પ્રધાનમંત્રીનું કાર્યાલય

દિલ્હીના લાલ કિલ્લા ખાતે ઇન્ડિયા આર્ટ, આર્કિટેક્ચર એન્ડ ડિઝાઇન દ્વિવાર્ષિક 2023નાં ઉદ્‌ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 08 DEC 2023 9:36PM by PIB Ahmedabad

કાર્યક્રમમાં હાજર મારા સાથી શ્રી જી. કિશન રેડ્ડીજી, અર્જુનરામ મેઘવાલજી, મીનાક્ષી લેખીજી, ડાયના કેલૉગજી, વિશ્વના વિવિધ દેશોના મહેમાનો, કલા જગતના તમામ પ્રતિષ્ઠિત મિત્રો, દેવીઓ અને સજ્જનો!

લાલ કિલ્લાનું આ પ્રાંગણ પોતાનામાં ખૂબ જ ઐતિહાસિક છે. આ કિલ્લો માત્ર એક ઈમારત નથી, ઈતિહાસ છે. આઝાદી પહેલા અને આઝાદી પછી કેટલીય પેઢીઓ વીતી ગઈ, પણ લાલ કિલ્લો અડગ અને અડીખમ છે. આ વર્લ્ડ હેરિટેજ સાઈટ લાલ કિલ્લા પર આપ સૌનેખૂબ ખૂબ અભિનંદન  છે.

સાથીઓ,

દરેક રાષ્ટ્રનાં પોતાનાં પ્રતીકો હોય છે જે વિશ્વને તેના ભૂતકાળ અને તેનાં મૂલ્યોથી પરિચય કરાવે છે. અને, આ પ્રતીકોને ઘડવાનું કામ રાષ્ટ્રની કલા, સંસ્કૃતિ અને સ્થાપત્ય દ્વારા કરવામાં આવે છે. રાજધાની દિલ્હી તો આવાં ઘણાં પ્રતીકોનું કેન્દ્ર છે, જેમાં આપણને ભારતીય સ્થાપત્યની ભવ્યતાનાં દર્શન થાય છે.તેથી, દિલ્હીમાં આયોજિત થઈ રહેલા ‘ઈન્ડિયા આર્ટ આર્કિટેક્ચર એન્ડ ડિઝાઈન દ્વિવાર્ષિક’નું આ આયોજન ઘણી રીતે ખાસ છે. હું હમણાં જ અહીં બનાવાયેલા પેવેલિયન્સને  જોઈ રહ્યો હતો, અને હું તમારી ક્ષમા પણ માગું છું કે હું મોડો પણ એટલા માટે આવ્યો કારણ કે ત્યાં ઘણી બધી એક એકથી ચઢિયારી જોવા અને સમજવા જેવી બાબતો છે કે મને આવવામાં મોડું થયું, અને તેમ છતાં મારે 2-3 જગ્યાઓ તો છોડવી પડી.આ પેવેલિયનમાં રંગો પણ છે અને સર્જનાત્મકતા પણ છે. તેમાં સંસ્કૃતિ પણ છે અને સમુદાયનું જોડાણ પણ છે. હું આ સફળ શરૂઆત  માટે સંસ્કૃતિ મંત્રાલય, તેના તમામ અધિકારીઓ, તમામ સહભાગી દેશો અને તમને બધાને અભિનંદન આપું છું. આપણે ત્યાં કહેવાય છે કે પુસ્તક જે છે તે દુનિયાને જોવા માટે એક નાની બારી તરીકે શરૂ કરે છે. હું માનું છું કે કલા એ માનવ મનની અંદરનીયાત્રાનો મહામાર્ગ છે.

સાથીઓ,

ભારત હજારો વર્ષ જૂનું રાષ્ટ્ર છે. એક સમય હતો જ્યારે વિશ્વમાં ભારતની આર્થિક સમૃદ્ધિની વાતો કહેવામાં આવતી હતી. આજે પણ ભારતની સંસ્કૃતિ અને આપણો પ્રાચીન વારસો વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષે છે. આજે દેશ એ ગૌરવને ‘વારસા પર ગર્વ’ની લાગણી સાથે ફરીથી આગળ ધપાવી રહ્યો છે.આજે કલા અને સ્થાપત્ય સાથે જોડાયેલાં દરેક ક્ષેત્રમાં આત્મગૌરવની ભાવના સાથે કામ થઈ રહ્યું છે. કેદારનાથ અને કાશી જેવાં આપણા સાંસ્કૃતિક કેન્દ્રોનો વિકાસ હોય, મહાકાલ મહાલોક જેવાં પુનઃનિર્માણ હોય કે આઝાદીના અમૃતકાળમાં, ભારત સાંસ્કૃતિક સમૃદ્ધિના નવા આયામો રચી રહ્યું છે અને તેના માટે નક્કર પ્રયાસો કરી રહ્યું છે.ભારતમાં થઈ રહેલ આ બાએનિઅલ આ દિશામાં વધુ એક શાનદાર પગલું છે. આ પહેલા આપણે જોયું છે કે અહીં દિલ્હીમાં જ ઇન્ટરનેશનલ મ્યુઝિયમ એક્સ્પો યોજાયો હતો. ઑગસ્ટમાં પુસ્તકાલયોના ઉત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમો દ્વારા, અમારો પ્રયાસ છે કે ભારતમાં વૈશ્વિક સાંસ્કૃતિક પહેલને સંસ્થાગત બનાવવામાં આવે, એને સંસ્થાગત કરવામાં આવે. એક આધુનિક વ્યવસ્થા બનાવવામાં આવે. અમે ઇચ્છીએ છીએ કે ભારતનાંઆયોજનો પણ વેનિસ, સાઓ પાઉલો, સિંગાપોર, સિડની, શારજાહ જેવા બાયેનિઅલ અને દુબઈ-લંડન જેવા આર્ટ ફેર્સની જેમ વિશ્વમાં ઓળખાય. અને આની જરૂર એટલા માટેપણ હોય છે કારણ કે આજે માનવ જીવન પર ટેક્નૉલોજીની અસર એટલી વધી ગઈ છે અને કોઈ પણ દૂરનું જે જોય છે એ નહીં ઈચ્છશે કે તેનો સમાજ રોબોટ બની જાય. આપણે રોબોટ તૈયાર નથી કરવાના, આપણે માણસો બનાવવાના છે.અને એ માટે સંવેદના જોઈએ, આશા જોઈએ, સદ્‌ભાવના જોઈએ, ઉમંગ જોઈએ, ઉત્સાહ જોઈએ. આશા અને નિરાશા વચ્ચે જીવવા માટે આપણને માર્ગો જોઈએ. આ બધી વસ્તુઓ કલા અને સંસ્કૃતિનાં માધ્યમથી પેદા થાય છે. ટેક્નૉલોજી જોડ-તોડ માટે ખૂબ જ ઝડપથી કામ કરી શકે છે. અને તેથી આવી વસ્તુઓ મનુષ્યનાં આંતરિક સામર્થ્યને જાણવા-ઓળખવામાં અને તેને જોડવામાં એક બહુ મોટો આધાર પૂરો પાડે છે.

અને સાથીઓ,

આપણાં આ લક્ષ્યોની પ્રાપ્તિ માટે જ આજે 'આત્મનિર્ભર ભારત સેન્ટર ફોર ડિઝાઈન'નું લોકાર્પણપણ કરવામાં આવ્યું છે. આ કેન્દ્ર ભારતની અનોખી અને દુર્લભ હસ્તકલાને આગળ વધારવા માટે એક મંચ પૂરો પાડશે. આ કારીગરો અને ડિઝાઇનરોને એકસાથે લાવશે અને તેમને બજાર અનુસાર નવીનતા લાવવામાં મદદ કરશે.આ સાથે, કારીગરોને ડિઝાઇન ડેવલપમેન્ટ વિશે પણ જાણકારી મળશે, અને તેઓ ડિજિટલ માર્કેટિંગમાં પણ નિપુણ બનશે. અને આપણે જાણીએ છીએ કે ભારતીય કારીગરોમાં એટલી પ્રતિભા છે કે આધુનિક જ્ઞાન અને સંસાધનોથી તેઓ સમગ્ર વિશ્વમાં પોતાની છાપ છોડી શકે છે.

સાથીઓ,

ભારતમાં 5 શહેરોમાં સાંસ્કૃતિક જગ્યાઓ બનાવવાની શરૂઆત થવી એ પણ એક ઐતિહાસિક પગલું છે. દિલ્હીનીસાથે-સાથે કોલકાતા, મુંબઈ, અમદાવાદ અને વારાણસીમાં બાંધવામાં આવનાર આ કલ્ચરલ સ્પેસ આ શહેરોને સાંસ્કૃતિક રીતે વધુ સમૃદ્ધ બનાવશે. આ કેન્દ્રો સ્થાનિક કલાને સમૃદ્ધ કરવા માટે નવીન વિચારો પણ આગળ ધપાવશે.તમે બધાએ આગામી 7 દિવસ માટે 7 મહત્વપૂર્ણ થીમ્સ પણ નક્કી કરી છે. આમાં, ‘સ્વદેશી ભારત ડિઝાઇન’ અને ‘સમત્વ’-આપણે આ થીમ્સને એક મિશન તરીકે આગળ વધારવી પડશે. દેશજ એટલે કે સ્વદેશી ડિઝાઇનને સમૃદ્ધ બનાવવા માટે, એ જરૂરી છે કે તે આપણા યુવાનો માટે અભ્યાસ અને સંશોધનનો એક ભાગ બને.સમાનતા થીમ વાસ્તુનાં ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારીની ઉજવણી કરે છે. હું માનું છું કે નારીશક્તિની કલ્પનાશક્તિ, તેમનીરચનાત્મકતા આ ક્ષેત્રને નવી ઊંચાઈઓ પર લઈ જશે.

સાથીઓ,

ભારતમાં કલાને, રસ અને રંગોને જીવનનો પર્યાય માનવામાં આવે છે. આપણા પૂર્વજોએ તો ત્યાંસુધી કહ્યું છે કે - સાહિત્ય સંગીત કલા વિહીન:, સાક્ષાત્‌ પશુ: પુચ્છ વિષાણ હીન:।  એટલે કે, મનુષ્ય અને અન્ય જીવ જંતુઓમાં મુખ્ય તફાવત સાહિત્ય, સંગીત અને કલાનો જ છે. એટલે કે ઊંઘવાની, જાગવાની અને પેટ ભરવાની ટેવ પોતાની કુદરતી હોય છે.પરંતુ, તે કલા, સાહિત્ય અને સંગીત જ છે જે માનવ જીવનમાં રસ ઉમેરે છે અને તેને વિશેષ બનાવે છે. તેથી જ આપણે ત્યાં જીવનની વિવિધ જરૂરિયાતોને, અલગ અલગ જવાબદારીઓને ચતુસાષ્ટ કલા, 64 કલાઓ સાથે જોડવામાં આવી છે. જેમ કે, ગીત-સંગીત માટે વાદ્ય, નૃત્ય અને ગાયન કળાઓ છે. આમાં, પણ 'ઉડક-વાદ્યમ' એટલે કે પાણીના તરંગો પર આધારિત જળ વાદ્ય જેવી વિશિષ્ટ કળાઓ પણ છે.અનેક પ્રકારનાસેન્ટ્સ કે પર્ફ્યુમ બનાવવા માટે આપણી પાસે 'ગંધ-યુક્તિ:’ કળા છે. મીનાકારી અને કોતરણી માટે 'તક્ષકર્મ' કળા શીખવવામાં આવે છે. ‘સૂચીવાન-કર્માણી’ એ ભરતકામ અને વણાટની સુંદરતાની બારીકીઓ શીખવવાની કળા છે. ભારતમાં બનેલાં પ્રાચીન વસ્ત્રો પરથી તમે અંદાજો લગાવી શકો છો કે આપણે ત્યાં આ તમામ કામો કેટલી પૂર્ણતા સાથે કરવામાં આવ્યાં હતા.એવું કહેવાય છે કે કાપડનો આખો ટાકો, મલમલ, એવી રીતે બનાવવામાં આવતો હતો કે તેને એક વીંટીમાંથી પસાર કરી શકાતો હતો. મતલબ કે આ, આ સામર્થ્ય હતું. ભારતમાં, કોતરકામ અને મીનાકારીનાં કામો પણ માત્ર સુશોભનની વસ્તુઓ પૂરતા મર્યાદિત ન હતા. વાસ્તવમાં, તલવારો, ઢાલ અને ભાલા જેવી યુદ્ધની વસ્તુઓ પર પણ અદ્‌ભૂત કલાકારી જોઈ શકાતી હતી.એટલું જ નહીં, હું તો ઈચ્છું છું કે કોઈ આ થીમ પર ક્યારેક વિચાર કરે. આપણે ત્યાં, ઘોડા પર પ્રાણીઓનાંઆભૂષણો મૂકવામાં આવતાં હતાં, પોતાનાં કૂતરાને તેના પર મૂકવામાં આવતાં, બળદ અને ગાયો હતી. તેના પર જે આભૂષણમાં જે વિવિધતા હતી, કલા હતી એટલે કે તે પોતાનામાં એક અજાયબી છે.અને તેમાં કેટલું પરફેક્શન હતું કે પ્રાણીને કોઈ પણ પ્રકારની શારીરિક પીડા ન થાય તે માટે સંપૂર્ણ કાળજી સાથે તૈયાર કરવામાં આવતું હતું. એટલે કે આ બાબતોને એકસાથે જોઈએ તો ખબર પડે છે કે તેમાં કેટલુંસામર્થ્ય ભરેલું છે.

સાથીઓ,

આપણા દેશમાં આવી કેટલીય કળાઓ રહી છે. અને આ જ ભારતનો પ્રાચીન ઈતિહાસ રહ્યો છે અને આજે પણ આપણને ભારતના ખૂણે ખૂણે તેનાં નિશાન જોવા મળે છે. હું તો જે શહેરનો સાંસદ છું તે કાશી તેનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે.કાશી અવિનાશી કહેવાય છે. કારણ કે, કાશી ગંગાની સાથે સાહિત્ય, સંગીત અને કળાના અમર પ્રવાહની ભૂમિ છે. કાશીએ ભગવાન શિવને પોતાનાં હૃદયમાં સ્થાપિત કર્યા છે, જેને આધ્યાત્મિક રીતે કલાના પ્રણેતા માનવામાં આવે છે. આ કળાઓ, આ શિલ્પ અને સંસ્કૃતિ માનવ સભ્યતા માટે ઊર્જા પ્રવાહ સમાન છે. અને ઊર્જા અમર હોય છે, ચેતના અવિનાશી હોય છે. તેથી કાશી પણ અવિનાશી છે.

સાથીઓ,

ભારતની આ સંસ્કૃતિને જોવા માટે દુનિયાભરમાંથી આવતા લોકો માટે થોડા મહિના પહેલા, અમે એક નવી શરૂઆત કરી હતી. અમે ગંગા વિલાસ ક્રૂઝ ચલાવી હતી, જે મુસાફરોને ગંગા નદીમાં કાશીથી આસામ સુધી લઈ જતી હતી. તેમાં દુનિયાભરમાંથી ઘણા પ્રવાસીઓ આવ્યા હતા, તે લગભગ 45-50 દિવસનો કાર્યક્રમ હતો.એક જ પ્રવાસમાં તેમને ગંગાના કિનારે આવેલાં અનેક શહેરો, ગામડાંઓ અને વિસ્તારોનો અનુભવ થયો. અને આપણી માનવ સંસ્કૃતિનો વિકાસ પણ નદીઓના કિનારે થયો છે. જો એક વાર નદી કિનારે કોઇ યાત્રા કરે છે તો જીવનનાં ઊંડાણને જાણવાની વિશાળ તક મળે છે. અને આ વિચાર સાથે જ અમે આ ગંગા ક્રૂઝની શરૂઆત કરી હતી.

સાથીઓ,

કળાનું સ્વરૂપ ગમે તે હોય, તે પ્રકૃતિની નજીક, કુદરતની નજીક જ જન્મે છે. અહીં પણ મેં જેટલું જોયું તેમાં પ્રકૃતિનું તત્વ ક્યાંક ને ક્યાંક એ કળા સાથે જોડાયેલું છે, તેની બહારની એક પણ વસ્તુ નથી. તેથી, કલા સ્વભાવથી, પ્રકૃતિ તરફી અને પર્યાવરણ તરફી અને આબોહવા તરફી છે. જેમ દુનિયાના દેશોમાં રિવર ફ્રન્ટની બહુમોટી ચર્ચા થાય છે કે ભાઈ ફલાણા દેશમાં ઢિકણો રિવર ફ્રન્ટ વગેરે વગેરે. ભારતમાં હજારો વર્ષોથી નદીઓના કિનારે ઘાટની પરંપરા છે. આપણા કેટલાય તહેવારો અને ઉજવણીઓ આ જ ઘાટો સાથે સંકળાયેલા છે. એ જ રીતે આપણા દેશમાં કૂવા, સરોવર, પગથિયાં, વાવની એક સમૃદ્ધ પરંપરા હતી.ગુજરાતની રાણી કી વાવ હોય, રાજસ્થાનમાં ઘણી જગ્યાઓ હોય, દિલ્હીમાં પણ આજે પણ તમને અનેક પગથિયા કૂવાઓ જોવા મળશે. અને રાની કી વાવની વિશેષતા એ છે કે તે એક ઉલ્ટા ટેમ્પલ છે.એટલે કે તે સમયની કલા સૃષ્ટિ વિશે વિચારનારા લોકોએ તેને કેવી રીતે બનાવ્યું હશે. કહેવાનું તાત્પર્ય એ છે કે આપણાં પાણીને લગતા જેટલાં પણ સંગ્રહનાં સ્થાન છે, તેનું આર્કિટેક્ચર આપ જુઓ, તેની ડિઝાઇન જુઓ! તેને જોતાં તે કોઈ મેગા માર્વેલથી ઓછું નથી લાગતું. એ જ રીતે, ભારતના જૂના કિલ્લાઓ અને દુર્ગનુંવાસ્તુ પણ વિશ્વભરના લોકોને આશ્ચર્યચકિત કરે છે.દરેક કિલ્લાનું પોતાનું સ્થાપત્ય છે, તેનું પોતાનું વિજ્ઞાન પણ છે. હું થોડા દિવસો પહેલા જ સિંધુદુર્ગમાં હતો, જ્યાં સમુદ્રની અંદર એક વિશાળ કિલ્લો બનેલો છે. શક્ય છે કે તમારામાંથી કેટલાકે જેસલમેરમાં પણ પટવા કી હવેલીગયા હશો! પાંચ હવેલીઓનો આ સમૂહ એવી રીતે બનાવવામાં આવ્યો હતો કે તે કુદરતી એર કન્ડીશનીંગની જેમ કામ કરે છે.આ તમામ આર્કિટેક્ચર માત્ર લાંબો સમય ટકનારા જ નહીં પરંતુ પર્યાવરણની દૃષ્ટિએ પણ ટકાઉ હતા. એટલે કે સમગ્ર વિશ્વને ભારતની કલા અને સંસ્કૃતિમાંથી ઘણું જાણવાની અને શીખવાની તક છે.

સાથીઓ,

કલા, સ્થાપત્ય અને સંસ્કૃતિ, માનવ સંસ્કૃતિ માટે વિવિધતા અને એકતા બંનેના સ્ત્રોત છે. આપણે વિશ્વમાં સૌથી વધુ વૈવિધ્યસભર રાષ્ટ્ર છીએ, પરંતુ તે જ સમયે તે વિવિધતા આપણને એક સાથે જોડે છે. જ્યારે હું માત્ર કિલ્લાઓ વિશે વાત કરી રહ્યો હતો. 1-2 વર્ષ પહેલા જ્યારે હું એક કાર્યક્રમ માટે બુંદેલખંડ ગયો હતો, ત્યાં ઝાંસી કિલ્લા પર એક કાર્યક્રમ હતો, ત્યારે મેં ત્યાંની સરકાર સાથે વાત કરી હતી કે આપણે ફોર્ટ ટુરિઝમ માટે બુંદેલખંડનો વિકાસ કરવો જોઈએ.અને બાદમાં તેમણે તમામ સંશોધન કર્યાં, તેનો જેગ્રંથ તૈયાર થયો છે, તમને આશ્ચર્ય થશે કે એકલા બુંદેલખંડમાં જ કિલ્લાઓનો આટલો સમૃદ્ધ વારસો છે, માત્ર ઝાંસીના જ નહીં, ઘણી બધી જગ્યાઓ પર છે અને તે બધા નજીકમાં છે. એટલે કે, આટલાં સામર્થ્યવાન છે, હું તો ઈચ્છું છું કે ક્યારેક આપણા ફાઇન આર્ટ્સના જે વિદ્યાર્થીઓ છે તેઓ ત્યાં જઈને આર્ટ વર્ક કરવા માટે એક મોટી સ્પર્ધાનું આયોજન કરી શકાય છે.ત્યારે જ દુનિયાને ખબર પડશે કે આપણા પૂર્વજોએ શું નિર્માણ કર્યું છે. શું તમે વિચાર્યું છે કે ભારતની આ વિવિધતાનો સ્ત્રોત શું છે? તેનો સ્ત્રોત છે-લોકશાહીની જનની તરીકે ભારતની લોકશાહી પરંપરા! કલા, સ્થાપત્ય અને સંસ્કૃતિ ત્યારે જ ખીલે છે જ્યારે સમાજમાં વિચારોની સ્વતંત્રતા હોય અને પોતાની રીતે કામ કરવાની સ્વતંત્રતા મળે.વાદ-વિવાદ અને સંવાદની આ પરંપરાથી વૈવિધ્ય આપોઆપ ખીલે છે. તેથી જ આજે પણ જ્યારે આપણી સરકાર સંસ્કૃતિની વાત કરે છે ત્યારે આપણે દરેક પ્રકારની વિવિધતાનુંસ્વાગત પણ કરીએ છીએ અને તેનું સમર્થન પણ કરીએ છીએ. અમે દેશનાં વિવિધ રાજ્યો અને શહેરોમાં G-20નું આયોજન કરીને આ વિવિધતાને વિશ્વ સમક્ષ દર્શાવી છે.

સાથીઓ,

ભારત એવો દેશ છે જે ‘અયં નિજઃ પરોવેતિ ગણના લઘુચેતસામ્‌’ના વિચારથી જીવે છે. એટલે કે, આપણે આપણા-પારકાંની વિચારસરણીમાં જીવનારા લોકો નથી. આપણે એવાં લોકો છીએ જેઓ સ્વયંને બદલે વયં પર વિશ્વાસ કરીએ છીએ. આપણે એવાં લોકો છીએ જે સ્વને બદલે બ્રહ્માંડની વાત કરીએ છીએ. આજે જ્યારે ભારત વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે ઉભરી રહ્યું છે, ત્યારે સમગ્ર વિશ્વ તેમાં પોતાના માટે વધુ સારું ભવિષ્ય જોઈ રહ્યું છે.જેમ ભારતનો આર્થિક વિકાસ સમગ્ર વિશ્વની પ્રગતિ સાથે જોડાયેલો છે, તેવી જ રીતે 'આત્મનિર્ભર ભારત'નું આપણું વિઝન સમગ્ર વિશ્વ માટે નવી તકો લઈને આવે છે, તેવી જ રીતે, કલા અને સ્થાપત્ય જેવાં ક્ષેત્રોમાં પણ ભારતનાં પુનરુત્થાનથી, ભારતના સાંસ્કૃતિક ઉત્થાનથી સમગ્ર વિશ્વનાં હિત તેની સાથે જોડાયેલાં છે. આપણે યોગની જેમ આપણી વિરાસતને આગળ ધપાવી છે, તેથી આજે તેનો લાભ સમગ્ર વિશ્વને થઈ રહ્યો છે.

જ્યારે આપણે આયુર્વેદને આધુનિક વૈજ્ઞાનિક માપદંડો પર મજબૂત કરવાના પ્રયાસો શરૂ કર્યા ત્યારે સમગ્ર વિશ્વ તેનું મહત્વ સમજી રહ્યું છે. આપણે આપણાં સાંસ્કૃતિક મૂલ્યોને ધ્યાનમાં રાખીને ટકાઉ જીવનશૈલી માટે નવા વિકલ્પ, સંકલ્પ કર્યા. આજે, મિશન લાઇફ જેવાં અભિયાનો દ્વારા, સમગ્ર વિશ્વને સારાં ભવિષ્યની આશા મળી રહી છે. કલા, આર્કિટેક્ચર અને ડિઝાઈનનાં ક્ષેત્રમાં પણ ભારત જેટલું મજબૂતાઈથી ઉભરશે, તેનો એટલો જ લાભ સમગ્ર માનવતાને મળવાનો છે.

સાથીઓ,

સભ્યતાઓ સમાગમ અને સહયોગથી જ સમૃદ્ધ થાય છે.તેથી, આ દિશામાં વિશ્વના અન્ય તમામ દેશોની ભાગીદારી, તેમની સાથે આપણી ભાગીદારી ખૂબ જ મહત્વપૂર્ણ છે. હું ઈચ્છું છું કે આયોજન આગળ વધુ વિસ્તરે, જેમાં વધુને વધુ દેશો એક સાથે આવે. મને વિશ્વાસ છે કે આ આયોજન આ દિશામાં એક મહત્વની શરૂઆત સાબિત થશે. આ જ ભાવના સાથે, આપ સૌનો ખૂબ ખૂબ આભાર! અને હું દેશવાસીઓને વિનંતી કરું છું કે માર્ચ મહિના સુધી આ તમારા માટે ઉપલબ્ધ છે, આખો દિવસ કાઢો અને એક એક વસ્તુને જુઓ, આપણે ત્યાં કેવી પ્રતિભા છે, કેવી પરંપરા છે, પ્રકૃતિ પ્રત્યે આપણને કેટલો પ્રેમ છે, આ બધી વસ્તુઓ એક જ જગ્યાએ અનુભવી શકોછો. ખૂબ ખૂબ આભાર.

YP/GP/NP

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1984343) Visitor Counter : 100