વેપાર અને ઉદ્યોગ મંત્રાલય
નાણાકીય વર્ષ 2022-23માં ભારતની સીફૂડની નિકાસ અત્યાર સુધીની સૌથી વધારે થઈ; નાણાકીય વર્ષ 2021-22ની સરખામણીમાં જથ્થાની દ્રષ્ટિએ 26.73 ટકા અને મૂલ્યની દ્રષ્ટિએ 4.31 ટકાની વૃદ્ધિ થયો
નાણાકીય વર્ષ 2022-23માં 8.09 અબજ ડોલરનાં મૂલ્યની 17,35,286 એમટી સીફૂડની નિકાસ મૂલ્ય અને જથ્થા એમ બંને દ્રષ્ટિએ અત્યાર સુધીની સૌથી વધુ છે
ભારતીય સીફૂડનો સૌથી મોટો આયાતકાર અમેરિકા રહ્યો અને ત્યારબાદ ચીન, યુરોપિયન યુનિયન, દક્ષિણ પૂર્વ એશિયા, જાપાન અને મધ્ય પૂર્વએ સૌથી વધુ આયાત કરી
ફ્રોઝન ઝીંગા માછલીએ નિકાસ થયેલી મુખ્ય સીફૂડ ચીજવસ્તુ તરીકે ટોચનું સ્થાન જાળવી રાખ્યું
Posted On:
14 JUN 2023 4:24PM by PIB Ahmedabad
અમેરિકા જેવા પોતાના મોટા નિકાસ બજારોમાં પ્રવર્તમાન કેટલાંક પડકારો વચ્ચે પણ ભારતે નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન વોલ્યુમ (જથ્થા) અને મૂલ્ય (અમેરિકન ડોલર અને ભારતીય રૂપિયા બંનેમાં) એમ બંને દ્રષ્ટિએ સીફૂડની અત્યાર સુધીની સૌથી વધુ નિકાસ હાંસલ કરી હતી. સમીક્ષાનાં વર્ષ દરમિયાન ભારતે રૂ. 63,969.14 કરોડ (8.09 અબજ ડોલર)નું મૂલ્ય ધરાવતાં 17,35,286 એમટી સીફૂડની નિકાસ કરી હતી.
નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન નિકાસમાં જથ્થાની દ્રષ્ટિએ 26.73 ટકા સુધીનો, રૂપિયાની દ્રષ્ટિએ 11.08 ટકાનો, અમેરિકન ડોલરની દ્રષ્ટિએ 4.31 ટકાનો વધારો થયો હતો. નાણાકીય વર્ષ 2021-22માં ભારતે રૂ. 57,586.48 કરોડ (7,759.58 મિલિયન ડોલર)નું મૂલ્ય ધરાવતા 13,69,264 એમટી સીફૂડની નિકાસ કરી હતી.
જ્યારે જથ્થા અને મૂલ્ય એમ બંને દ્રષ્ટિએ સીફૂડ નિકાસની મુખ્ય ચીજવસ્તુઓમાં ફ્રોઝન ઝીંગા માછલીનું સ્થાન ટોચનું જળવાઈ રહ્યું છે, ત્યારે ભારતીય સીફૂડનાં મુખ્ય આયતકાર દેશો તરીકે અમેરિકા અને ચીન હતાં. ફ્રોઝન ઝીંગા માછલીએ રૂ. 43,135.58 કરોડ (5481.63 મિલિયન ડોલર)ની નિકાસ સાથે સીફૂડ નિકાસની તમામ ચીજવસ્તુઓમાં સૌથી મહત્વપૂર્ણ ચીજવસ્તુ તરીકે સ્થાન જાળવી રાખ્યું હતું, જેનો કુલ નિકાસમાં જથ્થાની દ્રષ્ટિએ હિસ્સો 40.98 ટકા અને અમેરિકન ડોલરમાં કુલ આવકમાં હિસ્સો 67.72 ટકા હતો. સમીક્ષાનાં ગાળા દરમિયાન ઝીંગા માછલીની નિકાસ રૂપીનાં મૂલ્યમાં 1.01 ટકા વધી હતી.
નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન ફ્રોઝન ઝીંગા માછલીની કુલ નિકાસ 7,11,099 એમટી થઈ હતી. સૌથી મોટાં નિકાસબજાર અમેરિકાએ ફ્રોઝન ઝીંગા માછલીની 2,75,662 એમટીની આયાત કરી હતી. ત્યારબાદ ચીને 1,45,743 એમટી, યુરોપિયન યુનિયને 95,377 એમટી, દક્ષિણ પૂર્વ એશિયા 65,466 એમટી, જાપાન 40,975 એમટી અને મધ્ય પૂર્વ 31,647 એમટીની આયાત કરી હતી.
નાણાકીય વર્ષ 2022-23માં બ્લેક ટાઇગર (બીટી) ઝીંગા માછલીની નિકાસ જથ્થા, રૂપિયાનું મૂલ્ય અને અમેરિકન ડોલરની દ્રષ્ટિએ અનુક્રમે 74.06 ટકા, 68.64 ટકા અને 55.41 ટકાનો વધારો થયો હતો. બીટી રૂ. 2,564.71 કરોડ (321.23 મિલિયન ડોલર)નાં મૂલ્યની ઝીંગા માછલીની નિકાસ 31,213 એમટી થઈ હતી. બ્લેક ટાઇગર ઝીંગા માછલી માટે જાપાન સૌથી મોટું બજાર પુરવાર થયું હતું, જે અમેરિકન ડોલરમાં મૂલ્યની દ્રષ્ટિએ 25.38 ટકા હિસ્સો ધરાવતું હતું. ત્યારબાદ આ દ્રષ્ટિએ યુરોપિયન યુનિયન (25.12 ટકા) અને અમેરિકા (14.90 ટકા)એ અનુક્રમે બીજું અને ત્રીજું સ્થાન મેળવ્યું હતું. વન્નામેઈ ઝીંગા માછલીની નિકાસ નાણાકીય વર્ષ 2022-23માં નાણાકીય વર્ષ 2021-22ની સરખામણીમાં 8.11 ટકા ઘટીને 5234.36 મિલિયન ડોલરથી 4809.99 મિલિયન ડોલર થઈ હતી.
બીજી સૌથી વધુ નિકાસ થતી ચીજવસ્તુ ફ્રોઝન માછલીએ રૂ. 5,503.18 કરોડ (687.05 મિલિયન ડોલર)ની આવક કરી હતી, જે જથ્થામાં 21.24 ટકા અને અમેરિકન ડોલરમાં આવકમાં 8.49 ટકા હિસ્સો ધરાવે છે. ચાલુ વર્ષે ફ્રોઝન માછલીની નિકાસમાં જથ્થા, રૂપી અને અમેરિકન ડોલરમાં મૂલ્યની દ્રષ્ટિએ અનુક્રમે 62.65 ટકા, 58.51 ટકા અને 45.73 ટકાનો વધારો થયો હતો.
અન્ય ચીજવસ્તુઓ અંતર્ગત ત્રીજી સૌથી વધુ નિકાસ 658.84 મિલિયન ડોલરની થઈ હતી, જેમાં સુરિમીએ રૂ. 2,013.66 કરોડ (253.89 મિલિયન ડોલર), ફ્રોઝન ઓક્ટોપસે રૂ. 725.71 કરોડ (91.74 મિલિયન ડોલર), સુરિમી એનાલોગ ઉત્પાદનોએ રૂ. 558.51 કરોડ (70.35 મિલિયન ડોલર), કેન કે ડબ્બામાં તૈયાર ઉત્પાદનોએ રૂ. 326.48 કરોડ (41.56 મિલિયન ડોલર), ફ્રોઝન લોબ્સ્ટરે રૂ. 215.15 કરોડ (27 મિલિયન ડોલર)ની સાથે અન્ય ઉત્પાદનોની નિકાસમાંથી થયેલી આવક સામેલ હતી.
ચોથી સૌથી વધુ નિકાસ થયેલી ચીજવસ્તુ ફ્રોઝન સ્ક્વિડે રૂ. 3,593.75 કરોડ (454.61 મિલિયન ડોલર)ની આવક કરી હતી, જે જથ્થામાં 4.83 ટકા અને અમેરિકન ડોલરમાં આવકમાં 5.62 ટકા હિસ્સો ધરાવતી હતી. ફ્રોઝન માછલીની નિકાસ રૂપીનાં મૂલ્યમાં 28.07 ટકા અને અમેરિકન ડોલરનાં મૂલ્યમાં 18.58 ટકા વધી હતી.
સૂકી ચીજવસ્તુઓની નિકાસ 2,52,918 એમટી રહી હતી, જે જથ્થામાં 243.27 ટકાની પ્રચંડ વૃદ્ધિ અને અમેરિકન ડોલરમાં મૂલ્યની દ્રષ્ટિએ 167.70 ટકાની વૃદ્ધિ દર્શાવે છે તથા તેમાંથી રૂ. 3,080.92 કરોડ (384.05 મિલિયન ડોલર)ની આવક થઈ હતી. આ બાસ્કેટમાં સૂકી માછલીઓ અને શ્રીમ્પ મીલ (ઝીંગા માછલીનો પાવડર)એ સંયુક્તપણે 307.96 મિલયિન ડોલરનું પ્રદાન કર્યું હતું તથા ડ્રાઇડ ફિશ મૉઝમાંથી 24.88 મિલિયન ડોલરની આવક થઈ હતી.
ફ્રોઝન કટલફિશની નિકાસ 54,919 એમટી થઈ હતી, જે રૂપિયાના મૂલ્યમાં 14.09 ટકાની અને અમેરિકન ડોલરમાં મૂલ્યમાં 5.50 ટકાની વૃદ્ધિ છે તથા રૂ. 2353.34 કરોડ (295.49 મિલિયન ડોલર)ની આવક થઈ હતી.
આશાસ્પદ ક્ષેત્ર તરીકે ગણાતી ઠંડી વસ્તુઓની નિકાસ પણ અમેરિકન ડોલરમાં 20.73 ટકા અને જથ્થાની દ્રષ્ટિએ 12.63 ટકા વધી હતી. લાઇવ (જીવંત) ચીજવસ્તુઓની નિકાસ 7,824 એમટી થઈ હતી, જે રૂપીમાં 24.53 ટકા, અમેરિકન ડોલરમાં 15.61 ટકાની વૃદ્ધિ છે. યુનિટ મૂલ્યમાં વૃદ્ધિ ફ્રોઝન સ્ક્વિડમાં 7.13 ટકા, ફ્રોઝન કટલફિશમાં 13.33 ટકા, ઠંડી ચીજવસ્તુઓમાં 7.19 ટકા અને લાઇવ ચીજવસ્તુઓમાં 3.90 ટકાની વૃદ્ધિ જોવા મળી છે.
જ્યાં સુધી વિદેશી બજારોનો સવાલ છે, ત્યાં સુધી અમેરિકાએ 2,632.08 મિલિયન ડોલરની આયાત સાથે મૂલ્યની દ્રષ્ટિએ ભારતીય સીફૂડના સૌથી મોટા આયાતકાર તરીકે સ્થાન જાળવી રાખ્યું છે, જેનો અમેરિકન ડોલરમાં મૂલ્યની દ્રષ્ટિએ 32.52 ટકા હિસ્સો છે. જોકે માગમાં ઘટાડો થવાથી અમેરિકન ડોલરની દ્રષ્ટિએ અમેરિકામાં નિકાસમાં 21.94 ટકાનો ઘટાડો થયો હતો. ફ્રોઝન ઝીંગા માછલીએ અમેરિકન ડોલરમાં 92.70 ટકા હિસ્સા સાથે અમેરિકાને નિકાસ થતી મુખ્ય ચીજવસ્તુ તરીકે સ્થાન જાળવી રાખ્યુ હતું. અમેરિકાને બ્લેક ટાઇગર ઝીંગા માછલીની નિકાસ જથ્થાની દ્રષ્ટિએ 4.06 અને રૂપીની દ્રષ્ટિએ 0.26 ટકા વધી હતી.
જથ્થા અને અમેરિકન ડોલરમાં મૂલ્ય એમ બંને દ્રષ્ટિએ ભારતમાંથી સીફૂડ નિકાસના બીજા સૌથી મોટા સ્થાન તરીકે ચીન બહાર આવ્યો હતો, જ્યાં 1,508.43 મિલિયન ડોલરનાં મૂલ્યની 4,05,547 એમટીની આયાત થઈ હતી, જે જથ્થામાં 23.37 ટકા અને અમેરિકન ડોલરમાં મૂલ્યની દ્રષ્ટિએ 18.64 ટકા હિસ્સો ધરાવતો હતો. ચીનનાં બજારમાં નિકાસ જથ્થામાં 51.90 ટકાનો, રૂપીમાં મૂલ્યની દ્રષ્ટિએ 32.02 ટકાનો અને અમેરિકન ડોલરમાં મૂલ્યની દ્રષ્ટિએ 28.37 ટકાનો વધારો થયો હતો. ચીનમાં નિકાસની મુખ્ય ચીજવસ્તુ ફ્રોઝન ઝીંગા માછલી જથ્થામાં 35.94 ટકા અને અમેરિકન ડોલરમાં મૂલ્યની દ્રષ્ટિએ 60.92 ટકા હિસ્સો ધરાવતી હતી, તો ચીનને કુલ નિકાસમાં ફ્રોઝન માછલી જથ્થામાં 34.88 ટકા હિસ્સા અને અમેરિકન ડોલરમાં મૂલ્યની દ્રષ્ટિએ 18.56 ટકા હિસ્સા સાથે બીજા સ્થાને હતી. ચીનમાં ફ્રોઝન ઝીંગા માછલી અને ફ્રોઝન માછલીએ જથ્થા અને મૂલ્ય એમ બંને દ્રષ્ટિએ સકારાત્મક વૃદ્ધિ દર્શાવી છે.
યુરોપિયન યુનિયને 1,263.71 મિલિયન ડોલરનાં મૂલ્યની 2,07,976 એમટીની આયાત સાથે ત્રીજા સૌથી મોટા સ્થાન તરીકે સ્થાન જાળવી રાખ્યું હતું. આ બજારમાં ફ્રોઝન ઝીંગા માછલી નિકાસની મુખ્ય ચીજવસ્તુ છે, જેની નિકાસમાં રૂપી અને અમેરિકન ડોલરમાં મૂલ્યની દ્રષ્ટિએ અનુક્રમે 15.12 ટકા અને 7.20 ટકાની વૃદ્ધિ થઈ છે. આ બજારમાં યુનિટ મૂલ્યએ 3.77 ટકાની વૃદ્ધિ દર્શાવી છે.
દક્ષિણ પૂર્વ એશિયા 1191.25 મિલિયન ડોલરનાં મૂલ્યની 4,31,774 એમટીની આયાત સાથે ચોથી સૌથી મોટું બજાર બન્યું છે. આ દેશોમાં સીફૂડની નિકાસમાં ફ્રોઝન ઝીંગા માછલી મુખ્ય છે, જે 46.08 ટકાની વૃદ્ધિ સાથે જથ્થાની દ્રષ્ટિએ 15.16 ટકા અને અમેરિકન ડોલરમાં મૂલ્યની દ્રષ્ટિએ 35.17 ટકા હિસ્સો ધરાવે છે. નિકાસની બીજી મુખ્ય ચીજવસ્તુ ફ્રોઝન ઝીંગા માછલી 46.84 ટકાની વૃદ્ધિ સાથે જથ્થામાં 36.02 ટકા અને અમેરિકન ડોલરમાં મૂલ્યની દ્રષ્ટિએ 20.57 ટકા હિસ્સો ધરાવે છે.
જાપાને 9.99 ટકાની વૃદ્ધિ સાથે પાંચમા સૌથી મોટા આયાતકાર દેશ તરીકે સ્થાન જાળવી રાખ્યું હતું, જે જથ્થામાં 6.29 ટકા અને અમેરિકન ડોલરમાં મૂલ્યની દ્રષ્ટિએ 5.99 ટકાનો હિસ્સો ધરાવતો હતો. ફ્રોઝન ઝીંગા માછલીએ જાપાનને સીફૂડની નિકાસની મુખ્ય ચીજવસ્તુ તરીકે સ્થાન જાળવી રાખ્યું હતું, જે જાપાનની સીફૂડની નિકાસમાં 71.35 ટકાનો હિસ્સો ધરાવતી હતી. વળી જાપાનમાં ફ્રોઝન ઝીંગા માછલીની નિકાસ અમેરિકન ડોલરમાં મૂલ્યની દ્રષ્ટિએ 5.26 ટકા વધી હતી.
જથ્થાની દ્રષ્ટિએ મધ્ય પૂર્વમાં 330.68 મિલિયન ડોલર મૂલ્યની 77,677 એમટી નિકાસ થઈ હતી. આ બજારમાં જથ્થાની દ્રષ્ટિએ 32.95 ટકા, રૂપીની દ્રષ્ટિએ 17.33 ટકા અને અમેરિકન ડોલરની દ્રષ્ટિએ 9.09 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી.
YP/GP/JD
(Release ID: 1932408)
Visitor Counter : 470