નાણા મંત્રાલય

ગિફ્ટ સિટી 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવાના ભારતના દ્રષ્ટિકોણનું પ્રવેશદ્વાર બનશે : શ્રીમતી નિર્મલા સીતારામન

Posted On: 11 JAN 2024 12:52PM by PIB Ahmedabad

અમદાવાદ, તા. 11 જાન્યુઆરી, 2023

ગિફ્ટ સિટી આદર્શ રીતે નાણાકીય અને રોકાણ કેન્દ્ર માટેનું પ્રવેશદ્વાર બનવાની તૈયારીમાં છે અને 2047 સુધીમાં ભારત માટે વિકસિત રાષ્ટ્ર બનવાના સ્વપ્નને પરિપૂર્ણ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, એમ કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના પ્રધાન શ્રીમતી નિર્મલા સીતારામને આજે ગાંધીનગર ખાતે 10માં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના ભાગરૂપે આયોજિત સેમિનાર 'ગિફ્ટ સિટી-એન એસ્પિરેશન ઓફ મોડર્ન ઇન્ડિયા'ને સંબોધન કરતાં જણાવ્યું હતું.

કેન્દ્રીય નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2007માં જ્યારે તેઓ ગુજરાતનાં મુખ્યમંત્રી હતાં, ત્યારે ગિફ્ટ સિટીનાં વિચારની કલ્પના કરી હતી અને હવે તેનું વિસ્તરણ થઈને આંતરરાષ્ટ્રીય નાણાકીય કેન્દ્ર બન્યું છે.

ગ્રીન ટેકનોલોજીના સંદર્ભમાં પ્રધાનમંત્રીના વિઝનની રૂપરેખા આપતાં શ્રીમતી સીતારામને કહ્યું હતું કે, ગિફ્ટ સિટીએ ગ્રીન ક્રેડિટ માટેનું પ્લેટફોર્મ બનવા તરફ ધ્યાન આપવું જોઈએ. કેન્દ્રીય નાણાં મંત્રીએ ઉમેર્યું હતું કે, વર્ષ 2047 સુધીમાં ભારતનું અર્થતંત્ર 30 ટ્રિલિયન ડોલરનું થઈ જાય તેવા લક્ષ્યાંકને હાંસલ કરવા માટે વિવિધ ફિનટેક લેબોરેટરીનું નિર્માણ કરવાનું પણ લક્ષ્ય રાખવું જોઈએ.

આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્રો (આઇએફએસસી)માં કામગીરીની વધતી જતી હાજરીની યાદી આપતાં શ્રીમતી સીતારામને જણાવ્યું હતું કે, ગિફ્ટ સિટીમાં હવે ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ, 25 બેન્કો સહિત 3 એક્સચેન્જો છે, જેમાં 9 વિદેશી બેંકો, 26 એરક્રાફ્ટ લીઝર્સ, 80 ફંડ મેનેજર્સ, 50 પ્રોફેશનલ સર્વિસ પ્રોવાઇડર્સ અને 40 ફિનટેક કંપનીઓ સામેલ છે.

કેન્દ્રીય નાણાં પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે ભારતે શિપિંગ માટે મેન્યુફેક્ચરિંગ હબ બનવાનું લક્ષ્ય રાખવું જોઈએ અને આઇએફએસસીમાં 8 શિપ લીઝિંગ કંપનીઓ કાર્યરત છે જે વૈશ્વિક ફાઇનાન્સ એક્સેસને સક્ષમ બનાવશે. શ્રીમતી સીતારામને ઉમેર્યું હતું કે, ભારતમાં શેર બજારોમાં છૂટક ભાગીદારી સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા નાણાકીય ક્ષેત્રના સુધારાઓની અન્ય એક વિશિષ્ટ લાક્ષણિકતા છે.

ગિફ્ટ સિટીને ટેકનોલોજી અને નાણાકીય દુનિયાનું મિશ્રણ ગણાવતાં કેન્દ્રીય નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે, નાણાકીય સેવાઓમાં ટેકનોલોજીના ફાયદાઓને સામેલ કરવાની જરૂર છે અને ગિફ્ટ સિટીની રચના ભારતના ઉદ્યોગસાહસિકોને વૈશ્વિક ધિરાણ સુધી પહોંચવામાં લાભ પ્રદાન કરવા માટે કરવામાં આવી છે. શ્રીમતી સીતારામને જણાવ્યું હતું કે મોટા ભાગના વૈશ્વિક નાણાકીય કેન્દ્રો અગાઉ માત્ર મૂડી તરફ જોતા હતા, પરંતુ ગિફ્ટ સિટીને ટેકનોલોજીથી ભરપૂર નાણાકીય સેવાઓ મેળવવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે.

કેન્દ્રીય નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે, ભારત હવે વિશ્વનાં વિકાસ એન્જિનને આગળ વધારી રહ્યું છે અને તે વિકસિત પશ્ચિમી દેશો અને વૈશ્વિક દક્ષિણ વચ્ચે સેતુ બની શકે છે અને ભારત વૈશ્વિક મંચ પર નાણાકીય પ્રતિષ્ઠાનાં માર્ગે અગ્રેસર છે, ત્યારે ભારતનાં લોકો નવીનતાઓ અને ઉદ્યોગસાહસિકો બનવા ઇચ્છે છે. તેમણે ઉમેર્યું હતું કે, ગિફ્ટ સિટી આકાંક્ષાઓ પૂર્ણ કરવામાં મદદરૂપ થઈ શકે છે.

સેમિનારના ઉદ્ઘાટન સત્રમાં ગુજરાત સરકારના નાણાં મંત્રી શ્રી કનુભાઇ દેસાઇ, ગિફ્ટ સિટીના ચેરમેન શ્રી હસમુખ અઢિયા, આઇએફએસસીએના ચેરમેન શ્રી કે. રાજારામન અને ગિફ્ટ સિટીના એમડી અને સીઇઓ શ્રી તપન રે ઉપસ્થિત રહ્યા હતા.

PM/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1995111) Visitor Counter : 136