પ્રધાનમંત્રીનું કાર્યાલય
ભોપાલ અને નવી દિલ્હી વચ્ચે વંદે ભારત એક્સપ્રેસને લીલીઝંડી બતાવીને શુભારંભ કરવાના કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Posted On:
01 APR 2023 6:35PM by PIB Ahmedabad
ભારત માતાની જય,
ભારત માતાની જય,
મધ્યપ્રદેશના રાજ્યપાલ શ્રી મંગુભાઇ પટેલ, મુખ્યમંત્રી શિવરાજજી, રેલ્વે મંત્રી અશ્વિનીજી અન્ય તમામ મહાનુભાવો અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલા ભોપાલના મારા વ્હાલા ભાઇઓ તેમજ બહેનો!
સૌથી પહેલા તો, હું ઇન્દોર મંદિરમાં રામ નવમીના દિવસે જે દુર્ઘટના બની હતી તે અંગે મારું દુઃખ વ્યક્ત કરું છું. આ દુર્ઘટનામાં જે લોકો આપણને અકાળે છોડીને ચાલ્યા ગયા તેમને હું શ્રદ્ધાંજલિ આપું છું, તેમના પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા ઇજાગ્રસ્ત ભક્તો ઝડપથી સાજા થઇ જાય તેવી પણ હું પ્રાર્થના કરું છું.
મિત્રો,
આજે મધ્યપ્રદેશને તેની પહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન મળી છે. વંદે ભારત એક્સપ્રેસથી ભોપાલ અને દિલ્હી વચ્ચેની મુસાફરીને વધુ ઝડપી થઇ જશે. આ ટ્રેન વ્યાવસાયિકો માટે, યુવાનો માટે અને ઉદ્યોગપતિઓ માટે નવી નવી સુવિધાઓ લઇને આવશે.
મિત્રો,
આ કાર્યક્રમનું આયોજન જે જે આધુનિક અને ભવ્ય રાણી કમલાપતિ સ્ટેશન પર થઇ રહ્યું છે તેનું લોકાર્પણ કરવાનું સૌભાગ્ય પણ આપ સૌએ મને આપ્યું છે. આજે, તમે મને અહીંથી દિલ્હી સુધીની ભારતની સૌથી આધુનિક વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવીને તેનો શુભારંભ કરવાની તક પણ આપી છે. રેલ્વેના ઇતિહાસમાં એવું ભાગ્યે જ બન્યું હશે કે આટલા ટૂંકા સમયગાળામાં એક જ સ્ટેશન પર કોઇ પ્રધાનમંત્રી ફરી આવ્યા હોય. પરંતુ આધુનિક ભારતમાં નવી વ્યવસ્થાઓનું નિર્માણ થઇ રહ્યું છે, નવી પરંપરાઓ રચાઇ રહી છે. આજનો આ કાર્યક્રમ પણ તેનું એક ઉત્તમ ઉદાહરણ છે.
મિત્રો,
હમણાં જ અહીં, મેં મુસાફર તરીકે અહીંથી જઇ રહેલા આપણા શાળાના બાળકો સાથે થોડી ક્ષણો વિતાવી અને તેમની સાથે સંવાદ પણ કર્યો. તેમની અંદર ટ્રેન વિશે જે ઉત્સુકતા અને ઉત્સાહ મને દેખાયા હતા તે ખરેખર જોવા લાયક હતા. એટલે કે એક રીતે જોવામાં આવે તો વંદે ભારત ટ્રેન વિકસિત થઇ રહેલા ભારતના ઉત્સાહ અને લહેરનું પ્રતીક છે. અને આજે જ્યારે આ કાર્યક્રમ નક્કી થઇ રહ્યો હતો ત્યારે મને કહેવામાં આવ્યું હતું કે 1લી તારીખે એક કાર્યક્રમ છે. મેં કહ્યું ભાઇ, પહેલી એપ્રિલે કેમ રાખો છો. જ્યારે અખબારમાં સમાચાર આવશે કે 1 એપ્રિલે મોદીજી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપવા જઇ રહ્યા છે, ત્યારે આપણા કોંગ્રેસી મિત્રો ચોક્કસપણે નિવેદન આપશે કે આ મોદી તો એપ્રિલ ફૂલ બનાવશે. પરંતુ તમે જુઓ, આ ટ્રેન 1લી એપ્રિલના દિવસે જ શરૂ કરવામાં આવી છે.
મિત્રો,
તે આપણી કૌશલ્ય, આપણા સામર્થ્ય, આપણા આત્મવિશ્વાસનું પણ પ્રતીક છે. અને ભોપાલ આવતી આ ટ્રેન તો પર્યટનને સૌથી વધુ મદદ કરશે. આ કારણે સાંચી સ્તૂપ, ભીમબેટકા, ભોજપુર અને ઉદયગિરી ગુફા જેવા પર્યટન સ્થળો પર પ્રવાસીઓના આવાગમનમાં વધારો થશે. અને તમે જાણો છો કે જ્યારે પર્યટનમાં વધારો થાય છે, ત્યારે સાથે સાથે રોજગારીની ઘણી તકોમાં પણ વધારો થવા લાગે છે, લોકોની આવક પણ વધારો થાય છે. મતલબ કે, આ વંદે ભારત ટ્રેન લોકોની આવક વધારવાનું માધ્યમ પણ બનશે, તે પ્રદેશના વિકાસનું પણ એક માધ્યમ બનશે.
મિત્રો,
21મી સદીનું ભારત હવે નવી વિચારસરણી અને નવા અભિગમ સાથે કામ કરી રહ્યું છે. અગાઉની સરકારો તુષ્ટિકરણ કરવામાં એટલી બધી વ્યસ્ત રહેતી હતી કે તેમણે દેશવાસીઓના સંતુષ્ટિકરણ માટે તો કોઇ ધ્યાન જ આપ્યું ન હતું. તેઓ માત્ર મત બેંકનું પુષ્ટિકરણ કરવામાં જ વ્યસ્ત રહેતા હતા. અમે દેશવાસીઓના સંતુષ્ટિકરણ માટે સમર્પિત છીએ. અગાઉની સરકારોમાં બીજી એક બાબત પર ઘણો ભાર મૂકવામાં આવતો હતો. તે દેશના એક જ પરિવારને, દેશનો પ્રથમ પરિવાર માનતી રહી. દેશના ગરીબ પરિવારો, દેશના મધ્યમ વર્ગના પરિવારો, આ બધાને તેમણે પોત પોતાના હાલ પર છોડી દીધા હતા. આ પરિવારોની આશાઓ અને અપેક્ષાઓ પૂછનાર પણ કોઇ ન હતા. આપણી ભારતીય રેલ્વે તેનું તેનું જીવંત ઉદાહરણ છે. ભારતીય રેલ્વે વાસ્તવમાં સામાન્ય ભારતીય પરિવારની સવારી છે. માતા-પિતા, બાળકો, દાદા-દાદી, નાના-નાની બધાએ સાથે મળીને ક્યાંક જવું હોય તો દાયકાઓથી રેલ્વે આવા લોકો માટે આવનજાવનનું સૌથી મોટું સાધન રહી છે. શું સામાન્ય ભારતીય પરિવારની આ સવારીને સમયની સાથે આધુનિક ન કરવી જોઇએ? શું રેલ્વેને આવી બિસમાર હાલતમાં છોડી દેવી યોગ્ય હતી?
મિત્રો,
આઝાદી મળ્યા પછી, ભારતને એક તૈયાર વિકસાવેલું વિશાળ રેલ્વે નેટવર્ક મળ્યું હતું. જો તે વખતની સરકારોએ ધાર્યું હોત તો તેઓ ખૂબ જ ઝડપથી રેલ્વેનું આધુનિકીકરણ કરી શકી હોત. પરંતુ રાજકીય સ્વાર્થ ખાતર, લોકોને લાલચમાં ફસાવે તેવા વચનો ખાતર, રેલ્વેના વિકાસનું જ બલિદાન આપવામાં આવ્યું. સ્થિતિ એવી હતી કે, આઝાદીના આટલા દાયકાઓ વીતી ગયા પછી પણ આપણા પૂર્વોત્તરના રાજ્યો ટ્રેન દ્વારા જોડાયેલા નહોતા. વર્ષ 2014માં તમે મને સેવા કરવાની તક આપી ત્યારે મેં નક્કી કર્યું હતું કે હવે આવું નહીં થાય, હવે રેલ્વેને કાયાકલ્પ થઇને જ રહેશે. છેલ્લા 9 વર્ષમાં, અમારો સતત એવો પ્રયાસ રહ્યો છે કે, ભારતીય રેલ્વેને વિશ્વનું સૌથી શ્રેષ્ઠ રેલ્વે નેટવર્ક કેવી રીતે બનાવી શકાય? વર્ષ 2014 પહેલાં ભારતીય રેલ્વે વિશે કયા સમાચાર આવતા હતા તે તો તમે બધા સારી રીતે જાણો જ છો. આટલા વિશાળ રેલ્વે નેટવર્કમાં ઠેર ઠેર હજારો માનવરહિત ફાયકો રાખવામાં આવ્યા હતા. અવારનવાર અકસ્માતના અહેવાલો મળતા હતા. ક્યારેક ક્યારેક તો શાળાના બાળકોના મૃત્યુના સમાચાર સાંભળીને હૃદયમાં કંપારી છૂટી જતી હતી. આજે બ્રોડગેજ નેટવર્ક માનવરહિત ફાયકો મુક્ત થઇ ગયું છે. અગાઉના સમયમાં ટ્રેન અકસ્માત અને જાનમાલના નુકસાનની ઘટનાઓ અવારનવાર બનતી રહેલી હતી. આજે ભારતીય રેલ્વે વધુ સુરક્ષિત બની ગઇ છે. મુસાફરોની સુરક્ષાને મજબૂત કરવા માટે રેલ્વેમાં મેડ ઇન ઇન્ડિયા કવચ સિસ્ટમનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે.
મિત્રો,
સુરક્ષા માત્ર અકસ્માતોથી પૂરતી જ નથી હોતી, પરંતુ હવે મુસાફરી દરમિયાન પણ જો કોઇ મુસાફરને ફરિયાદ હોય તો તેના સંદર્ભમાં તાત્કાલિક પગલાં લેવામાં આવે છે. ઇમરજન્સીની સ્થિતિમાં, તાકીદના ધોરણે ખૂબ જ ઓછા સમયમાં મદદ પૂરી પાડવામાં આવે છે. આવી વ્યવસ્થાથી સૌથી વધારે લાભ આપણી બહેનો અને દીકરીઓને મળી રહ્યો છે. અગાઉ સ્વચ્છતાના સંદર્ભમાં ઘણી ફરિયાદો આવતી હતી. રેલ્વે સ્ટેશન પર થોડો સમય રોકાવું હોય તો પણ જાણે સજા જેવું લાગતું હતું. આ ઉપરાંત, ટ્રેનો કલાકો સુધી મોડી દોડતી હતી. આજે સ્વચ્છતા પણ સારી થઇ ગઇ છે અને ટ્રેનો મોડી થવાની ફરિયાદોમાં એકધારો ઘટાડો થઇ રહ્યો છે. પહેલાં તો એવી સ્થિતિ હતી કે, લોકોએ ફરિયાદ કરવાનું જ બંધ કરી દીધું હતું, કેમ કે સાંભળનાર જ કોઇ નહોતું. તમને યાદ હશે કે અગાઉ ટિકિટના કાળા બજાર થજા હોવાની ફરિયાદો બહુ સામાન્ય હતી. મીડિયામાં આને લગતા સ્ટિંગ ઓપરેશન બતાવવામાં આવતા હતા. પરંતુ આજે ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આપણે આવી અનેક સમસ્યાઓનો ઉકેલ લાવી દીધો છે.
મિત્રો,
આજે, ભારતીય રેલ્વે નાના કારીગરો અને હસ્તકલાકારોના ઉત્પાદનોને દેશના ખૂણે ખૂણે લઇ જવાનું એક મુખ્ય માધ્યમ બની રહી છે. ‘વન સ્ટેશન, વન પ્રોડક્ટ’ - આ યોજના હેઠળ, સ્ટેશન જે વિસ્તારમાં આવેલું હોય તે વિસ્તારના પ્રખ્યાત કપડાં, કલાકૃતિઓ, ચિત્રો, હસ્તકળાની વસ્તુઓ, વાસણો વગેરેની ખરીદી મુસાફરો સ્ટેશન પર જ કરી શકે તેવી સુવિધા કરવામાં આવી છે. આના માટે પણ દેશમાં લગભગ 600 આઉટલેટ્સ સ્થાપવામાં આવ્યા છે. મને એ વાતનો આનંદ છે કે, ખૂબ જ ટૂંકા ગાળામાં એક લાખ કરતાં વધુ મુસાફરોએ તેમની પાસેથી ખરીદી કરી છે.
મિત્રો,
આજે ભારતીય રેલ્વે દેશના સામાન્ય પરિવારો માટે સુવિધાનો પર્યાય બની રહી છે. આજે દેશમાં ઘણા રેલ્વે સ્ટેશનોનું આધુનિકીકરણ કરવામાં આવી રહ્યું છે. આજે દેશના 6 હજાર સ્ટેશનો પર Wi-Fi સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. દેશના 900 કરતાં વધુ મોટા રેલ્વે સ્ટેશનો પર CCTV કૅમેરા લગાવવાની કામગીરી પૂરી કરી દેવામાં આવી ગઇ છે. આપણી આ વંદે ભારત એક્સપ્રેસ આખા દેશમાં, આપણી યુવા પેઢીમાં સુપરહિટ બની છે. આ ટ્રેનોમાં આખા વર્ષ દરમિયાન સીટો ભરાયેલી જ રહે છે. દેશના ખૂણે ખૂણેથી વંદે ભારત ટ્રેન દોડાવવાની માંગ ઉઠી રહી છે. પહેલાં સાંસદોના પત્રો આવતા હતા, તો આવા પત્રોમાં શું લખેલું મળતું હતું? સાંસદો લખતા હતા કે આ સ્ટેશન પર કોઇ ખાસ ટ્રેનને રોકવાની વ્યવસ્થા હોવી જોઇએ, અત્યારે તે બે સ્ટેશનો પર રોકાય છે, તેને ત્રણ પર રોકવાની વ્યવસ્થા હોવી જોઇએ, તેને અહીં રોકવી જોઇએ, તેને ત્યાં રોકવી જોઇએ, આવું બધું લખતા હતા. આજે મને ગર્વ છે, મને સંતોષ થાય છે કે, જ્યારે સાંસદો પત્રો લખે છે અને માંગ કરે છે કે આપણા દેશમાં વહેલામાં વહેલી તકે વંદે ભારત ટ્રેનનો આરંભ કરવામાં આવે.
મિત્રો,
રેલ્વેના મુસાફરોની સુવિધામાં વધારો કરવાનું આ અભિયાન ખૂબ જ ઝડપી ગતિએ નિરંતર ચાલી રહ્યું છે. આ વર્ષના બજેટમાં પણ રેલ્વે માટે વિક્રમી રકમ ફાળવવામાં આવી છે. એક એવો સમય હતો કે, જ્યારે રેલ્વેના વિકાસની વાતો થતાં જ ખોટની વાતો થવા લાગતી હતી. પરંતુ વિકાસ માટે જો ઇચ્છાશક્તિ હોય, ઇરાદો સ્પષ્ટ હોય અને નિષ્ઠા પાક્કી હોય તો નવા માર્ગો પણ નીકળે જ છે. છેલ્લા 9 વર્ષમાં અમે રેલ્વેના બજેટમાં સતત વધારો કર્યો છે. મધ્યપ્રદેશ માટે પણ આ વખતે 13 હજાર કરોડ રૂપિયાથી વધુનું રેલ્વે બજેટ ફાળવવામાં આવ્યું છે. જ્યારે 2014 પહેલાં મધ્યપ્રદેશનું સરેરાશ રેલ્વે બજેટ દર વર્ષે માંડ 600 કરોડ રૂપિયા હતું, તમે જ મને કહો.. ક્યાં 600 કરોડ રૂપિયા કહો અને ક્યાં આજના 13 હજાર કરોડ રૂપિયા.
મિત્રો,
આજે રેલવેમાં કેવી રીતે આધુનિકીકરણ કરવામાં આવી રહ્યું છે તેનું ઉદાહરણ છે – રેલ્વેના વિદ્યુતીકરણનું કામ. આજે, તમે મોટા ભાગે સાંભળતા જ હશો કે દેશના કોઇને કોઇ ભાગમાં રેલ્વે નેટવર્કનું 100% વિદ્યુતીકરણ કરવાનું લક્ષ્ય પ્રાપ્ત થયું છે. મધ્યપ્રદેશ પણ એવા 11 રાજ્યોમાં સામેલ છે જ્યાં 100 ટકા વિદ્યુતીકરણનું લક્ષ્ય પ્રાપ્ત કરવામાં આવ્યું છે. 2014 પહેલાં, દર વર્ષે સરેરાશ 600 કિલોમીટર રેલ્વે માર્ગનું વિદ્યુતીકરણ કરવામાં આવતું હતું. જ્યારે હવે દર વર્ષે સરેરાશ 6000 કિલોમીટરનું વિદ્યુતીકરણ કરવામાં આવી રહ્યું છે. આ છે અમારી સરકાર દ્વારા કામ કરવાની ઝડપ.
મિત્રો,
મને ખુશી છે કે, આજે મધ્યપ્રદેશે જૂના દિવસોને પાછળ છોડી દીધા છે. હવે મધ્યપ્રદેશ નિરંતર વિકાસની નવી ગાથા લખી રહ્યું છે. વાત ચાહે ખેતીની હોય કે પછી ઉદ્યોગોની હોય, આજે મધ્યપ્રદેશનું સામર્થ્ય ભારતના સામર્થ્યનું વિસ્તરણ કરી રહી છે. વિકાસના જે માપદંડોમાં એક સમયે મધ્યપ્રદેશના બીમારું કહેવામાં આવતું હતું તેમાંથી મોટાભાગના માપદંડોમાં આજે મધ્યપ્રદેશની કામગીરી ખૂબ જ પ્રશંસનીય રહી છે. આજે મધ્યપ્રદેશ ગરીબોના ઘરોનું નિર્માણ કરનારા રાજ્યોમાં અગ્રેસર છે. દરેક ઘર સુધી પાણી પહોંચાડવામાં પણ મધ્યપ્રદેશ ઘણું સારું કામ કરી રહ્યું છે. આપણા મધ્યપ્રદેશના ખેડૂતો ઘઉં સહિત અનેક પાકોના ઉત્પાદનમાં નવા રેકોર્ડ સર્જી રહ્યા છે. ઉદ્યોગોની બાબતમાં પણ હવે આ રાજ્ય સતત નવા રેકોર્ડ તરફ આગળ વધી રહ્યું છે. આ તમામ પ્રયાસો અહીંના યુવાનો માટે અનંત તકોની સંભાવનાઓ પણ ઉભી કરી રહ્યા છે.
મિત્રો,
દેશના વિકાસ માટે થઇ રહેલા આ પ્રયાસો વચ્ચે હું આપ સૌ દેશવાસીઓનું ધ્યાન બીજી એક વાત તરફ પણ દોરવા માંગુ છું. આપણા દેશમાં એવા કેટલાક લોકો છે કે જેઓ 2014 પછી એવું નક્કી કરીને જ બેઠા છે અને જાહેર એવું બોલી પણ રહ્યા છે અને તેમણે પોતાનો સંકલ્પ જાહેર પણ કરી દીધો છે, શું કર્યું છે? – તેમણે પોતાનો સંકલ્પ જાહેર કર્યો છે કે અમે મોદીની છબી ખરાબ કરીને જ રહીશું. આના માટે આ લોકોએ જુદા જુદા લોકોને સોપારી આપી રાખી છે અને મોરચો પણ પકડી રાખ્યો છે. આવા લોકોને સાથ આપવા માટે કેટલાક લોકો દેશની અંદર જ છે તો કેટલાક લોકો દેશની બહાર બેસીને પણ તેમનું કામ કરી રહ્યા છે. આ લોકો સતત કોઇને કોઇ રીતે મોદીની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ આજે ભારતના ગરીબો, ભારતનો મધ્યમ વર્ગ, ભારતના આદિવાસી લોકો, ભારતના દલિતો અને પછાતો, દરેક ભારતીયો મોદીનું સુરક્ષા કવચ બની ગયા છે. અને તેથી જ આ લોકો મનોમન ખૂબ જ અકળાઇ ગયા છે. આ લોકો અવનવા પેંતરા અપનાવી રહ્યા છે. 2014માં, તેમણે મોદીની છબી, મોદીની છાપને કલંકિત કરવાનો સંકલ્પ લીધો હતો. હવે આ લોકોએ પ્રતિજ્ઞા લીધી છે - મોદી, તારી કબર ખોદવામાં આવશે. તેમના ષડયંત્રોની વચ્ચે, તમારે, દરેક દેશવાસીએ, દેશના વિકાસ પર ધ્યાન આપવાનું છે, રાષ્ટ્ર નિર્માણ પર ધ્યાન આપવાનું છે. આપણે વિકસિત ભારતમાં મધ્યપ્રદેશની ભૂમિકાને વધુ આગળ વધારવાની છે. આ નવી વંદે ભારત એક્સપ્રેસ આપણા આ સંકલ્પનો જ એક ભાગ છે. ફરી એકવાર, આ આધુનિક ટ્રેનનો આરંભ થવા બદલ મધ્યપ્રદેશના તમામ નાગરિકોને, ભાઇઓ અને બહેનોને, ભોપાલના તમામ લોકોને ખૂબ ખૂબ અભિનંદન. આપ સૌની મુસાફરી મંગલમય રહે, એવી શુભેચ્છાઓ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર.
YP/GP/JD
(Release ID: 1912972)
Visitor Counter : 265
Read this release in:
Telugu
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Malayalam