પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ઇન્ફિનિટી ફોરમ 2.0માં સંબોધન કર્યું


“ભારત ક્ષમતા અને પ્રગતિનાં એક પ્રતીક તરીકે બહાર આવ્યો છે”

“ભારતની વિકાસગાથા સરકારની નીતિગત, સુશાસન અને નાગરિકોના કલ્યાણની સર્વોચ્ચ પ્રાથમિકતા પર આધારિત છે”

“ભારત દુનિયા માટે આશાનું એક કિરણ છે, જે એનાં મજબૂત અર્થતંત્ર અને ગત દાયકાના પરિવર્તનકારક સુધારાઓનું પરિણામ છે”

“ગિફ્ટ સિટીની કલ્પના એક ગતિશીલ વ્યવસ્થા તરીકે કરવામાં આવી છે, જે આંતરરાષ્ટ્રીય ધિરાણની પૃષ્ઠભૂમિને નવેસરથી પરિભાષિત કરશે”

“અમે ગિફ્ટ સિટીને અદ્યતન વૈશ્વિક ધિરાણ અને ટેકનોલોજી સેવાઓનું વૈશ્વિક કેન્દ્ર બનાવવા ઇચ્છીએ છીએ”

“સીઓપી28 બેઠકમાં ભારતે પૃથ્વીલક્ષી પહેલ ‘ગ્લોબલ ગ્રીન ક્રેડિટ ઇનિશિયેટિવ’ રજૂ કરી છે”

“ભારત હાલ દુનિયામાં સૌથી વધુ ઝડપથી વૃદ્ધિ કરતાં ફિનટેક બજારો પૈકીનું એક છે”

“ગિફ્ટ આઇએફએસસીનું અદ્યતન ડિજિટલ માળખું એક મંચ પૂરો પાડે છે, જે વ્યવસાયોને કાર્યદક્ષતા વધારવા સક્ષમ બનાવે છે”

“ભારત ઊંડા લોકશાહી મૂલ્યો તથા વેપાર અને વાણિજ્યની ઐતિહાસિક પરંપરાઓ ધરાવતો દેશ છે”

Posted On: 09 DEC 2023 12:17PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ મારફતે ફિનટેક પર વૈશ્વિક વિચાર માટે લીડરશિપ પ્લેટફોર્મ ઇન્ફિનિટી ફોરમની બીજી એડિશનને સંબોધન કર્યું હતું. બીજી ઇન્ફિનિટી ફોરમનું આયોજન સંયુક્તપણે ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર્સ ઓથોરિટી (આઇએફએસસીએ) અને ભારત સરકારનાં નેજાં હેઠળ ગિફ્ટ સિટીએ કર્યું હતું, જે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ની પૂર્વનું સંમેલન હતું. બીજી ઇન્ફિનિટી ફોરમનો વિષય હતો – ગિફ્ટ-આઇએફએસસીઃ અદ્યતન વૈશ્વિક ધિરાણ સેવાઓ માટે મુખ્ય કેન્દ્ર.’

પ્રધાનમંત્રીએ સંમેલનને સંબોધન કરતાં ડિસેમ્બર, 2021માં ઇન્ફિનિટી ફોરમની પ્રથમ એડિશનના આયોજન દરમિયાન મહામારીને કારણે વૈશ્વિક આર્થિક સ્થિતિની અનિશ્ચિતતાનો સામનો કરતી દુનિયાને યાદ કરી હતી. હજુ પણ આ ચિંતાજનક સ્થિતિનું સંપૂર્ણપણે સમાધાન થયું નથી એ બાબત પર ભાર મૂકીને અને ભૂરાજકીય તણાવો, ઊંચી મોંઘવારી અને ઋણનું ઊંચું સ્તરના પડકારનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ મજબૂતી અને પ્રગતિના પ્રતીક તરીકે ભારતના વિકાસ વિશે વાત કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ પ્રકારનાં સ્થિતિસંજોગોમાં ગિફ્ટ સિટીમાં આ પ્રકારની બેઠકનું આયોજન ગુજરાત માટે ગર્વની વાત છે અને તેના વિકાસને નવી ઊંચાઈ પર લઈ જાય છે. પ્રધાનમંત્રીએ યુનેસ્કોના અમૂર્ત સાંસ્કૃતિક સાંસ્કૃતિક વારસા અંતર્ગત ગરબાને સામેલ કરવા પર ગુજરાતના લોકોને અભિનંદન આપવાની તક પણ ઝડપી લીધી હતી. તેમણે કહ્યું હતું કે, ગુજરાતની સફળતા રાષ્ટ્રની સફળતા છે.

પ્રધાનમંત્રી મોદીએ ભાર મૂક્યો હતો કે, ભારતની વિકાસગાથા સરકારની નીતિ, સુશાસન અને નાગરિકોના કલ્યાણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા પર આધારિત છે. તેમણે જાણકારી આપી હતી કે, ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિના કે અર્ધવાર્ષિક ગાળા દરમિયાન ભારતનો વૃદ્ધિદર 7.7 ટકા રહ્યો છે. સપ્ટેમ્બર, 2023માં આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (આઇએમએફ)એ કરેલા ઉલ્લેખ મુજબ, પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, વર્ષ 2023માં વૈશ્વિક વૃદ્ધિદરમાં ભારતનું પ્રદાન 16 ટકા છે. તેમણે વિશ્વ બેંકનાં અભિપ્રાયને પણ ટાંક્યો હતો અને કહ્યું હતું કે, વૈશ્વિક પડકારો વચ્ચે ભારતીય અર્થતંત્રને લઈને દુનિયાને વધારે આશાઓ છે.શ્રી મોદીએ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીના એવા નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો હતો કે, દક્ષિણ ધ્રુવમાં સ્થિત દેશો (ગ્લોબલ સાઉથ)ને નેતૃત્વ ભારત મોખરેથી કરી રહ્યું છે. તેમણે વર્લ્ડ ઇકોનોમિક ફોરમના રોકાણની શ્રેષ્ઠ તકોનું સર્જન કરવા ભારતમાં બાબુશાહીમાં ઘટાડા વિશેના અવલોકનનો પણ ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત દુનિયા માટે આશાનું કિરણ છે, જે માટે એનું મજબૂત અર્થતંત્ર અને છેલ્લાં 10 વર્ષમાં સરકારે હાથ ધરેલા પરિવર્તનકારક સુધારાઓ જવાબદાર છે. તેમણે ભારત લાંબા ગાળાની વૃદ્ધિ અને આર્થિક ક્ષમતાના વિસ્તરણ પર ધ્યાન કેન્દ્રિત હોવાની બાબતોને પણ દેશના વિકાસનો શ્રેય આપ્યો હતો, ખાસ કરીને બાકી દુનિયા રાજકોષીય અને નાણાકીય રાહતો આપી રહી છે ત્યારે.

વૈશ્વિક અર્થતંત્ર સાથે સંકલન કે જોડાણ વધારવાના લક્ષ્યાંક પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ ઘણાં ક્ષેત્રોમાં સાનુકૂળ પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઇ)ની નીતિ, નીતિનિયમોના પાલનમાં ઘટાડાની ઉપલબ્ધિઓ ગણાવી હતી તથા આજે થયેલી 3 મુક્ત વેપાર સમજૂતી (એફટીએ)નો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ગિફ્ટ આઇએફએસસીએ ભારત અને વૈશ્વિક ધિરાણ બજારોને સંકલિત કરવા એક મોટા સુધારાનો ભાગ છે. તેમણે ઉમેર્યું હતું કે, ગિફ્ટ સિટીની કલ્પના એક ગતિશીલ વ્યવસ્થા તરીકે કરવામાં આવી છે, જે આંતરરાષ્ટ્રીય ધિરાણની પૃષ્ઠભૂમિને નવેસરથી પરિભાષિત કરશે.શ્રી મોદીએ ભાર મૂક્યો હતો કે, આ નવીનતા, કાર્યદક્ષતા અને વૈશ્વિક જોડાણના નવા માપદંડો સ્થાપિત કરશે. તેમણે વર્ષ 2020માં એકીકૃત નિયમનકાર તરીકે ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર્સ ઓથોરિટી (આઇએફએસસીએ – આંતરરાષ્ટ્રીય ધિરાણ સેવાઓના કેન્દ્રોનું સત્તામંડળ)ની સ્થાપનાને એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન ગણાવ્યું હતું. તેમણે જાણકારી આપી હતી કે, આઇએફએસસીએએ 27 નિયમનો બનાવ્યાં છે અને 10 માળખાગત કામગીરી શરૂ કરી છે, જેથી આર્થિક અનિશ્ચિતતાના આ સમયગાળા દરમિયાન રોકાણના નવા વિકલ્પો ઊભા થાય. પ્રધાનમંત્રી મોદીએ એ ઉલ્લેખ કરીને ખુશી વ્યક્ત કરી હતી કે, ઇન્ફિનિટી ફોરમની પ્રથમ એડિશન દરમિયાન પ્રાપ્ત થયેલા સૂચનોનો અમલ શરૂ થયો છે, જે માટે તેમણે એપ્રિલ, 2022માં આઇએફએસસીએ દ્વારા અધિસૂચિત થયેલી ફંડ વ્યવસ્થાપનની કામગીરીઓનું સંચાલન કરવા સંપૂર્ણ માળખાનું ઉદાહરણ આપ્યું હતું. પ્રધાનમંત્રીએ એવી જાણકારી પણ આપી હતી કે, 80 ફંડ મેનેજમેન્ટ કંપનીઓ અત્યારે આઇએફએસસીએ અંતર્ગત નોંધાયેલી છે, જેણે 24 અબજ ડોલરથી વધારેનું ફંડ સ્થાપિત કર્યું છે અને 2 અગ્રણી આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓને વર્ષ 2024માં ગિફ્ટ આઇએફએસસીમાં તેમના અભ્યાસક્રમો શરૂ કરવાની મંજૂરી મળી ગઈ છે. તેમણે મે, 2022માં આઇએફએસસીએ દ્વારા જાહેર થયેલા વિમાન ભાડાપટ્ટે આપવા માટેના માળખાનો ઉલ્લેખ પણ કર્યો હતો, જે અંતર્ગત અત્યારે 26 એકમોએ કામગીરી શરૂ કરી દીધી છે.

આઇએફએસસીએની કામગીરીમાં વધારાની શક્યતા વિશે પ્રધાનમંત્રીએ ગિફ્ટ આઇએફએસસીને પરંપરાગત ધિરાણ અને સાહસોથી પર લઈ જવાના સરકારના પ્રયાસો પર ભાર મૂક્યો હતો. શ્રી મોદીએ કહ્યું હતું કે, અમે ગિફ્ટ સિટીને અદ્યતન વૈશ્વિક ધિરાણ અને ટેકનોલોજી સેવાઓનું આંતરરાષ્ટ્રીય કેન્દ્ર બનાવવા ઇચ્છીએ છીએ.તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ગિફ્ટ સિટી દ્વારા આપવામાં આવતી સેવાઓ અને ઉત્પાદનો દુનિયાના પડકારોનું સમાધાન કરવામાં મદદરૂપ થશે અને હિતધારકો તેમાં મોટી ભૂમિકા ભજવશે.

પ્રધાનમંત્રી મોદીએ આબોહવામાં પરિવર્તનનાં ઊડીને આંખે વળગે એવા મોટા અને માનવજાત માટે મુશ્કેલીરૂપ પડકારપ પર ધ્યાન દોર્યું હતું અને સાથે સાથે દુનિયામાં સૌથી મોટાં અર્થતંત્રો પૈકીનાં એક તરીકે ભારતીય અર્થતંત્રની ચિંતા પર ભાર મૂક્યો હતો. તેમણે તાજેતરમાં યોજાયેલી સીઓપી28ની બેઠક દરમિયાન ભારતે વ્યક્ત કરેલી પ્રતિબદ્ધતા વિશે જાણકારી આપી હતી અને કહ્યું હતું કે, ભારત અને દુનિયાના વૈશ્વિક લક્ષ્યાંકો હાંસલ થાય એની ખાતરી કરવા વાજબી ખર્ચે ધિરાણની પર્યાપ્ત ઉપલબ્ધતા કરાવવી જોઈએ. તેમણે વૈશ્વિક વૃદ્ધિ અને સ્થિરતા જાળવી રાખવા સતત ધિરાણ માટેની જરૂરિયાતાની સમજણનો પુનરોચ્ચાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, જી20ની અધ્યક્ષતા દરમિયાન ભારતની પ્રાથમિકતાઓ પૈકીની એક પ્રાથમિકતા હતી – વૈશ્વિક વૃદ્ધિ અને સ્થિરતા. તેમણે જણાવ્યું હતું કે, એનાથી પર્યાવરણને વધારે અનુકૂળ, વધારે મજબૂત અને વધારે સર્વસમાવેશક સમાજો અને અર્થતંત્રો તરફ આગેકૂચને વેગ મળશે. પ્રધાનમંત્રીએ કહ્યું હતુ કે, કેટલાંક અંદાજોમાં જણાવ્યા મુજબ, ભારતને ઓછામાં ઓછા 10 ટ્રિલિયન ડોલરની પણ જરૂર પડશે, જેમાં આ રોકાણનો ચોક્કસ હિસ્સો વૈશ્વિક સ્તોત્રો દ્વારા પણ મેળવવામાં આવશે, જેથી વર્ષ 2070 સુધીમાં ભારતનો નેટ ઝીરો એટલે કે કાર્બનનું ઉત્સર્જન સંપૂર્ણ બંધ કરવાનો લક્ષ્યાંક હાંસલ થાય. તેમણે આઇએફએસસીને સતત ધિરાણનું આંતરરાષ્ટ્રીય કેન્દ્ર બનાવવા ભાર મૂક્યો હતો. આ વિશે તેમણે કહ્યું હતું કે, ગિફ્ટ આઇએફએસસી ભારતને કાર્બનનું ઓછું ઉત્સર્જન કરતું અર્થતંત્ર બનાવવા પર્યાવરણને અનુકૂળ ધિરાણનો જરૂરી પ્રવાહ માટે એક અસરકારક માધ્યમ છે. ગ્રીન બોન્ડ્સ, સસ્ટેઇનેબ્લ બોન્ડ્સ અને સસ્ટેઇનેબિલિટી લિન્ક્ડ બોન્ડ્સ જેવા ધિરાણ ઉત્પાદનોનો વિકાસ સંપૂર્ણ દુનિયાનો માર્ગ સરળ બનાવશે.તેમણે સીઓપી28માં પૃથ્વીલક્ષી અભિયાન તરીકે ભારત દ્વારા ગ્લોબલ ગ્રીન ક્રેડિટ પહેલની રજૂઆત વિશે પણ જાણકારી આપી હતી. શ્રી મોદીએ ઉદ્યોગજગતના આગેવાનોને પર્યાવરણને અનુરૂપ ધિરાણ માટે બજાર વ્યવસ્થા વિકસાવવા પર તેમના વિચારો રજૂ કરવા અપીલ કરી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, હાલ ભારત દુનિયામાં ફિનટેક બજારોમાં સૌથી વધુ ઝડપથી વૃદ્ધિ કરતાં બજારો પૈકીનું એક છે.તેમણે નોંધ્યું હતું કે, ફિનટેક ક્ષેત્રમાં ભારતની ક્ષમતા ગિફ્ટ આઇએફએસસીના વિઝન સાથે સુસંગત છે, જેનાં પરિણામે આ ફિન-ટેકનું ઝડપથી વિકસતું કેન્દ્ર બની ગયું છે. પ્રધાનમંત્રીએ વર્ષ 2022માં ફિનટેક માટે પ્રગતિશીલ નિયમનકારી માળખાગત કાર્ય જાહેર કરવાની આઇએફએસસીએની ઉપલબ્ધિઓ ગણાવી હતી અને તેમણે આઇએફએસસીએની ફિનટેક પ્રોત્સાહન યોજનાની પ્રશંસા કરી હતી, જે ભારત અને વિદેશી ફિનટેક કંપનીઓને નવીનતા અને ઉદ્યોગસાહસિકતાનો પ્રોત્સાહન આપવા માટે સહાય પ્રદાન કરે છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, ગિફ્ટ સિટી ગ્લોબલ ફિનટેકની દુનિયાનું પ્રવેશદ્વાર બનવાની અને દુનિયા માટે ફિનટેકની પ્રયોગશાળા બનવાની ક્ષમતા ધરાવે છે. તેમણે રોકાણકારોને આનો મહત્તમ લાભ ઉઠાવવા પણ અપીલ કરી હતી. ગિફ્ટ-આઇએફએસસીની વૈશ્વિક મૂડીના પ્રવાહ માટે મુખ્ય પ્રવેશદ્વાર બનવાની સંભવિતતા પર પ્રકાશ પાડીને પ્રધાનમંત્રીએ ટ્રાઈ-સિટી એટલે કે ઐતિહાસિક શહેર અમદાવાદ અને રાજધાની ગાંધીનગર વચ્ચે સ્થિત હોવાની વિભાવના સમજાવી હતી, જે એને ઉત્કૃષ્ટ જોડાણની સુવિધા આપે છે. તેમણે કહ્યું હતું કે, ગિફ્ટ આઇએફએસસીની અદ્યતન ડિજિટલ માળખાગત સુવિધાઓ એક મંચ પ્રદાન કરે છે, જે વ્યવસાયોને કાર્યદક્ષતા વધારવા સક્ષમ બનાવે છે.પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, ગિફ્ટ આઇએફએસસી એક ચુંબકની જેમ વિકસી રહ્યું છે, જે ધિરાણ અને ટેકનોલોજીની દુનિયાના સૌથી પ્રતિભાશાળી વ્યક્તિઓને આકર્ષે છે. તેમણે જાણકારી આપી હતી કે, અત્યારે આઇએફએસસીમાં 58 કંપનીઓ, ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ સહિત 3 એક્સચેન્જ, 9 વિદેશી બેંકો સહિત 25 બેંકો, 29 વીમાકંપનીઓ, 2 વિદેશી યુનિવર્સિટીઓ, કન્સલ્ટિંગ કંપનીઓ, કાયદાકીય સલાહ આપતી કંપનીઓ અને સીએ કંપનીઓ સહિત 50 ઉપરાંત વ્યવસાયિક સેવા પ્રદાતાઓ કાર્યરત છે. પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ગિફ્ટ સિટી આગામી થોડાં વર્ષોમાં દુનિયામાં શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ધિરાણ કેન્દ્રો પૈકીનું એક બની જશે.

પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો હતો કે, ભારત ઊંડા લોકશાહી મૂળિયા તથા વેપાર અને વાણિજ્યની ઐતિહાસિક પરંપરા ધરાવતો દેશ છે.ભારતમાં દરેક રોકાણકાર કે કંપની માટે વિવિધ પ્રકારની પ્રચૂર તકો હોવાની વાત કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ગિફ્ટના સંબંધમાં ભારતનું વિઝન ભારતની વિકાસગાથા સાથે જોડાયેલું છે. પ્રધાનમંત્રીએ આ માટે ઉદાહરણો આપીને દરરોજ 4 લાખ એર પેસેન્જર્સના એર ટ્રાફિકનો, વર્ષ 2014માં પેસેન્જર વિમાનની સંખ્યા 400થી વધીને હાલ 700 થવાનો તથા છેલ્લાં નવ વર્ષ દરમિયાન ભારતમાં એરપોર્ટની સંખ્યા બમણી થઈ હોવાનો ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અમારી એરલાઇનો આગામી વર્ષમાં આશરે 1000 વિમાનો ખરીદવા જઈ રહી છે.તેમણે ગિફ્ટ સિટી દ્વારા વિમાન ભાડાપટ્ટાની વિવિધ સુવિધા વિશે પણ જાણકારી આપી હતી. તેમણે આઇએફએસસીએની જહાજ ભાડાપટ્ટે આપવાના માળખા, આઇટી ક્ષેત્રમાં મોટી સંખ્યામાં પ્રતિભાશાળીઓ, ડેટાની સલામતી સાથે સંબંધિત કાયદાઓની જાણકારી આપી હતી તેમજ ગિફ્ટની ડેટા એમ્બેસીની પહેલ તમામ દેશો અને વ્યવસાયો માટે ડિજિટલ સાતત્યતા જાળવવા સલામતની સુવિધાઓ આપે છે એવો ઉલ્લેખ પણ કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, ભારતની યુવા પ્રતિભાસંપન્ન પેઢીને કારણે અમે તમામ મોટી કંપનીઓના વૈશ્વિક ક્ષમતા કેન્દ્રો માટે આધારરૂપ બની ગયા છીએ.

બેઠકના અંતે સંબોધનમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત આગામી થોડાં વર્ષોમાં દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર અને વર્ષ 2047 સુધીમાં વિકાસશીલ રાષ્ટ્ર બની જશે. તેમણે આ સફરમાં મૂડીના નવા સ્વરૂપો, ડિજિટલ ટેકનોલોજીઓ અને અદ્યતન ધિરાણ સેવાઓની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ગિફ્ટ સિટીએ એના કાર્યદક્ષ નિયમનો, પ્લગ-એન્ડ-પ્લે માળખા, ભારતીય અંતરિયાળ વિસ્તારોનાં મોટાં અર્થતંત્ર, કામગીરીનાં ખર્ચના ફાયદા અને પ્રતિભાના લાભ સાથે વિશિષ્ટ તકોનું સર્જન કર્યું છે. તેમણે તમામ રોકાણકારોને આમંત્રણ આપીને કહ્યું હતું કે, ચાલો આપણે વૈશ્વિક સ્વપ્નો સાકાર કરવા ગિફ્ટ આઇએફએસસી સાથે ખભેખભો મિલાવીને આગેકૂચ કરીએ. વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન પણ ટૂંક સમયમાં થશે. પોતાની વાણીને વિરામ આપતાં શ્રી મોદીએ કહ્યું હતું કે, ચાલો આપણે દુનિયાની ગંભીર સમસ્યાઓનું સમાધાન શોધવા ખભેખભો મિલાવીને સંશોધન કરીએ અને નવીનતા લાવીએ

પૃષ્ઠભૂમિ

બીજી ઇન્ફિનિટી ફોરમનું આયોજન સંયુક્તપણે ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર્સ ઓથોરિટી (આઇએફએસસીએ) અને ભારત સરકારનાં નેજાં હેઠળ ગિફ્ટ સિટીએ કર્યું હતું, જે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ની પૂર્વનું સંમેલન હતું. આ ફોરમ એક મંચ પ્રદાન કરે છે, જ્યાં સમગ્ર દુનિયામાંથી પ્રગતિશીલ વિચારો, સમસ્યાઓના સમાધાનો અને નવીન ટેકનોલોજીઓ સમાધાનો અને તેકો શોધે છે, ચર્ચા કરે છે અને સમાધાનોને વિકસાવે છે.

બીજી ઇન્ફિનિટી ફોરમનો વિષય હતો – ગિફ્ટ-આઇએફએસસીઃ અદ્યતન વૈશ્વિક ધિરાણ સેવાઓ માટે મુખ્ય કેન્દ્ર. જે નીચેના ત્રણ ટ્રેક દ્વારા કામગીરીને આગળ વધારશેઃ

પ્લેનરી ટ્રેક: અદ્યતન આંતરરાષ્ટ્રીય ધિરાણ કેન્દ્ર બનાવવું

ગ્રીન ટ્રેક: “ગ્રીન સ્ટેક માટે કેસ બનાવવો

સિલ્વર ટ્રેક: ગિફ્ટ આઇએફએસસીમાં લાંબા ગાળા માટે ધિરાણ કેન્દ્ર

દરેક ટ્રેકમાં ઉદ્યોગજગતના વરિષ્ઠ આગેવાન દ્વારા ઇન્ફિનિટી ટોક સામેલ હશે તથા ઉદ્યોગના નિષ્ણાતોની એક પેનલ તથા ભારત અને દુનિયામાં ધિરાણ ક્ષેત્રમાં કામ કરતાં લોકો ચર્ચા કરશે, તેઓ વ્યવહારિક ઉપયોગી જાણકારીઓ અને અમલ કરી શકાય એવા સમાધાનો રજૂ કરશે.

ફોરમમાં 300થી વધારે CXOsની ભાગીદારી જોવા મળશે, જેમાં ભારત અને દુનિયાના 20થી વધારે દેશોમાંથી ઓનલાઇન ભાગીદારી જોવા મળશે. તેમાં અમેરિકા, સિંગાપોર, દક્ષિણ આફ્રિકા, સંયુક્ત આરબ અમીરાત (યુએઇ), ઓસ્ટ્રેલિયા અને જર્મની દેશો સામેલ છે. આ કાર્યક્રમમાં વિદેશી યુનિવર્સિટીઓના વાઇસ-ચાન્સેલર્સ અને વિદેશી રાજદૂતોના પ્રતિનિધિઓ પણ સામેલ થશે.

CB/GP/JD


(Release ID: 1984393) Visitor Counter : 130