સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
azadi ka amrit mahotsav

ભારતની G20ની અધ્યક્ષતા


ગાંધીનગરમાં G20 આરોગ્ય મંત્રીની બેઠકમાં પરિણામ દસ્તાવેજને સર્વસંમતિથી અપનાવવામાં આવ્યો

સંયુક્ત ફાઇનાન્સ-હેલ્થ ટાસ્ક ફોર્સ (JFHTF) દ્વારા ફાઇનાન્સ ટ્રેક સાથે સંવાદને મજબૂત કરવા માટે G20 પ્રતિબદ્ધ, અને મહામારી ભંડોળની દરખાસ્તો માટેના પ્રથમ આહ્વાનના ઉપસંહારને આવકાર્યો

G20 દેશોએ વચગાળાના તબીબી પ્રતિરોધક પગલાં સંકલન વ્યવસ્થાતંત્ર તૈયાર કરવા માટે WHOના નેતૃત્વ હેઠળની સર્વસમાવેશી સલાહકાર પ્રક્રિયાને સમર્થન આપ્યું

G20 દેશો ડિજિટલ આરોગ્ય પર વૈશ્વિક પહેલની સ્થાપના કરવાના WHOના પ્રયાસોને સમર્થન આપવા માટે પ્રતિબદ્ધ છે, જે WHOના સભ્ય દેશો દ્વારા સમર્થન પ્રાપ્ત WHOની વૈશ્વિક ડિજિટલ આરોગ્ય વ્યૂહરચના 2020-2025ના અમલીકરણને સમર્થન આપશે

G20 દેશો આબોહવા સામે પ્રતિરોધક આરોગ્ય તંત્રના વિકાસને પ્રાધાન્ય આપવા, ટકાઉક્ષમ અને લો-કાર્બન/લો-ગ્રીનહાઉસ ગેસ (GHG) ઉત્સર્જન આરોગ્ય તંત્રો અને આરોગ્ય સંભાળ પુરવઠા શૃંખલાઓનું નિર્માણ કરવા માટે પ્રતિબદ્ધ છે

Posted On: 19 AUG 2023 6:44PM by PIB Ahmedabad

G20 આરોગ્ય મંત્રીઓની બેઠકમાં પરિણામ દસ્તાવેજને સર્વસંમતિથી અપનાવવામાં આવ્યો હતો, જેના માટે G20ના તમામ પ્રતિનિધિમંડળોએ ફકરા 22* સિવાય બાકીના દસ્તાવેજને સંમતિ આપી હતી. ફકરો 22 અધ્યક્ષના સારાંશથી સંબંધિત છે. પરિણામ દસ્તાવેજે વૈશ્વિક આરોગ્ય આર્કિટેક્ચરને મજબૂત કરવાનું એકધારું ચાલુ રાખવા માટે G20 દેશોની પ્રતિબદ્ધતાની ફરીથી પુષ્ટી કરી છે.

કોવિડ-19 મહામારીમાંથી બોધપાઠ લઇને, G20 દેશો વધુ લવચિક, સમાન, ટકાઉક્ષમ અને સર્વસમાવેશી આરોગ્ય પ્રણાલીઓનું નિર્માણ કરવા માટે એક સર્વસંમતિ પર પહોંચ્યા છે, જે હાલમાં ચાલી રહેલા વૈશ્વિક આરોગ્યલક્ષી પડકારો અને ભવિષ્યની જાહેર આરોગ્યની કટોકટીઓનો સલામત, અસરકારક, ખાતરીપૂર્ણ ગુણવત્તા અને પરવડે તેવી રસીઓ, ઉપચારશાસ્ત્ર, નિદાન અને ખાસ કરીને ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશો (LMIC) અને નાના આઇલેન્ડ વિકાસશીલ દેશો (SIDS) સહિતના દેશો માટે અન્ય તબીબી પ્રતિરોધક પગલાંઓની સમાન પહોંચની મદદથી સામનો કરવા માટે સજ્જ છે.

G20 દેશોએ લોકોને પૂરવસજ્જતાના કેન્દ્રમાં રાખીને અને અસરકારક રીતે પ્રતિસાદ આપવા માટે તેમને સજ્જ કરીને રાષ્ટ્રીય આરોગ્ય તંત્રને મજબૂત બનાવવાના મહત્વની ફરીથી પુષ્ટિ કરી છે. આરોગ્ય પ્રણાલીઓમાં લૈંગિક સમાનતા પ્રાપ્ત કરવાના દૃષ્ટિકોણથી, મહિલાઓ અને છોકરીઓની વિશિષ્ટ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને, આરોગ્ય પ્રણાલી ડિઝાઇન કરતી વખતે લિંગ પરિપ્રેક્ષ્યને મુખ્ય પ્રવાહમાં લાવવાના મહત્વને પણ તેમણે ઓળખી કાઢ્યું છે. આનાથી સાર્વત્રિક આરોગ્ય કવરેજ (UHC) પ્રાપ્ત કરવામાં મદદ મળશે, જેનો ઉદ્દેશ્ય પ્રાથમિક આરોગ્ય સંભાળને મજબૂત બનાવવાનો અને આવશ્યક આરોગ્ય સેવાઓમાં સુધારો કરવાનો છે.

G20 દેશોએ લાંબા સમય સુધી ચાલેલા કોવિડ વિશેની આપણી સમજણ ઉપરાંત વ્યક્તિ પર, સામાજિક અને આર્થિક સ્તરો પર તેમજ કોવિડ પછીના સમય સંબંધિત આરોગ્ય સેવાઓ પરના તેના પરિણામોને સુધારવાની જરૂરિયાતને ઓળખી કાઢી છે; અને લાંબા સમયના કોવિડમાં સર્વેલન્સ તેમજ સંશોધનના મહત્વની નોંધ લીધી છે. તેમણે એ વાતની પુષ્ટિ કરી છે કે, "કોઇ પાછળ ન રહી જાય"ના અંતર્ગત સિદ્ધાંત દ્વારા અસરકારક સામુદાયિક સહભાગીતા દ્વારા અને કટોકટીથી અસરગ્રસ્ત વ્યવસ્થાઓમાં રહેલી સંવેદનશીલ વસ્તીને ધ્યાનમાં રાખીને, એક સ્વસ્થ ભવિષ્યનું નિર્માણ કરવા અને રાષ્ટ્રીય આરોગ્ય પ્રણાલીઓને એક કેન્દ્રિત, દૃઢીકૃત અને મજબૂત બનાવવામાં આવે તે વર્તમાન સમયની જરૂરિયાત છે.

ભારતની G20ની અધ્યક્ષતા હેઠળ 'એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય'ની સર્વોપરી થીમ હેઠળ, G20 દેશોએ 3 આરોગ્ય પ્રાથમિકતાઓ પર ચર્ચા કરી હતી:

  1. આરોગ્ય કટોકટી નિવારણ, પૂર્વસજ્જતા અને પ્રતિભાવ [PPR] (એક આરોગ્ય અને એન્ટિમાઇક્રોબાયલ પ્રતિકાર [AMR] પર ધ્યાન કેન્દ્રિત કરીને),
  2. સલામત, અસરકારક, ગુણવત્તાપૂર્ણ અને પરવડે તેવા તબીબી પ્રતિરોધક પગલાં - VTD (રસીઓ, ઉપચારશાસ્ત્ર અને નિદાન)ની ઉપલબ્ધતા અને સુલભતા પર ધ્યાન કેન્દ્રિત કરીને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં સહકારને મજબૂત બનાવવો અને
  3. સાર્વત્રિક આરોગ્ય કવરેજ અને આરોગ્ય સંભાળ સેવા પહોંચાડવામાં સુધારો લાવવા માટે ડિજિટલ આરોગ્ય આવિષ્કાર અને ઉકેલ .

G20 દેશોએ, G20 સંયુક્ત ફાઇનાન્સ-હેલ્થ ટાસ્ક ફોર્સ (JFHTF) દ્વારા ફાઇનાન્સ ટ્રેક સાથે સંવાદને મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ રહેવાનું ચાલુ રાખ્યું છે, અને મહામારી ભંડોળની દરખાસ્તો માટેના પ્રથમ આહ્વાનના ઉપસંહારને આવકાર્યો છે. તેમણે નવા દાતાઓ અને સહ-રોકાણને સુરક્ષિત કરવાના મહત્વ પર પણ પ્રકાશ પાડ્યો હતો. સહ-બ્રાન્ડેડ ઇવેન્ટ્સ કે, જેમાં ઓળખી કાઢવામાં આવેલી પ્રાથમિકતાઓની આગળ પણ ચર્ચા કરવામાં આવી હતી, તેની ગોઠવણમાં ભારતે કરેલા પ્રયાસોની તમામ દેશો દ્વારા પ્રસંશા કરવામાં આવી હતી.

G20 સભ્ય દેશોએ, મે 2024 સુધીમાં WHO સંમેલન, કરાર અથવા મહામારી PPR (WHO CA+) પર કાયદેસર રીતે બંધનકર્તા અન્ય આંતરરાષ્ટ્રીય સાધન માટે આંતર-સરકાર વાટાઘાટ સંગઠન (INB) અને સભ્ય દેશોના સાર્વભૌમત્વ અને આરોગ્ય તંત્રો માટેની જવાબદારીને માન્યતા આપતા આંતરરાષ્ટ્રીય આરોગ્ય નિયમન (WGIHR)માં સુધારા પર કાર્યકારી જૂથમાં ચાલી રહેલી વાટાઘાટોના સફળ પરિણામની સુખદ અપેક્ષા રાખી હતી.

ઝૂનોટિક રોગોના વધતા જતા કિસ્સાઓ પર ચિંતા વ્યક્ત કરતા, G20 સભ્ય દેશોએ એક આરોગ્ય ઉચ્ચ-સ્તરીય નિષ્ણાત પેનલ દ્વારા ઉચ્ચારવામાં આવેલા સહયોગપૂર્ણ અને સર્વસમાવેશી એક આરોગ્ય અભિગમને એકીકૃત કરવા અને આબોહવા પરિવર્તન અને આરોગ્ય વચ્ચેના જોડાણનો ઉકેલ લાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

આબોહવા સામે પ્રતિરોધક આરોગ્ય પ્રણાલીઓના વિકાસને પ્રાધાન્ય આપવા, ટકાઉક્ષમ અને લો-કાર્બન/લો-ગ્રીનહાઉસ ગેસ (GHG) ઉત્સર્જન આરોગ્ય પ્રણાલીઓ અને આરોગ્ય સંભાળ પુરવઠા શૃંખલાઓનું નિર્માણ કરવા માટે દેશો પ્રતિબદ્ધ છે, જે ઉચ્ચ ગુણવત્તાની આરોગ્ય સંભાળ પૂરી પાડે છે, સ્થિતિસ્થાપક, લો-કાર્બન ટકાઉક્ષમ આરોગ્ય પ્રણાલીઓ માટે સંસાધનો એકત્રિત કરે છે અને સહયોગની સુવિધા આપે છે. તેમણે આરોગ્યમાં પુરાવા આધારિત પરંપરાગત અને પૂરક દવા (T&CM)ની સંભવિત ભૂમિકાને પણ ઓળખી કાઢી હતી અને વૈશ્વિક તેમજ સહયોગી કેન્દ્રો અને તબીબી પરીક્ષણ રજિસ્ટ્રી સહિત આ દિશામાં WHO દ્વારા કરવામાં આવેલા પ્રયાસોની નોંધ લીધી હતી.

G20 દેશોએ LMIC અને અન્ય વિકાસશીલ દેશોના અસરકારક પ્રતિનિધિત્વ સહિતની સર્વસમાવેશી નિર્ણય લેવાની વ્યવસ્થાના નેતૃત્વ હેઠળનું વચગાળાનું તબીબી પ્રતિરોધક પગલાં સંકલન વ્યવસ્થાતંત્ર તૈયાર કરવા માટે અને મહામારીના કારણે ઉભા થતા જોખમો સામે તબીબી પ્રતિરોધક પગલાં માટે સમયસર અને સમાન સુલભતા માટે સહયોગ વધારવા માટે WHO દ્વારા બોલાવવામાં આવેલ WHOના નેતૃત્વ હેઠળની સર્વસમાવેશી પરામર્શકારી પ્રક્રિયાને સમર્થન આપ્યું હતું

કોવિડ-19 મહામારીમાંથી મળેલા બોધપાઠના આધારે, સભ્ય દેશોએ આરોગ્ય સંભાળ પ્રણાલીને મજબૂત કરવા અને નિયમિત રસીકરણ, માનસિક સ્વાસ્થ્ય, પોષણ અને જાતીય તેમજ પ્રજનન સ્વાસ્થ્ય સેવાઓ સહિતની આરોગ્ય સેવાઓને સૌના માટે સુલભ અને સમાન બનાવવા માટે ડિજિટલ આરોગ્ય અને આરોગ્ય ડેટા આધુનિકીકરણના મહત્વને પણ ઓળખી કાઢ્યું હતું.

વધુ સારી આરોગ્ય સંભાળ પ્રણાલી માટે ડિજિટલ સ્વાસ્થ્ય મહત્વપૂર્ણ છે અને ધોરણ આધારિત ઇલેક્ટ્રોનિક આરોગ્ય રેકોર્ડના નિર્માણને સમર્થન આપી શકે છે, નજીકના વાસ્તવિક સમયની જાહેર આરોગ્ય દેખરેખને સક્ષમ કરી શકે છે, વ્યક્તિગત સંભાળ, ક્લિનિકલ નિર્ણય સહાયક પ્રણાલીઓ દ્વારા સંભાળની ગુણવત્તામાં સુધારો કરી શકે છે, સંભાળના સાતત્યને સક્ષમ કરી શકે છે, દર્દીઓ દ્વારા આરોગ્યનું સ્વ-વ્યવસ્થાપન કરવાની સુવિધા આપે છે. આરોગ્ય ડેટાનો યોગ્ય અને સુરક્ષિત ઉપયોગ અને દર્દીની ગોપનીયતા માટે યોગ્ય કાનૂની અને ટેકનિકલ સલામતી માહિતીસભર જાહેર આરોગ્ય નીતિ, વધુ વ્યૂહાત્મક આરોગ્ય ધિરાણ મોડલ અને અભૂતપૂર્વ સંશોધન તકોને પ્રોત્સાહન આપી શકે છે.

G20 સભ્ય દેશોએ, WHOના વૈશ્વિક ડિજિટલ આરોગ્ય પ્રમાણીકરણ નેટવર્ક દ્વારા આંતરરાષ્ટ્રીય મુસાફરીની સુવિધા અને આરોગ્યમાં વૈશ્વિક સહયોગને સમર્થન આપવા માટેની સિસ્ટમ અને ભવિષ્યમાં તેની વ્યાપક એપ્લિકેશનની શોધ કરવાની સુવિધા પૂરા પાડવા માટે WHO, OECD, આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠન, આંતરરાષ્ટ્રીય મેરીટાઇમ સંગઠન અને ઇન્ડોનેશિયાની અધ્યક્ષતા દરમિયાન શરૂ કરવામાં આવેલા વૈશ્વિક ડિજિટલ આરોગ્ય ભાગીદારી (GDHP) દ્વારા વિશ્વસનીય, સરહદપાર આંતર-કનેક્ટિવિટી અને આરોગ્યમાં સુધારો કરવા માટે કરેલા કામના પરિણામને આવકાર્યું હતું. તેમણે લોકોની આરોગ્યલક્ષી જરૂરિયાતોને સમર્થન આપવા અને UHCના ધ્યેયને પ્રાપ્ત કરવા માટે થિંગ્સ ઓફ ઇન્ટરનેટ, બિગ ડેટા એનાલિટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગના ઉપયોગ સહિત આવિષ્કારી ટેકનોલોજીઓમાં રહેલી સંભવિતતાને પણ ઓળખી કાઢી છે. તેમણે આના વિકાસ, તેને અપનાવવા અને ઉપયોગ માટે નૈતિક સિદ્ધાંતો અને યોગ્ય શાસન ધોરણો તેમજ સિદ્ધાંતોને લાગુ કરવાના મહત્વની નોંધ લીધી છે.

સભ્ય દેશો ડિજિટલ આરોગ્ય પર વૈશ્વિક પહેલ સ્થાપિત કરવાના WHOના પ્રયાસોને સમર્થન આપવા માટે પ્રતિબદ્ધ છે, જે WHOના સભ્ય દેશો દ્વારા સમર્થન પ્રાપ્ત WHOની વૈશ્વિક ડિજિટલ આરોગ્ય વ્યૂહરચના 2020-2025ના અમલીકરણને સમર્થન આપશે. આ પહેલનો ઉદ્દેશ્ય ઉચ્ચ ગુણવત્તાના ડિજિટલ આરોગ્ય તંત્રોનું આયોજન અને અમલીકરણ કરવામાં તેમજ દર્દીઓને લોકો-કેન્દ્રિત અભિગમના આધારે આરોગ્ય સંભાળ સેવાઓનો ઉપયોગ કરવા માટે સહાયતા આપવાનો છે. તેમણે એ વાતને પણ રેખાંકિત કરી હતી કે, શાંતિ અને સ્થિરતાનું રક્ષણ કરતા આંતરરાષ્ટ્રીય કાયદા અને બહુપક્ષીય વ્યવસ્થાને જાળવી રાખવા જરૂરી છે. આમાં સંયુક્ત રાષ્ટ્રના અધિકારપત્રમાં સમાવિષ્ટ તમામ હેતુઓ અને સિદ્ધાંતોનો બચાવ અને સશસ્ત્ર સંઘર્ષમાં નાગરિકો અને માળખાકીય સુવિધાઓના રક્ષણ સહિત આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાનું પાલન કરવાનો સમાવેશ થાય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, "પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવો અથવા તેનો ઉપયોગ કરવાની ધમકી આપવી તે અસ્વીકાર્ય છે. સંઘર્ષનું શાંતિપૂર્ણ નિરાકરણ, કટોકટીને ઉકેલવાના પ્રયાસો તેમજ મુત્સદ્દીગીરી અને સંવાદ મહત્વપૂર્ણ છે. આજનો યુગ યુદ્ધનો યુગ ન હોવો જોઇએ.

G20 દેશો 2024માં બ્રાઝિલ સહિત G20ની આગામી અધ્યક્ષતાઓ હેઠળ વૈશ્વિક આરોગ્યમાં ક્રિયાલક્ષી સંવાદો આગળ ચાલુ રાખવા માટે પ્રતિબદ્ધ છે.

*નીચેના દેશોએ ફકરા 22 પર નીચે રજૂ કર્યા મુજબ તેમની અલગ સ્થિતિ દર્શાવી છે:

1. રશિયાએ ભૌગોલિક રાજકીય ફકરા 22ના સમાવેશને એ આધારે નકારી કાઢ્યો હતો કે, તે G20 આદેશને અનુરૂપ નથી અને ફકરાની સ્થિતિને અધ્યક્ષના સારાંશ તરીકે ઓળખી છે. રશિયા બાકીના લખાણ સાથે સંમત છે.

2. ચીને કહ્યું હતું કે, G20 સુરક્ષા મુદ્દાઓ પર ધ્યાન આપવા માટે યોગ્ય પ્લેટફોર્મ નથી અને જિયોપોલિટિક્સ સંબંધિત સામગ્રીના સમાવેશનો તેમણે વિરોધ કર્યો હતો.

પરિણામ દસ્તાવેજ અહીંથી ઍક્સેસ કરી શકાય છે:

CB/GP/JD


(Release ID: 1950514) Visitor Counter : 279


Read this release in: English , Urdu , Hindi , Tamil