સહકાર મંત્રાલય

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ આજે મહારાષ્ટ્રના પૂણેમાં દૈનિક સકાલ જૂથ દ્વારા આયોજિત બે દિવસીય સહકારી મહા સંમેલનના સમાપન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે જોડાયા



પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સહકાર દ્વારા સમૃદ્ધિનું જે સૂત્ર આપ્યું છે, એનાથી સહકારી ક્ષેત્રના વિકાસને કોઈ રોકી શકશે નહીં, હવે સહકારી ક્ષેત્ર સાથે કોઈ અન્યાય નહીં કરી શકે

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર સહકારી ક્ષેત્રની સમસ્યાઓનાં નિરાકરણ માટે શક્ય તમામ પ્રયાસો કરી રહી છે

આગામી એક દાયકા પછી સહકારી ક્ષેત્ર સૌથી વધુ પ્રાસંગિક ક્ષેત્ર હશે

મહારાષ્ટ્રમાં સહકારી ક્ષેત્ર ઘણું જૂનું અને મજબૂત છે કારણ કે સહકાર મહારાષ્ટ્રનો સ્વભાવ રહ્યો છે અને રાજ્યએ સમગ્ર દેશમાં સહકારિતાનો ફેલાવો કરવામાં ઘણું યોગદાન આપ્યું છે

મોદીજીનાં નેતૃત્વમાં બનાવવામાં આવનારી નવી સહકારી નીતિ દેશમાં આગામી 20 વર્ષની સહકારિતાની દિશા નક્કી કરશે

નેશનલ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NCDC)નું કદ અને કાર્યક્ષેત્ર 2025 પહેલા ત્રણ ગણાથી વધુ વધારવામાં આવશે, મોદી સરકારે GEM પોર્ટલ પર સરકારી ખરીદી માટે સહકારી સંસ્થાઓને પણ પ્રવેશવાની મંજૂરી આપી દીધી છે

મોદી સરકારે આ વર્ષનાં બજેટમાં ટેક્સના મામલે સહકારી મંડળીઓને બરાબરી પર લાવવાનું કામ કર્યું છે

નરેન્દ્ર મોદી સરકારે PACS ને FPOનો દરજ્જો આપવાનું કામ પણ કર્યું છે, જેથી FP ને આપવામાં આવતા તમામ લાભો હવે PACSને પણ મળી શકશે

ઇથેનોલ મિશ્રણથી આપણી તેલની આયાતમાં 10% ઘટાડો થવાથી રૂ. 41,500 કરોડનું વિદેશી હૂંડિયામણ બચ્યું છે, એનાથી વેપાર ખાધમાં ઘટાડો થયો છે અને 10% સહકારી ખાંડ મિલો અને તેના દ્વારા ખેડૂતોને મળ્યા છે

ઇથેનોલ પ્રોજેક્ટ્સનાં નિર્માણ માટે 2 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે અને કેન્દ્ર સરકાર સબસિડી દ્વારા 6 ટકા વ્યાજ ચૂકવશે, 10 ટકા મિશ્રણથી જ 27 લાખ ટન કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થયો છે અને 20 ટકા મિશ્રણથી આ આંકડો બમણો થઈ જશે

સહકારી ક્ષેત્રે તેની વિશ્વસનીયતા વધારવી પડશે, આત્મચિંતન સાથે સિસ્ટમમાં સુધારો કરવો પડશે અને પોતાની જવાબદારીઓ પણ સહકારિતા ક્ષેત્રએ પોતે ઉપાડવી પડશે

Posted On: 18 FEB 2023 9:18PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે મહારાષ્ટ્રના પૂણેમાં દૈનિક સકાલ ગ્રૂપ દ્વારા આયોજિત બે દિવસીય સહકારી સંમેલનમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. આ પ્રસંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસ પણ ઉપસ્થિત રહ્યા હતા.

કેન્દ્રીય સહકારિતા મંત્રીએ તેમનાં સંબોધનમાં જણાવ્યું હતું કે કેન્દ્રમાં શ્રી નરેન્દ્ર મોદીની સરકાર સહકારી ક્ષેત્રની સમસ્યાઓનાં નિરાકરણ માટે તમામ શક્ય પ્રયાસો કરશે. તેમણે કહ્યું કે આજે દેશમાં માત્ર થોડાં રાજ્યો જ સહકારી ક્ષેત્રે સારું કામ કરી રહ્યા છે. અને તેમાંથી એક મહારાષ્ટ્ર છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં સહકારિતા બહુ જૂનું છે કારણ કે સહકાર એ મહારાષ્ટ્રની પ્રકૃતિ રહી છે અને રાજ્યએ સહકારી સંસ્થાઓને સમગ્ર દેશમાં ફેલાવવામાં ઘણું યોગદાન આપ્યું છે.

શ્રી અમિત શાહે કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એક અલગ સહકારિતા મંત્રાલયની સ્થાપના કરી છે જેથી તમામ સહકારી મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકાય. તેમણે કહ્યું કે આજે પણ ભારતના કુલ ખાંડનાં ઉત્પાદનના 31 ટકા સહકારી ખાંડ મિલો દ્વારા કરવામાં આવે છે, 16 ટકા દૂધ સહકારીમાંથી ખરીદાય છે, 13 ટકા ઘઉં, 20 ટકા ડાંગર સહકારી સંસ્થાઓ દ્વારા ખરીદવામાં આવે છે, કુલ ખાતરનું 25 ટકા ઉત્પાદન આજે તે સહકારી મંડળીઓ દ્વારા કરવામાં આવે છે. તેમણે કહ્યું કે જો ગ્રામીણ અર્થવ્યવસ્થાને સહકારિતાનું મોટું જોર ન મળે તો તે આટલી પ્રગતિ કરી શકે નહીં. શ્રી શાહે કહ્યું કે આપણા દેશમાં સહકારી ધિરાણ મંડળીઓનું વિશાળ નેટવર્ક છે અને તેનાથી દેશના નીચલા વર્ગના આર્થિક વિકાસને બળ મળ્યું છે. તેમણે કહ્યું કે આગામી દાયકા પછી સહકારી ક્ષેત્ર સૌથી પ્રાસંગિક ક્ષેત્ર હશે.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ કહ્યું કે મહારાષ્ટ્રનું સહકારી ક્ષેત્ર વિશાળ, મજબૂત અને વ્યાપક છે. દેશમાં આશરે 8.5 લાખ સહકારી મંડળીઓમાંથી 2 લાખ એકલા મહારાષ્ટ્રમાં છે, દેશની રહેણાંક સહકારી મંડળીઓમાંથી 67 ટકા મહારાષ્ટ્રમાં છે, પશુધન મંડળીઓ 35 ટકા, ખાંડ સહકારી મંડળીઓ 27 ટકા, માર્કેટિંગ મંડળીઓ 16 ટકા, મત્સ્ય ઉદ્યોગ મંડળીઓ 14 ટકા અને 11 ટકા ફૂડ પ્રોસેસિંગ સોસાયટીઓ મહારાષ્ટ્રમાં છે. વધુમાં, મહારાષ્ટ્રમાં દેશની PACSના 21 ટકા, અને કુલ શહેરી બૅન્કોના 32 ટકા, એટલે કે, મહારાષ્ટ્રમાં 490 બૅન્કો છે, સાથે 6529 બૅન્ક શાખાઓ પણ મહારાષ્ટ્રમાં છે, જે દેશની કુલ શાખાઓના 60 ટકા છે. આનો અર્થ એ થયો કે મહારાષ્ટ્રમાં સહકારિતા એક બહુ મોટી તાકાત છે. મહારાષ્ટ્રમાં અર્બન કોઓપરેટિવ બૅન્કો દ્વારા આશરે રૂ. 3.25 લાખ કરોડની થાપણો છે, જે દેશની કુલ અર્બન બૅન્ક ડિપોઝિટના 62 ટકા છે.

શ્રી અમિત શાહે કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી મોદીજીએ સહકારી સંસ્થાઓ દ્વારા દેશના ગ્રામીણ, અર્ધ-શહેરી અને શહેરી વિસ્તારોની સમૃદ્ધિ વધારવા માટે એક વિશાળ વિઝન સાથે સહકારિતા મંત્રાલયની રચના કરી હતી. તેમણે કહ્યું કે સહકારની દ્રષ્ટિએ સમગ્ર દેશનું મેપિંગ કરવામાં આવ્યું છે- વિકસિત રાજ્ય, વિકાસશીલ રાજ્ય અને અલ્પવિકસિત રાજ્ય, અને એના દ્વારા અમે દરેક ક્ષેત્રની સમસ્યાઓ શોધવાનો પ્રયાસ કર્યો છે. તેમણે કહ્યું કે એક સમયે વિકાસની ફોર્મ્યુલા મોટા પાયે ઉત્પાદન હતી, પરંતુ ભારત જેવા વિશાળ વસ્તીવાળા દેશમાં માસ પ્રોડક્શન બાય માસીસ- જનસમૂહ દ્વારા મોટા પાયે ઉત્પાદન સૂત્ર દ્વારા  બેરોજગારી અને લોકોને આર્થિક રીતે સશક્ત કરવાની જરૂર છે.

કેન્દ્રીય સહકારિતા મંત્રીએ કહ્યું કે જ્યાં સુધી દેશમાં પાયાની પ્રાથમિક મંડળીઓ મજબૂત નહીં થાય ત્યાં સુધી સહકારિતા મજબૂત બની શકે નહીં. તેમણે કહ્યું કે આ માટે દેશના 63000 PACSને મજબૂત કરવા માટે નરેન્દ્ર મોદી સરકારે તેમને કોમ્પ્યુટરાઈઝ કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે, PACSના નવા મોડલ બાયલોઝ તૈયાર કરીને રાજ્યોને મોકલવામાં આવ્યા છે, જેમાં PACSને બહુહેતુક બનાવવાની જોગવાઈ કરવામાં આવી છે. મોદી સરકાર બહુપરિમાણીય PACS ન મોડલ બાયલો દ્વારા 30 વિવિધ કાર્યો દ્વારા PACS ને સદ્ધર બનાવવાના પ્રયાસો કરી રહી છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી મોદીજીનાં નેતૃત્વમાં દરેક પંચાયતમાં મલ્ટિ-ડાયમેન્શનલ પેક્સ (PACS) બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને હવે ભારતમાં 3 વર્ષમાં 2 લાખ નવા PACS બનાવવામાં આવશે, ત્યારબાદ દેશની દરેક પંચાયતમાં PACS ઉપલબ્ધ થશે.

શ્રી અમિત શાહે કહ્યું કે PACS ને CSC (કોમન સર્વિસ સેન્ટર)નું કામ પણ આપવામાં આવી રહ્યું છે અને તેના માટે નેશનલ કોઓપરેટિવ ડેટાબેઝ બનાવવામાં આવી રહ્યો છે જેનું 80 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. આના દ્વારા આપણે સહકારિતામાં વધારો કરી શકીશું અને શુષ્ક વિસ્તારો શોધી શકીશું. તેમણે કહ્યું કે આ સમગ્ર પ્રક્રિયાને મજબૂત આધાર આપવા માટે સહકારી નીતિ બનાવવી પડશે અને તેના માટે એક સમિતિની રચના કરવામાં આવી છે જે ટૂંક સમયમાં સહકારી નીતિનો મુસદ્દો તૈયાર કરશે. તેમણે કહ્યું કે નવી સહકારી નીતિ આગામી 20 વર્ષ માટે દેશમાં સહકારિતાની દિશા નક્કી કરશે. તેમણે જણાવ્યું હતું કે સહકારી સંસ્થાઓને પ્રોત્સાહન આપવા સાથે, આ ક્ષેત્રમાં પ્રશિક્ષિત માનવશક્તિની જરૂરિયાતને પહોંચી વળવા માટે, મોદી સરકારે એક બહુહેતુક સહકારી યુનિવર્સિટીની સ્થાપના કરવાનો નિર્ણય કર્યો છે, જે સહકારી ક્ષેત્રનાં દરેક ક્ષેત્ર માટે પ્રશિક્ષિત માનવબળ પ્રદાન કરશે. શ્રી શાહે જણાવ્યું હતું કે 2025 પહેલા નેશનલ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NCDC)નું કદ અને વ્યાપ ત્રણ ગણાથી વધુ વધારવામાં આવશે. મોદી સરકારે GEM પોર્ટલ પર સરકારી ખરીદી માટે સહકારી સંસ્થાઓને પણ મંજૂરી આપી છે. તેમણે કહ્યું કે મોદી સરકારે આ વર્ષનાં બજેટમાં સહકારી મંડળીઓને ટેક્સ મામલે બરાબરીએ લાવવાનું કામ કર્યું છે. તેમણે કહ્યું કે સહકારી ખાંડ મિલોએ શેરડીના પેમેન્ટ પર જે વધારાનો આવકવેરો ચૂકવવો પડતો હતો તે પૂર્વવર્ધિત અસરથી દૂર કરવામાં આવ્યો છે અને એ રીતે કેન્દ્રની મોદી સરકારે રૂ. 10,000 કરોડના લેણાં માફ કરવાનું કામ પણ કર્યું છે, જે એક અભૂતપૂર્વ પગલું છે. આ સાથે ભારત સરકાર અમૂલની જેમ 3 મલ્ટિસ્ટેટ કોઓપરેટિવ સોસાયટીઓ બનાવવા જઈ રહી છે. તેમણે કહ્યું કે ઓર્ગેનિક ઉત્પાદનોનાં માર્કેટિંગ માટે મલ્ટિસ્ટેટ કોઓપરેટિવ ઓર્ગેનિક સોસાયટીની રચના કરવામાં આવશે, જે જમીન, ઉત્પાદન પરીક્ષણ તેમજ આ ઉત્પાદનોનું બ્રાન્ડિંગ કરશે. અમે એક મલ્ટિસ્ટેટ એક્સપોર્ટ હાઉસ પણ સ્થાપવા જઈ રહ્યા છીએ જે પેક દ્વારા ખેડૂતોની પેદાશોની નિકાસ કરશે અને તેનો નફો સીધા ખેડૂતોના ખાતામાં પેક દ્વારા જમા કરશે. તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદી સરકારે PACS ને FPO નો દરજ્જો આપવાનું કામ પણ કર્યું છે, જેથી FPOને જે લાભો મળે છે તે હવે PACSને પણ મળી શકશે.

કેન્દ્રીય સહકારિતા મંત્રીએ કહ્યું કે ભારત સરકારે 2015માં નિર્ણય લીધો હતો કે 2025 સુધીમાં અમે પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ મિક્સ કરીશું. આ માટે નવેમ્બર, 2022માં 10 ટકા ઇથેનોલ સંમિશ્રણ સુધી પહોંચવા માટે 2022 સુધી મધ્ય-ગાળાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો, પરંતુ અમે સપ્ટેમ્બરમાં જ સમય કરતાં પહેલાં આ લક્ષ્યાંક હાંસલ કર્યો હતો, જે આજે 12 ટકા થઈ ગયો છે. તેમણે કહ્યું કે આનાથી આપણી તેલની આયાતમાં 10 ટકાનો ઘટાડો થયો અને લગભગ 41,500 કરોડ રૂપિયાનું વિદેશી હૂંડિયામણ બચ્યું, જેનાથી આપણી વેપાર ખાધમાં પણ ઘટાડો થયો અને આ 10 ટકા સહકારી ખાંડ મિલોને અને તેમના દ્વારા ખેડૂતોનાં ખિસ્સામાં ગયા.

આ સિવાય 2 લાખ કરોડ રૂપિયાનું રોકાણ ઇથેનોલ પ્રોજેક્ટ્સનાં નિર્માણ માટે કરવામાં આવશે અને કેન્દ્ર સરકાર સબસિડી દ્વારા 6 ટકા વ્યાજ ચૂકવશે અને 10 ટકા મિક્સિંગથી જ કાર્બન ઉત્સર્જનમાં 27 લાખ ટનનો ઘટાડો થયો છે અને 20 ટકા મિક્સિંગથી આ આંકડો બમણો થઈ જશે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે સહકારી ક્ષેત્રે પણ તેની કામગીરી પર આત્મચિંતન કરવું પડશે અને તેની વિશ્વસનીયતા વધારવી પડશે. તેમણે જણાવ્યું હતું કે આત્મચિંતનથી સિસ્ટમમાં સુધારો કરવા અને પોતાની જવાબદારીઓ ઉઠાવવાનું પણ સ્વયં સહકારિતા ક્ષેત્રએ કરવું પડશે. તેમણે કહ્યું કે હવે સહકારી ક્ષેત્ર સાથે કોઈ અન્યાય નહીં કરી શકે અને સહકારિતા મંત્રાલયની રચના કરીને પ્રધાનમંત્રી શ્રી મોદીએ સહકાર દ્વારા સમૃદ્ધિનું જે સૂત્ર આપ્યું છે એનાથી સહકારિતા ક્ષેત્રની વૃદ્ધિને કોઇ રોકી શકે નહીં.

YP/GP/JD



(Release ID: 1900438) Visitor Counter : 181