પ્રધાનમંત્રીનું કાર્યાલય

દિલ્હીમાં ગ્લોબલ બૌદ્ધ સમિટ ખાતે પ્રધાનમંત્રીનાં ઉદ્‌ઘાટન સંબોધનનો મૂળપાઠ

Posted On: 20 APR 2023 1:39PM by PIB Ahmedabad

નમો બુદ્ધાય !

કાર્યક્રમમાં ઉપસ્થિત કેન્દ્રીય મંત્રીમંડળના સભ્યો શ્રી કિરણ રિજિજુજી, જી. કિશન રેડ્ડીજી, અર્જુન રામ મેઘવાલજી, મીનાક્ષી લેખીજી, આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સંઘના મહાસચિવ, દેશ અને વિદેશથી અહીં પધારેલા અને અમારી સાથે જોડાયેલા તમામ આદરણીય ભિક્ષુ ગણ, અન્ય મહાનુભાવો, દેવીઓ અને સજ્જનો!

વૈશ્વિક બૌદ્ધ સમિટના આ પ્રથમ કાર્યક્રમમાં આપ સૌ વિશ્વના ખૂણે ખૂણેથી આવ્યા છો. બુદ્ધની આ ભૂમિની પરંપરા છે- 'અતિથિ દેવો ભવ:'! અર્થાત્‌ અતિથિ આપણા માટે દેવતા સમાન હોય છે. પરંતુ, જ્યારે ભગવાન બુદ્ધના વિચારોને જીવતા આટલાં બધાં વ્યક્તિત્વો આપણી સામે હોય, ત્યારે સાક્ષાત્‌ બુદ્ધની હાજરીનો અનુભવ થાય છે. કારણ કે, બુદ્ધ વ્યક્તિથી આગળ વધીને એક બોધ છે. બુદ્ધ એ સ્વરૂપથી આગળ વધીને એક વિચાર છે. બુદ્ધ એ નિરૂપણથી આગળ વધીને એક ચેતના છે અને બુદ્ધની આ ચેતના ચિરંતર છે, નિરંતર છે. આ વિચાર શાશ્વત છે. આ બોધ અવિસ્મરણીય છે.

તેથી જ, આજે આટલા અલગ અલગ દેશોમાંથી, આટલા અલગ-અલગ ભૌગોલિક અને સાંસ્કૃતિક પરિવેશના લોકો અહીં એક સાથે ઉપસ્થિત છે. આ જ ભગવાન બુદ્ધનું એ વિસ્તરણ છે, જે સમગ્ર માનવતાને એક સૂત્રમાં જોડે છે. આપણે કલ્પના કરી શકીએ છીએ કે, વિશ્વના વિવિધ દેશોમાં બુદ્ધના કરોડો અનુયાયીઓનું આ સામર્થ્ય જ્યારે સાથે મળીને કોઈ સંકલ્પ લે છે ત્યારે તેની ઊર્જા કેટલી અસીમ થઈ જાય છે.

જ્યારે આટલાં બધાં લોકો વિશ્વનાં સારાં ભવિષ્ય માટે એક વિચાર સાથે કામ કરે, ત્યારે ભવિષ્ય ચોક્કસ જ ભવ્ય જ હશે. અને તેથી, હું માનું છું કે, પ્રથમ વૈશ્વિક બૌદ્ધ સમિટ આ દિશામાં આપણા તમામ દેશોના પ્રયાસો માટે એક અસરકારક મંચનું નિર્માણ કરશે. આ કાર્યક્રમનું આયોજન કરવા બદલ હું ભારતનાં સંસ્કૃતિ મંત્રાલય અને આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સંઘને હૃદયપૂર્વક અભિનંદન આપું છું.

સાથીઓ,

આ શિખર સમારોહ સાથે મારાં આત્મીય જોડાણનું બીજું પણ એક કારણ છે. હું જ્યાં જન્મ્યો હતો તે સ્થળ, ગુજરાતનું વડનગર, તેનો બૌદ્ધ ધર્મ સાથે ઊંડો સંબંધ રહ્યો છે. વડનગરમાંથી બૌદ્ધ ધર્મ સંબંધિત ઘણા પુરાતત્વીય પુરાવાઓ મળી આવ્યા છે. એકવાર બૌદ્ધ પ્રવાસી હ્યુએન ત્સાંગ પણ વડનગરની મુલાકાતે આવ્યા હતા. અને અહીં મેં જે પ્રદર્શની નિહાળી, પ્રદર્શનમાં જે વસ્તુઓ મૂકવામાં આવી છે, ઘણી બધી વસ્તુઓ અહીં વિગતવાર રાખવામાં આવી છે. અને સંયોગ જુઓ, કે મારો જન્મ વડનગરમાં થયો અને હું કાશીનો સાંસદ છું, અને સારનાથ પણ ત્યાં જ આવેલું છે.

સાથીઓ,

વૈશ્વિક બૌદ્ધ સમિટનું આયોજન એવા સમયે કરવામાં આવી રહ્યું છે જ્યારે ભારતે તેની આઝાદીનાં 75 વર્ષ પૂર્ણ કર્યાં છે, ભારત તેની આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે. આ અમૃતકાલમાં, ભારત પાસે તેનાં ભવિષ્ય માટે વિશાળ લક્ષ્યો પણ છે અને વૈશ્વિક કલ્યાણ માટે નવા સંકલ્પો પણ છે. આજે ભારતે અનેક વિષયો પર વિશ્વમાં નવી પહેલ કરી છે. અને આમાં આપણી બહુ મોટી પ્રેરણા ભગવાન બુદ્ધ જ છે.

સાથીઓ,

તમે બધા પરિચિત છો કે બુદ્ધનો માર્ગ પરિયક્તિ, પટિપત્તિ અને પટિવધ છે. એટલે કે થિયરી, પ્રેક્ટિસ અને રિયલાઇઝેશન. છેલ્લાં 9 વર્ષમાં ભારત આ ત્રણેય મુદ્દાઓ પર ઝડપથી આગળ વધી રહ્યું છે. આપણે ભગવાન બુદ્ધનાં મૂલ્યોનો સતત ફેલાવો કર્યો છે. અમે બુદ્ધના ઉપદેશોને જન-જન સુધી પહોંચાડવા માટે સમર્પણભાવ સાથે કામ કર્યું છે.

ભારત અને નેપાળમાં બુદ્ધ સર્કિટનો વિકાસ હોય, સારનાથ અને કુશીનગર જેવાં તીર્થોના કાયાકલ્પનો પ્રયાસ હોય, કુશીનગર ઈન્ટરનેશનલ એરપોર્ટ હોય, લુમ્બિનીમાં ભારત અને આઇબીસીના સહયોગથી ઈન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટર ફોર બુદ્ધિસ્ટ કલ્ચર એન્ડ હેરિટેજનું નિર્માણ હોય,  ભારતનાં એવાં દરેક કાર્યમાં પટિપત્તિ’ની પ્રેરણા સામેલ છે. તે ભગવાન બુદ્ધના ઉપદેશોનો પટિવેધ જ છે કે ભારત વિશ્વના દરેક માનવીનાં દુ:ખને પોતાનું દુ:ખ માને છે. વિશ્વના વિવિધ દેશોમાં શાંતિ મિશન્સ હોય કે તુર્કીમાં આવેલા ભૂકંપ જેવી આફત હોય, ભારત પોતાની સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરીને, દરેક સંકટ સમકે માનવતા સાથે ઊભું રહે છે, 'મમ ભાવ' સાથે ઊભું હોય છે. આજે દુનિયા ભારતનાં 140 કરોડ લોકોની આ ભાવનાને જોઈ રહી છે, સમજી રહી છે અને સ્વીકારી પણ રહી છે. અને હું માનું છું, આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સંઘનો આ મંચ આ ભાવનાને નવું વિસ્તરણ આપી રહ્યો છે. આ આપણે સૌ સમાન વિચારવાળા અને સમાન દિલના દેશોને એક પરિવાર તરીકે બુદ્ધ ધમ્મ અને શાંતિ ફેલાવવાની નવી તકો આપશે. વર્તમાન પડકારોને આપણે કેવી રીતે હૅન્ડલ કરીએ છીએ તેની ચર્ચા માત્ર પોતાનામાં જ પ્રાસંગિક જ નથી પણ વિશ્વ માટે આશાનું કિરણ પણ એમાં સમાવિષ્ટ છે.

આપણે યાદ રાખવું જોઈએ કે સમસ્યાઓથી સમાધાન તરફની યાત્રા જ બુદ્ધની યાત્રા છે. બુદ્ધે મહેલ એટલા માટે નહોતો છોડ્યો કેમ કે તેમને કોઇ કષ્ટ હતું. બુદ્ધે રાજમહેલ, શાહી ઠાઠ-માઠ એટલા માટે છોડ્યાં હતાં, કારણ કે તેમની પાસે ઉપલબ્ધ તમામ સુખ-સુવિધાઓ પછી પણ, અન્યનાં જીવનમાં દુઃખ હતું. જો આપણે જગતને સુખી બનાવવું હોય તો સ્વથી નીકળીને સંસાર, સંકુચિત વિચારસરણીનો ત્યાગ કરીને સમગ્રતાનો આ બુદ્ધ મંત્ર જ એકમાત્ર રસ્તો છે. આપણે આપણી આસપાસના ગરીબીથી પીડિત લોકો વિશે વિચારવું જ પડશે. સંસાધનોના અભાવે અટવાયેલા દેશો વિશે આપણે વિચારવું જ પડશે. વધુ સારાં અને સ્થિર વિશ્વની સ્થાપનાનો આ જ એકમાત્ર માર્ગ છે, તે જ જરૂરી છે. આજે એ સમયની જરૂરિયાત છે કે દરેક વ્યક્તિની, દરેક રાષ્ટ્રની પ્રાથમિકતા પોતાના દેશનાં હિતની સાથે વિશ્વનું હિત પણ હોય, 'ગ્લોબલ વર્લ્ડ ઈન્ટરેસ્ટ' પણ હોય.

સાથીઓ,

આજનો આ સમય આ સદીનો સૌથી પડકારજનક સમય છે તે વાત સર્વત્ર સ્વીકાર્ય છે. આજે એક તરફ બે દેશો વચ્ચે મહિનાઓથી યુદ્ધ ચાલે છે તો બીજી તરફ વિશ્વ પણ આર્થિક અસ્થિરતામાંથી પસાર થઈ રહ્યું છે. આતંકવાદ અને ધાર્મિક કટ્ટરતા જેવા ખતરા માનવતાના આત્મા પર પ્રહાર કરી રહ્યા છે. આબોહવા પરિવર્તન જેવો પડકાર સમગ્ર માનવતાનાં અસ્તિત્વ પર આફત બનીને ડોકાઇ રહ્યો છે. ગ્લેશિયર્સ પીગળી રહ્યા છે, ઇકોલોજીનો નાશ થઈ રહ્યો છે, પ્રજાતિઓ લુપ્ત થઈ રહી છે. પરંતુ આ બધાની વચ્ચે બુદ્ધમાં આસ્થા ધરાવનારા આપણા જેવા કરોડો લોકો પણ છે, જેઓ તમામ જીવોનાં કલ્યાણમાં વિશ્વાસ રાખે છે. આ આશા, આ વિશ્વાસ જ આ પૃથ્વીની સૌથી મોટી તાકાત છે. જ્યારે આ આશાઓ એક થશે, ત્યારે બુદ્ધનો ધમ્મ વિશ્વની ધારણા બની જશે, બુદ્ધનો બોધ માનવતાનો વિશ્વાસ બની જશે.

સાથીઓ,

આધુનિક વિશ્વમાં એવી કોઈ સમસ્યા નથી કે જેનો ઉકેલ આપણને સેંકડો વર્ષો પહેલા બુદ્ધના ઉપદેશોમાં મળ્યો ન હોય. વિશ્વ આજે જે યુદ્ધ અને અશાંતિથી પીડાઈ રહ્યું છે, તેનો ઉકેલ સદીઓ પહેલા બુદ્ધે આપ્યો હતો. બુદ્ધે કહ્યું હતું- જયન્‌ વેરન્‌ પસવતિ, દુક્ખન્‌ સેતિ પરાજિતો, ઉપસંતો સુખન્‌ સેતિ, હિત્વ જય પરાજય: અર્થાત્‌ જીત વેરને જન્મ આપે છે, અને હારેલી વ્યક્તિ પણ દુ:ખમાં સૂઈ જાય છે. તેથી જ આપણે હાર-જીત, લડાઈ-ઝઘડાને છોડીને જ સુખી રહી શકીએ છીએ. ભગવાન બુદ્ધે યુદ્ધમાંથી બહાર નીકળવાનો માર્ગ પણ બતાવ્યો છે. ભગવાન બુદ્ધે કહ્યું છે- નહીં વેરેનન્‌ વેરાની, સમ્મન તીધ ઉદાચન્‌, અવેરેન ચ સમ્મન્તિ, એસ ધમ્મો સન્નતનો. અર્થાત્‌, વેરથી, બહુ ઓછા શબ્દોમાં વાત કહી છે, વેરથી વેર નહીં શમે, વેર અવેરથી શાંત થાય છે. ભગવાન બુદ્ધનું વચન છે- સુખા સંઘસ્સ સામગ્ગી, સમગ્ગાનં તપો સુખો. અથાત્‌, સંઘો વચ્ચે એકતામાં જ સુખ સમાવિષ્ટ છે. તમામ લોકો સાથે, ભેગા મળીને રહેવામાં જ સુખ છે.

સાથીઓ,

આપણે જોઈએ છીએ કે, આજે પોતાના વિચારો, પોતાની આસ્થા બીજા પર થોપવાની વિચારસરણી દુનિયા માટે એક મોટું સંકટ બની રહી છે. પરંતુ, ભગવાન બુદ્ધે શું કહ્યું હતું, ભગવાન બુદ્ધે કહ્યું હતું- અત્તાન મેવ પઠમન્‌, પતિ રૂપે નિવેસયે એટલે કે, પહેલા વ્યક્તિએ યોગ્ય આચરણ કરવું જોઈએ, પછી બીજાને ઉપદેશ આપવો જોઈએ. આધુનિક યુગમાં આપણે જોઈએ છીએ કે ગાંધીજી હોય કે વિશ્વના અનેક નેતાઓ, તેમણે આ જ સૂત્રમાંથી પ્રેરણા મેળવી. પરંતુ આપણે યાદ રાખવું જોઈએ કે બુદ્ધ માત્ર ત્યાં જ અટક્યા ન હતા. તેમણે એક ડગલું આગળ વધીને કહ્યું હતું- અપ્પ દીપો ભવ: એટલે કે આ જે આગળનું વાક્ય છે એ જ તો સૌથી મોટો આધાર છે- અપ્પ દીપો ભવ: એટલે પોતાનો પ્રકાશ સ્વયં બનો. આજે ભગવાન બુદ્ધના આ જ ઉપદેશમાં અનેક પ્રશ્નોના જવાબ સમાયેલ છે. તેથી, થોડાં વર્ષો પહેલા, મેં સંયુક્ત રાષ્ટ્રમાં ગર્વથી કહ્યું હતું કે ભારતે વિશ્વને યુદ્ધ નહીં, બુદ્ધ આપ્યા છે. જ્યાં બુદ્ધની કરુણા હોય, ત્યાં સંઘર્ષ નહીં સમન્વય હોય છે, અશાંતિ નહીં શાંતિ હોય છે.

સાથીઓ,

બુદ્ધનો માર્ગ એ ભવિષ્યનો માર્ગ છે, સ્થિરતાનો માર્ગ છે. જો વિશ્વએ બુદ્ધના ઉપદેશોનું પાલન કર્યું હોત તો જળવાયુ પરિવર્તન જેવું સંકટ પણ આપણી સામે ન આવ્યું હોત. આ સંકટ એટલા માટે આવ્યું છે કારણ કે છેલ્લી સદીમાં કેટલાક દેશોએ બીજાઓ વિશે, આવનારી પેઢીઓ વિશે વિચારવાનું જ બંધ કરી દીધું હતું. દાયકાઓ સુધી તેઓ વિચારતા રહ્યા કે કુદરત સાથેનાં આ ચેડાંની અસર તેમના પર નહીં પડે. તે દેશો બીજાઓ પર જ નાખતા રહ્યા. પરંતુ ભગવાન બુદ્ધે ધમ્મપદમાં સ્પષ્ટ રીતે કહ્યું છે કે જેમ પાણીનાં ટીપેટીપાંથી ઘડો ભરાય જાય છે, તેમ વારંવારની ભૂલો વિનાશનું કારણ બની જાય છે. આ રીતે માનવતાને સતર્ક કર્યા બાદ બુદ્ધે એમ પણ કહ્યું કે- જો આપણે ભૂલો સુધારીએ, સતત સારાં કાર્યો કરીએ તો સમસ્યાઓનો ઉકેલ પણ મળી જાય છે. માવ-મઈએથ પુણ્યીઅસ્‌, ન મન્‌ તન્‌ આગ-મિસ્સતિ, ઉદ-બિંદુ-નિપાતેન, ઉદ-કુમ્ભોપિ પૂરતિ, ધીરો પૂરતિ પુણ્યીઅસ્‌, થોકં થોકમ્પિ આચિનન્‌. અર્થાત્‌, કોઈપણ કાર્યનું ફળ મારી પાસે નહીં આવે એવું વિચારીને પૂણ્યકર્મોને અવગણશો નહીં. પાણીનાં ટીપેટીપાંથી ઘડો ભરાઈ જાય છે. તેવી જ રીતે, ધીમે ધીમે સંચિત કરતી ધીર વ્યક્તિ પુણ્યથી ભરાઇ જાય છે.

સાથીઓ,

દરેક વ્યક્તિનું દરેક કાર્ય કોઈને કોઈ રીતે પૃથ્વી પર અસર કરતું હોય છે. આપણી જીવનશૈલી ગમે તે હોય, આપણે ગમે તે પહેરતા હોઇએ, ગમે તે ખાતા હોઇએ, ગમે તે માધ્યમથી મુસાફરી કરતા હોઇએ, દરેક વસ્તુની અસર પડે જ છે, તે ફરક પડે જ પડે છે. દરેક વ્યક્તિ જળવાયુ પરિવર્તનના પડકારો સામે લડી પણ શકે છે. જો લોકો જાગૃત બને અને પોતાની જીવનશૈલીમાં ફેરફાર કરે તો આટલી મોટી સમસ્યાનો પણ સામનો કરી શકાય છે અને આ જ તો બુદ્ધનો માર્ગ છે. આ જ ભાવના સાથે ભારતે મિશન લાઇફ શરૂ કર્યું છે. મિશન લાઇફ એટલે પર્યાવરણ માટે જીવનશૈલી! આ મિશન પણ, બુદ્ધની પ્રેરણાઓથી પ્રભાવિત છે, બુદ્ધના વિચારોને આગળ વધારે છે.

સાથીઓ,

ભૌતિકતા અને સ્વાર્થની વ્યાખ્યાઓમાંથી બહાર આવીને દુનિયા 'ભવતુ સબ્બ મંગલન્‌' આ ભાવને આત્મસાત કરે એ આજે ખૂબ જ જરૂરી છે. બુદ્ધને માત્ર પ્રતીક જ નહીં પણ પ્રતિબિંબ પણ બનાવવામાં આવે, ત્યારે જ ‘ભવતુ સબ્બ મંગલમ્‌’નો સંકલ્પ ચરિતાર્થ થશે, એટલે જ, આપણે બુદ્ધનાં વચનને યાદ રાખવાનું છે- “મા નિવત્ત, અભિ-ક્કમ”! એટલે, Do not turn back. Go forward! આપણે આગળ વધવાનું છે, અને સતત આગળ વધતા રહેવાનું છે. મને વિશ્વાસ છે કે, આપણે બધા સાથે મળીને આપણા સંકલ્પોને સફળતા સુધી લઈ જઈશું. આ સાથે જ, ફરી એકવાર હું અમારાં આમંત્રણ પર અહીં પધારવા બદલ આપ સૌનો આભાર પણ વ્યક્ત કરું છું અને આ બે દિવસીય વિચાર-વિમર્શથી માનવતાને નવો પ્રકાશ મળશે, નવી પ્રેરણા મળશે, નવું સાહસ મળશે, નવું સામર્થ્ય મળશે, આ જ ભાવના સાથે સૌને મારી ખૂબ ખૂબ શુભકામનાઓ છે.  

નમો બુદ્ધાય!

YP/GP/JD



(Release ID: 1918396) Visitor Counter : 210