પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav g20-india-2023

પ્રધાનમંત્રીએ આસામનાં ગુવાહાટીમાં સરુસજાઈ સ્ટેડિયમમાં રૂ. 10,900 કરોડથી વધારેનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટ્સનું ભૂમિપૂજન, ઉદ્‌ઘાટન અને લોકાર્પણ કર્યું


બ્રહ્મપુત્રા નદી પર પલાશબારી અને સુઆલકુચીને જોડતા પુલનો અને શિવસાગરનાં રંગ ઘરને બ્યુટિફિકેશન માટેના પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો

નામરૂપમાં 500 ટીપીડી મેન્થોલ પ્લાન્ટનું ઉદ્‌ઘાટન કર્યું

પાંચ રેલવે પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરી

10,000થી વધુ કલાકારોનાં મેગા બિહુ નૃત્યના સાક્ષી બન્યા

"આ કલ્પના બહારની વાત છે, આ અસાધારણ છે. આ આસામ છે"

"આસામ આખરે એ-વન રાજ્ય બની રહ્યું છે"

"દરેક ભારતીયની ચેતના દેશની માટી અને પરંપરાઓથી બનેલી છે અને તે વિકસિત ભારતનો પાયો પણ છે"

"રોંગાલી બિહુ આસામનાં લોકો માટે હૃદય અને આત્માનો તહેવાર છે"

"વિકસિત ભારત અમારું સૌથી મોટું સપનું છે"

"અત્યારે કનેક્ટિવિટી ચાર પાંખિયાનો મહાયજ્ઞ છે, ભૌતિક કનેક્ટિવિટી, ડિજિટલ કનેક્ટિવિટી, સામાજિક જોડાણ અને સાંસ્કૃતિક જોડાણ"

"પૂર્વોત્તરમાં અવિશ્વાસનું વાતાવરણ દૂર થઈ રહ્યું છે"

Posted On: 14 APR 2023 7:38PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આસામનાં ગુવાહાટીમાં સરુસજાઈ સ્ટેડિયમમાં 10,900 કરોડ રૂપિયાથી વધુની કિંમતની વિવિધ પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. આ પ્રોજેક્ટ્સમાં બ્રહ્મપુત્રા નદી પર પલાશબારી અને સુઆલકુચીને જોડતા પુલનો શિલાન્યાસ, શિવસાગરમાં રંગ ઘરનાં બ્યુટિફિકેશન માટેના પ્રોજેક્ટનો શિલાન્યાસ, નામરૂપમાં 500 ટીપીડી મેન્થોલ પ્લાન્ટનું ઉદ્‌ઘાટન અને પાંચ રેલવે પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કરવાનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી 10,000થી વધારે બિહુ નૃત્યકારો દ્વારા આયોજિત રંગારંગ બિહુ કાર્યક્રમના પણ સાક્ષી બન્યા હતા.

આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજનું ભવ્ય દ્ર્શ્ય જોનાર કોઈ પણ વ્યક્તિ પોતાના સંપૂર્ણ જીવનકાળ દરમિયાન તેને ક્યારેય ભૂલી શકશે નહીં. "તે કલ્પનાની બહાર છે, તે અસાધારણ છે. આ આસામ છે." પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "આજે સમગ્ર ભારતમાં ઢોલ, પેપા અને ગોગોનાનો અવાજ સંભળાય છે. આસામના હજારો કલાકારોના પ્રયાસો અને સમન્વયને દેશ અને દુનિયા ખૂબ જ ગર્વથી જોઈ રહ્યા છે." આ પ્રસંગનાં મહત્ત્વ પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ કલાકારોના જુસ્સા અને ઉત્સાહને બિરદાવ્યો હતો. પ્રધાનમંત્રીએ વિધાનસભાની ચૂંટણી દરમિયાન રાજ્યની તેમની મુલાકાતને યાદ કરી હતી, જ્યારે તેમણે એ દિવસ વિશે ટિપ્પણી કરી હતી, જ્યારે લોકો 'એ ફોર આસામ'નો અવાજ ઉઠાવશે અને કહ્યું હતું કે, આખરે રાજ્ય એ-1 રાજ્ય બની રહ્યું છે. પ્રધાનમંત્રીએ બિહુનાં પર્વ પર આસામ અને દેશના લોકોને શુભેચ્છા પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, બૈસાખી પંજાબ સહિત ઉત્તર ભારતનાં રાજ્યોમાં ઉજવવામાં આવે છે. બાંગ્લા લોકો પોઇલા વૈશાખની ઉજવણી કરી રહ્યા છે, તો કેરળમાં વિશુની ઉજવણી કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, આ ઉત્સવ જે ઉજવવામાં આવી રહ્યો છે, તે એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવનાને પ્રતિબિંબિત કરે છે અને સબ કા પ્રયાસ સાથે વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવા માટે તે એક પ્રેરણા છે. તેમણે એઈમ્સ, ત્રણ મેડિકલ કૉલેજો, રેલવે પ્રોજેક્ટ્સ, બ્રહ્મપુત્રા પર પુલ અને મિથેનોલ પ્લાન્ટ તથા રંગઘરના પુનર્વિકાસ અને બ્યુટિફિકેશન સહિત આજની ઘણી પરિયોજનાઓ પર પ્રસન્નતા વ્યક્ત કરી હતી.

પ્રધાનમંત્રીએ આસામનાં લોકોની તેમની સંસ્કૃતિ જાળવવા બદલ પ્રશંસા કરી હતી અને આજે તેમણે યોજેલા ભવ્ય કાર્યક્રમની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "આપણા તહેવારો માત્ર સાંસ્કૃતિક કાર્યક્રમ જ નથી, પણ દરેકને એકતાંતણે બાંધવાનું માધ્યમ છે અને સાથે મળીને આગળ વધવાની પ્રેરણા આપે છે." તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "રોંગાલી બિહુ આસામનાં લોકો માટે હૃદય અને આત્માનો તહેવાર છે. તફાવતો દૂર કરે છે અને તે મનુષ્યો અને પ્રકૃતિ વચ્ચે સંપૂર્ણ સંવાદિતાનું પ્રતીક છે."

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, ભારતની વિશેષતા તેની પરંપરાઓ છે, જે હજારો વર્ષોથી દરેક ભારતીયને એકબીજા સાથે જોડે છે. તેમણે નિરીક્ષણ કર્યું કે રાષ્ટ્ર ગુલામીના અંધકારમય સમયની સામે એક સાથે ઊભું હતું અને ભારતની સંસ્કૃતિ અને વારસા પર અસંખ્ય આપત્તિઓ સહન કરી હતી. તેમણે એ વાત પર ભાર મૂક્યો હતો કે હિંદમાં આવતા-જતા રહેલાં સત્તાઓ અને શાસકોમાં અસંખ્ય ફેરફારો જોવા મળ્યા હોવા છતાં ભારત અમર જ રહ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "દરેક ભારતીયની ચેતના દેશની માટી અને પરંપરાઓમાંથી બનેલી છે અને તે વિકસિત ભારતનો પાયો પણ છે."    

પ્રસિદ્ધ લેખક અને સિનેમા વ્યક્તિત્વ જ્યોતિ પ્રસાદ આગરવાલાનાં ગીત બિસ્વા બિજોય નોજવાનને યાદ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ ગીત આસામ અને સમગ્ર ભારતના યુવાનો માટે પ્રેરણાનો સ્ત્રોત બની ગયું છે. શ્રી મોદીએ ઉપસ્થિત લોકોની તાળીઓના ગડગડાટ સાથે ગીતનું વર્ણન કર્યું હતું. તેમણે સમજાવ્યું હતું કે, આ ગીત ભારતનાં યુવાનોને ભારત માતાનાં આહ્વાનને સાંભળવા અને પરિવર્તનના અસરકર્તા બનવા પ્રોત્સાહન આપે છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "આ ગીત ત્યારે લખાયું હતું, જ્યારે સ્વતંત્ર ભારત એ સૌથી મોટું સ્વપ્ન હતું, આજે જ્યારે આપણે સ્વતંત્ર છીએ, ત્યારે વિકસિત ભારત સૌથી મોટું સ્વપ્ન છે." પ્રધાનમંત્રીએ ભારત અને આસામના યુવાનોને આગળ વધવા અને વિકસિત ભારતનાં દ્વાર ખોલવા અપીલ કરી હતી.

તેમણે આટલા મોટા લક્ષ્યાંકો કેવી રીતે હાંસલ કર્યા છે અને વિકસિત ભારત માટે કોણ જવાબદાર છે એ વિશે લોકો સાથેની વાતચીત વિશે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ દેશના લોકો અને 140 કરોડ ભારતીય નાગરિકોમાં વિશ્વાસ ધરાવે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, નાગરિકના માર્ગમાં આવતા કોઈપણ અવરોધોને સરકાર અત્યંત પ્રામાણિકતાથી દૂર કરવાનો પ્રયાસ કરે છે અને આજની પરિયોજનાઓ તેનું એક ઉજ્જવળ ઉદાહરણ છે. 

પ્રધાનમંત્રીએ એ વાત પણ યાદ કરી હતી કે, ઘણા લાંબા સમય સુધી કનેક્ટિવિટી વિશે એકથી બીજા બિંદુ સુધી પહોંચવા માટે ખૂબ જ સંકુચિત અર્થમાં માનવામાં આવતું હતું. આજે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કનેક્ટિવિટી તરફનો સંપૂર્ણ અભિગમ બદલાઈ ગયો છે. તેમણે કહ્યું હતું કે, અત્યારે કનેક્ટિવિટી એ ચાર પાંખિયાનું સાહસ (મહાયજ્ઞ) છે. તેમણે કહ્યું હતું કે, આ ચાર પાસાં છે – ભૌતિક જોડાણ, ડિજિટલ કનેક્ટિવિટી, સામાજિક જોડાણ અને સાંસ્કૃતિક જોડાણ.

સાંસ્કૃતિક જોડાણનો ઉલ્લેખ કરીને શ્રી મોદીએ દિલ્હીમાં મહાન આસામી યોદ્ધા લચિત બોરફૂકનના 400મા વર્ષની ભવ્ય ઉજવણીનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે રાની ગાઈદિન્લ્યુ, કાશી તમિલ સંગમમ્‌, સૌરાષ્ટ્ર તમિલ સંગમમ્‌ અને કેદારનાથ-કામાખ્યા વિશે વાત કરીને સાંસ્કૃતિક જોડાણનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તેમણે કહ્યું હતું કે, "આજે દરેક વિચાર અને સંસ્કૃતિ વચ્ચેનું જોડાણ વધારે ગાઢ બની રહ્યું છે." તેમણે મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાની તાજેતરની માધવપુર મેળાની મુલાકાતનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, કૃષ્ણ ઋકમણિનું આ જોડાણ પૂર્વોત્તરને પશ્ચિમ ભારત સાથે જોડે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે મુગા સિલ્ક પછી તેજપુર લેસુ, જોહા રાઇસ, બોકા ચૌલ, કાજી નેમુ; અને હવે ગામોસાને જીઆઈ ટેગ પણ મળ્યું છે, આ અમારી બહેનોની આસામી કળા અને શ્રમ સાહસને દેશના બાકીના ભાગોમાં લઈ જવાનો પ્રયાસ છે, એમ તેમણે ઉમેર્યું હતું.

ભારતની વિવિધ સંસ્કૃતિઓ વિશે સમગ્ર વિશ્વમાં પ્રવાસનનાં માધ્યમથી થઈ રહેલી વાતચીતનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જે પ્રવાસીઓ આ સ્થળોની મુલાકાત લે છે, તેઓ માત્ર અનુભવ પાછળ જ નાણાં ખર્ચતા નથી, પણ સંસ્કૃતિનો હિસ્સો પોતાની સાથે યાદોમાં પણ લે છે. જો કે, પ્રધાનમંત્રીએચાલુ રાખ્યું હતું કે, પૂર્વોત્તરમાં ભૌતિક જોડાણના અભાવનો મુદ્દો હંમેશા રહ્યો છે, જેને વર્તમાન સરકાર દ્વારા આ ક્ષેત્રમાં માર્ગ, રેલ અને હવાઈ જોડાણ પર ભાર મૂકીને ઉકેલવામાં આવી રહ્યો છે. છેલ્લાં 9 વર્ષમાં કનેક્ટિવિટીનું વિસ્તરણ કરવામાં પ્રાપ્ત થયેલી સફળતાઓ પર પ્રકાશ ફેંકતા પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, ઉત્તરપૂર્વનાં મોટા ભાગનાં ગામડાઓને સંપૂર્ણ માર્ગીય કનેક્ટિવિટી, નવા એરપોર્ટ કે જે કાર્યરત થયાં છે અને પ્રથમ વખત વ્યાવસાયિક ઉડાનોનું ઉતરાણ થયું છે, મણિપુર અને ત્રિપુરામાં બ્રોડગેજ ટ્રેનો પહોંચી છે, પૂર્વોત્તરમાં અગાઉ કરતાં ત્રણ ગણી ઝડપથી નવી રેલવે લાઇનનું નિર્માણ થઈ રહ્યું છે, અને રેલવે લાઇનોનું ડબલિંગ અગાઉની સરખામણીએ લગભગ 10 ગણી ઝડપે થઈ રહ્યું છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આજે રૂ. 6,000 કરોડથી વધારેનાં મૂલ્યના 5 રેલવે પ્રોજેક્ટ્સનું ઉદ્‌ઘાટન થયું છે, જે આસામ સહિત આ વિસ્તારના મોટા ભાગના વિકાસને વેગ આપશે. પ્રધાનમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, આસામના મોટા હિસ્સામાં રેલવે સૌપ્રથમ વખત પહોંચી છે અને રેલવે લાઇનને બમણી કરવાથી આસામ તેમજ મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને નાગાલેન્ડને સરળતાથી કનેક્ટિવિટી મળશે. તેમણે એમ પણ નોંધ્યું હતું કે, આસ્થા અને પર્યટનનાં સ્થળોની મુસાફરી હવે સરળ થઈ જશે.

પ્રધાનમંત્રીએ તેઓ જ્યારે બોગીબીલ પુલ અને ધોલા-સાદિયા - ભૂપેન હઝારિકા પુલનાં લોકાર્પણ માટે આવ્યા હતા એ સમયને યાદ કર્યો હતો. તેમણે છેલ્લાં 9 વર્ષમાં નવા પ્રોજેક્ટ્સની ઝડપ અને વ્યાપ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, બ્રહ્મપુત્રા નદી પર પુલોનું નેટવર્ક છેલ્લાં 9 વર્ષમાં થયેલી કામગીરીનું પરિણામ છે અને આજના પુલ પ્રોજેક્ટ સાથે આ પુલો ખુઆલકુસી સિલ્ક ઉદ્યોગને લાભ આપશે.

ડબલ એન્જિન ધરાવતી સરકારે છેલ્લાં 9 વર્ષમાં સામાજિક જોડાણ વધારવા માટે જે કામગીરી કરી છે, તેના પર પ્રકાશ ફેંકતા પ્રધાનમંત્રીએ જેનાં પરિણામે લાખો ગામડાંઓ ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત બન્યાં હતાં એ સ્વચ્છ ભારત અભિયાન, કરોડો લોકોને ઘર પૂરાં પાડવામાં કરવામાં મદદ કરી એવી પીએમ આવાસ યોજના, વીજળી માટે સૌભાગ્ય યોજનાગેસ સિલિન્ડરો માટે ઉજ્જવલા યોજના અને પાણીના પુરવઠા માટે જલ જીવન મિશનનાં ઉદાહરણો ટાંક્યાં હતાં. પ્રધાનમંત્રીએ ડિજિટલ ઇન્ડિયા મિશન અને સસ્તા ડેટાનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેણે નાગરિકોનાં જીવનને સરળ બનાવ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "આ તમામ ઘરો, આ તમામ પરિવારો મહત્ત્વાકાંક્ષી ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. આ ભારતની તાકાત છે, જે વિકસિત ભારતનું સપનું સાકાર કરશે."

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, વિકાસ માટે વિશ્વાસનો તંતુ પણ એટલો જ મજબૂત હોવો જોઈએ. તેમણે કહ્યું હતું કે, "અમારી સરકારના પ્રયાસોને કારણે આજે પૂર્વોત્તરમાં દરેક જગ્યાએ કાયમી શાંતિ છે. ઘણા યુવાનો હિંસાનો માર્ગ છોડીને વિકાસના માર્ગે ચાલવા લાગ્યા છે. પૂર્વોત્તરમાં અવિશ્વાસનું વાતાવરણ દૂર થઈ રહ્યું છે, હૃદય વચ્ચેનું અંતર અદૃશ્ય થઈ રહ્યું છે." તેમણે અંતમાં કહ્યું, "સ્વતંત્રતાના અમૃત કાળમાં એક વિકસિત ભારતનું નિર્માણ કરવા માટે, આપણે આ વાતાવરણને વધારવું પડશે. આપણે સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસની ભાવના સાથે આગળ વધવાનું છે."

આ પ્રસંગે આસામના રાજ્યપાલ શ્રી ગુલાબચંદ કટારિયા, આસામના મુખ્યમંત્રી શ્રી હિમંત બિસ્વા સરમા, કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ, કેન્દ્રીય બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રી શ્રી સર્વાનંદ સોનોવાલ, કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ રાજ્ય મંત્રી શ્રી રામેશ્વર તેલી તથા આસામ સરકારના મંત્રી ઉપસ્થિત રહ્યા હતા.

પશ્ચાદભૂમિકા

પ્રધાનમંત્રીએ બ્રહ્મપુત્રા નદી પર પલાશબારી અને સુઆલ્કુચીને જોડતા પુલનો શિલાન્યાસ કર્યો હતો. આ પુલ આ વિસ્તારમાં ખૂબ જ જરૂરી કનેક્ટિવિટી પ્રદાન કરશે. તેમણે દિબ્રુગઢના નામરૂપ ખાતે ૫૦૦ ટીપીડી મિથેનોલ પ્લાન્ટ પણ શરૂ કર્યો. તેઓ પાંચ રેલવે પ્રોજેક્ટ્સનું ઉદ્‌ઘાટન પણ કર્યું, જેમાં આ વિસ્તારમાં વિવિધ વિભાગોનું ડબલિંગ અને ઇલેક્ટ્રિફિકેશન સામેલ છે.

જે રેલવે પરિયોજનાઓનું ઉદ્‌ઘાટન થઈ રહ્યું છે તેમાં દિગારુ- લુમડિંગ સેક્શન; ગૌરીપુર - અભયપુરી વિભાગ; નવા બોંગાઇગાંવ - ધૂપ ધરા સેક્શનનું ડબલિંગ; રાનીનગર જલપાઇગુડી -ગુવાહાટી સેક્શનનું ઇલેક્ટ્રિફિકેશન; સેંચોઆ - સિલઘાટ ટાઉન અને સેંચોઆ - મીરાબારી વિભાગનું વિદ્યુતીકરણ સામેલ છે.

પ્રધાનમંત્રીએ શિવસાગરમાં રંગ ઘરનાં બ્યુટિફિકેશન માટેની યોજનાનો શિલાન્યાસ પણ કર્યો હતો, જે આ સ્થળે પ્રવાસીઓની સુવિધાઓમાં વધારો કરશે. રંગ ઘરની સુંદરતા માટેના આ પ્રોજેક્ટમાં વિશાળ જળાશયની આસપાસ બાંધવામાં આવેલા ફાઉન્ટેન શૉ અને અહોમ રાજવંશના ઇતિહાસને પ્રદર્શિત કરવા, સાહસિક બોટ રાઇડ્સ માટે જેટી સાથેનું બોટ હાઉસ, સ્થાનિક હસ્તકળાના સંવર્ધન માટે કારીગર ગામ, ખાદ્યપ્રેમીઓ માટે વિવિધ વંશીય વાનગીઓ વગેરે જેવી સુવિધાઓ ઉપલબ્ધ થશે. શિવસાગરમાં સ્થિત રંગ ઘર અહોમ સંસ્કૃતિઓ અને પરંપરાઓને દર્શાવવા માટેનું એક ખૂબ જ આઇકોનિક માળખું છે. તેનું નિર્માણ 18મી સદીમાં અહોમ રાજા, સ્વર્ગદેવ પ્રમત સિંઘા દ્વારા કરવામાં આવ્યું હતું.

પ્રધાનમંત્રી મેગા બિહુ નૃત્યના પણ સાક્ષી બન્યા હતા, જેનું આયોજન આસામના બિહુ નૃત્યને આસામી લોકોની સાંસ્કૃતિક ઓળખ અને જીવનનાં માસ્કોટ તરીકે વૈશ્વિક સ્તરે પ્રદર્શિત કરવા માટે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં એક જ સ્થળે 10,000થી વધુ બિહુ કલાકારોએ ભાગ લીધો અને એક જ સ્થળે વિશ્વનાં સૌથી મોટા બિહુ નૃત્ય પ્રદર્શનની કેટેગરીમાં નવો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો પ્રયાસ કર્યો. તેમાં રાજ્યના ૩૧ જિલ્લાના કલાકારો જોવા મળે છે.

YP/GP/JD



(Release ID: 1916688) Visitor Counter : 239