વેપાર અને ઉદ્યોગ મંત્રાલય

પીએમ ગતિશક્તિ પર સેમિનારઃ 10મી વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં સમગ્રલક્ષી વિકાસ માટે સુમાહિતગાર નિર્ણય લેવો

Posted On: 10 JAN 2024 8:18PM by PIB Ahmedabad

જ્ઞાનની વહેંચણી, નેટવર્કિંગ અને વ્યૂહાત્મક ભાગીદારી માટે વ્યૂહાત્મક વૈશ્વિક મંચ "ગેટવે ટુ ફ્યુચર"ની થીમ સાથે 10મી વાઇબ્રન્ટ ગુજરાત વૈશ્વિક શિખર બેઠક 10-12 જાન્યુઆરી 2024થી ગુજરાતમાં ચાલી રહી છે. ગુજરાતના ગાંધીનગરમાં આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્‌ઘાટન કરાયેલ આ શિખર સંમેલનમાં ભાગીદાર દેશો અને સંગઠનોના 1000થી વધુ સહભાગીઓ, ઉદ્યોગ, આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓ અને મીડિયાના ઘણા અગ્રણી નેતાઓ સામેલ થયા હતા. પોતાનાં સંબોધનમાં માનનીય પ્રધાનમંત્રીએ પ્રકાશ પાડ્યો હતો કે, પ્રાદેશિક ભારત-મધ્ય પૂર્વ-યુરોપ કોરિડોર (આઇએમઇઇસી) વિકસાવવાની યોજનાઓ સાથે ભારતની માળખાગત સુવિધાઓ અને લોજિસ્ટિક્સ ઇકોસિસ્ટમને મજબૂત કરવાથી ઉદ્યોગ અને વૈશ્વિક ભાગીદારો માટે રોકાણની ઘણી તકો ખુલી રહી છે.

"પીએમ ગતિશક્તિઃ સર્વગ્રાહી વિકાસ માટે માહિતીસભર નિર્ણય" વિષય પર પરિસંવાદ દરમિયાન, પીએમ ગતિશક્તિ કેવી રીતે રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે સંકલિત માળખાગત વિકાસમાં ક્રાંતિ લાવી રહી છે તેના પર કેન્દ્રિત ચર્ચાઓ થઈ હતી. ગુજરાત રાજ્ય દ્વારા પીએમ ગતિશક્તિ ગુજરાત પહેલ અંતર્ગત અપનાવવામાં આવેલી તેની શ્રેષ્ઠ પદ્ધતિઓ પર આધારિત એક સંગ્રહનો શુભારંભ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ, ઉપભોક્તા બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ અને ટેક્સટાઇલ મંત્રી શ્રી પિયુષ ગોયલ અને આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો.

શ્રી પિયુષ ગોયલે તેમનાં સંબોધનમાં ઉલ્લેખ કર્યો હતો કે કેવી રીતે પીએમ ગતિશક્તિ કાર્યક્રમ અદ્યતન ટેક્નૉલોજીના ઉપયોગ દ્વારા માળખાગત આયોજનનાં પરિદ્રશ્યમાં પરિવર્તન લાવી રહ્યો છે, જેણે માળખાગત પરિયોજનાઓમાં સમય અને ખર્ચમાં નોંધપાત્ર ઘટાડાના સંદર્ભમાં યોગદાન આપ્યું છે. પીએમ ગતિશક્તિને સફળતાપૂર્વક અપનાવવા બદલ માનનીય મુખ્યમંત્રી અને ગુજરાત સરકારને અભિનંદન આપતા તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ગુજરાતનો સક્રિય અભિગમ અન્ય રાજ્યો માટે અનુસરવા માટે એક ઉદાહરણ છે. પીએમ ગતિશક્તિ કાર્યક્રમની ઉચ્ચ ઉપયોગિતા અને સરળ મૂળભૂત બાબતોએ રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા સરળતાથી અપનાવવામાં સક્ષમ બનાવ્યું છે અને સહકારી સંઘવાદના સિદ્ધાંતોમાં મૂળ ધરાવતા ડબલ-એન્જિન વિકાસનાં વિઝનમાં યોગદાન આપી રહ્યું છે. તેમણે ખાતરીપૂર્વક જણાવ્યું હતું કે, પીએમ ગતિશક્તિ માત્ર ભારત માટે જ આયોજનનું સાધન જ નહીં રહે, પરંતુ સમગ્ર વિશ્વ દ્વારા તેને આયોજનનાં સાધન તરીકે અપનાવવામાં આવશે.

શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમનાં સંબોધન દરમિયાન ભારપૂર્વક જણાવ્યું હતું કે, અમૃત કાળને ભારતનાં અર્થતંત્ર માટે સુવર્ણ યુગ બનાવવા માનનીય પ્રધાનમંત્રીનાં વિઝનને અસરકારક આયોજન અને મજબૂત માળખાગત વિકાસ યોજનાઓનાં અમલીકરણ સાથે સંરેખિત કરવું મહત્વપૂર્ણ છે. પીએમ ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાનની કલ્પના નાગરિક સેવાઓ, ઉદ્યોગો, વ્યવસાયો, ઉત્પાદકો, કૃષિ અને ખેડૂતો અને ગ્રામીણ પ્રણાલીઓને આવરી લઈ કરવામાં આવી છે. જીઆઇએસ પ્લેટફોર્મ અવિરત સંકલન, ભૌતિક અને નાણાકીય દેખરેખ અને પરિયોજનાઓને સમયસર પૂર્ણ કરવાની સુવિધા આપે છે. આમ, એવું તારણ કાઢી શકાય છે કે પીએમ ગતિશક્તિ (પીએમજીએસ) દ્વારા સંકલિત માળખાગત આયોજનથી લઈને અમલીકરણ સુધી એક વ્યાપક વિઝન હાંસલ કરી શકાય છે.

આ સત્રમાં સંદર્ભ રજૂ કરતી વખતે, લોજિસ્ટિક્સ ડિવિઝન, એમઓસીઆઈનાં વિશેષ સચિવ શ્રીમતી સુમિતા દાવરા, સંકલિત આયોજન અને અત્યાધુનિક માળખાના નિર્માણમાં તથા લોકો-કેન્દ્રિત વિકાસને પ્રોત્સાહન આપવા માટે પીએમ ગતિશક્તિ કાર્યક્રમનાં પ્રદાનને પ્રદર્શિત કર્યું હતું. તેમણે આ તકનો ઉપયોગ ટેલિકોમ, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, નવીનીકરણીય ઊર્જા, ક્ષેત્ર આધારિત આયોજન વગેરે સહિતનાં ક્ષેત્રોમાં પીએમ ગતિશક્તિના કેટલાક શ્રેષ્ઠ ઉપયોગના કિસ્સાઓ દર્શાવવા માટે કર્યો હતો. આ લાભો પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય અને ગુજરાત રાજ્યના અન્ય પેનલિસ્ટ્સ દ્વારા શેર કરવામાં આવેલી સફળતાની ગાથાઓ સાથે પણ પડઘો પાડે છે.

"સ્થિતિસ્થાપક પુરવઠા સાંકળો અને સ્માર્ટ લોજિસ્ટિક્સ" પર પેનલ ચર્ચાએ લોજિસ્ટિક્સ ઇકોસિસ્ટમમાં પુષ્કળ તકો અને વિકાસની રૂપરેખા રજૂ કરી હતી, જે આંતર-ક્ષેત્રીય રોકાણોને આકર્ષિત કરી રહી છે. પોર્ટ-સંચાલિત વિકાસ મૉડલ, સુશાસન માટે સંકલન અભિગમ, વેપારની સુવિધા આપનાર તરીકે માળખાગત સુવિધાઓ, આસપાસના વિસ્તારમાં લોજિસ્ટિક્સની અવરજવર પર અટલ સેતુ-મુંબઈ ટ્રાન્સ-હાર્બર લિંકની સકારાત્મક અસર, જીએસટી, યુલિપ, લોજિસ્ટિક્સ ડેટા બેંક, ડિજિટલ ટ્વીન અને લોજિસ્ટિક્સમાં એ.આઈ. જેવી સ્થાનિક નવીનતાઓ, લોજિસ્ટિક્સ ઇકોસિસ્ટમમાં વિવિધ હિતધારકો વચ્ચે સહયોગની સુવિધા માટે પેનલિસ્ટ્સ દ્વારા ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્ષમ લોજિસ્ટિક્સ ઇકોસિસ્ટમ માટે ટેક્નૉલોજીનો ઉપયોગ કરીને, પીએમજીએસ પર માગ સંચાલિત આયોજન અને સરહદ પારના સરળ પ્રવાહ માટે માનકીકરણની જરૂરિયાત એ કેટલાંક પરિમાણોમાં સામેલ છે જે 2030 માટે રોડમેપનો એક ભાગ બની રહ્યા છે.

(1) વૈશ્વિક વેલ્યુ ચેઇન પર જી20 દિલ્હીનું જાહેરનામું (2) સપ્લાય ચેન રેઝિલિયન્સ ઇનિશિયેટિવ (એસસીઆરઆઈ) 2021, ઇન્ડો-પેસિફિક ઇકોનોમિક ફ્રેમવર્ક ફોર પ્રોસ્પેરિટી (આઇપીઇએફ) અને સાઉથ એશિયા સબ-રિજનલ ઇકોનોમિક કોઓપરેશન (એસએએસઇસી)ના સંબંધમાં આ તમામનો ભારત સરકારનો સક્રિય અભિગમ સ્થિતિસ્થાપક અને ટકાઉ સપ્લાય ચેન માટે ભાગીદારીને મજબૂત બનાવવાનો છે. વધુમાં, ભારત સરકારના સુધારા અને યોજનાઓ જેમ કે પી.એલ.આઈ., મેક ઇન ઇન્ડિયા, પી.એમ.જી.એસ., ભારતમાલા, સાગરમાલા, એફ.ડી.આઈ. શાસનનું ઉદારીકરણ, મુક્ત વેપાર કરારો વગેરે દેશમાં પુરવઠા સાંકળોને ક્રમશઃ સંકલિત કરવા અને તેમને વધુ સ્થિતિસ્થાપક બનાવવા માટે રોકાણના પ્રવાહ અને ઉત્પાદનને મજબૂત કરી રહ્યા છે.

વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિને વેગ આપવામાં પીએમ ગતિશક્તિની નિર્ણાયક ભૂમિકાને માન્યતા આપતા, આ સેમિનાર વ્યૂહરચનાઓનું અન્વેષણ કરવા અને વ્યાપક અને ટકાઉ વિકાસ માટે માહિતીસભર, ડેટા સંચાલિત નિર્ણય લેવાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે મુખ્ય હિતધારકોને એક સાથે લાવ્યો હતો. તેણે ઈઝ ઑફ લિવિંગ અને સાથે સાથે ઈઝ ઑફ ડુઇંગ બિઝનેસને સુધારીને આ પરિવર્તનકારી પહેલની અસરને મહત્તમ બનાવવા માટે મૂલ્યવાન આંતરદૃષ્ટિ અને ભલામણો ઉત્પન્ન કરવામાં મદદ કરી હતી.

YP/JD



(Release ID: 1995012) Visitor Counter : 88