પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ હિન્દુસ્તાન ટાઇમ્સ લીડરશીપ સમિટ 2023ને સંબોધન કર્યું
"2024 ની સામાન્ય ચૂંટણીના પરિણામો અવરોધોથી પર હશે"
"સ્વતંત્રતા દરમિયાન ઉદ્ભવેલી ભરતીએ લોકોમાં જુસ્સો અને એકતાની ભાવના લાવી અને ઘણા અવરોધોને તોડી નાખ્યા"
"ચંદ્રયાન-3ની સફળતા દરેક નાગરિકમાં ગર્વ અને આત્મવિશ્વાસની ભાવના પેદા કરે છે તથા તેમને દરેક ક્ષેત્રમાં આગળ વધવા માટે પ્રેરિત કરે છે"
"આજે દરેક ભારતીય આત્મવિશ્વાસથી ભરેલો છે"
"જન ધન બૅન્ક ખાતાઓ ગરીબોમાં માનસિક અવરોધોને તોડવા અને તેમનાં ગર્વ અને સ્વાભિમાનને પુનર્જીવિત કરવા માટેનું માધ્યમ બની ગયાં છે"
"સરકારે માત્ર જીવન જ પરિવર્તિત કર્યું નથી પણ ગરીબોને ગરીબીમાંથી બહાર આવવામાં પણ મદદ કરી છે"
"સામાન્ય નાગરિકો આજે સશક્ત અને પ્રોત્સાહિત હોવાનું અનુભવે છે"
"આજના ભારતના વિકાસની ગતિ અને વ્યાપ તેની સફળતાનો સંકેત છે"
"જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કરવાથી પ્રગતિ અને શાંતિનો માર્ગ મોકળો થયો છે"
"ભારતે વિક્રમી કૌભાંડોમાંથી વિક્રમી નિકાસ સુધીની સફર કરી છે"
"સ્ટાર્ટ અપ હોય, સ્પોર્ટ્સ હોય, સ્પેસ હોય કે ટેક્નૉલોજી હોય
Posted On:
04 NOV 2023 10:47PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હિન્દુસ્તાન ટાઇમ્સ લીડરશીપ સમિટ 2023ને સંબોધન કર્યું હતું.
સમારોહને સંબોધતા પ્રધાનમંત્રીએ હિન્દુસ્તાન ટાઇમ્સ લીડરશીપ સમિટ 2023માં તેમને આમંત્રણ આપવા બદલ એચટી ગ્રૂપનો આભાર માન્યો હતો. શ્રી મોદીએ પ્રકાશ પાડ્યો હતો કે કેવી રીતે એચ. ટી. ગ્રૂપે હંમેશા આ નેતૃત્વ શિખર સંમેલનની થીમ સાથે ભારત આગળ વધી રહ્યું છે તેનો સંદેશ આપ્યો છે. તેમણે આ શિખર સંમેલનની થીમ 'રીશેપિંગ ઇન્ડિયા"ને યાદ કરી હતી, જ્યારે વર્તમાન સરકાર 2014માં સત્તામાં આવી હતી. તેમણે કહ્યું કે જૂથે પાછળથી જોયું હતું કે મોટા ફેરફારો નજીક આવી રહ્યા છે અને ભારતને નવો આકાર આપવામાં આવશે. તેમણે એ પણ યાદ કર્યું કે 'વધુ સારી આવતીકાલ માટે વાતચીત' (કન્વર્સેશન્સ ફોર અ બેટર ટુમોરો)ની થીમ ત્યારે આપવામાં આવી હતી જ્યારે વર્તમાન સરકારને 2019માં વધુ મોટી બહુમતી સાથે જીત્યા બાદ પુનઃસ્થાપિત કરવામાં આવી હતી. હવે વર્ષ 2023માં જ્યારે સામાન્ય ચૂંટણીઓ નજીક છે, ત્યારે શ્રી મોદીએ સમિટની થીમ 'બ્રેકિંગ બેરિયર્સ' પર પ્રકાશ પાડ્યો હતો અને વર્તમાન સરકાર તમામ રેકોર્ડ તોડીને આગામી સામાન્ય ચૂંટણીઓમાં વિજયી થશે તેવો જે અંતર્ગત સંદેશો આપવામાં આવ્યો હતો તેના પર પ્રકાશ પાડ્યો હતો. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, "વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીનાં પરિણામો અવરોધોથી પર હશે."
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, 'રીશેપિંગ ઇન્ડિયા' થી 'બિયોન્ડ બેરિયર્સ' સુધીની ભારતની યાત્રાએ દેશના આગામી ઉજ્જવળ ભવિષ્યનો પાયો નાંખ્યો છે. આ જ પાયા પર વિકસિત, ભવ્ય અને સમૃદ્ધ ભારતનું નિર્માણ થશે, એમ તેમણે જણાવ્યું હતું અને લાંબા સમયથી ભારત જેનો સામનો કરી રહ્યું હતું એ અનેક અવરોધોની નોંધ લીધી હતી. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે લાંબા ગાળાની ગુલામી અને હુમલાઓએ દેશને ઘણાં બંધનમાં બાંધી દીધો હતો. ભારતીય સ્વતંત્રતા આંદોલનને યાદ કરતાં શ્રી મોદીએ કહ્યું કે તે સમય દરમિયાન લોકોમાં જુસ્સો અને એકતાની ભાવના સાથે જે ભરતી આવી હતી તેણે આવા ઘણા અવરોધોને તોડી નાખ્યા હતા. તેમણે કહ્યું કે એવી અપેક્ષા હતી કે આઝાદી પછી પણ આ જ ગતિ ચાલુ રહેશે. "કમનસીબે, તે બન્યું નહીં, તેમણે કહ્યું. આપણો દેશ તેની ક્ષમતા અનુસાર વિકાસ કરી શક્યો નહીં. "તેમણે ધ્યાન દોર્યું કે માનસિક અવરોધ એ ઘણી સમસ્યાઓમાંની એક હતી, જ્યારે સ્વતંત્ર ભારત દ્વારા સામનો કરવામાં આવતી કેટલીક સમસ્યાઓ વાસ્તવિક હતી, અન્યને માની લેવામાં આવી હતી અને બાકીની અતિશયોક્તિપૂર્ણ હતી.
પ્રધાનમંત્રીએ રાહત વ્યક્ત કરી હતી કે, વર્ષ 2014 પછી ભારત આ અવરોધો દૂર કરવા સતત મહેનત કરી રહ્યું છે. અમે ઘણી અડચણોને પાર કરી છે અને હવે અમે અવરોધોથી આગળ વધવાની વાત કરી રહ્યા છીએ. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "આજે ભારત ચંદ્રના એ ભાગમાં પહોંચી ગયું છે, જ્યાં અગાઉ કોઈએ ઉતરાણ કર્યું નથી. આજે ભારત દરેક અવરોધો તોડીને ડિજિટલ લેવડ-દેવડમાં નંબર-1 બની ગયો છે. તે મોબાઇલ ઉત્પાદનમાં અગ્રણી છે, સ્ટાર્ટઅપ્સમાં વિશ્વના ટોચના 3 દેશોમાં મજબૂત ઊભો છે અને કુશળ લોકોનો પૂલ બનાવે છે”, એમ તેમણે માહિતી આપી હતી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, અત્યારે ભારત જી-20 સમિટ જેવી વૈશ્વિક ઇવેન્ટમાં પોતાનો ઝંડો ઊંચો ફરકાવી રહ્યું છે અને દરેક અવરોધોને તોડી રહ્યું છે.
પ્રધાનમંત્રીએ લેખક અને રાજકારણી અલ્લામા ઈકબાલની ગઝલ 'સિતારોં કે આગે જહાં ઔર ભી હૈં' ની એક પંક્તિ સંભળાવી અને કહ્યું કે ભારત હજુ અટકવાનું નથી.
પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે, માઇન્ડસેટ અને માનસિકતા એ દેશના સૌથી મોટા અવરોધો છે, જે ભૂતકાળની સરકારોનાં આકસ્મિક અભિગમની ટીકા અને ઉપહાસ તરફ દોરી જાય છે. સમયપાલન, ભ્રષ્ટાચાર અને સરકારના નબળા પ્રયાસો પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે કેટલીક ઘટનાઓ સમગ્ર રાષ્ટ્રને માનસિક અવરોધો તોડવા માટે પ્રેરિત કરે છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, મહાત્મા ગાંધી દ્વારા શરૂ થયેલી દાંડીકૂચથી દેશને કેવી રીતે પ્રેરણા મળી હતી અને ભારતની આઝાદીની લડતની જ્યોત પ્રજ્વલિત થઈ હતી. પ્રધાનમંત્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ચંદ્રયાન-3ની સફળતા દરેક નાગરિકમાં ગર્વ અને આત્મવિશ્વાસની ભાવના જગાવે છે તથા તેમને દરેક ક્ષેત્રમાં આગળ વધવા માટે પ્રેરિત કરે છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "અત્યારે દરેક ભારતીય આત્મવિશ્વાસથી ભરેલો છે." તેમણે યાદ કર્યું હતું કે, કેવી રીતે પ્રધાનમંત્રીએ પોતે સ્વતંત્રતા દિવસનાં તેમનાં ભાષણ દરમિયાન લાલ કિલ્લા પરથી જ સ્વચ્છતા, શૌચાલયો અને સ્વચ્છતાનાં મુદ્દાઓ ઉઠાવ્યાં હતાં, જેનાં પરિણામે માનસિકતામાં પરિવર્તન આવ્યું હતું. શ્રી મોદીએ ઉમેર્યું હતું કે, "સ્વચ્છતા હવે એક જન આંદોલન બની ગયું છે." તેમણે વધુમાં ઉલ્લેખ કર્યો હતો કે, છેલ્લાં 10 વર્ષમાં ખાદીનું વેચાણ ત્રણ ગણું વધ્યું છે.
પ્રધાનમંત્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, જન ધન બૅન્ક ખાતાઓ ગરીબો વચ્ચેનાં માનસિક અવરોધોને તોડવાનું અને તેમનાં ગૌરવ અને સ્વાભિમાનને પુનઃજીવંત બનાવવાનું માધ્યમ બન્યાં છે. તેમણે નકારાત્મક માનસિકતા તરફ ધ્યાન દોર્યું હતું, જેમાં બૅન્ક ખાતાઓને ફક્ત ધનિક લોકો માટે જ ગણવામાં આવતાં હતાં અને જન ધન યોજનાએ કેવી રીતે બૅન્કોને ગરીબોનાં ઘરઆંગણે લાવીને વધુ સુલભ બનાવી છે તેની જાણકારી આપી હતી.
તેમણે ગરીબો માટે સશક્તીકરણનું સાધન બની રહેલા રૂપે કાર્ડના વ્યાપક ઉપયોગ અંગે પણ વાત કરી હતી. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, "જે લોકો એસી રૂમમાં બેસે છે અને સંખ્યા અને વૃતાંતોંથી પ્રેરિત છે, તેઓ ક્યારેય ગરીબોનાં માનસિક સશક્તીકરણને સમજી શકતા નથી." ભારતની સરહદોની બહાર માનસિકતામાં પરિવર્તન પર પ્રકાશ ફેંકતા શ્રી મોદીએ ઉલ્લેખ કર્યો હતો કે, આતંકવાદનાં કૃત્યો દરમિયાન પોતાનું રક્ષણ કરવાની ભારતની ક્ષમતા વધી રહી છે, આબોહવા પર કાર્ય કરવાના નિર્ણયોમાં નેતૃત્વ કરવામાં આવ્યું છે અને સમયમર્યાદા અગાઉ ઇચ્છિત પરિણામો હાંસલ કરવા સક્ષમ છે. પ્રધાનમંત્રીએ રમતગમતનાં ક્ષેત્રમાં ભારતનાં ઉત્કૃષ્ટ પ્રદર્શન વિશે પણ વાત કરી હતી અને આ સિદ્ધિ માટે માનસિકતામાં પરિવર્તનનો શ્રેય પણ આપ્યો હતો.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "ભારતમાં ક્ષમતાઓ અને સંસાધનોની કોઈ અછત નથી. ગરીબીના વાસ્તવિક અવરોધ પર પ્રકાશ પાડતા પીએમ મોદીએ કહ્યું કે તેની સામે નારાઓ સાથે નહીં પરંતુ ઉકેલો, નીતિઓ અને ઇરાદાઓ સાથે લડી શકાય છે. તેમણે ભૂતકાળની સરકારોની વિચારસરણી પર સંતાપ વ્યક્ત કર્યો હતો જેણે ગરીબોને સામાજિક અથવા આર્થિક રીતે પ્રગતિ કરવામાં સક્ષમ બનાવ્યા ન હતા. મૂળભૂત સુવિધાઓ સ્વરૂપે સહાય સાથે ગરીબો ગરીબી દૂર કરવા સક્ષમ છે એ બાબત પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ગરીબોને સશક્ત બનાવવા એ કેન્દ્ર સરકારની સૌથી મોટી પ્રાથમિકતા રહી છે. તેમણે કહ્યું હતું કે, "સરકારે માત્ર જીવનની કાયાપલટ જ નથી કરી, પણ ગરીબીમાંથી બહાર નીકળવામાં પણ ગરીબોને મદદ કરી છે." તેમણે જણાવ્યું હતું કે, છેલ્લાં પાંચ વર્ષમાં જ 13 કરોડથી વધારે લોકો ગરીબીમાંથી બહાર આવ્યાં છે. તેમણે કહ્યું હતું કે, 13 કરોડ લોકોએ સફળતાપૂર્વક ગરીબીના અવરોધોને દૂર કર્યા છે અને દેશમાં નવ-મધ્યમ વર્ગનો હિસ્સો બની ગયા છે.
ભાઈ-ભત્રીજાવાદના અવરોધ વિશે બોલતા શ્રી મોદીએ ધ્યાન દોર્યું હતું કે, સામાન્ય લોકો પાસે રમત-ગમત હોય, વિજ્ઞાન હોય, રાજકારણ હોય કે પછી પદ્મ પુરસ્કારો પણ હોય, તેમને કશું કહેવાનું રહેતું નહોતું અને જ્યારે કોઈ વ્યક્તિ ચોક્કસ વર્તુળોમાંથી આવતી હોય ત્યારે જ સફળ થવાનું બનતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સામાન્ય નાગરિકો આજે પોતાને સશક્ત અને પ્રોત્સાહિતની લાગણી અનુભવે છે તથા સરકારના અભિગમમાં પરિવર્તનનો શ્રેય આપે છે. તેમણે ઉમેર્યું હતું કે, "ગઈકાલના અજ્ઞાત નાયકો આજે દેશના નાયકો છે."
દેશમાં આધુનિક માળખાગત સુવિધાના અવરોધનો સામનો કરવા તરફ ભારતનું ધ્યાન દોરતા પ્રધાનમંત્રીએ થઈ રહેલાં વિશ્વનાં સૌથી મોટાં માળખાગત સુવિધાનાં અભિયાન પર પ્રકાશ પાડ્યો હતો. માળખાગત વિકાસની દ્રષ્ટિએ ભારતની ઝડપ અને વ્યાપને ઉજાગર કરવા માટે પીએમ મોદીએ વર્ષ 2013-14માં 12 કિલોમીટરથી વધીને વર્ષ 2022-23માં 30 કિલોમીટર સુધી હાઇવેનું નિર્માણ, વર્ષ 2014માં 5 શહેરોથી 2023માં 20 શહેરોમાં મેટ્રો કનેક્ટિવિટીનું વિસ્તરણ, 2014માં હવાઇ મથકોની સંખ્યા 70થી વધીને આજે લગભગ 150, વર્ષ 2014માં 380 મેડિકલ કૉલેજોથી વધીને આજે 700થી વધારે, ગ્રામ પંચાયતોને જોડવા માટે વર્ષ 2023માં ઓપ્ટિકલ ફાઇબરનું વિસ્તરણ 350 કિમીથી વધીને 6 લાખ કિલોમીટર થયું છે, 4 લાખ કિમી માર્ગોનું નિર્માણ, જેથી પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત 99 ટકા ગામડાઓને જોડવામાં આવશે, જે વર્ષ 2014માં 55 ટકા હતું. પ્રધાનમંત્રીએ એ બાબત તરફ પણ ધ્યાન દોર્યું હતું કે, આઝાદી પછી અત્યાર સુધીમાં ફક્ત 20,000 કિલોમીટરની રેલવે લાઇનનું જ ઇલેક્ટ્રિફિકેશન થયું, ત્યારે છેલ્લાં 10 વર્ષમાં આશરે 40,000 કિલોમીટરની રેલવે લાઇનનું ઇલેક્ટ્રિફિકેશન થયું છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "આ આજના ભારતના વિકાસની ગતિ અને વ્યાપ છે. આ ભારતની સફળતાનો સંકેત છે," એમ તેમણે ઉમેર્યું.
તેમણે કહ્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત ઘણા કથિત અવરોધોમાંથી બહાર આવ્યું છે. આપણા નીતિ ઘડવૈયાઓ અને રાજકીય નિષ્ણાતોનું માનવું હતું કે સારું અર્થશાસ્ત્ર સારું રાજકારણ ન હોઈ શકે. ઘણી સરકારોએ પણ તેને સાચું માન્યું હતું જેનાં કારણે આપણા દેશને બંને મોરચે રાજકીય અને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ અમે સારાં અર્થશાસ્ત્ર અને સારાં રાજકારણને એકસાથે લાવ્યાં. ભારતની આર્થિક નીતિઓએ દેશમાં પ્રગતિની નવી રીતો ખોલી છે. તેમણે કહ્યું હતું કે, લોકોને લાંબા ગાળાનો લાભ આપતી નીતિઓ એવા સમયે પસંદ કરવામાં આવી હતી જ્યારે બૅન્કિંગ કટોકટી, જીએસટીનાં અમલીકરણ અને કોવિડ મહામારીને ઉકેલવા માટે ઉકેલોની જરૂર હતી.
પ્રધાનમંત્રીએ તાજેતરમાં પસાર થયેલા નારી શક્તિ વંદાન અધિનિયમનો કથિત અવરોધનાં અન્ય એક ઉદાહરણ તરીકે ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે જે બિલ દાયકાઓ સુધી લટકતું રહ્યું હતું, એવું લાગતું હતું કે તે ક્યારેય પસાર થશે નહીં, તે હવે વાસ્તવિકતા બની ગયું છે.
તેમણે કહ્યું કે રાજકીય લાભ માટે અગાઉની સરકારો દ્વારા ઘણી સમસ્યાઓની અતિશયોક્તિ કરવામાં આવી હતી. તેમણે જમ્મુ-કાશ્મીરમાં કલમ 370ને આવાં જ એક ઉદાહરણ તરીકે ઓળખાવતાં કહ્યું હતું કે, અગાઉ, દરેકને વિશ્વાસ અપાવવા માટે મનોવૈજ્ઞાનિક દબાણ ઊભું કરવામાં આવ્યું હતું કે તેને રદ કરી શકાતી નથી. તેમણે ચાલુ રાખ્યું કે તેના રદ થવાથી પ્રગતિ અને શાંતિનો માર્ગ મોકળો થયો છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "લાલ ચોકની તસવીરોએ દર્શાવ્યું છે કે જમ્મુ-કાશ્મીર કેવી રીતે બદલાઈ રહ્યું છે. આજે કેન્દ્ર શાસિત પ્રદેશમાં આતંકવાદનો અંત આવી રહ્યો છે અને પ્રવાસન સતત વધી રહ્યું છે. અમે જમ્મુ અને કાશ્મીરને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે પ્રતિબદ્ધ છીએ," એમ તેમણે કહ્યું.
મીડિયા સમુદાયના મહાનુભાવોની હાજરીની નોંધ લેતા, પ્રધાનમંત્રીએ 2014થી બ્રેકિંગ ન્યૂઝની સુસંગતતા અને તેનાં પરિવર્તન પર પ્રકાશ પાડ્યો હતો. રેટિંગ એજન્સીઓ દ્વારા વર્ષ 2013 દરમિયાન ભારતના જીડીપી વૃદ્ધિ દરમાં ઘટાડાને યાદ કરતાં પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આજે તેનાથી બિલકુલ વિપરીત થઈ રહ્યું છે, જ્યાં ભારતની વૃદ્ધિની આગાહીમાં ઉપર તરફ સુધારો થઈ રહ્યો છે. તેની સરખામણી કરતાં પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે વર્ષ 2013 દરમિયાન બૅન્કોની નાજુક સ્થિતિથી ભારતીય બૅન્કોએ વર્ષ 2023માં અત્યાર સુધીનો સૌથી શ્રેષ્ઠ નફો નોંધાવ્યો હતો અને વર્ષ 2013માં હૅલિકોપ્ટર કૌભાંડનો ઉલ્લેખ કર્યો અને વર્ષ 2013-14થી અત્યાર સુધીમાં ભારતની વિક્રમી સંરક્ષણ નિકાસમાં 20 ગણો વધારો થયો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, "ભારતે વિક્રમી કૌભાંડોથી વિક્રમજનક નિકાસ સુધીની સફર ખેડી છે."
પ્રધાનમંત્રી મોદીએ 2013માં મધ્યમ વર્ગ પર અસર કરતી કઠોર આર્થિક પરિસ્થિતિઓ વિશે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રકાશનો દ્વારા નકારાત્મક હેડલાઇન્સનો ઉલ્લેખ કર્યો હતો. પરંતુ આજે પ્રધાનમંત્રીએ કહ્યું કે મધ્યમ વર્ગ ભારતની વિકાસ યાત્રામાં ઝડપી ગતિએ આગળ વધી રહ્યો છે, પછી તે સ્ટાર્ટઅપ હોય, રમતગમત હોય, અવકાશ હોય કે ટેક્નૉલોજી હોય. તેમણે જણાવ્યું હતું કે તેમની આવકમાં વધારો થયો છે અને માહિતી આપી હતી કે 2023માં 7.5 કરોડથી વધુ લોકોએ આવકવેરા ફાઈલ કર્યો છે, જે સંખ્યા 2013-14માં 4 કરોડ હતી. તેમણે માહિતી આપી હતી કે ટેક્સ ઇન્ફર્મેશન સાથે સંબંધિત એક અભ્યાસ દર્શાવે છે કે સરેરાશ આવક જે 2014માં 4.5 લાખ રૂપિયાથી ઓછી હતી, તે 2023માં વધીને 13 લાખ રૂપિયા થઈ ગઈ છે, અને પરિણામે, લાખો લોકો ઓછી આવક જૂથોમાંથી ઉચ્ચ આવક જૂથોમાં જઈ રહ્યા છે. રાષ્ટ્રીય દૈનિકમાં પ્રકાશિત એક આર્થિક અહેવાલમાંથી એક રસપ્રદ હકીકત ટાંકીને પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, જો ₹ 5.50 લાખથી ₹25 લાખ સુધીના વેતન વર્ગમાં આવક મેળવનારાઓની કુલ આવક ઉમેરવામાં આવે તો વર્ષ 2011-12 માં આ આંકડો આશરે ₹ 3.25 લાખ કરોડ હતો, પરંતુ વર્ષ 2021 સુધીમાં તે વધીને ₹ 14.5 લાખ કરોડ થયો હતો, જે પાંચ ગણો વધારો છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે આ આંકડા માત્ર પગારદાર આવકનાં વિશ્લેષણ પર આધારિત છે, અન્ય કોઈ સ્રોત પર નહીં.
પ્રધાનમંત્રીએ વધતા મધ્યમ વર્ગ અને ગરીબીમાં ઘટાડાને આ વિશાળ આર્થિક ચક્રનાં બે મુખ્ય પરિબળો ગણાવ્યાં હતા&. તેમણે કહ્યું કે જેઓ ગરીબીમાંથી બહાર આવી રહ્યા છે, નવ-મધ્યમ વર્ગ, દેશના વપરાશના વિકાસને વેગ આપી રહ્યા છે. મધ્યમ વર્ગ આ માગને પૂરી કરવાની જવાબદારી લઈને પોતાની આવક વધારી રહ્યો છે, એટલે કે ઘટી રહેલા ગરીબી દરથી મધ્યમ વર્ગને પણ ફાયદો થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે આ લોકોની આકાંક્ષાઓ અને ઈચ્છાશક્તિ આપણા દેશના વિકાસને શક્તિ આપી રહી છે. તેમની શક્તિએ આજે ભારતને વિશ્વનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર બનાવ્યું છે. તેમણે ખાતરી આપી હતી કે ભારત ટૂંક સમયમાં વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનશે.
સંબોધનને સમાપ્ત કરતાં પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, અમૃતકાળમાં ભારત 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવાના લક્ષ્યાંકને પૂર્ણ કરવા માટે કામ કરી રહ્યું છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારત દરેક અવરોધને સફળતાપૂર્વક પાર કરશે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "આજે ગરીબમાં ગરીબથી માંડીને વિશ્વના સૌથી ધનિક લોકો એવું માનવા લાગ્યા છે કે આ ભારતનો સમય છે. તેમણે ટિપ્પણી કરી હતી કે, દરેક ભારતીયની સૌથી મોટી તાકાત આત્મવિશ્વાસ છે. "તેની તાકાતથી આપણે કોઈપણ અવરોધ પાર કરી શકીએ છીએ", તેમણે કહ્યું. તેમણે એવી માન્યતા વ્યક્ત કરીને સમાપન કર્યું કે 2047માં યોજાનારી હિન્દુસ્તાન ટાઈમ્સ લીડરશિપ શિખર પરિષદની થીમ હશે-વિકસિત રાષ્ટ્ર, આગળ શું?
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1974806)
Visitor Counter : 148
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam