પ્રધાનમંત્રીનું કાર્યાલય

મધ્યપ્રદેશના ચિત્રકૂટમાં તુલસીપીઠ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ આપેલા સંબોધનનો મૂળપાઠ

Posted On: 27 OCT 2023 7:48PM by PIB Ahmedabad

નમો રાઘવાય!

નમો રાઘવાય!

આપણને સૌને આશીર્વાદ આપવા માટે અહીં પધારેલા પૂજનીય જગદ્ગુરુ શ્રી રામભદ્રાચાર્યજી, અહીં ઉપસ્થિત થયેલા તમામ તપસ્વી વરિષ્ઠ સંતગણો અને ઋષિઓ, મધ્યપ્રદેશના રાજ્યપાલ શ્રી મંગુભાઇ પટેલ, મુખ્યમંત્રી ભાઇ શિવરાજજી, ઉપસ્થિત અન્ય મહાનુભાવો, બહેનો અને સજ્જનો!

હું ચિત્રકૂટની પાવન ભૂમિને ફરી એકવાર વંદન કરું છું. આ મારું સૌભાગ્ય છે કે, આજે મને આખો દિવસ અલગ અલગ મંદિરોમાં ભગવાન શ્રી રામના દર્શન કરવાનો અવસર પ્રાપ્ત થયો અને સંતોના આશીર્વાદ પણ મેળવી શક્યો છું. ખાસ કરીને જગદ્ગુરુ રામભદ્રાચાર્યજી તરફથી મને જે પ્રેમ મળે છે તે મને અભિભૂત કરી નાખે છે. તમામ શ્રદ્ધેય સંતો, મને ખુશી છે કે આજે આ પવિત્ર સ્થાન પર જગદ્ગુરુજીના પુસ્તકોનું વિમોચન કરવાની મને તક મળી છે. અષ્ટાધ્યાયી ભાષ્ય, રામાનંદાચાર્ય ચરિતમ અને ભગવાન કૃષ્ણની રાષ્ટ્રલીલા, આ બધા જ ગ્રંથો ભારતની મહાન જ્ઞાન પરંપરાને વધુ સમૃદ્ધ બનાવશે. હું આ પુસ્તકોને જગદ્ગુરુજીના આશીર્વાદનું અન્ય એક સ્વરૂપ માનું છું. આ પુસ્તકોના વિમોચન બદલ આપ સૌને હું અભિનંદન પાઠવું છું.

મારા પરિવારજનો.

અષ્ટાધ્યાયી એ ભારતના ભાષા વિજ્ઞાનનો, ભારતની બૌદ્ધિકતાનો અને આપણી સંશોધન સંસ્કૃતિનો હજારો વર્ષ જૂનો ગ્રંથ છે. કેવી રીતે એક એક સૂત્રમાં વ્યાપક વ્યાકરણ સમાવી શકાય છે, કેવી રીતે ભાષાને 'સંસ્કૃત વિજ્ઞાન'માં રૂપાંતરિત કરી શકાય છે, તે વાત પુરાવો મહર્ષી પાણિનીની આ હજારો વર્ષ જૂની રચના છે. તમે જોશો કે, આ હજારો વર્ષોમાં દુનિયામાં ન જાણે કેટલી બધી ભાષાઓ આવી અને જતી રહી. જૂની ભાષાઓનું સ્થાન નવી ભાષાઓએ લીધું. પરંતુ, આજે પણ આપણી સંસ્કૃત એટલી જ અકબંધ છે અને એટલી જ અટલ છે. સંસ્કૃત ભાષા સમયની સાથે પરિસ્કૃત તો થઇ, પરંતુ પ્રદૂષિત નથી થઇ. તેનું કારણ સંસ્કૃતનું પરિપક્વ વ્યાકરણ વિજ્ઞાન છે. માત્ર 14 મહેશ્વર સૂત્રો પર આધારિત આ ભાષા હજારો વર્ષોથી શસ્ત્રો અને શાસ્ત્રો બંને વિદ્યાઓની જનેતા છે. સંસ્કૃત ભાષામાં જ ઋષિઓ દ્વારા વેદની ઋચાઓ પ્રગટ કરવામાં આવી છે. આ ભાષામાં પતંજલિ દ્વારા યોગનું વિજ્ઞાન પ્રગટ કરવામાં આવ્યું છે. આ ભાષામાં જ ધન્વંતરી અને ચરક જેવા ઋષિઓએ આયુર્વેદનો સાર લખ્યો છે. આ ભાષામાં જ કૃષિ પરાશર જેવા ગ્રંથોએ ખેતીને શ્રમની સાથે સાથે સંશોધન જોડે જોડવાનું કામ કર્યું છે. આ ભાષામાં જ ભરતમુનિ દ્વારા આપણને નાટ્ય અને સંગીત વિજ્ઞાનની ભેટ મળી છે. આ ભાષામાં કાલિદાસ જેવા વિદ્વાનોએ સાહિત્યના સામર્થ્યથી વિશ્વને ચોંકાવી દીધું છે. અને, આ ભાષામાં જ અવકાશ વિજ્ઞાન, ધનુર્વેદ અને યુદ્ધ કળાના ગ્રંથો પણ લખવામાં આવ્યા છે. અને આ તો મેં માત્ર થોડા ઉદાહરણો જ આપ્યા છે. આ યાદી તો એટલી લાંબી છે કે, તમે એક રાષ્ટ્ર તરીકે ભારતના વિકાસનો જે પણ પક્ષ જોશો, તેમાં સંસ્કૃતના યોગદાનના દર્શન થશે. આજે પણ વિશ્વની મોટી મોટી યુનિવર્સિટીઓમાં સંસ્કૃત પર સંશોધન કરવામાં આવે છે. તાજેતરમાં જ આપણે એ પણ જોયું કે, લિથુઆનિયાના રાજદૂતે ભારતને જાણવા માટે કેવી રીતે સંસ્કૃત ભાષા પણ શીખી છે. એટલે કે સંસ્કૃતનો ફેલાવો સમગ્ર વિશ્વમાં વધી રહ્યો છે.

સાથીઓ,

ગુલામીના એક હજાર વર્ષના સમયગાળા દરમિયાન ભારતને જડમૂળથી ઉખેડી નાખવાના અનેક પ્રકારના પ્રયાસો કરવામાં આવ્યા હતા. આમાંથી એક પ્રયાસ હતો સંસ્કૃત ભાષાનો સંપૂર્ણ વિનાશ કરવાનો. આપણે આઝાદ તો થઇ ગયા પરંતુ જે લોકોએ ગુલામીની માનસિકતા ન ગુમાવી, તેઓ સંસ્કૃત પ્રત્યે ધિક્કારની ભાવના રાખતા રહ્યા. ક્યાંક કોઇ લુપ્ત થઇ ગયેલી ભાષાનો શિલાલેખ જોવા મળી જાય તો આવા લોકો તેનો મહિમા ગાય છે પરંતુ હજારો વર્ષોથી અસ્તિત્વમાં રહેલી સંસ્કૃતને માન નથી આપી રહ્યાં. અન્ય દેશોના લોકો તેમની માતૃભાષા જાણ હોય તો આ લોકો પ્રશંસા કરશે, પરંતુ તેઓ સંસ્કૃત ભાષાનું જ્ઞાન હોવું એ પછાતપણાની નિશાની માને છે. આ માનસિકતા ધરાવતા લોકો છેલ્લા એક હજાર વર્ષથી પરાજિત થઇ રહ્યા છે અને ભવિષ્યમાં પણ તેઓ સફળ થવાના નથી. સંસ્કૃત એ માત્ર પરંપરાઓની ભાષા નથી, તે આપણી પ્રગતિ અને ઓળખની ભાષા પણ છે. છેલ્લાં 9 વર્ષમાં અમે સંસ્કૃતના પ્રસાર માટે વ્યાપક પ્રયાસો કર્યા છે. આધુનિક સંદર્ભમાં, અષ્ટાધ્યાયી ભાષ્ય જેવા ગ્રંથો આ પ્રયાસોને સફળ બનાવવામાં મોટી ભૂમિકા ભજવશે.

મારા પરિવારજનો,

રામભદ્રાચાર્યજી આપણા દેશના એક એવા સંત છે, જેમના એકલાના જ્ઞાન પર જ વિશ્વની ઘણી યુનિવર્સિટીઓ અભ્યાસ કરી શકે છે. બાળપણથી શારીરિક રીતે આંખોની ખોટ હોવા છતાં, તેમના પ્રજ્ઞા ચક્ષુ એટલા વિકસિત છે કે તેમણે સમગ્ર વેદ-વેદાંગને કંઠસ્થ કરી લીધા છે. તેઓ સેંકડો ગ્રંથોની રચના કરી ચુક્યા છે. ભારતીય જ્ઞાન અને તત્વજ્ઞાનમાં ‘પ્રસ્થાનત્રયી’ને મોટા મોટા વિદ્વાનો દ્વારા પણ કઠીન માનવામાં આવે છે. જગદ્ગુરુજીએ તેનું પણ ભાષ્ય આધુનિક ભાષામાં લખ્યું છે. જ્ઞાનનું આ સ્તર, આવી બૌદ્ધિક પ્રતિભા વ્યક્તિગત નથી હોતી. આ બૌદ્ધિક પ્રતિભા સમગ્ર રાષ્ટ્રની ધરોહર હોય છે. અને તેથી જ, અમારી સરકારે 2015માં સ્વામીજીને પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા હતા.

સાથીઓ,

સ્વામીજી ધર્મ અને આધ્યાત્મિક ક્ષેત્રે જેટલા સક્રિય છે તેટલા જ તેઓ સમાજ અને રાષ્ટ્ર માટે પણ અવાજ ઉઠાવે છે. જ્યારે મેં તમને સ્વચ્છ ભારત અભિયાનના 9 રત્નોમાં નામાંકિત કર્યા, ત્યારે પણ તેમણે તે જવાબદારી એટલી જ નિષ્ઠા સાથે ઉપાડી હતી. મને ખુશી છે કે, સ્વામીજીએ દેશના ગૌરવ માટે જે સંકલ્પો કર્યા હતા તે હવે પૂરા થઇ રહ્યા છે. આપણું ભારત હવે સ્વચ્છ અને સ્વસ્થ પણ બની રહ્યું છે. માતા ગંગાની ધારા પણ પવિત્ર બની રહી છે. દરેક દેશવાસીનું અન્ય એક સપનું પૂરું કરવામાં જગદ્ગુરુ રામભદ્રાચાર્યજીએ મોટી ભૂમિકા ભજવી છે. અદાલતથી માંડીને અદાલતની બહાર સુધી જે રામ મંદિર માટે તેમણે આટલું મોટું યોગદાન આપ્યું છે, તે મંદિર પણ તૈયાર થવા જઇ રહ્યું છે. અને હજુ માત્ર બે દિવસ પહેલાં જ મને અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ તરફથી પ્રાણ પ્રતિષ્ઠા સમારંભમાં હાજરી આપવાનું આમંત્રણ મળ્યું છે. આને પણ હું મારું ખૂબ જ મોટું સૌભાગ્ય માનું છું. તમામ સંતગણો, દેશ આઝાદીના 75 વર્ષથી લઇને આઝાદીના 100 વર્ષ સુધીના સૌથી મહત્વપૂર્ણ સમયગાળાને એટલે કે 25 વર્ષને અમૃતકાળ તરીકે જોઇ રહ્યા છે. આ અમૃતકાળમાં દેશ વિકાસ અને તેના વારસાને સાથે રાખીને આગળ વધી રહ્યો છે. અમે આપણા તીર્થધામોના વિકાસને પણ પ્રાથમિકતા આપી રહ્યા છીએ. ચિત્રકૂટ એક એવું સ્થળ છે જ્યાં આધ્યાત્મિક આભા પણ છે અને કુદરતી સૌંદર્ય પણ છે. 45 હજાર કરોડ રૂપિયાની કેન બેટવા લિંક પરિયોજના હોય, કે પછી બુંદેલખંડ એક્સપ્રેસ માર્ગ હોય અથવા સંરક્ષણ કોરિડોર હોય, આવા પ્રયાસોના કારણે આ ક્ષેત્રમાં નવી સંભાવનાઓ ઉભી થશે. મારી એવી ઇચ્છા છે અને પ્રયાસ પણ છે કે ચિત્રકૂટ, વિકાસની નવી ઊંચાઇઓ પર પહોંચે. ફરી એકવાર હું આદરણીય જગદ્ગુરુ શ્રી રામભદ્રાચાર્યજીને આદરપૂર્વક વંદન કરું છું. તેમના આશીર્વાદ આપણને સૌને પ્રેરણા આપે, શક્તિ આપે અને તેમના જ્ઞાનનો જે પ્રસાદ છે તે આપણને નિરંતર માર્ગદર્શન આપતો રહે. આ લાગણી વ્યક્ત કરતાં હું હૃદયના ઊંડાણથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું.

જય સિયા-રામ.

CB/GP/JD



(Release ID: 1972265) Visitor Counter : 93