ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં દિલ્હી પોલીસના 76મા સ્થાપના દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા


આઝાદીથી લઈને આજ દિન સુધી દિલ્હી પોલીસે પોતાના ભવ્ય ઈતિહાસ અને સુરક્ષા વ્યવસ્થા માટે સમગ્ર દેશ અને દુનિયાની પ્રશંસા મેળવી છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં દેશનાં 9 રાજ્યોમાં એનએફએસયુ કૅમ્પસની સ્થાપના કરવામાં આવી છે અને આગામી બે વર્ષમાં દેશનાં તમામ રાજ્યોમાં એનએફએસયુ કૅમ્પસ ખોલવામાં આવશે

કેન્દ્રીય ગૃહ મંત્રીએ પાસપોર્ટ વેરિફિકેશનની સંપૂર્ણ ઓનલાઇન સુવિધાનું ઉદ્‌ઘાટન કર્યું અને દિલ્હી પોલીસમાં સામેલ મોબાઇલ ફોરેન્સિક વીઈકલ પણ લોકોને સમર્પિત કર્યું

દિલ્હી પોલીસમાં સામેલ મોબાઇલ ફોરેન્સિક વાન્સ આધુનિક ઉપકરણોથી સજ્જ છે, જે ફોરેન્સિક પુરાવાના આધારે ન્યાય પ્રક્રિયાને વેગ આપવા માટે મદદ કરશે

આજથી મોબાઈલ પાસપોર્ટ વેરિફિકેશનની સુવિધા શરૂ થતાં પાસપોર્ટ અરજીનું પોલીસ વેરિફિકેશન 15 દિવસના બદલે 5 દિવસમાં ઓનલાઈન થઈ જશે

દિલ્હી પોલીસ માટે વર્ષ 2023 ખૂબ મહત્વનું છે, આ વર્ષે જી-20 સમિટ દરમિયાન સુરક્ષા અને ટ્રાફિક મેનેજમેન્ટની દ્રષ્ટિએ દિલ્હી પોલીસ દેશનું નામ રોશન કરશે

દિલ્હી, પંજાબ, રાજસ્થાન પોલીસ અને એનઆઈએએ મળીને ઉત્તર ભારતમાં આંતરરાજ્ય ગેંગ્સ પર કાર્યવાહી શરૂ કરી, જેમાં તેમને મોટી સફળતા મળી, દિલ્હી પોલીસની પણ આમાં મોટી ભૂમિકા છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં સરકાર આગામી દિવસોમાં આઈપીસી, સીઆરપીસી અને એવિડન્સ એક્ટમાં ધરમૂળથી ફેરફાર કરવા જઈ રહી છે

આ કાયદાઓ સમય અને બંધારણની ભાવના અનુસાર લાવવામાં આવશે અને આંતરિક સુરક્ષાને મજબૂત કરવા ફોરેન્સિક અને અન્ય પુરાવાની ઉપલબ્ધતા સાથે તેને વધુ મજબૂત બનાવવામાં આવશે

આપણા સૌની એ સહિયારી જવાબદારી છે કે આપણે દેશના યુવાનોને અને ખાસ કરીને દિલ્હીના યુવાનોને ડ્રગ્સથી મુક્ત કરીએ, દિલ્હી પોલીસે આ લક્ષ્યને પ્રાપ્ત કરવામાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવી પડશે

Posted On: 16 FEB 2023 5:21PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં દિલ્હી પોલીસના 76મા સ્થાપના દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લીધો હતો. આ પ્રસંગે, કેન્દ્રીય ગૃહ પ્રધાને પાસપોર્ટ ચકાસણીની સંપૂર્ણ ઓનલાઇન સુવિધાનું ઉદ્‌ઘાટન કર્યું હતું અને દિલ્હી પોલીસમાં સામેલ કરાયેલાં મોબાઇલ ફોરેન્સિક વાહનો પણ લોકોને સમર્પિત કર્યા હતા. આ સાથે કેન્દ્રીય ગૃહ મંત્રીએ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (એનએફએસયુ)નાં દિલ્હી કૅમ્પસનાં શૈક્ષણિક સંકુલનું પણ ઉદ્‌ઘાટન કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ સચિવ અને દિલ્હી પોલીસ કમિશનર સહિત અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001V7DC.jpg

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રીશ્રીએ પોતાનાં સંબોધનમાં જણાવ્યું હતું કે, આઝાદી બાદથી અત્યાર સુધીના પોતાના ગૌરવશાળી ઇતિહાસ સાથે દિલ્હી પોલીસે સમગ્ર દેશની પ્રસંશા મેળવી છે. તેમણે કહ્યું કે દિલ્હીમાં ઘણા દેશોનાં દૂતાવાસો અને ખૂબ જ મહત્વપૂર્ણ વ્યક્તિઓનાં રહેઠાણો છે અને આખું વિશ્વ દિલ્હી પોલીસની સુરક્ષા પ્રણાલીની પ્રશંસા કરે છે.

 

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0025NCP.jpg

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, આઝાદી પછી તરત જ પોલીસ અને તેની કામગીરીમાં પરિવર્તન આવવું જોઈતું હતું. તેમણે કહ્યું કે, આઝાદી પહેલા પોલીસનાં કામમાં સેવાનાં મૂલ્યનો સમાવેશ થતો ન હતો. પોલીસનું કામ આંતરિક સુરક્ષા અને કાયદો અને વ્યવસ્થા જાળવવાનું અને મુખ્યત્વે બ્રિટિશ શાસનનાં હિતોનું રક્ષણ કરવાનું હતું. તેમણે કહ્યું હતું કે, આઝાદી પછી દિલ્હી પોલીસ 'શાંતિ, સેવા, ન્યાય'ના સિદ્ધાંતો સાથે આગળ વધી હતી અને આ ધ્યેયમાં આ પરિવર્તન સાથે દિલ્હી પોલીસે 75 વર્ષની આ યાત્રામાં પોતાનાં કાર્યો, પ્રવૃત્તિઓ અને વિચારોમાં ઘણાં પરિવર્તનો કર્યા છે. તેમણે કહ્યું કે હાલમાં જ દેશ અને દુનિયા કોવિડ-19 મહામારીમાંથી પસાર થઈ હતી, તે સમયે દિલ્હી પોલીસનો માનવીય ચહેરો બધાની સામે આવ્યો હતો, જેનાથી દેશ અને દુનિયામાં તેની છબી બદલાઈ ગઈ હતી. દિલ્હી પોલીસના જવાનોએ કોવિડ -19 મહામારી દરમિયાન દિલ્હીના વૃદ્ધ અને બીમાર લોકોની સંભાળ લીધી હતી, તેમના પરિવારના સભ્યો તરીકે તેમની સાથે રહ્યા હતા અને તેમની સુરક્ષા કરી હતી. દિલ્હી પોલીસના અનેક જવાનો પોતે પણ કોવિડ-19થી સંક્રમિત થયા હતા અને ઘણા કર્મચારીઓએ પોતાનો જીવ પણ ગુમાવ્યો હતો, પરંતુ કોરોના મહામારીના અંત સુધી દિલ્હી પોલીસે 'શાંતિ, સેવા, ન્યાય'નાં પોતાનાં સૂત્રને પૂર્ણ કરવાનું ચાલુ રાખ્યું હતું.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે આજે મોબાઈલ ટેબ્લેટ દ્વારા પાસપોર્ટ વેરિફિકેશનની સુવિધા પણ શરૂ કરી દેવામાં આવી છે, આ સાથે પાસપોર્ટ એપ્લિકેશનનું પોલીસ વેરિફિકેશન 15 દિવસના બદલે 5 દિવસમાં ઓનલાઈન થઈ જશે. તેમણે જણાવ્યું હતું કે, પાસપોર્ટ માટે દરરોજ સરેરાશ 2000 અરજીઓ આવે છે અને હવે તેમની ઓનલાઇન પ્રોસેસિંગથી લોકોને પડતી મુશ્કેલીઓ ઓછી થશે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004M20B.jpg

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, આજે દિલ્હી પોલીસને મોબાઇલ ફોરેન્સિક વાન પણ મળી છે. તેમણે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં દિલ્હી પોલીસ દેશનું પહેલું એવું પોલીસ દળ બનશે કે જે 6 વર્ષ કે તેથી વધુ સજાને પાત્ર દરેક ગુનાની તપાસ ફોરેન્સિક ટીમની મુલાકાત દ્વારા કરશે. તેમણે કહ્યું કે ફોરેન્સિક સાયન્સના પુરાવાના આધારે આપણા દેશની ન્યાયિક વ્યવસ્થાને મજબૂત કરવાની ખૂબ જ જરૂર છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, અત્યાધુનિક સુવિધાઓ અને 14 વિવિધ પ્રકારની ફોરેન્સિક કિટ્સથી સજ્જ આ વાહન જ્યારે ગુનાનાં સ્થળે મુલાકાત લેશે, ત્યારે દોષિત ઠેરવવાના દરમાં નોંધપાત્ર વધારો થશે. તેમણે જણાવ્યું હતું કે, નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (એનએફએસયુ)નાં દિલ્હી કૅમ્પસમાં શૈક્ષણિક સુવિધાઓ માટે રૂ. 34 કરોડનાં ખર્ચે આધુનિક ભવનનું પણ આજે ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે 5000 ચોરસ મીટરથી વધુ વિસ્તારમાં ફેલાયેલી આ ઇમારત વિદ્યાર્થીઓને મદદ કરશે અને તેમને અભ્યાસ અને સંશોધન માટે સારું વાતાવરણ પૂરું પાડશે. આ બિલ્ડિંગમાં 90 આધુનિક હોસ્ટેલ રૂમ્સ પણ ઉપલબ્ધ છે. તેમણે કહ્યું કે, આગામી દિવસોમાં ન્યાય પ્રક્રિયામાં ફોરેન્સિક તપાસ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0050ZII.jpg

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રીએ કહ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં સરકાર આગામી દિવસોમાં આઇપીસી, સીઆરપીસી અને એવિડન્સ એક્ટમાં ધરમૂળથી ફેરફાર કરવા જઇ રહી છે. તેમણે કહ્યું કે આ ત્રણ કાયદા સમય અને બંધારણની ભાવના અનુસાર લાવવામાં આવશે અને આંતરિક સુરક્ષાને મજબૂત કરવા માટે ફોરેન્સિક અને અન્ય પુરાવાની ઉપલબ્ધતા સાથે તેને વધુ મજબૂત બનાવવામાં આવશે. તેમણે કહ્યું કે આ માટે ફોરેન્સિક સાયન્સનું નેટવર્ક દેશભરમાં ફેલાવવું પડશે. શ્રી શાહે જણાવ્યું હતું કે, દિલ્હી પોલીસે આમાંથી એક સુધારાની સુનાવણી પણ શરૂ કરી છે, જે અંતર્ગત 6 વર્ષ કે તેથી વધુ સજાને પાત્ર દરેક અપરાધમાં ફોરેન્સિક સાયન્સ ટીમની મુલાકાત ફરજિયાત બનાવવામાં આવી છે. આ માટે ફોરેન્સિક વિજ્ઞાનનાં ક્ષેત્રમાં પ્રશિક્ષિત માનવબળ અને નિષ્ણાત યુવાનોની જરૂર છે અને આ ઉદ્દેશ પાર પાડવા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી. તેમણે કહ્યું કે ખૂબ જ ઓછા સમયમાં આ યુનિવર્સિટીનું કૅમ્પસ દેશનાં 9 રાજ્યોમાં ખોલવામાં આવ્યું છે અને આગામી 2 વર્ષમાં દેશનાં દરેક રાજ્યમાં તેનાં કૅમ્પસ હશે. શ્રી શાહે જણાવ્યું હતું કે, તેનાથી સૂચિત કાયદાકીય ફેરફારોનાં અમલીકરણ માટે અત્યંત જરૂરી તાલીમબદ્ધ માનવબળ પ્રદાન થશે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, વર્ષ 2023 દિલ્હી પોલીસ માટે અતિ મહત્ત્વપૂર્ણ છે, દિલ્હી પોલીસ પણ આ વર્ષે જી-20 સમિટ દરમિયાન સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા કરીને દેશનું નામ રોશન કરશે. શ્રી શાહે જણાવ્યું હતું કે, ભવિષ્યના પડકારોને સામે રાખીને દિલ્હી પોલીસ હેડક્વાર્ટરમાં 20 ક્ષેત્રોમાં સુધારાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી, જેમાંથી 16 ક્ષેત્રોમાં ઘણી સારી પ્રગતિ થઈ છે. તેનાં કારણે આગામી દિવસોમાં દિલ્હી પોલીસનાં કાર્યોમાં નોંધપાત્ર સુધારો થશે, જે દિલ્હીની સમગ્ર જનતા માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ અને ફાયદાકારક સાબિત થશે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રીએ કહ્યું કે, 2014થી 2023માં, દેશની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અને આંતરિક સુરક્ષામાં આમૂલ પરિવર્તન આવ્યું છે. કાશ્મીરમાં કલમ 370 નાબૂદ થયા બાદ આપણી સુરક્ષા એજન્સીઓનું આતંકવાદ પર સંપૂર્ણ પ્રભુત્વ છે. તેમણે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં તાજા આંકડા મુજબ આતંકી ઘટનાઓમાં ભારે ઘટાડો થયો છે. કરોડો લોકો પર્યટન માટે કાશ્મીરની મુલાકાત લઈ રહ્યા છે. અગાઉ બનતી પથ્થરમારા, સરઘસો અને બંધની ઘટનાઓને બદલે આજે આખું કાશ્મીર આ ઘટનાઓથી મુક્ત છે અને લાખો પ્રવાસીઓને આવકારી રહ્યું છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, ડાબેરી ઉગ્રવાદ ઘણા દાયકાઓથી આપણા દેશ માટે મોટી ચિંતાનો વિષય રહ્યો છે, પણ હવે તેમાં ધરખમ ઘટાડો થયો છે. તેમણે કહ્યું કે ડાબેરી ઉગ્રવાદી હિંસાના સૌથી ઓછા આંકડા વર્ષ 2022માં જોવા મળ્યા છે. તેમણે કહ્યું હતું કે, ડાબેરી ઉગ્રવાદ હવે ફક્ત 46 પોલીસ સ્ટેશનો હેઠળના વિસ્તારમાં જ મર્યાદિત છે, જે એક મોટી ઉપલબ્ધિ છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, આપણાં સુરક્ષા દળો ડાબેરી ઉગ્રવાદના વિસ્તારોમાં શૂન્યાવકાશનાં ક્ષેત્રોમાં બહાદુરી અને સાહસ પ્રદર્શિત કરીને આત્મવિશ્વાસ સાથે આગેકૂચ કરી રહ્યાં છે, જેનાં પરિણામે ડાબેરી ઉગ્રવાદમાં ઘટાડો થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે બુધાપહાડ સહિત ઝારખંડ અને બિહારની સરહદ પર આપણાં સુરક્ષા દળોએ ઘણા વિસ્તારોને ડાબેરી ઉગ્રવાદથી સંપૂર્ણપણે મુક્ત કર્યા છે. આ માટે શ્રી શાહે ભારત સરકાર અને રાજ્ય સરકારોનાં તમામ સુરક્ષા દળોને અભિનંદન પાઠવ્યા હતા.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image006ML0D.jpg

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, અગાઉ ઉત્તર-પૂર્વમાં વિદ્રોહ ફેલાવતા ઘણાં જૂથો સક્રિય હતાં, પણ અત્યારે ત્યાં શાંતિ સ્થાપિત થઈ ગઈ છે અને પૂર્વોત્તરના 60 ટકા વિસ્તારોમાંથી AFSPA દૂર કરવામાં આવ્યું છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, અત્યારે પૂર્વોત્તરના 8,000થી વધારે યુવાનોએ શસ્ત્રો છોડી દીધાં છે અને મુખ્ય ધારામાં સામેલ થઈ ગયા છે. સરકારે ઘણાં ઉગ્રવાદી સંગઠનો સાથે કરાર કર્યા છે અને તેને પૂરી ભાવનાથી લાગુ કર્યા છે, અને તેનાં કારણે સરકાર અને ગૃહ મંત્રાલયની વિશ્વસનીયતા વધી છે. તેમણે કહ્યું કે ગૃહ મંત્રાલયે રાજ્યો વચ્ચે સીમા વિવાદોને ઉકેલવા માટે પહેલ પણ કરી છે અને આવા સીમા વિવાદોને ઉકેલીને શાંતિ સ્થાપિત કરવામાં આવી છે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે 4 મહિના પહેલા દિલ્હી, પંજાબ, રાજસ્થાન પોલીસ અને એનઆઈએએ મળીને ઉત્તર ભારતમાં આંતરરાજ્ય ગેંગ્સ પર કાર્યવાહી શરૂ કરી હતી, જેમાં તેમને મોટી સફળતા મળી હતી, દિલ્હી પોલીસની પણ આમાં મોટી ભૂમિકા છે. તેમણે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલાં 'નશામુક્ત ભારત અભિયાન'ને મજબૂત કરવામાં દિલ્હી પોલીસે કોઇ કસર છોડી નથી. તેમણે કહ્યું હતું કે, આપણાં સૌની સહિયારી જવાબદારી છે કે, આપણે દેશના યુવાનોને, ખાસ કરીને દિલ્હીનાં યુવાનોને નશીલા દ્રવ્યોથી મુક્ત કરાવીએ. શ્રી શાહે જણાવ્યું હતું કે, દિલ્હી પોલીસે નશીલા દ્રવ્યોના વ્યસની બની ગયેલા લોકો પ્રત્યે સહાનુભૂતિ દાખવીને ઘણું સારું કામ કર્યું છે. દિલ્હી પોલીસે તેમને ફરીથી મુખ્ય પ્રવાહમાં લાવીને સમાજમાં પાછા સ્થાપિત કર્યા અને ડ્રગ પેડલર્સને સજા કરી અને તેમને જેલના સળિયા પાછળ ધકેલી દીધા.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગઈ કાલે મંત્રીમંડળમાં દિલ્હી પોલીસ અને તમામ સીએપીએફ માટે આવાસ સંતોષનો ગુણોત્તર વધારવા માટે જંગી બજેટને મંજૂરી આપી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, સરકાર વર્ષ 2024 અગાઉ દેશની પોલીસ, તમામ સીએપીએફ અને દિલ્હી પોલીસના હાઉસિંગ સંતોષનો રેશિયો 60 ટકાથી વધારે લઈ જશે. શ્રી શાહે ઇચ્છા વ્યક્ત કરી હતી કે, દિલ્હી પોલીસના તમામ કર્મચારીઓ તેમનાં 'શાંતિ, સેવા, ન્યાય'નાં ઉદ્દેશથી માર્ગ પર આગળ વધીને દેશની રાજધાની દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ઉત્કૃષ્ટ રીતે સંચાલિત કરવાનું ચાલુ રાખે.

YP/GP/JD



(Release ID: 1899975) Visitor Counter : 206


Read this release in: English , Urdu , Marathi , Tamil