પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ કર્ણાટકના મૈસુરમાં ‘પ્રોજેક્ટ ટાઇગરના 50 વર્ષની સ્મૃતિ’ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું


આંતરરાષ્ટ્રીય બિગ કેટ્સ ગઠબંધનનો પ્રારંભ કર્યો

વાઘની સંખ્યા 3167 હોવાનું જાહેર કર્યું

વાઘના સંરક્ષણ સંદર્ભે સ્મૃતિ સિક્કો અને કેટલાંક પ્રકાશનો બહાર પાડ્યાં

"પ્રોજેક્ટ ટાઇગરને મળેલી સફળતા એ માત્ર ભારત માટે જ નહીં પરંતુ આખી દુનિયા માટે ગૌરવની ક્ષણ છે"

"ભારત ઇકોલોજી અને અર્થતંત્ર વચ્ચેના ઘર્ષણમાં નથી માનતું, તે બંનેના સહઅસ્તિત્વને સમાન મહત્વ આપે છે"

"ભારત એક એવો દેશ છે જ્યાં પ્રકૃતિનું રક્ષણ કરવું એ તેની સંસ્કૃતિનો જ એક ભાગ છે"

"બિગ કેટ વર્ગના પ્રાણીઓની હાજરીથી દરેક જગ્યાએ સ્થાનિક લોકોના જીવન અને ઇકોલોજી પર સકારાત્મક અસર પડી છે"

"વન્યજીવ સંરક્ષણ એ માત્ર કોઇ એક દેશનો મુદ્દો નથી પરંતુ સાર્વત્રિક મુદ્દો છે"

"આંતરરાષ્ટ્રીય બિગ કેટ્સ ગઠબંધન દ્વારા દુનિયાના 7 મુખ્ય બિગ કેટ વર્ગના પ્રાણીઓના સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરાશે"

"માનવજાત માટે સારું ભવિષ્ય ત્યારે જ શક્ય છે જ્યારે પર્યાવરણ સુરક્ષિત રહે અને જૈવવિવિધતાનું સતત વિસ્તરણ થતું રહે"

Posted On: 09 APR 2023 2:52PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કર્ણાટકના મૈસુરમાં આવેલી મૈસુર યુનિવર્સિટી ખાતે પ્રોજેક્ટ ટાઇગરના 50 વર્ષની સ્મૃતિ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રીએ આ કાર્યક્રમ દરમિયાન આંતરરાષ્ટ્રીય બિગ કેટ્સ ગઠબંધન (IBCA)નો પણ પ્રારંભ કર્યો હતો. તેમણે અમૃતકાળ વિઝન ફોર ટાઇગર કન્ઝર્વેશન પ્રકાશનોનું પણ વિમોચન કર્યું હતું જે વાઘના વન આરક્ષિત વિસ્તારોના સંચાલનની અસરકારકતાના મૂલ્યાંકનના 5મા રાઉન્ડનો સારાંશ અહેવાલ છે, તેમજ વાઘની સંખ્યા જાહેર કરી હતી અને ઓલ ઇન્ડિયા ટાઇગર એસ્ટીમેશન (5મો રાઉન્ડ)નો સારાંશ અહેવાલ પણ બહાર પાડ્યો. તેમણે પ્રોજેક્ટ ટાઇગરના 50 વર્ષ પૂરા થવાના પ્રસંગને અંકિત કરવા માટે એક સ્મૃતિ સિક્કો પણ બહાર પાડ્યો હતો.

આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધન આપતા પ્રધાનમંત્રીએ ભારતમાં વાઘની વસ્તીમાં થઇ રહેલી વૃદ્ધિની પ્રતિષ્ઠાપૂર્ણ ક્ષણ અંગે ટિપ્પણી કરી હતી અને વાઘને સ્ટેન્ડિંગ ઓવેશન (ઉભા થઇને) આપીને સન્માન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, પ્રોજેક્ટ ટાઇગરના આજે 50 વર્ષ પૂરાં કરી રહ્યા છે તેની સીમાચિહ્નરૂપ ઘટનાના દરેક લોકો સાક્ષી બન્યા છે અને વધુમાં ટિપ્પણી કરી હતી કે, આ પ્રોજેક્ટને મળેલી સફળતા માત્ર ભારત માટે જ નહીં પરંતુ આખી દુનિયા માટે ગૌરવની ક્ષણ છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતે માત્ર વાઘની વસ્તીને ઘટતી જ નથી અટકાવી પરંતુ વાઘનો વિકાસ થઇ શકે તેવી એક ઇકોસિસ્ટમ પણ પૂરી પાડી છે. પ્રધાનમંત્રીએ ભારતની આઝાદીના 75માં વર્ષમાં વિશ્વની 75% વાઘની વસ્તી ભારતમાં હોવાની ખુશી વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રીએ આગળ જણાવ્યું હતું કે, ભારતમાં વાઘના વન આરક્ષિત વિસ્તારનું ક્ષેત્રફળ 75,000 ચોરસ કિલોમીટર જમીનને આવરી લે છે અને છેલ્લા દસથી બાર વર્ષમાં દેશમાં વાઘની વસ્તીમાં 75 ટકાનો વધારો થયો છે તે પણ એક સંયોગ જ છે.

અન્ય દેશોમાં વાઘની સંખ્યા સ્થિરત છે અથવા તેમાં ઘટાડો થઇ રહ્યો છે તેનાથી વિપરિત ભારતમાં વાઘની વસતીમાં થઇ રહેલી વૃદ્ધિ વિશે દુનિયાભરના વન્યજીવ પ્રેમીઓના મનમાં ઉઠી રહેલા પ્રશ્નનો પુનરોચ્ચાર કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની પરંપરાઓ અને સંસ્કૃતિમાં અને તેની જૈવવિવિધતા તેમજ પર્યાવરણ પ્રત્યે તેની કુદરતી ઇચ્છામાં આ પ્રશ્નોનો જવાબ છુપાયેલો છે. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, "ભારત ઇકોલોજી અને અર્થતંત્ર વચ્ચેના ઘર્ષણમાં નથી માનતું અને બંનેના સહઅસ્તિત્વને સમાન મહત્વ આપે છે". ભારતના ઇતિહાસમાં વાઘના મહત્વને યાદ કરતાં પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, મધ્ય પ્રદેશમાં દસ હજાર વર્ષ જૂની પથ્થરો પરના ચિત્રોની કળા પર વાઘની ચિત્રાત્મક રજૂઆત જોવા મળી હતી. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, મધ્ય ભારતમાંથી ભરિયા સમુદાય અને મહારાષ્ટ્રના વરલી સમુદાય સહિત અન્ય લોકો વાઘની પૂજા કરે છે, જ્યારે ભારતમાં ઘણા સમુદાયો વાઘને મિત્ર અને ભાઇ માને છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે માતા દુર્ગા અને ભગવાન અયપ્પાની સવારી પણ વાઘ જ છે.

વન્યજીવોના સંરક્ષણમાં ભારતે મેળવેલી અનન્ય સિદ્ધિઓની નોંધ લેતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "ભારત એક એવો દેશ છે જ્યાં પ્રકૃતિનું રક્ષણ કરવું એ તેની સંસ્કૃતિનો જ એક ભાગ છે". તેમણે એવો ઉલ્લેખ કર્યો હતો કે, દુનિયાનો માત્ર 2.4 ટકા જમીન વિસ્તાર ભારતમાં છે પરંતુ જાણીતી વૈશ્વિક જૈવવિવિધતામાં ભારતનું યોગદાન 8 ટકા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારત સમગ્ર દુનિયામાં વાઘની સૌથી મોટી રેન્જ ધરાવતો દેશ છે, લગભગ ત્રીસ હજાર હાથીઓ સાથે દુનિયામાં એશિયાટિક હાથીની સૌથી મોટી રેન્જ ધરાવતો દેશ છે અને એક શ્રૃંગી ગેંડાની લગભગ ત્રણ હજારની વસ્તી સાથે ગેંડાની આ પ્રજાતિની સૌથી વધુ સંખ્યા ધરાવતો દેશ છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું હતું કે, ભારત સમગ્ર દુનિયાનો એકમાત્ર એવો દેશ છે કે જ્યાં એશિયાટીક સિંહો વસે છે અને તેની વસ્તી 2015માં આશરે 525 હતી જે વધીને 2020માં 675 જેટલી થઇ ગઇ છે. તેમણે ભારતમાં દીપડાની વસ્તી અંગે પણ વાત કરી હતી અને જણાવ્યું હતું કે 4 વર્ષમાં દીપડાની સંખ્યામાં 60 ટકાથી વધુનો વધારો થયો છે. ગંગા જેવી નદીઓની સફાઇ કરવા માટે ચાલી રહેલી કામગીરીનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ એ બાબતે પ્રકાશ પાડ્યો હતો કે, એક સમયે જોખમમાં ગણાતી કેટલીક જળચર પ્રજાતિઓની સંખ્યામાં હવે સુધારો જોવા મળ્યો છે. તેમણે આ સિદ્ધિઓનો શ્રેય લોકોની ભાગીદારી અને સંરક્ષણની સંસ્કૃતિને આપ્યો હતો.

પ્રધાનમંત્રીએ ભારતમાં હાથ ધરવામાં આવેલા કામની નોંધ લેતા ટિપ્પણી કરી હતી કે, "વન્યજીવો તેમની વસ્તી વધારી શકે તે માટે ઇકોસિસ્ટમનો વિકાસ કરવો મહત્વપૂર્ણ છે". તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, દેશે તેના રામસર સ્થળોની યાદીમાં 11 વેટલેન્ડ (જળ સંતૃપ્ત જમીનો)નો ઉમેર્યો કર્યો છે અને રામસર સ્થળોની કુલ સંખ્યા 75 સુધી પહોંચી ગઇ છે. તેમણે એવું પણ નોંધ્યું હતું કે, ભારતે 2019ની સરખામણીમાં 2021 સુધીમાં 2200 ચોરસ કિલોમીટરથી વધુ જંગલો અને વનાવરણનો ઉમેરો કર્યો છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વિતેલા દાયકામાં સામુદાયિક વન આરક્ષિત વિસ્તારોની સંખ્યા 43 હતી જે વધીને 100 કરતાં પમ વધુ થઇ ગઇ છે અને રાષ્ટ્રીય ઉદ્યાનો તેમજ અભયારણ્યોની સંખ્યા કે જેની આસપાસ ઇકો-સેન્સિટિવ ઝોન જાહેર કરવામાં આવ્યા હતા તે પણ એક દાયકામાં 9 થી વધીને 468 થઇ ગયા છે.

પ્રધાનમંત્રી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે વન્યજીવ સંરક્ષણ અંગેના પોતાના અનુભવને યાદ કરીને સિંહની વસ્તી માટે કરવામાં આવેલા કામ કરવાનો ઉલ્લેખ કર્યો હતો અને ભારપૂર્વક જણાવ્યું હતું કે, એક ભૌગોલિક વિસ્તાર સુધી મર્યાદિત રહેવાથી જંગલી પ્રાણીને બચાવી શકાય નહીં. તેમણે સ્થાનિક લોકો અને પ્રાણી વચ્ચે લાગણી તેમજ અર્થતંત્રનો સંબંધ સ્થાપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ ગુજરાતમાં વન્યજીવ મિત્ર કાર્યક્રમ શરૂ કરવા પર પ્રકાશ પાડ્યો હતો, જેમાં શિકાર જેવી પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખવા બદલ રોકડ પુરસ્કાર આપવામાં આવે છે. તેમણે ગીરના સિંહો માટે પુનર્વસન કેન્દ્ર ખોલવાનો અને ગીર વિસ્તારમાં વન વિભાગમાં મહિલા-બીટ ગાર્ડ અને ફોરેસ્ટરની ભરતી કરવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે હાલમાં ગીરમાં સ્થાપવામાં આવેલી પ્રવાસન અને ઇકોટુરિઝમની વિશાળ ઇકોસિસ્ટમ પર પણ પ્રકાશ પાડ્યો હતો.

પ્રોજેક્ટ ટાઇગરની સફળતાના ઘણા પરિમાણો છે અને તેના કારણે પર્યટનની પ્રવૃત્તિમાં વધારો થયો છે, જાગૃતિ કાર્યક્રમો અને વાઘ માટેના વન આરક્ષિત વિસ્તારોમાં માણસો અને પ્રાણીઓ વચ્ચેના ઘર્ષણમાં ઘટાડો થયો છે તેનો પણ પ્રધાનમંત્રીએ પુનરોચ્ચાર કર્યો હતો. શ્રી મોદીએ ઉમેર્યું હતું કે, "બિગ કેટ વર્ગના પ્રાણીઓની હાજરીથી દરેક જગ્યાએ સ્થાનિક લોકોના જીવન અને ઇકોલોજી પર સકારાત્મક અસર પડી છે".

પ્રધાનમંત્રીએ દાયકાઓ પહેલાં ભારતમાંથી ચિત્તા લુપ્ત થઇ ગયા હતા તે વાત પર પ્રકાશ પાડીને, નામીબિયા અને દક્ષિણ આફ્રિકાથી ભારતમાં લાવવામાં આવેલા ચિત્તાનો ઉલ્લેખ કરીને બિગ કેટ વર્ગના પ્રાણીઓના પ્રથમ સફળ આંતરખંડીય સ્થળાંતરણનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે એ વાત પણ યાદ કરી હતી કે, કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં થોડા દિવસો પહેલાં ચિત્તાના 4 સુંદર બચ્ચાનો જન્મ થયો છે. અને તેમણે કહ્યું હતું કે લગભગ 75 વર્ષ પહેલાં લુપ્ત થયા બાદ ભારતની ધરતી પર ચિતાએ જન્મ લીધો છે. તેમણે જૈવવિવિધતાના સંરક્ષણ અને સમૃદ્ધિ માટે આંતરરાષ્ટ્રીય સહયોગના મહત્વ પર ભાર મૂક્યો હતો.

પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય જોડાણની જરૂરિયાત પર ભાર મૂકતા જણાવ્યું હતું કે "વન્યજીવ સંરક્ષણ એ માત્ર કોઇ એક દેશનો મુદ્દો નથી પરંતુ સાર્વત્રિક મુદ્દો છે". પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, વર્ષ 2019માં તેમણે વિશ્વ વાઘ દિવસના રોજ એશિયામાં વન્યજીવોના શિકાર અને ગેરકાયદેસર વેપાર સામે ગઠબંધન માટે આહવાન કર્યું હતું, અને ટિપ્પણી કરી હતી કે આંતરરાષ્ટ્રીય બિગ કેટ ગઠબંધનમાં આ ભાવનાને આગળ વધારવામાં આવી છે. પ્રધાનમંત્રીએ તેના ફાયદાઓની નોંધ લેતા કહ્યું હતું કે, ભારત સહિત વિવિધ દેશોના અનુભવોમાંથી ઉદ્દભવેલા સંવર્ધન અને સંરક્ષણ એજન્ડાને સરળતાથી અમલમાં મૂકતી વખતે બિગ કેટ વર્ગના પ્રાણીઓ સાથે સંકળાયેલી સમગ્ર ઇકોસિસ્ટમ માટે નાણાકીય અને ટેકનિકલ સંસાધનો એકત્ર કરવાનું સરળ બનશે. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, "આંતરરાષ્ટ્રીય બિગ કેટ ગઠબંધન દ્વારા વિશ્વના 7 મુખ્ય બિગ કેટ વર્ગના પ્રાણીઓના સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે જેમાં વાઘ, સિંહ, દીપડા, હિમ દીપડા, પુમા, જગુઆર અને ચિત્તા" સામેલ છે, અને આગળ સમજાવ્યું હતું કે, જે દેશો આવા પ્રાણઓના ગૃહ સ્થાન છે તેઓ આ ગઠબંધનનો હિસ્સો રહેશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સભ્ય દેશો તેમના અનુભવોનું આદાનપ્રદાન કરી શકશે, તેમના સાથી દેશને વધુ ઝડપથી મદદ કરી શકશે અને સંશોધન, તાલીમ તેમજ ક્ષમતા નિર્માણ પર ભાર મુકશે. શ્રી મોદીએ ટિપ્પણી કરી હતી કે, "સાથે મળીને આપણે આ પ્રજાતિઓને લુપ્ત થવાથી બચાવીશું, અને એક સુરક્ષિત તેમજ સ્વસ્થ ઇકોસિસ્ટમનું નિર્માણ કરીશું".

ભારતની G20ની અધ્યક્ષતા માટે એક ધરતી, એક પરિવાર, એક ભવિષ્યના સૂત્ર પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, માનવજાત માટે વધુ સારું ભવિષ્ય ત્યારે જ શક્ય છે જ્યારે આપણું પર્યાવરણ સુરક્ષિત રહે અને આપણી જૈવવિવિધતાનું સતત વિસ્તરણ થતું રહે તે સંદેશો આ સૂત્રને આગળ ધપાવે છે. તેમણે પુનરોચ્ચાર કર્યો હતો કે, "આ જવાબદારી આપણા સૌની છે, આ જવાબદારી આખી દુનિયાની છે". COP26નો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતે મોટા અને મહત્વાકાંક્ષી લક્ષ્યો નિર્ધારિત કર્યાં છે અને પરસ્પર સહયોગમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે, જે પર્યાવરણના સંરક્ષણ માટે દરેક લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મદદ કરી શકે છે.

આ પ્રસંગે ઉપસ્થિત વિદેશી મહેમાનો અને મહાનુભાવો તરફ પોતાના સંબોધનનું નિર્દેશન કરતીને પ્રધાનમંત્રીએ તેમને ભારતના આદિવાસી સમાજના જીવન અને પરંપરાઓમાંથી કંઇક પાછું મેળવવાનો અનુરોધ કર્યો હતો. તેમણે સહ્યાદ્રી અને પશ્ચિમ ઘાટના પ્રદેશો પર પ્રકાશ પાડ્યો હતો, જ્યાં આદિવાસી સમુદાયો વસવાટ કરે છે અને જણાવ્યું હતું કે, તેઓ સદીઓથી વાઘ સહિત દરેક જૈવવિવિધતાને સમૃદ્ધ બનાવવામાં જોડાયેલા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, પ્રકૃતિ પાસેથી લેવાની અને તેને પાછું કંઇક આપીને સંતુલન કરવાની આદિવાસી સમાજની પરંપરા પણ અહીં અપનાવી શકાય. પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનનું સમાપન કરતી વખતે ઓસ્કાર વિજેતા ડોક્યુમેન્ટ્રી ધ એલિફન્ટ વ્હીસ્પર્સનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, તે ફિલ્મમાં કુદરત અને પ્રાણી વચ્ચેના અદ્ભુત સંબંધના આપણા વારસાને પ્રતિબિંબિત કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રીએ અંતમાં જણાવ્યું હતું કે, "આદિવાસી સમાજની જીવનશૈલી પણ મિશન LiFE એટલે કે પર્યાવરણ માટેની જીવનશૈલીની દૂરંદેશીને સમજવામાં ઘણી મદદ કરે છે".

આ પ્રસંગે કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી શ્રી ભૂપેન્દર યાદવ અને કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન રાજ્ય મંત્રી શ્રી અશ્વિની કુમાર ચૌબે સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

પૃષ્ઠભૂમિ

પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય બિગ કેટ્સ ગઠબંધન (IBCA)નો પ્રારંભ કર્યો હતો. જુલાઇ 2019માં, પ્રધાનમંત્રીએ એશિયામાં વન્યજીવોના શિકાર અને ગેરકાયદેસર વેપારને નિશ્ચિતપણે રોકવા માટે વૈશ્વિક નેતાઓના ગઠબંધન માટે આહ્વાન કર્યું હતું. પ્રધાનમંત્રીના સંદેશને આગળ વધારીને, આંતરરાષ્ટ્રીય બિગ કેટ્સ ગઠબંધનનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે જે દુનિયામાં સાત મુખ્ય બિગ કેટ વર્ગના પ્રાણીઓના સંવર્ધન અને સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ પ્રાણોમાં વાઘ, સિંહ, દીપડા, હીમ દીપડા, પુમા, જગુઆર અને ચિત્તા છે અને આ પ્રજાતિઓનું ગૃહ સ્થાન હોય તેવા દેશો આ ગઠબંધનમાં સભ્ય રહેશે.

YP/GP/JD


(Release ID: 1915079) Visitor Counter : 453