સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
azadi ka amrit mahotsav

76મી વિશ્વ આરોગ્ય સભા

સમગ્ર દુનિયામાં ભારત એકમાત્ર એવો દેશ છે જેણે પોતાના TBના ભારણનું અનુમાન લગાવવા માટે પોતાનું જ વ્યવસ્થાતંત્ર તૈયાર કર્યું છે: ડૉ મનસુખ માંડવિયા


ભારત, વૈશ્વિક દીર્ઘકાલીન વિકાસના લક્ષ્યથી પાંચ વર્ષ પહેલાં એટલે કે, 2025 સુધીમાં દેશમાંથી TB નાબૂદ કરવા માટે પ્રયત્નશીલ છે: ડૉ માંડવિયા


TB મુક્ત ભારત અભિયાન (PMTBMBA)નો ઉદ્દેશ્ય TBના દર્દીઓને તેમની સારવારની સફર દરમિયાન સહકાર કરવાનો છે


નિ-ક્ષય પોષણ યોજના TBની સારવાર લઇ રહેલા 75 લાખ કરતાં વધુ દર્દીઓને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા માસિક પોષણ સહાય પૂરી પાડે છે


કોવિડ-19 સામે અસરકારક રસી તૈયાર કરવા માટે દુનિયાએ સાથે મળીને કામ કરવાની જરૂર છે: ડૉ. માંડવિયા

Posted On: 25 MAY 2023 12:40PM by PIB Ahmedabad

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જિનીવા ખાતે યોજવામાં આવેલી 76મી વિશ્વ આરોગ્ય સભા દરમિયાન સમાંતર રીતે યોજાયેલી ક્વાડ પ્લસ સાઇડ ઇવેન્ટમાં ટ્યુબરક્યુલોસિસ (TB) પર મુખ્ય સંબોધન આપ્યું હતું. આ કાર્યક્રમમાં ક્વાડ પ્લસ દેશોના પ્રતિષ્ઠિત પ્રતિનિધિઓની સહભાગિતા જોવા મળી હતી, જે TBના કારણે ઉભા થયેલા વૈશ્વિક સ્વાસ્થ્ય પડકારનો સામનો કરવાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.

TBની બીમારી માટે ભારતના સક્રિય પ્રતિસાદ પર પ્રકાશ પાડતા ડૉ. માંડવિયાએ જણાવ્યું હતું કે, “આ વર્ષે, અમે ભારતમાં એક વિશ્વ TB સંમેલનમાં વિશ્વ TB દિવસની ઉજવણી કરી હતી, જેમાં અમારા આદરણીય પ્રધાનમંત્રીને જેમાં ઊંડો વિશ્વાસ છે તેવા એક વિશ્વ, એક આરોગ્યના સિદ્ધાંત પર પ્રાથમિકરૂપે પ્રકાશ પાડવામાં આવ્યો હતો. તેમણે સૌને એવી પણ માહિતી આપી હતી કે, સમગ્ર દુનિયામાં ભારત એકમાત્ર એવો દેશ છે જેણે પોતાના TBના ભારણનું અનુમાન લગાવવા માટે પોતાનું વ્યવસ્થાતંત્ર તૈયાર કર્યું છે. ભારત, સ્થાનિક પુરાવાના આધારે ગાણિતિક મોડલનો ઉપયોગ કરીને હવે વિશ્વ આરોગ્ય સંસ્થાના વાર્ષિક અહેવાલથી આગળ આ બીમારીનું સાચું ભારણ નક્કી કરી શકે છે.

ડૉ. માંડવિયાએ પોતાના સંબોધન દરમિયાન ક્ષય (ટ્યુબરક્યુલોસિસ) રોગ પર આગામી સમયમાં યોજાનારી સંયુક્ત રાષ્ટ્ર ઉચ્ચ સ્તરીય બેઠક (UNHLM)ના મહત્વ પર ભાર મૂક્યો હતો. ક્ષય રોગના અંતની દિશામાં સામૂહિક પ્રગતિનું મૂલ્યાંકન કરવાની તક તરીકે સપ્ટેમ્બર મહિનામાં આ બેઠક યોજવાની છે. તેમણે વૈશ્વિક દીર્ઘકાલીન વિકાસના લક્ષ્ય કરતાં પાંચ વર્ષ અગાઉ, એટલે કે 2025 સુધીમાં દેશમાંથી TBનો રોગ નાબૂદ કરવાના પ્રયાસમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે દર્શાવેલા સમર્પણની પ્રશંસા કરી હતી.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002IYAU.jpg

TBને નિયંત્રણમાં લાવવા માટે ભારતે હાથ ધરેલા નિરંતર પ્રયાસોના કારણે નોંધપાત્ર પરિણામો મળ્યા છે. ડૉ. માંડવિયાએ જાહેરાત કરી હતી કે, દેશમાં 2015 થી 2022 સુધીમાં TBના કેસોમાં 13%નો ઘટાડો જોવા મળ્યો છે, જે વૈશ્વિક ઘટાડાના દર 10%ને ઓળંગી ગયો છે. આ ઉપરાંત, ભારતમાં ક્ષય રોગના મૃત્યુદરમાં સમાન સમયગાળા દરમિયાન 5.9%ના વૈશ્વિક ઘટાડા દરની સરખામણીએ 15%નો ઘટાડો થયો છે.

પ્રારંભિક તબક્કે નિદાન, સારવાર અને નિવારક પગલાંના મહત્વને ઓળખતા, ડૉ. માંડવિયાએ જણાવ્યું હતું કે, “અત્યાર સુધીમાં ન ઓળખવામાં આવ્યા હોય તેવા કેસોને ઓળખવા અને 'વંચિતો' સુધી પહોંચવા માટે, ભારતે અમારા દૂરંદેશી પ્રધાનમંત્રીના નેતૃત્વ હેઠળ છેવાડે રહેલા દર્દીઓને પણ નિદાન અને સારવાર આપવાનું કામ હાથ ધર્યું છે. દરેક દર્દીને સાર્વત્રિક આરોગ્ય કવરેજ મળે તેવું સુનિશ્ચિત કરવા માટે, અમે 1.5 લાખ કરતાં વધુ આરોગ્ય અને સુખાકારી કેન્દ્રોની સ્થાપના કરી છે, જે તમામ દર્દીઓને અન્ય પ્રાથમિક આરોગ્ય સંભાળ સેવાઓની સાથે સાથે TBના નિદાન અને સંભાળની સેવાઓ પણ પૂરી પાડે છે. અમારા દેશના દુર્ગમ વિસ્તારોમાં રહેતા લોકો માટે આ સુવિધા વિશેષરૂપે ફાયદાકારક છે અને તેના લીધે દૂરસ્થ વિસ્તારોમાં પણ સાર્વત્રિક આરોગ્ય કવરેજ સુનિશ્ચિત થાય છે.

ડૉ. માંડવિયાએ ખાનગી ક્ષેત્ર સાથે ભારતના સફળ સહયોગ પર પણ પ્રકાશ પાડ્યો હતો, જેના કારણે TBના દર્દીઓ તેમના પસંદગીના કેન્દ્રો, ક્લિનિક્સ અને ડૉક્ટરો દ્વારા ગુણવત્તાયુક્ત સંભાળ લઇ શકે છે. તેના પરિણામ સ્વરૂપે, છેલ્લા નવ વર્ષમાં ખાનગી ક્ષેત્રના નોટિફિકેશનમાં સાત ગણાથી વધારે વૃદ્ધિ થઇ છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003KY01.jpg

TB સાથે સંકળાયેલી કલંકની ભાવનાના મુદ્દાને સ્પર્શ કરતા, ડૉ. માંડવિયાએ ભારતના અગ્રેસર સામુદાયિક જોડાણ વ્યવસ્થાતંત્ર, પ્રધાનમંત્રી TB મુક્ત ભારત અભિયાન (PMTBMBA) પર પ્રકાશ પાડ્યો હતો. આદરણીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ દ્વારા આ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ પહેલનો ઉદ્દેશ્ય TBના દર્દીઓને તેમની સારવારની સમગ્ર સફર દરમિયાન સહકાર કરવાનો છે. આ કાર્યક્રમમાં નિ-ક્ષય મિત્રો અથવા દાતાઓનો સમાવેશ થાય છે અને લગભગ 78 હજાર નિ-ક્ષય મિત્રોએ આશરે 10 લાખ દર્દીઓને મદદ કરવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે તેમજ દર વર્ષે અંદાજે $146 મિલિયન એકત્ર કર્યા છે જેથી કહી શકાય કે, તેને નોંધપાત્ર પ્રમાણમાં સમર્થન મળ્યું છે.

આ ઉપરાંત, ડૉ. માંડવિયાએ નિ-ક્ષય પોષણ યોજનાની સ્થાપના કરીને TBના સામાજિક-આર્થિક પરિણામોનો સામનો કરવા માટેની ભારતની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. આ અનોખી પહેલ અંતર્ગત TBની સારવાર કરાવી રહેલા 75 લાખથી વધુ લોકોને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી માસિક ધોરણે પોષણ સહાય પૂરી પાડવામાં આવે છે અને 2018માં તેનો પ્રારંભ થયો ત્યારથી અત્યાર સુધીમાં $244 મિલિયન કરતાં વધુ સહાય પૂરી પાડવામાં આવી છે.

વધુમાં, ડૉ. માંડવિયાએ એક વિશ્વ TB સંમેલનમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા TB માટે ભારતના પરિવાર કેન્દ્રિત સંભાળ મોડલ અંગે વાત કરી હતી, જે અંતર્ગત દર્દીને ઝડપથી સાજા થવામાં પરિવારોની આવશ્યક ભૂમિકાને માન્યતા આપવામાં આવી છે. એક વિશ્વ TB સંમેલનમાં, એક ટૂંકી TB નિવારાત્મક સારવાર (TPT) અને સ્થાનિક સરકારોને TB સામે લડવા અને તેમના પ્રયત્નો માટે પુરસ્કાર પ્રાપ્ત કરવા પ્રોત્સાહિત કરતી TB-મુક્ત પંચાયત પહેલની પણ શરૂઆત કરવામાં આવી હતી.

ડૉ. માંડવિયાએ TB સામેની લડાઇમાં અસરકારક રસી તૈયાર કરવાની જરૂરિયાત વિશે પણ વાત કરી હતી. આ સંદર્ભમાં તેમણે જણાવ્યું હતું કે, “આપણે કોવિડ-19 મહામારીમાંથી શીખ્યા છીએ તેમ, આ બીમારીને નાબૂદ કરવા માટે વિશ્વએ નવીનતમ નિદાન અને સારવાર વિકલ્પોની સમાન પહોંચ સુનિશ્ચિત કરવા માટે વધુ સહકાર સાથે મળીને કામ કરવાની જરૂર છે. 2030 સુધીમાં TBનો અંત લાવવા માટે સંયુક્ત રાષ્ટ્ર ઉચ્ચ સ્તરીય બેઠક (UNHLM)નાં લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે, આપણે TBને રોકવા, તેનું નિદાન અને સારવાર કરવા માટે દર્દી કેન્દ્રિત નવીન અભિગમો શોધવા જોઇએ. ભારત આ અંગે પોતાના અભ્યાસનું સમગ્ર દુનિયા સાથે આદાનપ્રદાન કરવા અને અન્ય સંદર્ભોમાંથી શીખવા માટે પણ પ્રતિબદ્ધ છે.

ડૉ. માંડવિયાએ પોતાના સંબોધનનું સમાપન કરતી વખતે દૃઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, નિરંતર પ્રયાસ કરવાથી અને મક્કમ નિશ્ચયથી 2030 પહેલાં સમગ્ર વિશ્વમાંથી TBને નાબૂદ કરી શકાય તેમ છે.

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1927155) Visitor Counter : 242