પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ 'હરિત વિકાસ'ના મુદ્દે અંદાજપત્ર પછી યોજાયેલા વેબિનારમાં સંબોધન આપ્યું

"અમૃતકાળ અંદાજપત્ર હરિત વિકાસ માટેની ગતિને વેગવાન બનાવે છે"

"આ સરકારનું દરેક અંદાજપત્ર વર્તમાન પડકારોનો ઉકેલ શોધવાની સાથે સાથે નવા યુગના સુધારાઓને પણ આગળ ધપાવે છે"

"આ અંદાજપત્રમાં હરિત ઊર્જાની જાહેરાતો પાયો નાંખે છે અને ભાવિ પેઢીઓ માટે માર્ગ મોકળો કરે છે"

"આ અંદાજપત્ર વૈશ્વિક હરિત ઊર્જાના બજારમાં ભારતને અગ્રણી ખેલાડી તરીકે સ્થાપિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે"

"ભારત 2014થી મોટી અર્થવ્યવસ્થાઓમાં અક્ષય ઊર્જાની ક્ષમતામાં ઉમેરો કરવાના મામલે સૌથી ઝડપી રહ્યું છે"

"ભારતમાં સૌર, પવન અને બાયોગેસની ક્ષમતા આપણા ખાનગી ક્ષેત્ર માટે સોનાની ખાણ અથવા તેલ ક્ષેત્ર કરતાં જરાય ઓછી નથી"

"ભારતની વાહન સ્ક્રેપેજ નીતિ એ હરિત વિકાસની વ્યૂહરચનાનો નિર્ણાયક ભાગ છે"

“ભારત, હરિત ઊર્જામાં સમગ્ર વિશ્વનું નેતૃત્વ કરવાની વિરાટ ક્ષમતા ધરાવે છે. તે હરિત નોકરીઓનું સર્જન કરવા ઉપરાંત વૈશ્વિક ભલાઇ માટેના કારણને આગળ ધપાવશે”

"આ અંદાજપત્ર માત્ર એક અવસર નથી, પરંતુ તેમાં આપણા ભવિષ્યની સુરક્ષાની ખાતરી પણ છે"

Posted On: 23 FEB 2023 11:13AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હરિત વિકાસવિષય પર યોજવામાં આવેલા અંદાજપત્ર પછીના વેબિનારમાં સંબોધન આપ્યું હતું. કેન્દ્રીય અંદાજપત્ર 2023માં જાહેર કરવામાં આવેલી પહેલોના અસરકારક અમલીકરણ માટે વિચારો અને સૂચનો મેળવવા માટે સરકાર દ્વારા 12 પોસ્ટ-બજેટ વેબિનારની શ્રેણીનું આયોજન કરવામાં આવશે જેમાંથી આ પ્રથમ સત્ર યોજવામાં આવ્યું હતું.

વેબિનારમાં ઉપસ્થિતોને સંબોધન આપતા, પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, 2014 પછી દેશમાં રજૂ કરવામાં આવેલા તમામ અંદાજપત્ર વર્તમાન સમયમાં આપણે જેનો સામનો કરી રહ્યાં છીએ તેવા પડકારોના ઉકેલો શોધવા ઉપરાંત નવા યુગના સુધારાઓને પણ આગળ ધપાવે છે.

પ્રધાનમંત્રીએ હરિત વિકાસ અને ઉર્જા ટ્રાન્સમિશન માટે ત્રણ આધારસ્તંભોની રૂપરેખા જણાવી હતી. સૌથી પહેલાં તો, અક્ષય ઊર્જાનું ઉત્પાદન વધારવું; બીજું, અર્થતંત્રમાં અશ્મિભૂત ઇંધણનો ઉપયોગ ઓછો કરવો; અને અંતે, દેશમાં ઝડપથી ગેસ આધારિત અર્થવ્યવસ્થા તરફ આગળ વધવું આ ત્રણ આધારસ્તંભ તેમણે જણાવ્યા હતા. આ વ્યૂહરચનાએ છેલ્લા કેટલાક વર્ષોના અંદાજપત્રમાં ઇથેનોલના મિશ્રણ, પીએમ કુસુમ યોજના, સૌર ઉત્પાદન માટે પ્રોત્સાહનો, રૂફટોપ સોલાર યોજના, કોલ ગેસિફિકેશન અને બૅટરી સ્ટોરેજ જેવા પગલાંની જાહેરાતોને રેખાંકિત કર્યા છે. પાછલા વર્ષના અંદાજપત્રમાં કરવામાં આવેલી નોંધપાત્ર જાહેરાતોને રેખાંકિત કરતાં, પ્રધાનમંત્રીએ આ વર્ષના અંદાજપત્રમાં ઉદ્યોગો માટે ગ્રીન ક્રેડિટ, ખેડૂતો માટે પીએમ પ્રણામ યોજના, ગામડાઓ માટે ગોબરધન યોજના, શહેરો માટે વાહન સ્ક્રેપિંગ નીતિ, ગ્રીન હાઇડ્રોજન અને વેટલેન્ડ (જળ સંતૃપ્ત જમીન) સંરક્ષણ જેવી યોજનાઓ પર પ્રકાશ પાડ્યો હતો. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ જાહેરાતો ભવિષ્યની પેઢીઓ માટે પાયો નાંખે છે અને તેમના માટે માર્ગ મોકળો કરે છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અક્ષય ઉર્જા ક્ષેત્રમાં ભારતની નિયંત્રક તરીકેની સ્થિતિના કારણે વિશ્વમાં અનુરૂપ પરિવર્તન સુનિશ્ચિત થઇ શકશે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ અંદાજપત્ર વૈશ્વિક હરિત ઉર્જાના બજારમાંમાં ભારતને અગ્રણી ખેલાડી તરીકે સ્થાપિત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. તેથી જ, આજે હું ઉર્જા વિશ્વના દરેક હિતધારકોને ભારતમાં રોકાણ કરવા માટે આમંત્રણ આપું છું. ઉર્જા પુરવઠા શૃંખલાના વૈવિધ્યકરણ માટેના વૈશ્વિક પ્રયાસોનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ અંદાજપત્રએ દરેક હરિત ઉર્જા રોકાણકારોને ભારતમાં રોકાણ કરવાની મોટી તક પૂરી પાડી છે. તેમણે ઉમેર્યું હતું કે, આ ક્ષેત્રના સ્ટાર્ટઅપ્સ માટે પણ ખૂબ જ ઉપયોગી થશે.

પ્રધાનમંત્રીએ આગળ જણાવ્યું હતું કે, "2014થી વિશ્વની મોટી અર્થવ્યવસ્થાઓમાં અક્ષય ઉર્જાની ક્ષમતામાં ઉમેરો કરવાની વાત આવે ત્યારે ભારત સૌથી ઝડપી રહ્યું છે". તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, અક્ષય ઉર્જાના સંસાધનોની વાત આવે ત્યારે ભારતનો ટ્રેક રેકોર્ડ સમય કરતાં પહેલાં જ ઉદ્દેશ્યો પ્રાપ્ત કરવાની તેની ક્ષમતા દર્શાવે છે. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, ભારતે નિર્ધારિત સમય કરતાં 9 વર્ષ પહેલાં જ સ્થાપિત વીજળી ક્ષમતામાં બિન-અશ્મિભૂત ઇંધણમાંથી 40% યોગદાનનું લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે. તેમણે એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે, ભારતે પેટ્રોલમાં 10% ઇથેનોલ મિશ્રણનું લક્ષ્ય તેના નિર્ધારિત સમય કરતાં 5 મહિના પહેલાં પ્રાપ્ત કર્યું હતું અને એ બાબત પર તેમણે ભાર મૂક્યો હતો કે, 2030ના બદલે 2025-26 સુધીમાં જ પેટ્રોલમાં 20% ઇથેનોલના મિશ્રણનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે રાષ્ટ્ર પ્રયત્નશીલ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, 2023 સુધીમાં 500 ગીગાવૉટની ક્ષમતા પ્રાપ્ત કરવામાં આવશે. E20 ઇંધણના આરંભને યાદ કરતા, પ્રધાનમંત્રીએ જૈવ ઇંધણ પર સરકાર દ્વારા વિશેષ ભાર મૂકવામાં આવતો હોવાની નોંધ લીધી અને તેમણે આગળ જણાવ્યું હતું કે, તેનાથી રોકાણકારો માટે નવી તકો ઉભી થઇ છે. તેમણે દેશમાં વિપુલ માત્રામાં કૃષિ-કચરા હોવાનું ધ્યાને લીધું હતું અને રોકાણકારોને અનુરોધ કર્યો હતો કે તેઓ દેશના ખૂણે-ખૂણે ઇથેનોલ પ્લાન્ટ સ્થાપવાની તક ચૂકી ન જાય. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, "ભારતમાં સૌર, પવન અને બાયોગેસની ક્ષમતા આપણા ખાનગી ક્ષેત્ર માટે સોનાની ખાણ અથવા તેલ ક્ષેત્ર કરતાં જરાય ઓછી નથી".

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય ગ્રીન હાઇડ્રોજન મિશન હેઠળ ભારત 5 MMT ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદનના લક્ષ્ય સાથે આગળ વધી રહ્યું છે. આ ક્ષેત્રમાં ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે 19 હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. તેમણે ઇલેક્ટ્રોલાઇઝર વિનિર્માણ, ગ્રીન સ્ટીલ વિનિર્માણ અને લાંબા અંતરના ઇંધણ કોષો (ફ્યૂઅલ સેલ) જેવી અન્ય તકોના મુદ્દાને પણ સ્પર્શ્યો હતો.

પ્રધાનમંત્રીએ એવી માહિતી પણ આપી હતી કે, ભારતમાં ગોબર (ગાયના છાણ)માંથી 10 હજાર મિલિયન ઘન મીટર બાયોગેસ અને 1.5 લાખ ઘન મીટર ગેસનું ઉત્પાદન કરવાની ક્ષમતા છે, જે દેશમાં શહેરોમાં કરવામાં આવતા ગેસ વિતરણમાં 8% સુધીનું યોગદાન આપી શકે છે. તેમણે ઉમેર્યું હતું કે, આ શક્યતાઓને કારણે, આજે ગોબરધન યોજના એ ભારતની જૈવ ઇંધણ વ્યૂહરચનાનો એક મહત્વપૂર્ણ ઘટક છે. આ અંદાજપત્રમાં સરકારે ગોબરધન યોજના હેઠળ 500 નવા પ્લાન્ટની સ્થાપના કરવાની યોજના જાહેર કરી છે. આ જૂના જમાનામાં હતા તેવા પ્લાન્ટ જેવા નથી. સરકાર આ આધુનિક પ્લાન્ટ સ્થાપવા પાછળ રૂ. 10,000 કરોડનો ખર્ચ કરશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ખાનગી ક્ષેત્રને કૃષિ-કચરા અને મ્યુનિસિપલ ઘન કચરામાંથી CBG બનાવવા માટે આકર્ષક પ્રોત્સાહનો આપવામાં આવી રહ્યા છે.

પ્રધાનમંત્રીએ ભારતની વાહન સ્ક્રેપિંગ નીતિ પર પ્રકાશ પાડતા ભારપૂર્વક જણાવ્યું હતું કે, તે હરિત વિકાસ વ્યૂહરચનાનો એક નિર્ણાયક ભાગ છે. તેમણે એવી માહિતી આપી હતી કે, સરકારે આ વર્ષના અંદાજપત્રમાં પોલીસ વિભાગના વાહનો, એમ્બ્યુલન્સ અને બસો સહિત 15 વર્ષથી વધુ જૂના હોય તેવા કેન્દ્ર અને રાજ્ય સરકારોની માલિકીના લગભગ 3 લાખ વાહનોને સ્ક્રેપ કરવા માટે રૂ. 3000 કરોડની જોગવાઇઓ કરી છે. પ્રધાનમંત્રીએ રીયુઝ (પુનઃઉપયોગ), રિસાયકલ અને રિકવરી (પુનઃપ્રાપ્તિ)ના સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને જણાવ્યું હતું કે, "વ્હીકલ સ્ક્રેપિંગ એક વિશાળ બજાર બનવા જઇ રહ્યું છે". તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે, તે આપણી વલયાકાર અર્થવ્યવસ્થાને નવી તાકાત આપે છે અને તેમણે ભારતના યુવાનોને વલયાકાર અર્થતંત્રના વિવિધ માધ્યમો સાથે જોડાવા માટે અનુરોધ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતે આગામી 6-7 વર્ષમાં તેની બૅટરી સ્ટોરેજ ક્ષમતા વધારીને 125-ગીગાવૉટ કલાક કરવી પડશે. પ્રધાનમંત્રીએ એવી માહિતી પણ આપી હતી કે, આ મૂડી-સઘન ક્ષેત્રમાં મોટા લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે બૅટરી વિકાસકર્તાઓને સહકાર આપવાના ઉદ્દેશ સાથે સરકારે આ અંદાજપત્રમાં વાયેબિલિટી ગેપ ફંડિંગ યોજના બહાર પાડી છે.

ભારતમાં જળ આધારિત પરિવહન એક વિશાળ ક્ષેત્ર બની રહ્યું છે તે મુદ્દાને પણ પ્રધાનમંત્રીએ સ્પર્શ કર્યો હતો. તેમણે માહિતી આપી હતી કે, ભારત આજે તેના દરિયાકાંઠાના માર્ગે માત્ર 5% કાર્ગોનું પરિવહન કરે છે જ્યારે ભારતમાં માત્ર 2% કાર્ગો આંતરદેશીય જળમાર્ગો દ્વારા પરિવહન થાય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતમાં જળમાર્ગોનો વિકાસ કરવાથી આ ક્ષેત્રમાં તમામ હિતધારકો માટે ઘણી તકો ઉભી થશે.

પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનનું સમાપન કરતા જણાવ્યું હતું કે, જ્યારે હરિત ઉર્જા માટેની ટેક્નોલોજીની વાત આવે છે, ત્યારે ભારત સમગ્ર વિશ્વનું નેતૃત્વ કરવાનું વિરાટ સામર્થ્ય ધરાવે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેનાથી હરિત નોકરીઓનું સર્જન થવા ઉપરાંત વૈશ્વિક ભલાઇના ઉદ્દેશને આગળ ધપાવી શકાશે. પ્રધાનમંત્રીએ અંદાજપત્રની દરેક જોગવાઇને અમલમાં મૂકવા માટે તમામ હિતધારકોને ઝડપથી કાર્ય કરવા અનુરોધ કરતી વખતે જણાવ્યું હતું કે, "આ અંદાજપત્ર માત્ર એક અવસર નથી, પરંતુ તેમાં આપણી ભાવિ સુરક્ષાની ખાતરી પણ છે". પ્રધાનમંત્રીએ અંતમાં જણાવ્યું હતું કે, "સરકાર તમારી સાથે અને તમારા સૂચનો સાથે ઉભી છે".

પૃષ્ઠભૂમિ

કેન્દ્રીય ઉર્જા મંત્રાલયના નેતૃત્વ હેઠળ યોજવામાં આવનારા વેબિનારમાં છ બ્રેકઆઉટ સત્રો હશે જેમાં હરિત વિકાસના ઊર્જા અને બિન-ઊર્જા ઘટકો બંનેને આવરી લેવામાં આવશે. કેન્દ્ર સરકારના સંબંધિત મંત્રાલયોના મંત્રીઓ અને સચિવો ઉપરાંત, રાજ્ય સરકારો, ઉદ્યોગ, શૈક્ષણિક અને સંશોધન સંસ્થાઓ અને જાહેર ક્ષેત્રના હિતધારકો આ વેબિનારોમાં હાજરી આપશે અને અંદાજપત્રીય જાહેરાતોના વધુ સારા અમલીકરણ માટે સૂચનો કરીને યોગદાન આપશે.

દેશમાં હરિત ઔદ્યોગિક અને આર્થિક ટ્રાન્ઝિશન, પર્યાવરણને અનુકૂળ કૃષિ અને ટકાઉક્ષમ ઉર્જાની શરૂઆત કરવા માટે કેન્દ્રીય અંદાજપત્ર 2023-24ની સાત ટોચની પ્રાથમિકતાઓ પૈકી એક હરિત વિકાસ છે. તેના કારણે મોટી સંખ્યામાં હરિત નોકરીઓનું સર્જન પણ થશે. કેન્દ્રીય અંદાજપત્રમાં વિવિધ ક્ષેત્રો અને મંત્રાલયોમાં ફેલાયેલી સંખ્યાબંધ પરિયોજનાઓ અને પહેલોની કલ્પના કરવામાં આવી છે જેમાં ગ્રીન હાઇડ્રોજન મિશન, ઉર્જા ટ્રાન્ઝિશન, ઉર્જા સ્ટોરેજ પ્રોજેક્ટ્સ, રિન્યુએબલ એનર્જી ઇવેક્યુએશન, ગ્રીન ક્રેડિટ પ્રોગ્રામ, પીએમ-પ્રણામ, ગોબરધન યોજના, ભારતીય પ્રાકૃતિક ખેતી બાયો-ઇનપુટ રિસોર્સ સેન્ટર્સ, MISHTI, અમૃત ધરોહર, સમુદ્રકાંઠા શિપિંગ અને વાહન રિપ્લેસમેન્ટ વગેરેનો સમાવેશ થાય છે.

દરેક પોસ્ટ-બજેટ વેબિનારમાં ત્રણ સત્રોનું આયોજન કરવામાં આવશે. તેની શરૂઆત પૂર્ણ ઉદ્ઘાટન સત્રથી થશે જેમાં પ્રધાનમંત્રી સંબોધન આપશે. આ સત્ર પછી વિવિધ થીમ પર અલગ બ્રેકઆઉટ સત્રોનું આયોજન કરવામાં આવશે જે સમાંતર રીતે યોજાશે. અંતે, પૂર્ણ સમાપન સત્ર દરમિયાન બ્રેકઆઉટ સત્રોના વિચારો રજૂ કરવામાં આવશે. વેબિનાર દરમિયાન મળેલા ઇનપુટ્સના આધારે, સંબંધિત મંત્રાલયો અંદાજપત્રમાં કરવામાં આવેલી જાહેરાતોના અમલીકરણ માટે નિર્ધારિત સમયમાં પૂર્ણ કરવા માટેનો એક્શન પ્લાન તૈયાર કરશે.

સરકારે છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા અંદાજપત્રીય સુધારા હાથ ધર્યા છે. અંદાજપત્રની તારીખ 1લી ફેબ્રુઆરી સુધી આગળ વધારવામાં આવી હતી જેથી મંત્રાલયો અને વિભાગોને ચોમાસાની શરૂઆત પહેલાં પાયાના સ્તર પર ભંડોળનો ઉપયોગ કરવા માટે પૂરતો સમય મળે. અંદાજપત્રના અમલીકરણમાં સુધારા લાવવાની દિશામાં લેવાયેલું બીજું પગલું એ પોસ્ટ બજેટ વેબિનારોના આયોજનનો નવતર વિચાર છે. જાહેર અને ખાનગી ક્ષેત્રોના નિષ્ણાતો, શિક્ષણવિદો, ઉદ્યોગ અને ક્ષેત્રના વ્યવસાયિકોને એક મંચ પર એકસાથે લાવવા અને તમામ ક્ષેત્રોમાં અમલીકરણની વ્યૂહરચનાઓ પર સહયોગથી કામ કરવા માટે આ વિચારની કલ્પના પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવી હતી. આ વેબિનારો 2021માં જન ભાગીદારીની ભાવનાથી શરૂ કરવામાં આવ્યા હતા અને અંદાજપત્રની જાહેરાતોના અસરકારક, ઝડપી તેમજ અવરોધરહિત અમલીકરણમાં તમામ સંબંધિત હિતધારકોની સામેલગીરી અને માલિકીને પ્રોત્સાહિત કરે છે.

વેબિનારો ત્રિમાસિક લક્ષ્યાંકો સાથે કાર્ય યોજનાઓ તૈયાર કરવા માટે વિવિધ મંત્રીઓ અને વિભાગો તેમજ તમામ સંબંધિત હિતધારકોના સુમેળભર્યા પ્રયત્નો પર ધ્યાન કેન્દ્રિત કરશે જેથી અગ્ર મોરચે સરળતાથી અમલીકરણ થઇ શકે અને નિર્ધારિત સમયમાં ઇચ્છિત પરિણામો પ્રાપ્ત થઇ શકે. વ્યાપક સહભાગીતા સુનિશ્ચિત કરવા માટે વર્ચ્યુઅલ માધ્યમથી તેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેમાં સંબંધિત કેન્દ્રીય મંત્રીઓ, સરકારી વિભાગોના મુખ્ય હિતધારકો, નિયમનકારો, શિક્ષણવિદો, વેપાર અને ઉદ્યોગ સંગઠનો વગેરે હાજરી આપશે.

 

GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1901641) Visitor Counter : 252