વિદ્યુત મંત્રાલય
કેન્દ્રીય ઊર્જા અને નવી અને નવીનીકરણીય ઊર્જા મંત્રી શ્રી આર કે સિંઘે ગાંધીનગરમાં ભારતમાં "એનર્જી ટ્રાન્ઝિશન - રોડ ટ્રાવેલ્ડ એન્ડ ઓપોર્ચ્યુનિટીઝ અહેડ" પર બે દિવસની રાષ્ટ્રીય કોન્ફરન્સનો શુભારંભ કરાવ્યો
ગુજરાતના ઊર્જા પેટ્રોકેમિકલ્સ અને નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સહિત મહાનુભાવોએ પરિષદને કરેલું સંબોધન
બે દિવસની પરિષદમાં કુલ 5 સત્ર દરમિયાન રીન્યૂએબલ સેક્ટરના મહત્વના પાસાઓ પર થશે વિચાર વિમર્શ
પાવર અને રિન્યુએબલ એનર્જી સેક્ટરના દેશ વિદેશના 250થી વધુ પ્રતિનિધિઓની ભાગીદારી
Posted On:
01 DEC 2023 3:52PM by PIB Ahmedabad
કેન્દ્રીય ઊર્જા અને નવી અને નવીનીકરણીય ઊર્જામંત્રી શ્રી આર.કે. સિંહ અને ગુજરાતના નાણાં અને ઊર્જા પેટ્રોકેમિકલ વિભાગના મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ આજે ગાંધીનગરમાં ભારતમાં “એનર્જી ટ્રાન્ઝિશન - રોડ ટ્રાવેલ્ડ એન્ડ ઓપોર્ચ્યુનિટીઝ અહેડ” પર બે દિવસીય રાષ્ટ્રીય કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું છે. આ કોન્ફરન્સ આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના ભાગરૂપે આયોજીત કરવામાં આવી છે.
કેન્દ્રીય ઊર્જા અને નવી અને નવીનીકરણીય ઊર્જામંત્રી શ્રી આર.કે. સિંઘે પોતાના સંબોધનમાં જણાવ્યું કે આ કોન્ફરન્સનો મુખ્ય ઉદ્દેશ્ય સ્વચ્છ ઊર્જાને પ્રોત્સાહન આપવા તથા ઊર્જા ટ્રાન્ઝિશનને સુગમ બનાવવાના મહત્વાકાંક્ષી વિઝન સાથે આગળ વધવાનો છે. બે દિવસની આ પરિષદમાં ગ્રીડ એકીકરણ, ધિરાણ સાધનો અને સહાયક માળખાકીય સુવિધાઓ વિકસાવવા સંબંધિત પડકારો ઊપર વિચારણા કરી પુનઃપ્રાપ્ય ઊર્જા ઉત્પાદન અને વપરાશ વધારવા પર ભાર મુકવામાં આવશે. પોતાના સંબોધનમાં કેન્દ્રીય ઊર્જા મંત્રી એ કહ્યું કે ભારત 2005ના સ્તરની સરખામણીએ 2030 સુધીમાં તેના જીડીપીમાં ઉત્સર્જનની તીવ્રતા 45 ટકા ઘટાડવા માટે પ્રતિબદ્ધ છે.
બાદમાં પત્રકારો સાથે વાતચીત કરતા કેન્દ્રીય મંત્રી શ્રી આર.કે. સિંઘે જણાવ્યું કે વિકસિત દેશોએ કાર્બન ઉત્સર્જન કેવી રીતે થાય છે તેને બદલે કાર્બન ઉત્સર્જન ઘટાડવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તેમણે કહ્યું કે 80 ટકા કાર્બન ઉત્સર્જનનો બોજ વિકસિત દેશોનો છે, જેની વસતિ વિશ્વના માત્ર ત્રીજા ભાગની છે. કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ભારત 2030 સુધીમાં 500 GW બિનઅશ્મિભૂત ઇંધણ આધારિત ક્ષમતા સુધી પહોંચવા અને સ્થાપિત ક્ષમતાના સંદર્ભમાં રિન્યુએબલ એનર્જી આધારિત ક્ષમતાનો હિસ્સો ઓછામાં ઓછો 50 ટકા સુધી વધારવાનું લક્ષ્ય ધરાવે છે.
ગુજરાતના નાણાં અને ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ આ પ્રસંગે જણાવ્યું હતું પ્રધાનમંત્રી અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીની દીર્ઘ દ્રષ્ટિ અને લાંબા ગાળાના આયોજનોને લીધે જ ગુજરાત આજે પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે સમગ્ર દેશમાં અગ્રેસર રાજ્ય બન્યું છે. મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન દેશમાં સૌ પ્રથમ વખત ગુજરાતમાં ક્લાયમેટ ચેન્જ વિભાગની સ્થાપના કરવામાં આવી હતી, તેને લીધે સ્થિરતા-ટકાઉપણું, ઊર્જા સંક્રાંતિ અને નેટ-ઝીરો લક્ષ્યો હાંસલ કરવા સક્ષમ પગલાં લઈ શકાયા છે. રાજ્યમાં પુનઃપ્રાપ્ય ઊર્જાના વિકાસ માટે પ્રોત્સાહનો પ્રદાન કરતી નવીનીકરણીય ઊર્જા અંગેની નીતિઓ બહાર પાડનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે.
તેમણે કહ્યું કે ગુજરાત આજે સ્થાપિત પવન ઊર્જા ક્ષમતામાં દેશભરમાં સૌ પ્રથમ ક્રમે છે, જે દેશની કુલ સ્થાપિત પવન ઊર્જા ક્ષમતાના 25 ટકા હિસ્સો ધરાવે છે. આઅ ઉપરાંત ગુજરાત સૌથી વધુ સ્થાપિત રૂફટોપ સોલર ક્ષમતા ધરાવે છે, જે ભારતની કુલ રૂફટોપ સોલર ક્ષમતાના 26 ટકા છે.
આ કોન્ફરન્સમાં દેશ વિદેશના પાવર અને રિન્યુએબલ એનર્જી સેક્ટરના 250થી વધુ પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે.
CB/GP/JD
(Release ID: 1981540)
Visitor Counter : 844