પ્રધાનમંત્રીનું કાર્યાલય
17મી ભારતીય સહકારી કૉંગ્રેસનાં ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
Posted On:
01 JUL 2023 2:46PM by PIB Ahmedabad
મંત્રીમંડળના મારા સહયોગી શ્રીમાન અમિત શાહ, રાષ્ટ્રીય સહકારી સંઘના પ્રમુખ શ્રી દિલીપ સંઘાણી, ડૉ. ચંદ્રપાલ સિંહ યાદવ, દેશના ખૂણે ખૂણેથી જોડાયેલા સહકારી સંઘોના તમામ સભ્યો, આપણાં ખેડૂત ભાઈઓ અને બહેનો, અન્ય મહાનુભાવો, દેવીઓ અને સજ્જનો, આપ સૌને સત્તરમા ભારતીય સહકારી મહાસંમેલન માટે ખૂબ ખૂબ અભિનંદન. હું આ સંમેલનમાં તમારું સૌનું સ્વાગત કરું છું, તમને અભિનંદન આપું છું.
સાથીઓ,
આજે આપણો દેશ વિકસિત અને આત્મનિર્ભર ભારતનાં લક્ષ્ય પર કામ કરી રહ્યો છે. અને મેં લાલ કિલ્લા પરથી કહ્યું છે કે, આપણાં દરેક લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સબકા પ્રયાસ જરૂરી છે અને સહકારની ભાવના પણ તો દરેકના પ્રયાસનો સંદેશ આપે છે. આજે જો આપણે દૂધ ઉત્પાદનમાં વિશ્વમાં નંબર-1 છીએ, તો તેમાં ડેરી સહકારી સંસ્થાઓનું બહુ મોટું યોગદાન છે. જો ભારત વિશ્વના સૌથી મોટા ખાંડ ઉત્પાદક દેશોમાંનો એક છે, તો તેમાં પણ સહકારી સંસ્થાઓનું મોટું યોગદાન છે. દેશના બહુ મોટા ભાગમાં સહકારી સંસ્થાઓ નાના ખેડૂતો માટે મોટો આધાર બની છે. આજે ડેરી જેવાં સહકારી ક્ષેત્રમાં લગભગ 60 ટકા ભાગીદારી આપણી માતાઓ અને બહેનોની છે. તેથી, જ્યારે વિકસિત ભારત માટેનાં મોટાં લક્ષ્યોની વાત આવી, ત્યારે અમે સહકારિતાને એક બહુ મોટી તાકાત આપવાનું નક્કી કર્યું. પહેલી વાર અમે. જેનું અમિતભાઈએ હમણાં જ વિગતે વર્ણન કર્યું છે, સહકારિતા માટે અલગ મંત્રાલય બનાવ્યું, અલગ બજેટની જોગવાઈ કરી. આજે કો-ઓપરેટિવને કોર્પોરેટ સેક્ટરને મળે છે એવી જ સુવિધાઓ, એવું જ પ્લેટફોર્મ ઉપલબ્ધ કરવાઇ રહ્યું છે. સહકારી મંડળીઓની તાકાત વધારવા માટે તેમના માટે ટેક્સના દરમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. સહકારી ક્ષેત્રને લગતા પ્રશ્નો જે વર્ષોથી પેન્ડિંગ હતા તેનો ઝડપથી ઉકેલ લાવવામાં આવી રહ્યો છે. અમારી સરકારે સહકારી બૅન્કોને પણ મજબૂત કરી છે. સહકારી બૅન્કો માટે નવી શાખાઓ ખોલવા અને લોકોનાં ઘરે પહોંચીને બૅન્કિંગ સેવાઓ પૂરી પાડવા માટે નિયમો સરળ બનાવવામાં આવ્યા છે.
સાથીઓ,
આટલી મોટી સંખ્યામાં આપણાં ખેડૂત ભાઈઓ અને બહેનો આ કાર્યક્રમ સાથે જોડાયેલાં છે. છેલ્લાં 9 વર્ષમાં જે નીતિઓ બદલાઈ છે, જે નિર્ણયો લેવામાં આવ્યા છે તેનાથી જે ફેરફારો આવ્યા છે તે તમે અનુભવી રહ્યા છો. તમે યાદ કરો કે 2014 પહેલા ખેડૂતોની વારંવાર શું માગણી રહેતી હતી? ખેડૂતો કહેતા હતા કે તેમને સરકાર તરફથી બહુ ઓછી મદદ મળતી હતી. અને જે પણ થોડી મદદ મળતી તે વચેટિયાઓનાં ખાતાંમાં જતી હતી. દેશના નાના અને મધ્યમ ખેડૂતો સરકારી યોજનાઓના લાભથી વંચિત જ રહેતા હતા. છેલ્લાં 9 વર્ષમાં આ સ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. જુઓ આજે, કરોડો નાના ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ મળી રહી છે. હવે કોઈ વચેટિયા નહીં, કોઇ બોગસ લાભાર્થીઓ નહીં. છેલ્લાં ચાર વર્ષમાં આ યોજના હેઠળ રૂ. 2.5 લાખ કરોડ, તમે બધા જેઓ સહકારી ક્ષેત્રનું નેતૃત્વ કરતા લોકો છો, હું આશા રાખું છું કે તમે આ આંકડાઓ પર ધ્યાન આપશો, 2.5 લાખ કરોડ રૂપિયા સીધા ખેડૂતોનાં બૅન્ક ખાતાંમાં મોકલવામાં આવ્યા છે. આ રકમ કેટલી મોટી છે, જો હું તેની બીજા આંકડા સાથે તુલના કરું તો તમે સરળતાથી તેનો અંદાજ લગાવી શકશો. જો આપણે 2014 પહેલાનાં 5 વર્ષનાં કુલ કૃષિ બજેટનો જ સરવાળો કરીએ તો તે 90 હજાર કરોડ રૂપિયાથી પણ ઓછું હતું, 90 હજારથી ઓછું. એટલે કે, સમગ્ર દેશની કૃષિ વ્યવસ્થા પર જેટલો ખર્ચ ત્યારે થયો, એના લગભગ 3 ગણી રકમ અમે માત્ર એક યોજના એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ પર ખર્ચી ચૂક્યા છીએ.
સાથીઓ,
વિશ્વમાં સતત મોંઘાં થતાં ખાતર અને રસાયણોનો બોજ ખેડૂતો પર ન આવે, એની પણ ગૅરંટી અને આ છે મોદીની ગૅરંટી, કેન્દ્રની ભાજપ સરકારે તમને આ આપી છે. આજે, ખેડૂતને યુરિયાની બેગ, યુરિયાની એક બેગ પ્રતિ થેલી રૂ.270 કરતાં પણ ઓછી કિંમતે મળી રહી છે. આ જ બેગ બાંગ્લાદેશમાં 720 રૂપિયા, પાકિસ્તાનમાં 800 રૂપિયા અને ચીનમાં 2100 રૂપિયામાં મળે છે. અને ભાઈઓ અને બહેનો, અમેરિકા જેવા વિકસિત દેશમાં આટલું જ યુરિયા ખેડૂતોને 3,000 રૂપિયાથી વધુમાં મળે છે. મને નથી લાગતું કે તમને આ વાત ગળે ઉતરી રહી છે. જ્યાં સુધી આપણે આ તફાવતને સમજીએ નહીં, આખરે ગૅરંટી શું હોય છે? ખેડૂતનાં જીવનમાં પરિવર્તન લાવવા માટે કેટલા મહાભગીરથ પ્રયાસ જરૂરી છે, એનાં દર્શન આપણને એમાં થાય છે. એકંદરે, જો આપણે જોઈએ તો છેલ્લાં 9 વર્ષમાં માત્ર ખાતરની સબસીડી પર, હું માત્ર સબસીડીવાળાં ખાતરની વાત કરી રહ્યો છું. ભાજપ સરકારે 10 લાખ કરોડથી વધુનો ખર્ચ કર્યો છે. આનાથી મોટી ગૅરંટી શું હોય ભાઇ?
સાથીઓ,
શરૂઆતથી જ અમારી સરકાર ખેડૂતોને તેમના પાકના વાજબી ભાવ મળે તે સુનિશ્ચિત કરવા માટે ખૂબ જ ગંભીર છે. છેલ્લાં 9 વર્ષમાં એમએસપી વધારીને, એમએસપી પર ખરીદી કરીને ખેડૂતોને 15 લાખ કરોડથી વધુ રૂપિયા આપવામાં આવ્યા છે. મતલબ કે તમે હિસાબ માંડો તો દર વર્ષે, દર વર્ષે કેન્દ્ર સરકાર આજે ખેતી અને ખેડૂતો પર 6.5 લાખ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરી રહી છે. જેનો અર્થ એ છે કે દર વર્ષે સરકાર દરેક ખેડૂતને કોઈને કોઈ સ્વરૂપે સરેરાશ 50 હજાર રૂપિયા આપી રહી છે. એટલે કે ભાજપ સરકારમાં ખેડૂતોને અલગ અલગ રીતે દર વર્ષે 50 હજાર રૂપિયા મળવાની ગૅરંટી છે. આ મોદીની ગૅરંટી છે. અને મેં જે કર્યું છે તે કહું છું, વચનો નથી કહેતો.
સાથીઓ,
ખેડૂત હિતેચ્છુ અભિગમને ચાલુ રાખીને, થોડા દિવસો પહેલા વધુ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે ખેડૂતો માટે 3 લાખ 70 હજાર કરોડ રૂપિયાનાં એક પૅકેજની જાહેરાત કરી છે. આટલું જ નહીં, શેરડીના ખેડૂતો માટે પણ યોગ્ય અને લાભદાયી ભાવ હવે રેકોર્ડ પ્રતિ ક્વિન્ટલ 315 રૂપિયા કરવામાં આવ્યો છે. આનાથી 5 કરોડથી વધુ શેરડીના ખેડૂતોને અને ખાંડ મિલોમાં કામ કરતા લાખો કામદારોને સીધો ફાયદો થશે.
સાથીઓ,
અમૃતકલમાં દેશનાં ગામડાં અને ખેડૂતોનું સામર્થ્ય વધારવા માટે હવે દેશનાં સહકારી ક્ષેત્રની ભૂમિકા બહુ મોટી થવાની છે. સરકાર અને સહકાર સાથે મળીને, વિકસિત ભારત, આત્મનિર્ભર ભારતના સંકલ્પને બેવડી તાકાત આપશે. તમે જુઓ, સરકારે ડિજિટલ ઈન્ડિયા સાથે પારદર્શિતા વધારી, દરેક લાભાર્થીને સીધો લાભ પહોંચાડવામાં આવ્યો. આજે દેશના ગરીબમાં ગરીબ લોકો પણ માને છે કે ઉપલાં સ્તરેથી ભ્રષ્ટાચાર અને ભાઇ-ભત્રીજાવાદનો અંત આવી ગયો છે. હવે જ્યારે સહકારિતાને આટલું બધું પ્રોત્સાહન અપાઇ રહ્યું છે, ત્યારે એ જરૂરી છે કે સામાન્ય માણસ, આપણો ખેડૂત, આપણો પશુપાલક પણ આ બાબતોનો રોજીંદાં જીવનમાં અનુભવ કરે અને તે પણ એ જ વાત કહે. સહકારિતા ક્ષેત્ર પારદર્શકતાનું, ભ્રષ્ટાચાર મુક્ત શાસનનું મૉડલ બને તે જરૂરી છે. સહકારી સંસ્થાઓ પર દેશના સામાન્ય નાગરિકનો વિશ્વાસ વધુ મજબૂત હોવો જોઈએ. આ માટે જરૂરી છે કે શક્ય હોય એટલું ડિજિટલ વ્યવસ્થાને સહકારી સંસ્થાઓમાં પ્રોત્સાહન મળે. આપણે રોકડ વ્યવહારો પરની નિર્ભરતા ખતમ કરવાની છે. આ માટે, જો તમે અભિયાન ચલાવીને પ્રયત્નો કરો અને સહકારી ક્ષેત્રના આપ સૌ લોકો, મેં તમારા માટે એક બહુ મોટું કામ કરી દીધું છે, મંત્રાલય બનાવી દીધું છે. હવે તમે મારું એક મોટું કામ કરી દો, ડિજિટલ તરફ જવું, કેશલેસ, સંપૂર્ણ પારદર્શિતા. જો આપણે બધા સાથે મળીને પ્રયત્નો કરીશું તો આપણને ચોક્કસ ઝડપથી સફળતા મળશે. આજે ભારત તેના ડિજિટલ વ્યવહારો માટે વિશ્વમાં ઓળખાય છે. આવી સ્થિતિમાં સહકારી મંડળીઓ અને સહકારી બૅન્કોએ પણ આમાં આગેવાની લેવી પડશે. આનાથી, પારદર્શિતાની સાથે, બજારમાં તમારી કાર્યક્ષમતા પણ વધશે અને સારી સ્પર્ધા પણ શક્ય બનશે.
સાથીઓ,
સૌથી મહત્વપૂર્ણ એવી પ્રાથમિક સ્તરની સહકારી મંડળી એટલે કે PACS, હવે પારદર્શિતા અને આધુનિકતાનું મૉડલ બનશે. મને કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધીમાં 60 હજારથી વધુ PACSનું કોમ્પ્યુટરાઇઝેશન થઈ ચૂક્યું છે અને હું તમને આ માટે અભિનંદન આપું છું. પરંતુ તે ખૂબ જ જરૂરી છે કે સહકારી મંડળીઓ પણ તેમનું કાર્ય વધુ સારી રીતે કરે, ટેક્નૉલોજીના ઉપયોગ પર ભાર મૂકે. જ્યારે દરેક સ્તરની સહકારી મંડળીઓ કોર બૅન્કિંગ જેવી સિસ્ટમ અપનાવશે, જ્યારે સભ્યો 100 ટકા ઓનલાઈન વ્યવહારો સ્વીકારશે ત્યારે દેશને એનો બહુ મોટો લાભ થશે.
સાથીઓ,
આજે તમે એ પણ જોઈ રહ્યા છો કે ભારતની નિકાસ સતત નવા રેકોર્ડ બનાવી રહી છે. મેક ઈન ઈન્ડિયાની ચર્ચા પણ આજે આખી દુનિયામાં થઈ રહી છે. આવી સ્થિતિમાં સરકારનો પ્રયાસ છે કે સહકારિતા પણ આ ક્ષેત્રમાં પોતાનું યોગદાન વધારે. આ જ ઉદ્દેશ્ય સાથે, આજે અમે મૅન્યુફેક્ચરિંગ સંબંધિત સહકારી મંડળીઓને ખાસ પ્રોત્સાહિત કરીએ છીએ. તેમના માટે ટેક્સ પણ હવે ઘણો ઓછો કરવામાં આવ્યો છે. નિકાસ વધારવામાં પણ સહકારિતા ક્ષેત્ર બહુ મોટી ભૂમિકા ભજવી રહ્યું છે. ડેરી ક્ષેત્રમાં આપણી સહકારી સંસ્થાઓ અદ્ભૂત કામ કરી રહી છે. દૂધ પાવડર, માખણ અને ઘી આજે મોટા પ્રમાણમાં નિકાસ કરવામાં આવે છે. હવે તો કદાચ તે હનીમાં પણ પ્રવેશી કરી રહ્યું છે. આપણાં ગામડાં અને ગ્રામ્ય વિસ્તારોમાં સામર્થ્યની કમી નથી, પરંતુ આપણે સંકલ્પબદ્ધ થઈને આગળ વધવું પડશે. આજે તમે જુઓ, ભારતનાં બરછટ અનાજ, બાજરી, જાડું અનાજ, જેની ઓળખ વિશ્વમાં જાણીતી બની ગઈ છે. શ્રી અન્ન, આ શ્રી અન્નની ચર્ચા પણ ઘણી વધી રહી છે. આ માટે વિશ્વમાં એક નવું બજાર ઊભું થઈ રહ્યું છે. અને હું તો હમણાં અમેરિકા ગયો હતો, તેથી રાષ્ટ્રપતિજી દ્વારા આયોજિત ભોજન સમારંભમાં, બરછટ અનાજની આ વિવિધતા, શ્રી અન્નની વિવિધતાને રાખવામાં આવી હતી. ભારત સરકારની પહેલને કારણે આ વર્ષ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મિલેટ્સ યર તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. શું તમારા જેવા સહકારિતાના સાથી દેશનાં શ્રી અન્નને વિશ્વ બજારમાં લઈ જવાના પ્રયાસો ન કરી શકે? અને તેનાથી નાના ખેડૂતોને આવકનો એક બહુ મોટો સ્ત્રોત મળી જશે. આનાથી પૌષ્ટિક આહારની એક નવી પરંપરા શરૂ થશે. આપ જરૂરથી આ દિશામાં પ્રયત્નો કરશો અને સરકારના પ્રયાસોને આગળ વધારશો.
સાથીઓ,
વીતેલાં વર્ષોમાં આપણે બતાવ્યું છે કે જ્યારે ઈચ્છાશક્તિ હોય ત્યારે મોટામાં મોટા પડકારોને પણ પડકારી શકાય છે. જેમ કે હું તમારી સાથે શેરડીની સહકારી સંસ્થાઓ વિશે વાત કરીશ. એક સમય હતો જ્યારે ખેડૂતોને શેરડીના ભાવ પણ ઓછા મળતા હતા અને પૈસા પણ ઘણાં વર્ષોથી અટવાયેલા રહેતા હતા. શેરડીનું ઉત્પાદન વધે તો પણ ખેડૂતો મુશ્કેલીમાં જીવતા હતા અને શેરડીનું ઉત્પાદન ઘટે તો પણ ખેડૂતની મુશ્કેલીમાં વધારો જ થતો હતો. આવી સ્થિતિમાં શેરડી પકવતા ખેડૂતોનો સહકારી સંસ્થાઓ પરનો વિશ્વાસ જ ખતમ થઈ રહ્યો હતો. અમે આ સમસ્યાના કાયમી ઉકેલ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. અમે શેરડીના ખેડૂતોની જૂની બાકી રકમની ચુકવણી કરવા માટે ખાંડ મિલોને 20 હજાર કરોડ રૂપિયાનું પૅકેજ આપ્યું. અમે શેરડીમાંથી ઇથેનોલ બનાવવા અને પેટ્રોલ સાથે ઇથેનોલનું મિશ્રણ કરવા પર ભાર મૂક્યો. તમે કલ્પના કરી શકો છો કે, છેલ્લાં 9 વર્ષમાં ખાંડની મિલો પાસેથી 70 હજાર કરોડ રૂપિયાનું ઇથેનોલ ખરીદવામાં આવ્યું છે. આનાથી ખાંડ મિલોને શેરડીના ખેડૂતોને સમયસર ચુકવણી કરવામાં મદદ મળી છે. અગાઉ, અમારી સરકારે શેરડીની ઊંચી કિંમત ચૂકવવા પર લાદવામાં આવતો ટેક્સ પણ નાબૂદ કર્યો છે. અમે ટેક્સને લગતી દાયકાઓ જૂની જે સમસ્યાઓ હતી એને પણ ઉકેલી છે. આ બજેટમાં પણ સહકારી ખાંડ મિલોને જૂના દાવાઓનાં સમાધાન માટે રૂ. 10,000 કરોડની વિશેષ સહાય આપવામાં આવી છે. આ તમામ પ્રયાસો શેરડીનાં ક્ષેત્રમાં કાયમી પરિવર્તન લાવી રહ્યા છે, આ ક્ષેત્રની સહકારી સંસ્થાઓને મજબૂત બનાવી રહ્યા છે.
સાથીઓ,
એક તરફ આપણે નિકાસ વધારવાની છે તો બીજી તરફ આયાત પરની આપણી નિર્ભરતા સતત ઘટાડવાની છે. આપણે વારંવાર કહીએ છીએ કે ભારત અનાજમાં આત્મનિર્ભર છે. પરંતુ સત્ય શું છે, માત્ર ઘઉં, ડાંગર અને ખાંડમાં આત્મનિર્ભરતા પૂરતી નથી. જ્યારે આપણે ખાદ્ય સુરક્ષાની વાત કરીએ છીએ, ત્યારે તે માત્ર લોટ અને ચોખા સુધી મર્યાદિત નથી. હું તમને કેટલીક વસ્તુઓ યાદ કરાવવા માગું છું. ખાદ્યતેલની આયાત હોય, કઠોળની આયાત હોય, ફિશ ફીડની આયાત હોય, ખાદ્ય ક્ષેત્રમાં પ્રોસેસ્ડ અને અન્ય ઉત્પાદનોની આયાત હોય, એના અર આપણે દર વર્ષે, તમે ચોંકી જશો, મારાં ખેડૂત ભાઈઓ અને બહેનોને જગાડો, દર વર્ષે આપણે બેથી અઢી લાખ કરોડ રૂપિયા ખર્ચીએ છીએ જે પૈસા વિદેશ જાય છે. મતલબ કે આ પૈસા વિદેશ મોકલવા પડે છે. શું ભારત જેવા અન્ન-પ્રધાન દેશ માટે આ યોગ્ય વાત છે શું? આટલાં મોટાં આશાસ્પદ સહકારી ક્ષેત્રનું નેતૃત્વ મારી સમક્ષ બેઠું છે, તેથી હું સ્વાભાવિક રીતે તમારી પાસેથી અપેક્ષા રાખું છું કે આપણે એક ક્રાંતિની દિશામાં આગળ વધવું પડશે. શું આ પૈસા ભારતના ખેડૂતોના ખિસ્સામાં જવા જોઈએ કે નહીં? શા માટે વિદેશ જવા જોઈએ?
સાથીઓ,
આપણે સમજી શકીએ છીએ કે આપણી પાસે તેલના મોટા કુવા નથી, આપણે પેટ્રોલ અને ડીઝલ બહારથી આયાત કરવું પડે છે, એ આપણી મજબૂરી છે. પરંતુ ખાદ્ય તેલમાં તો આત્મનિર્ભરતા શક્ય છે. તમે જાણતા જ હશો કે કેન્દ્ર સરકારે આ માટે મિશન મોડમાં કામ કર્યું છે, જેમ કે મિશન પામ ઓઈલ શરૂ કર્યું છે. પામોલિનની ખેતી, તેમાંથી પામોલિન તેલ મળે. તેવી જ રીતે, તેલીબિયાં પાકોને પ્રોત્સાહન આપવા માટે મોટી સંખ્યામાં પહેલ કરવામાં આવી રહી છે. જો દેશની સહકારી સંસ્થાઓ આ મિશનની બાગડોર સંભાળે તો આપણે જોઈશું કે ખાદ્યતેલની બાબતમાં આપણે કેટલા જલદી આત્મનિર્ભર બની જઈશું. ખેડૂતોમાં જાગૃતિ લાવવાથી લઈને તમે વૃક્ષારોપણ, ટેક્નૉલોજી અને પ્રાપ્તિ સંબંધિત તમામ પ્રકારની માહિતી અને સુવિધાઓ પૂરી પાડી શકો છો.
સાથીઓ,
કેન્દ્ર સરકારે વધુ એક ખૂબ મોટી યોજના મત્સ્યઉદ્યોગ ક્ષેત્ર માટે શરૂ કરી છે. આજે પીએમ મત્સ્ય સંપદા યોજના હેઠળ માછલીનાં ઉત્પાદનમાં ઘણી પ્રગતિ થઈ રહી છે. દેશભરમાં જ્યાં પણ નદીઓ છે અને નાનાં-નાનાંતળાવો છે, ત્યાં ગ્રામજનો અને ખેડૂતોને આ યોજના દ્વારા આવકનાં વધારાનાં સાધનો મળી રહ્યાં છે. જેમાં સ્થાનિક સ્તરે ફીડ ઉત્પાદન માટે પણ સહાય આપવામાં આવી રહી છે. આજે 25 હજારથી વધુ સહકારી મંડળીઓ મત્સ્યોદ્યોગ ક્ષેત્રે કાર્યરત છે. આનાં કારણે ફિશ પ્રોસેસિંગ, ફિશ ડ્રાયિંગ અને ફિશ ક્યુરિંગ, ફિશ સ્ટોરેજ, ફિશ કેનિંગ, ફિશ ટ્રાન્સપોર્ટ જેવાં અનેક કામો સંગઠિત રીતે મજબૂત થયાં છે. તેનાથી માછીમારોનાં જીવનને સુધારવામાં અને રોજગારીનું સર્જન કરવામાં મદદ મળી છે. છેલ્લાં 9 વર્ષમાં ઇનલેન્ડ મત્સ્યોદ્યોગમાં પણ બમણી વૃદ્ધિ થઈ છે. અને અમે એક અલગ સહકારિતા મંત્રાલય બનાવ્યું છે, તેમાંથી એક નવું બળ ઊભું થયું છે. તેવી જ રીતે લાંબા સમયથી એક માગણી રહેતી હતી કે, દેશમાં મત્સ્યોદ્યોગ માટે અલગ મંત્રાલય બનાવવામાં આવે. અમે તે પણ બનાવ્યું, અમે તેના માટે પણ અલગ બજેટની વ્યવસ્થા કરી અને તે ક્ષેત્રનાં પરિણામો દેખાઈ રહ્યા છે. સહકારી ક્ષેત્ર આ અભિયાનને કેવી રીતે આગળ વધારી શકે તે માટે આપ સૌ મિત્રો આગળ આવે, આ જ મારી આપની પાસેથી અપેક્ષા છે. સહકારી ક્ષેત્રે તેના પરંપરાગત અભિગમથી કંઈક અલગ કરવું પડશે. સરકાર પોતાના તરફથી તમામ પ્રયાસો કરી રહી છે. હવે માછલી ઉછેર જેવાં ઘણાં નવાં ક્ષેત્રોમાં પણ PACS ની ભૂમિકા વધી રહી છે. અમે દેશભરમાં 2 લાખ નવી બહુહેતુક સોસાયટીઓ બનાવવાનાં લક્ષ્ય પર કામ કરી રહ્યા છીએ. અને અમિતભાઈએ કહ્યું તેમ હવે બધા પંચાયતોમાં જશો તો આ આંકડો વધુ વધશે. આનાથી સહકારિતાનું સામર્થ્ય એવાં ગામો અને તે પંચાયતોમાં પણ પહોંચી જશે, જ્યાં આ વ્યવસ્થા હાલમાં નથી.
સાથીઓ,
વીતેલાં વર્ષોમાં, અમે ખેડૂત ઉત્પાદક સંગઠનો એટલે કે એફપીઓ બનાવવા પર પણ વિશેષ ભાર મૂક્યો છે. હાલમાં, દેશભરમાં 10,000 નવા એફપીઓ બનાવવાનું કામ ચાલી રહ્યું છે અને તેમાંથી લગભગ 5,000નું નિર્માણ થઈ પણ ચૂક્યું છે. આ એફપીઓ નાના ખેડૂતોને મોટી તાકાત આપશે. તે નાના ખેડૂતોને બજારમાં મોટી શક્તિ બનાવવાનાં માધ્યમો છે. બીજથી લઈને બજાર સુધી, નાના ખેડૂત કેવી રીતે દરેક સિસ્ટમને પોતાની તરફેણમાં ઊભી કરી શકે, કેવી રીતે બજારની શક્તિને પડકારી શકે, આ તેમનું અભિયાન છે. સરકારે પીએસીએસ દ્વારા પણ FPO બનાવવાનો નિર્ણય કર્યો છે. તેથી જ આ ક્ષેત્રમાં સહકારી મંડળીઓ માટે અપાર સંભાવનાઓ છે.
સાથીઓ,
ખેડૂતની આવક વધારતાં અન્ય માધ્યમો અંગે સરકારના પ્રયાસોને પણ સહકારી ક્ષેત્ર બળ આપી શકે છે. મધનું ઉત્પાદન હોય, ઓર્ગેનિક ફૂડ હોય, ખેતરમાં સોલર પેનલ લગાવીને વીજળી ઉત્પન્ન કરવાનું અભિયાન હોય, માટી પરીક્ષણ હોય, સહકારી ક્ષેત્રનો સહયોગ ખૂબ જ જરૂરી છે.
સાથીઓ,
આજે કેમિકલ મુક્ત ખેતી, કુદરતી ખેતી એ સરકારની પ્રાથમિકતા છે. અને હવે હું દિલ્હીની તે દીકરીઓને અભિનંદન આપું છું કે તેઓએ તેમનાં હૃદયને હચમચાવી નાંખ્યું. ધરતી માતા બૂમો પાડી પાડીને કહી રહી છે કે મને ન મારશો. તેઓએ નાટ્ય મંચ દ્વારા ખૂબ જ સારી રીતે જાગૃત આપણને જગાડવાનો પ્રયાસ કર્યો છે. હું તો ઈચ્છું છું કે દરેક સહકારી સંસ્થાએ આવી ટીમ તૈયાર કરવી જોઈએ, જે દરેક ગામમાં આ રીતે સ્ટેજ શૉ કરીને લોકોને જાગૃત કરે. તાજેતરમાં જ એક ખૂબ જ મોટી યોજના, પીએમ-પ્રણામને મંજૂરી આપવામાં આવી છે. આનો હેતુ એ છે કે વધુને વધુ ખેડૂતો રસાયણ મુક્ત ખેતી અપનાવે. આ અંતર્ગત વૈકલ્પિક ખાતરો, જૈવિક ખાતરોનાં ઉત્પાદન પર ભાર મૂકવામાં આવશે. જેનાં કારણે જમીન પણ સુરક્ષિત રહેશે અને ખેડૂતોના ખર્ચમાં પણ ઘટાડો થશે. આમાં સહકારી સંસ્થાઓનું યોગદાન ખૂબ મહત્વનું છે. હું તમામ સહકારી સંગઠનોને આગ્રહ કરું છું કે આ અભિયાનમાં વધુને વધુ જોડાય. તમે નક્કી કરી શકો છો કે પોતાના જિલ્લાનાં 5 ગામોને 100% રસાયણ મુક્ત ખેતી કરીશું, એ આપણે સુનિશ્ચિત કરી શકીએ છીએ કે 5 ગામો અને 5 ગામોમાં એકપણ ખેતરમાં એક ગ્રામ પણ કેમિકલનો ઉપયોગ કરવામાં આવશે નહીં. જેનાં કારણે સમગ્ર જિલ્લામાં જાગૃતિ વધશે, સૌના પ્રયાસો વધશે.
સાથીઓ,
બીજું એક મિશન છે જે રસાયણ મુક્ત ખેતી અને વધારાની આવક બંનેને સુનિશ્ચિત કરે છે. આ છે ગોબરધન યોજના. આ અંતર્ગત દેશભરમાં કચરામાંથી કંચન બનાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. તે ગાયનાં છાણ, કચરામાંથી વીજળી અને જૈવિક ખાતર બનાવવાનું ખૂબ મોટું માધ્યમ બની રહ્યું છે. આજે સરકાર આવા પ્લાન્ટનું વિશાળ નેટવર્ક તૈયાર કરી રહી છે. ઘણી મોટી કંપનીઓએ દેશમાં 50થી વધુ બાયો ગેસ પ્લાન્ટ તૈયાર કર્યા છે. ગોબરધન પ્લાન્ટ માટે સહકારી મંડળીઓએ પણ આગળ આવવાની જરૂર છે. આનાથી પશુપાલકોને તો લાભ થશે જ, રસ્તા પર ત્યજી દેવાયેલા પશુઓનો પણ સદુપયોગ થશે.
સાથીઓ,
તમે બધા ડેરી ક્ષેત્રમાં, પશુપાલન ક્ષેત્રમાં ખૂબ જ વ્યાપકપણે કામ કરો છો. મોટી સંખ્યામાં પશુપાલકો સહકારી ચળવળ સાથે સંકળાયેલા છે. તમે બધા જાણો છો કે પશુઓની બીમારી ખેડૂતને કેટલી મોટી મુશ્કેલીમાં મૂકી શકે છે. ફૂટ એન્ન્ડ માઉથ રોગ, ખરવા, લાંબા સમયથી આપણા પશુઓ માટે ખૂબ જ સંકટનું કારણ રહ્યો છે. આ રોગનાં કારણે પશુપાલકોને દર વર્ષે હજારો કરોડ રૂપિયાનું નુકસાન થાય છે. તેથી, કેન્દ્ર સરકારે આ માટે પ્રથમ વખત દેશભરમાં મફત રસીકરણ અભિયાન શરૂ કર્યું છે. આપણને કોવિડની મફત રસી તો યાદ છે, આ પશુઓ માટે પણ એટલું જ મોટું મફત રસીનું અભિયાન ચાલી રહ્યું છે. આ અંતર્ગત 24 કરોડ પશુઓને રસી આપવામાં આવી ચૂકી છે. પરંતુ હજી આપણે એફએમડીને જડથી ખતમ કરવાનો બાકી છે. રસીકરણ અભિયાન હોય કે પ્રાણીઓની શોધખોળ, સહકારી સંસ્થાઓએ આ માટે આગળ આવવું જોઈએ. આપણે એ યાદ રાખવાનું છે કે ડેરી ક્ષેત્રમાં માત્ર પશુપાલકો જ હિસ્સેદાર નથી, મિત્રો, મારી આ લાગણીનો આદર કરજો, પશુપાલકો જ માત્ર હિસ્સેદાર નથી, પરંતુ આપણા પશુઓ પણ સમાન હિતધારક છે. તેથી જ આપણે તેને આપણી જવાબદારી સમજીને આપણે યોગદાન આપવું પડશે.
સાથીઓ,
સરકારનાં જેટલાં પણ મિશન છે, એને સફળ બનાવવા માટે સહકારિતાનાં સામર્થ્ય અંગે મને કોઈ શંકા નથી. અને હું જે રાજ્યમાંથી આવું છું ત્યાંની સહકારિતાની તાકાત મેં જોઈ છે. સ્વાતંત્ર્ય ચળવળમાં પણ સહકારી સંસ્થાઓએ ખૂબ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેથી, હું વધુ એક મોટાં કામમાં જોડાવાનો આગ્રહ કરતા મારી જાતને રોકી શકતો નથી. મેં આહ્વાન કર્યું છે કે આઝાદીનાં 75 વર્ષ નિમિત્તે દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર બનાવીએ. એક વર્ષથી પણ ઓછા સમયમાં દેશભરમાં લગભગ 60 હજાર અમૃત સરોવર બનાવવામાં આવ્યાં છે. છેલ્લાં 9 વર્ષમાં સિંચાઈ હોય કે પીવાનું પાણી, તેને ઘર-ઘર, ખેતરથી ખેતર સુધી પહોંચાડવા માટે જે કામ સરકારે કર્યાં છે એનું આ વિસ્તરણ છે. પાણીનો સ્ત્રોત વધારવાનો આ માર્ગ છે. જેથી ખેડૂતોને, આપણા પશુઓને પાણીની અછત ન રહે. આથી સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા મિત્રોએ પણ આ પવિત્ર અભિયાનમાં જરૂર સામેલ થવું જોઇએ. તમે સહકારી ક્ષેત્રનાં કોઈપણ ક્ષેત્રમાં સક્રિય હશો, પરંતુ તમારી ક્ષમતા પ્રમાણે તમે નક્કી કરી શકો છો કે ભાઈ આપણી મંડળી છે, એક તળાવ બનાવશે, બે બનાવશે, પાંચ બનાવશે, દસ બનાવશે. પણ ચાલો આપણે પાણીની દિશામાં કામ કરીએ. જો ગામેગામ અમૃત સરોવર બનાવવામાં આવે તો આવનારી પેઢીઓ આપણને ખૂબ જ કૃતજ્ઞતાથી યાદ કરશે. આજે આપણે જે પાણી મેળવી રહ્યા છીએને તે આપણા વડવાઓના પ્રયત્નોનું પરિણામ છે. આપણે આપણાં ભાવિ બાળકો માટે, તેમના માટે પણ કંઈક છોડીને જવાનું છે. પાણીને લગતું અન્ય એક અભિયાન છે પર ડ્રોપ મોર ક્રોપ. આપણા ખેડૂતો સ્માર્ટ સિંચાઈને કેવી રીતે અપનાવી શકે તે માટે જાગૃતિ ખૂબ જ મહત્વપૂર્ણ છે. વધુ પાણી, વધુ પાકની ખાતરી આપતું નથી. દરેક ગામમાં સુક્ષ્મ સિંચાઈનો વિસ્તાર કરવા માટે સહકારી મંડળીઓએ પણ તેમની ભૂમિકાને વિસ્તારવી પડશે. કેન્દ્ર સરકાર આ માટે ઘણી મદદ કરી રહી છે, બહુ પ્રોત્સાહન આપી રહી છે.
સાથીઓ,
સંગ્રહ પણ એક મુખ્ય મુદ્દો છે. અમિતભાઈએ તેનું વિગતે વર્ણન કર્યું છે. અનાજનો સંગ્રહ કરવાની સુવિધાના અભાવે લાંબા ગાળા સુધી આપણી ખાદ્ય સુરક્ષા અને આપણા ખેડૂતોને મોટું નુકસાન થયું. આજે ભારતમાં આપણે જે અનાજ ઉત્પન્ન કરીએ છીએ તેના 50 ટકાથી પણ ઓછાં અનાજનો સંગ્રહ આપણે કરી શકીએ છીએ. હવે કેન્દ્ર સરકાર વિશ્વની સૌથી મોટી સ્ટોરેજ સ્કીમ લઈને આવી છે. છેલ્લા ઘણા દાયકાઓમાં લાંબા સમયથી દેશમાં જે પણ કામ કરવામાં આવ્યું તેનું પરિણામ શું આવ્યું. આપણી પાસે લગભગ લગભગ 1400 લાખ ટનથી વધુની સંગ્રહ ક્ષમતા છે. આવનારાં 5 વર્ષમાં આના 50 ટકા એટલે કે લગભગ 700 લાખ ટન નવી સ્ટોરેજ ક્ષમતા બનાવવાનો અમારો સંકલ્પ છે. આ ચોક્કસપણે એક બહુ મોટું કાર્ય છે, જે દેશના ખેડૂતોનું સામર્થ્ય વધારશે, ગામડાંમાં નવી નોકરીઓનું સર્જન કરશે. ગામડાંમાં કૃષિ સંબંધિત માળખાકીય સુવિધાઓ માટે પહેલી વાર એક લાખ કરોડ રૂપિયાનું વિશેષ ભંડોળ પણ અમારી સરકારે બનાવ્યું છે. મને કહેવામાં આવ્યું છે કે છેલ્લાં 3 વર્ષમાં આ અંતર્ગત 40,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે. આમાં મોટો હિસ્સો સહકારી મંડળીઓનો છે, પીએસીએસનો છે. ફાર્મગેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કોલ્ડ સ્ટોરેજ જેવી વ્યવસ્થા ઊભી કરવામાં સહકારી ક્ષેત્રે વધુ પ્રયત્નો કરવાની જરૂર છે.
સાથીઓ,
મને વિશ્વાસ છે કે નવા ભારતમાં સહકારિતા દેશના આર્થિક પ્રવાહનું શક્તિશાળી માધ્યમ બનશે. આપણે એવાં ગામડાંનાં નિર્માણ તરફ પણ આગળ વધવાનું છે, જે સહકારી મૉડલને અનુસરીને આત્મનિર્ભર બને. આ પરિવર્તનને વધુ કેવી રીતે સુધારી શકાય તે અંગેની તમારી ચર્ચા ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. તમારે સહકારી મંડળીઓમાં પણ સહકાર કેવી રીતે સુધારવો તેની પણ ચર્ચા જરૂર કરવી જોઈએ. સહકારી મંડળી-સંસ્થાઓએ રાજકારણને બદલે સામાજિક નીતિ અને રાષ્ટ્રીય નીતિનાં વાહક બનવું જોઈએ. મને વિશ્વાસ છે કે, તમારાં સૂચનો દેશમાં સહકારી ચળવળને વધુ મજબૂત બનાવશે અને વિકસિત ભારતનાં લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મદદ કરશે. ફરી એકવાર આપ સૌની વચ્ચે આવવાની તક મળી, આનંદ થયો. હું તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું!
આભાર!
YP/GP/JD
(Release ID: 1936814)
Visitor Counter : 260
Read this release in:
Urdu
,
Marathi
,
Hindi
,
Punjabi
,
Tamil
,
Kannada
,
Assamese
,
Manipuri
,
Odia
,
English
,
Bengali
,
Malayalam