર્નામેન્ટમાં હિસ્સો લીધો અને ભારતનો ધ્વજ ફરકાવ્યો. શારીરિક પડકારો, આર્થિક પડકારો આ સાહસી અને પ્રતિભાવાન ખેલાડીઓની સામે ટકી ન શક્યા. બદલતા ભારતમાં, દરેક ક્ષેત્રમાં આપણી દીકરીઓ, દેશની મહિલાઓ, ચમત્કાર કરીને દેખાડી રહી છે. એક બીજું ક્ષેત્ર છે, જ્યાં મહિલાઓએ પોતાનો ધ્વજ ફરકાવ્યો છે, તે છે – સેલ્ફ હેલ્પગ્રૂપ્સ. આજે વીમેન સેલ્ફ હેલ્પગ્રૂપ્સની દેશમાં સંખ્યા પણ વધી છે અને તેમના કામ કરવાના પરીઘનો પણ બહુ વિસ્તાર થયો છે. એ દિવસ દૂર નથી, જ્યારે તમને ગામેગામ ખેતરોમાં, નમો ડ્રૉન દીદીઓ, ડ્રૉનના માધ્યમથી ખેતીમાં મદદ કરતી દેખાશે. મને ઉત્તર પ્રદેશના બહરાઇચમાં સ્થાનિક ચીજોના ઉપયોગથી જૈવિક ખાતર અને જૈવિક જંતુનાશકો તૈયાર કરનારી મહિલાઓ વિશે જાણવા મળ્યું. સેલ્ફ હેલ્પગ્રૂપ્સ સાથે જોડાયેલી નિબિયા બેગમપુર ગામની મહિલાઓ, ગાયના ગોબર, લીમડાનાં પાંદડાંઓ અને અનેક પ્રકારના ઔષધીય છોડોના મિશ્રણથી જૈવિક ખાતર તૈયાર કરે છે. આ રીતે આ મહિલાઓ આદુ, લસણ, ડુંગળી અને મરચાંની ચટણી બનાવીને ઑર્ગેનિક પેસ્ટિસાઇડ પણ તૈયાર કરે છે. આ મહિલાઓએ મળીને ‘ઉન્નતિ જૈવિક ઇકાઇ’ નામનું એક સંગઠન બનાવ્યું છે. આ સંગઠન જૈવિક ઉત્પાદનોને તૈયાર કરવામાં આ મહિલાઓની મદદ કરે છે. તેમના દ્વારા બનાવાયેલાં બાયો-ફર્ટિલાઇઝર અને બાયો-પેસ્ટિસાઇડની માંગ પણ સતત વધી રહી છે. આજે, આસપાસનાં ગામોના છ હજારથી પણ વધુ ખેડૂતો તેમની પાસેથી જૈવ ઉત્પાદનો ખરીદી રહ્યા છે. તેનાથી સેલ્ફ હેલ્પગ્રૂપ્સ સાથે જોડાયેલી આ મહિલાઓની આવક વધી છે, અને તેમની આર્થિક સ્થિતિ પણ વધુ સારી થઈ છે.
મારા પ્રિય દેશવાસીઓ, ‘મન કી બાત’માં આપણે એવા દેશવાસીઓના પ્રયાસો સામે લાવીએ છીએ, જે નિઃસ્વાર્થ ભાવનાથી સમાજને, દેશને, સશક્ત કરવાનું કામ કરી રહ્યા છે. આવામાં, ત્રણ દિવસ પહેલાં, જ્યારે દેશે પદ્મ પુરસ્કારોની ઘોષણા કરી છે, તો ‘મન કી બાત’માં આવા લોકોની ચર્ચા સ્વાભાવિક છે. આ વખતે પણ એવા અનેક દેશવાસીઓને પદ્મ સન્માન આપવામાં આવ્યું છે, જેમણે જમીન સાથે જોડાઈને સમાજમાં મોટું-મોટું પરિવર્તન લાવવાનું કામ કર્યું. આ પ્રેરણાદાયક લોકોની જીવનયાત્રા વિશે જાણવા માટે દેશભરમાં ખૂબ જ ઉત્સુકતા જોવા મળી છે. મીડિયાની હેડલાઇન્સથી દૂર, અખબારોના ફ્રન્ટપેજથી દૂર, આ લોકો વગર કોઈ લાઇમ-લાઇટે સમાજની સેવામાં લાગેલા હતા. આપણને આ લોકો વિશે પહેલાં કદાચ જ કંઈ જોવા-સાંભળવાનું મળ્યું છે, પરંતુ, હવે મને આનંદ છે કે પદ્મ સન્માન ઘોષિત થયા પછી આવા લોકોની પ્રત્યેક બાજુ ચર્ચા થઈ રહી છે, લોકો તેમના વિશે અધિકમાં અધિક જાણવા માટે ઉત્સુક છે. પદ્મ પુરસ્કાર પ્રાપ્ત કરનારા આ મોટા ભાગના લોકો, પોત-પોતાના ક્ષેત્રમાં ઘણાં અનોખાં કામો કરી રહ્યા છે. જેમ કે કોઈ એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ કરાવી રહ્યું છે, તો કોઈ નિરાશ્રિતો માટે માથા પર છતની વ્યવસ્થા કરાવી રહ્યું છે. કેટલાક એવા પણ છે જે હજારો વૃક્ષ રોપીને પ્રકૃતિ-સંરક્ષણના પ્રયાસોમાં લાગેલું છે. એક એવા પણ છે, જેમણે ચોખાની 650થી વધુ જાતોના સંરક્ષણનું કામ કર્યું છે. એક એવા પણ છે, જેઓ ડ્રગ્સ અને દારૂના વ્યસનને અટકાવવા માટે સમાજમાં જાગૃતિ ફેલાવી રહ્યા છે. અનેક લોકો તો સેલ્ફ હેલ્પગ્રૂપ, વિશેષ રીતે, નારી શક્તિ અભિયાન સાથે લોકોને જોડવામાં લાગેલા છે. દેશવાસીઓમાં એ વાત વિશે પણ ખૂબ પ્રસન્નતા છે કે સન્માન મેળવનારાઓમાં 30 મહિલાઓ છે. આ મહિલાઓ પાયાના સ્તર પર પોતાનાં કાર્યોથી સમાજ અને દેશને આગળ લઈ જઈ રહી છે.
સાથીઓ, પદ્મ સન્માન મેળવનારાઓમાં પ્રત્યેકનું યોગદાન દેશવાસીઓને પ્રેરિત કરનારું છે. આ વખતે સન્માન મેળવનારાઓમાં મોટી સંખ્યા એ લોકોની છે, જે શાસ્ત્રીય નૃત્ય, શાસ્ત્રીય સંગીત, લોક નૃત્ય, થિયેટર અને ભજનની દુનિયામાં દેશનું નામ ઉજાળી રહ્યા છે. પ્રાકૃત, માલવી અને લમ્બાડી ભાષામાં ખૂબ જ શાનદાર કામ કરનારાઓને પણ આ સન્માન આપવામાં આવ્યું છે. વિદેશના પણ અનેક લોકોને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે જેમનાંકાર્યોથી ભારતીય સંસ્કૃતિ અને વારસાને નવી ઊંચાઈ મળી રહી છે. તેમાં ફ્રાન્સ, તાઇવાન, મેક્સિકો અને બાંગ્લાદેશના નાગરિક પણ સમાવિષ્ટ છે.
સાથીઓ, મને એ વાતનો બહુ આનંદ છે કે ગત એક દાયકામાં પદ્મ સન્માનની આખી પ્રણાલિ પૂરી રીતે બદલાઈ ચૂકી છે.
હવે તે પીપલ્સ પદ્મ બની ચૂક્યો છે. પદ્મ સન્માન આપવાની વ્યવસ્થામાં પણ અનેક પરિવર્તનો થયાં છે. તેમાં હવે લોકોને પોતાને પણ નામાંકિત કરવાનો અવસર રહે છે. આ જ કારણ છે કે આ વખતે વર્ષ 2014ની તુલનામાં 28 ગણાં વધુ નામાંકનો પ્રાપ્ત થયાં છે. તેનાથી જાણવા મળે છે કે પદ્મ સન્માનની પ્રતિષ્ઠા, તેની વિશ્વસનીયતા, તેના પ્રતિ સન્માન, દર વર્ષે વધતું જઈ રહ્યું છે. હું પદ્મ સન્માન મેળવનારા બધા લોકોને ફરી મારી શુભકામનાઓ આપું છું.
મારા પ્રિય દેશવાસીઓ, કહે છે કે, દરેક જીવનનું એક લક્ષ્ય હોય છે, દરેક વ્યક્તિ કોઈ એક લક્ષ્ય પૂરું કરવા માટે જ જન્મ લે છે. તેના માટે લોકો પૂરી નિષ્ઠાથી પોતાનાં કર્તવ્યોનું પાલન કરે છે. આપણે જોયું છે કે, કોઈ સમાજસેવાના માધ્યમથી, કોઈ સેનામાં ભરતી થઈને, કોઈ નવી પેઢીને ભણાવીને, પોતાનાં કર્તવ્યોનું પાલન કરે છે, પરંતુ સાથીઓ, આપણી વચ્ચે જ કેટલાક લોકો એવા પણ હોય છે જે જીવનના અંત પછી પણ, સમાજ જીવન પ્રત્યે પોતાનાં દાયિત્વને નિભાવે છે અને તેના માટે તેમનું માધ્યમ હોય છે –અંગદાન. તાજેતરનાં વર્ષોમાં, દેશમાં એક હજારથી વધુ લોકો એવા રહ્યા છે, જેમણે, પોતાના મૃત્યુ પછી પોતાનાં અંગોનું દાન કર્યું છે. આ નિર્ણય સહેલો નથી હોતો, પરંતુ આ નિર્ણય, અનેક જીવનોને બચાવનારો હોય છે. હું એ પરિવારોની પણ પ્રશંસા કરીશ, જેમણે, પોતાના સ્વજનોની અંતિમ ઇચ્છાનું સન્માન કર્યું. આજે, દેશમાં ઘણાં સંગઠનો પણ આ દિશામાં ખૂબ જ પ્રેરક પ્રયાસ કરી રહ્યા છે. કેટલાંક સંગઠન, લોકોને, અંગદાન માટે જાગૃત કરી રહ્યા છે, કેટલીક સંસ્થાઓ અંગદાન કરવા માટે ઇચ્છુક લોકોની નોંધણી કરાવવામાં મદદ કરી રહી છે. આવા પ્રયાસોથી દેશમાં ઑર્ગન ડૉનેશન પ્રત્યે સકારાત્મક વાતાવરણ બની રહ્યું છે અને લોકોનાં જીવન પણ બચી રહ્યાં છે.
મારા પ્રિય દેશવાસીઓ, હવે હું તમારી સાથે ભારતની એક એવી ઉપલબ્ધિને વહેંચી રહ્યો છું, જેનાથી દર્દીનું જીવન સરળ બનશે, તેમની તકલીફો થોડી ઓછી થશે. તમારામાંથી અનેક લોકો હશે, જેમને ઉપચાર માટે આયુર્વેદ, સિદ્ધ કે યુનાની ચિકિત્સા પદ્ધતિથી મદદ મળે છે. પરંતુ દર્દીઓને ત્યારે સમસ્યા થાય છે, જ્યારે આ પદ્ધતિના કોઈ બીજા ડૉક્ટર પાસે જાય છે. આ ચિકિત્સા પદ્ધતિઓમાં બીમારીનાં નામ, ઉપચાર અને દવાઓ માટે એક સમાન ભાષાનો ઉપયોગ થતો નથી. દરેક ચિકિત્સક પોતાની રીતે બીમારીનું નામ અને ઉપચારની રીત-પદ્ધતિ લખે છે. તેનાથી બીજા ચિકિત્સકને સમજવું ઘણી વાર ખૂબ જ મુશ્કેલ બને છે. દાયકાઓથી ચાલી આવી રહેલી આ સમસ્યાનું પણ સમાધાન શોધી કઢાયું છે. મને એ જણાવતા પ્રસન્નતા થાય છે કે આયુષ મંત્રાલયે આયુર્વેદ, સિદ્ધ અને યુનાની ચિકિત્સા સાથે જોડાયેલા આંકડાઓ અને શબ્દાવલીનું વર્ગીકરણ કર્યું છે, તેમાં વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ મદદ કરી છે. બંનેના પ્રયાસોથી, આયુર્વેદ, યુનાની અને સિદ્ધ ચિકિત્સામાં બીમારી અને તેની સાથે જોડાયેલી શબ્દાવલીનું કૉડિંગ કરવામાં આવ્યું છે. આ કૉડિંગની મદદથી હવે બધા ડૉક્ટરો પ્રિસ્ક્રિપ્શન અથવા પોતાની ચબરખી પર એક જેવી ભાષા લખશે. તેનો એક ફાયદો એ થશે કે જો તમે તે ચબરખી લઈને બીજા ડૉક્ટર પાસે જશો તો ડૉક્ટરને તેની પૂરી જાણકારી તે ચબરખીથી મળી જશે. તમારી બીમારી, ઉપચાર, કઈ-કઈ દવાઓ અપાઈ છે, ક્યારથી ઉપચાર ચાલી રહ્યો છે, તમને કઈ ચીજોથી એલર્જી છે, આ બધું જાણવામાં આ ચબરખીથી મદદ મળશે. તેનો એક બીજો ફાયદો તે લોકોને થશે, જે સંશોધનના કામ સાથે જોડાયેલા છે. બીજા દેશોના વૈજ્ઞાનિકોને પણ બીમારી, દવાઓ અને તેના પ્રભાવની પૂરી જાણકારી મળશે. સંશોધન વધારવા અને અનેક વૈજ્ઞાનિકો સાથે જોડાવાથી આ ચિકિત્સા પદ્ધતિ વધુ સારાં પરિણામો આપશે અને લોકોનું તેના પ્રત્યે જોડાણ વધશે. મને વિશ્વાસ છે, આ આયુષ પદ્ધતિઓ સાથે જોડાયેલા આપણા ચિકિત્સકો, આ કૉડિંગને જલ્દીમાં જલ્દી અપનાવશે.
મારા સાથીઓ, જ્યારે આયુષ ચિકિત્સા પદ્ધતિની વાત કરી રહ્યો છું, તો મારી સામે યાનુંગ જામોહ લૈગોની પણ તસવીર આવી રહી છે. સુશ્રી યાનુંગ અરુણાચલ પ્રદેશનાં નિવાસી છે અને હર્બલ ઔષધીય વિશેષજ્ઞ છે. તેમણે આદિ જનજાતિની પારંપરિક ચિકિત્સા પ્રણાલિને પુનર્જીવિત કરવા માટે ઘણું કામ કર્યું છે. આ યોગદાન માટે તેમને આ વખતે પદ્મ સન્માન પણ આપવામાં આવ્યું છે. આ જ રીતે આ વખતે છત્તીસગઢના હેમચંદ માંઝીને પણ પદ્મ સન્માન મળ્યું છે. વૈદરાજ હેમચંદ માંઝી પણ આયુષ ચિકિત્સા પદ્ધતિની મદદથી લોકોનો ઉપચાર કરે છે. છત્તીસગઢના નારાયણપુરમાં ગરીબ દર્દીઓની સેવા કરતા તેમને પાંચ દાયકાથી પણ વધુ સમય થઈ ગયો છે. આપણા દેશમાં આયુર્વેદ અને હર્બલ મેડિસનનો જે ખજાનો છુપાયેલો છે, તેના સંરક્ષણમાં સુશ્રી યાનુંગ ને હેમચંદજી જેવા લોકોની મોટી ભૂમિકા છે.
મારા પ્રિય દેશવાસીઓ, ‘મન કી બાત’ દ્વારા મારો અને તમારો જે સંબંધ બન્યો છે, તે એક દાયકા જૂનો થઈ ચૂક્યો છે. સૉશિયલમીડિયા અને ઇન્ટરનેટના આ સમયમાં પણ રેડિયો પૂરા દેશને જોડવાનું એક સશક્ત માધ્યમ છે. રેડિયોની શક્તિ કેટલું પરિવર્તન લાવી શકે છે, તેનું એક અનોખું ઉદાહરણ છત્તીસગઢમાં જોવા મળી રહ્યું છે. વિતેલાં લગભગ સાત વર્ષોથી અહીં રેડિયો પર એક લોકપ્રિય કાર્યક્રમનું પ્રસારણ થઈ રહ્યું છે, જેનું નામ છે ‘હમર હાથી –હમર ગોઠ’. નામ સાંભળીને તમને લાગી શકે છે કે રેડિયો અને હાથીનો ભલા શું સંબંધ હોઈ શકે ? પરંતુ આ જ તો રેડિયોની વિશેષતા છે. છત્તીસગઢમાં આકાશવાણીનાં ચાર કેન્દ્રો અંબિકાપુર, રાયપુર, બિલાસપુર અને રાયગઢથી રોજ સાંજે આ કાર્યક્રમનું પ્રસારણ થાય છે અને તમને જાણીને નવાઈ લાગશે કે છત્તીસગઢનાં જંગલ અને તેની આસપાસ રહેનારા લોકો ખૂબ ધ્યાનથી આ કાર્યક્રમને સાંભળે છે. ‘હમર હાથી –હમર ગોઠ’ કાર્યક્રમમાં કહેવામાં આવે છે કે હાથીઓનું ટોળું જંગલના કયા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું છે. આ જાણકારી અહીંના લોકોને ખૂબ કામમાં આવે છે. લોકોને જેવી રેડિયોથી હાથીઓના ટોળાના આવવાની જાણકારી મળે છે તો તેઓ સાવધાન થઈ જાય છે. જે રસ્તા પરથી હાથી પસાર થાય છે, તે તરફ જવાનો ભય ટળી જાય છે. તેનાથી એક તરફ, જ્યાં હાથીઓનાં ટોળાંથી નુકસાન થવાની સંભાવના ઓછી થઈ જાય છે, તો બીજી તરફ, હાથીઓ વિશે ડેટા ભેગા થવામાં મદદ મળે છે. આ ડેટાના ઉપયોગથી ભવિષ્યમાં હાથીઓના સંરક્ષણમાં પણ મદદ મળશે. આ હાથીઓ સાથે જોડાયેલી જાણકારી સૉશિયલ મીડિયા દ્વારા પણ લોકો સુધી પહોંચાડાઈ રહી છે. તેનાથી જંગલની આસપાસ રહેતા લોકોનો હાથીઓ સાથે તાલમેળ બેસાડવો સરળ થઈ ગયો છે. છત્તીસગઢની આ અનોખી પહેલ અને તેના અનુભવોનો લાભ દેશનાં બીજાં વન ક્ષેત્રોમાં રહેનારા લોકો પણ ઉઠાવી શકે છે.
મારા પ્રિય દેશવાસીઓ, આ 25 જાન્યુઆરીએ આપણે બધાએ રાષ્ટ્રીય મતદાર દિવસ ઊજવ્યો છે. આ આપણી ગૌરવશાળી લોકતાંત્રિક પરંપરાઓ માટે એક મહત્ત્વપૂર્ણ દિવસ છે. આજે દેશમાં લગભગ ૯6 કરોડ મતદાતાઓ છે. તમે જાણો છો કે આ આંકડો કેટલો મોટો છે ? તે અમેરિકાની કુલ જનસંખ્યાથી પણ લગભગ ત્રણ ગણો છે. તે સમગ્ર યુરોપની કુલ જનસંખ્યાથી પણ લગભગ દોઢ ગણો છે. જો મતદાન કેન્દ્રોની વાત કરીએ તો દેશમાં આજે તેમની સંખ્યા લગભગ સાડા દસ લાખ છે. ભારતનો પ્રત્યેક નાગરિક, પોતાના લોકતાંત્રિક અધિકારનો ઉપયોગ કરી શકે, તે માટે આપણું ચૂંટણી પંચ, એવાં સ્થાનો પર પણ મતદાન મથક બનાવે છે જ્યાં માત્ર એક મતદાર હોય. હું ચૂંટણી પંચની પ્રશંસા કરવા ઇચ્છું છું, જેણે દેશમાં લોકતાંત્રિક મૂલ્યોને મજબૂત કરવા માટે નિરંતર પ્રયાસો કર્યા છે.
સાથીઓ, આજે દેશ માટે ઉત્સાહની વાત એ પણ છે કે દુનિયાના અનેક દેશોમાં જ્યાં મતદાનની ટકાવારી ઘટી રહી છે, ભારતમાં મતદાનની ટકાવારી વધતી જઈ રહી છે. 1૯51-52માં જ્યારે દેશમાં પહેલી વાર ચૂંટણી થઈ હતી, તો દેશમાં લગભગ 45 ટકા મતદારોએ જ મત આપ્યો હતો. આજે તે આંકડો ઘણો વધી ચૂક્યો છે. દેશમાં ન માત્ર મતદારોની સંખ્યામાં વૃદ્ધિ થઈ છે, પરંતુ ટર્નઆઉટ પણ વધ્યું છે. આપણા યુવા મતદારોને નોંધણી માટે વધુ તક મળી શકે, તે માટે સરકારે કાયદામાં પણ પરિવર્તન કર્યું છે. મને એ જોઈને પણ સારું લાગે છે કે મતદારો વચ્ચે જાગૃતિ ફેલાવવા સમુદાયના સ્તરે પણ અનેક પ્રયાસો થઈ રહ્યા છે. ક્યાંક લોકો ઘરે-ઘરે જઈને મતદારોને મતદાન વિશે જણાવી રહ્યા છે, ક્યાંક ચિત્રો બનાવીને, ક્યાંક શેરી નાટકો દ્વારા યુવાનોને આકર્ષિત કરવામાં આવી રહ્યા છે. આવા દરેક પ્રયાસ, આપણા લોકતંત્રના ઉત્સવમાં, અલગ-અલગ રંગો ભરી રહ્યા છે. હું ‘મન કી બાત’ના માધ્યમથી મારા પ્રથમ વખતના મતદારોને કહીશ કે તેઓ મતદાર યાદીમાં પોતાનું નામ જરૂર ઉમેરાવે. National Voter Service Portal અને voter helpline app દ્વારા આ કામને સરળતાથી ઑનલાઇન પૂરું કરી શકે છે. તમે એ હંમેશાં યાદ રાખો કે તમારો એક મત, દેશનું ભાગ્ય બદલી શકે છે, દેશનું ભાગ્ય બનાવી શકે છે.
મારા પ્રિય દેશવાસીઓ, આજે 28 જાન્યુઆરીએ ભારતની બે એવી મહાન વિભૂતિઓની જયંતી પણ છે, જેમણે અલગ-અલગ કાળખંડમાંદેશભક્તિનું ઉદાહરણ સ્થાપ્યું છે. આજે દેશ, પંજાબ કેસરી લાલા લાજપતરાયજીનેશ્રદ્ધાંજલીપાઠવી રહ્યો છે. લાલાજી સ્વાતંત્ર્ય સંગ્રામના એક એવા સેનાની રહ્યા, જેમણે વિદેશી શાસનથી મુક્તિ અપાવવામાં પોતાના પ્રાણોની આહુતિ આપી દીધી. લાલાજીના વ્યક્તિત્વને માત્ર સ્વતંત્રતાની લડાઈ સુધી જ સીમિત ન કરી શકાય. તેઓ ખૂબ જ દૂરદર્શી હતા. તેમણે પંજાબ નેશનલ બૅંક અને અનેક અન્ય સંસ્થાઓના નિર્માણમાં મહત્ત્વની ભૂમિકાઓ નિભાવી હતી. તેમનો ઉદ્દેશ્ય માત્ર વિદેશીઓને દેશની બહાર કાઢવાનો જ નહોતો, પરંતુ દેશને આર્થિક મજબૂતી આપવાનું વિઝન પણ તેમના ચિંતનનો મહત્ત્વનો હિસ્સો હતું.
તેમના વિચારો અને તેમના બલિદાને ભગતસિંહને ખૂબ જ પ્રભાવિત કર્યા હતા. આજે ફીલ્ડ માર્શલ કે. એમ. કરિયપ્પાજીને પણ શ્રદ્ધાપૂર્વક નમન કરવાનો દિવસ છે. તેમણે ઇતિહાસના મહત્ત્વપૂર્ણ સમયમાં આપણી સેનાનું નેતૃત્વ કરીને સાહસ અને શૌર્યનું ઉદાહરણ સ્થાપિત કર્યું હતું. આપણી સેનાને શક્તિશાળી બનાવવામાં તેમનું મહત્ત્વપૂર્ણ યોગદાન છે.
મારા પ્રિય દેશવાસીઓ, આજે રમતની દુનિયામાં પણ ભારત નિત-નવી ઊંચાઈને સ્પર્શી રહ્યું છે. રમતગમતની દુનિયામાં આગળ વધવા માટે આવશ્યક છે કે ખેલાડીઓને વધુમાં વધુ રમવાનો અવસર મળે અને દેશમાં અલગ-અલગ રમતગમત સ્પર્ધાઓ પણ આયોજિત થાય. આ વિચાર સાથે આજે ભારતમાં નવી-નવી રમતગમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કેટલાક દિવસો પહેલાં જ ચેન્નાઈમાં ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તેમાં દેશમાં પાંચ હજારથી વધુ એથ્લેટ્સ હિસ્સો લઈ રહ્યા છે. મને આનંદ છે કે આજે ભારતમાં સતત એવાં નવા પ્લેટફૉર્મ તૈયાર થઈ રહ્યા છે, જેમાં ખેલાડીઓને પોતાનું સામર્થ્ય દેખાડવાની તક મળી રહી છે. આવું જ એક પ્લેટફૉર્મ બન્યું છે – બીચ ગેમ્સનું, જે દીવની અંદર આયોજિત થઈ હતી. તમે જાણો છો કે દીવકેન્દ્રશાસિત પ્રદેશ છે, સોમનાથની બિલકુલ પાસે છે. આ વર્ષની શરૂઆતમાં, જ દીવમાં આ બીચ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું. આ ભારતની પહેલી મલ્ટિસ્પૉર્ટ્સ બીચ ગેમ્સ હતી. તેમાં રસ્સી ખેંચ, દરિયામાં સ્વિમિંગ, પેન્કાસિલટ, મલખંબ, બીચ વૉલિબૉલ, બીચ કબડ્ડી, બીચ સૉકર અને બીચ બૉક્સિંગ જેવી સ્પર્ધાઓ યોજાઈ. તેમાં દરેક પ્રતિયોગીને પોતાની પ્રતિભા દેખાડવાની ભરપૂર તક મળી અને તમને જાણીને નવાઈ લાગશે કે આ ટુર્નામેન્ટમાં, એવા રાજ્યોથી પણ ઘણા ખેલાડીઓ આવ્યા, જેનો દૂર-દૂર સુધી સમુદ્ર સાથે કોઈ સંબંધ નથી. આ સ્પર્ધામાં સૌથી વધુ ચંદ્રક મધ્ય પ્રદેશે જીત્યા, જ્યાં કોઈ સી બીચ નથી. રમત પ્રત્યે આ ભાવના કોઈ પણ દેશને રમતગમતની દુનિયામાં શિરોમુકુટ બનાવે છે.
મારા પ્રિય દેશવાસીઓ, ‘મન કી બાત’માં આ વખતે મારી સાથે બસ આટલું જ. ફેબ્રુઆરીમાં તમારી સાથે ફરી એક વાર વાત થશે. દેશના લોકોના સામૂહિક પ્રયાસોથી, વ્યક્તિગત પ્રયાસોથી દેશ કેવી રીતે આગળ વધી રહ્યો છે, તેના પર આપણું ધ્યાન હશે. સાથીઓ, કાલે 2૯ તારીખે સવારે 11 વાગે આપણે ‘પરીક્ષા પે ચર્ચા’ પણ કરીશું. ‘પરીક્ષા પે ચર્ચા’નું આ સાતમું સંસ્કરણ હશે. આ એક એવો કાર્યક્રમ છે, જેની હું કાયમ પ્રતીક્ષા કરું છું. તેનાથી મને વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરવાની તક મળે છે અને હું તેમનો પરીક્ષા સંબંધી તણાવને ઓછો કરવાનો પ્રયાસ કરું છું. છેલ્લાં સાત વર્ષોમાં, ‘પરીક્ષા પે ચર્ચા’, શિક્ષણ અને પરીક્ષા સાથે સંબંધિત, અનેક મુદ્દાઓ પર વાતચીત કરવાનું એક ખૂબ જ સારું માધ્યમ બનીને ઉભર્યું છે. મને આનંદ છે કે આ વખતે સવા બે કરોડથી વધુ વિદ્યાર્થીઓએ તેના માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને પોતાનાં સૂચનો આપ્યાં છે. હું તમને જણાવું કે જ્યારે આપણે પહેલી વાર 2018માં આ કાર્યક્રમ શરૂ કર્યો હતો તો આ સંખ્યા માત્ર 22,000 હતી. વિદ્યાર્થીઓને પ્રેરિત કરવા માટે અને પરીક્ષાના તણાવ વિશે જાગૃતિ ફેલાવવા માટે, ખૂબ જ અભિનવ પ્રયાસો પણ કરવામાં આવ્યા છે. હું, તમને બધાને, વિશેષ કરીને યુવાઓને, વિદ્યાર્થીઓને અનુરોધ કરીશ કે તેઓ કાલે વિક્રમી સંખ્યામાં સહભાગી થાય. મને પણ તમારી સાથ વાત કરીને ખૂબ જ સારું લાગશે. આ શબ્દો સાથે હું ‘મન કી બાત’ના આ એપિસૉડમાંથી વિદાય લઉં છું. જલ્દી ફરી મળીશું. ધન્યવાદ.
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2000181)
Visitor Counter : 176
Read this release in:
Kannada
,
Telugu
,
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Malayalam